કોલીનાં લગ્ન Setu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કોલીનાં લગ્ન

શાક આણવા ગયેલી મધુ આવતાંની સાથે એની દીકરીને શોધવા માંડી. એની આંખોમાં તરવરાટ સ્પષ્ટ દેખાતો હતો. મધુ આમ સાવ સામાન્ય દેખાવની શ્યામવર્ણી સ્ત્રી. દક્ષિણ ગુજરાતના કાંઠાના વિસ્તારોમાં વસવાટ હોવાથી એમનાં દેખાવમાં સામાન્યતઃ શ્યામલ વર્ણ ભાસતો હતો, વાંકડિયા વાળ ત્યાંના વાતાવરણની ચિકાશ સ્પષ્ટ કરતા હતા, નાનું કદ, પહેરેલી સાડીની કરચલી, સામાન્ય ઘરેણાનું લાલિત્ય, શરીર પર પરસેવાનાં લીધે થયેલી ચળકતા અને શાક લઈને આવેલ હોવાથી વર્તાતો થાક એના ચહેરા પર સ્પષ્ટ દેખાતો હતો.પણ દીકરી દયા એની ખુબ વહાલસોયી, એને મૂકીને એ કોઈ દિવસ દૂર ના જાય જલ્દી, પણ રોજિંદી ક્રિયાઓમાં કોઈ કોઈ વાર મૂકીને દૂર જ તો આવતાની સાથે એને પૂછ્યા વગર ના રહે.


દયા દેખાવે બધા કરતા ઉજળી એટલે સૌ એને તળપદી બોલીમાં કોલીના નામથી સંબોધતા, ઉંમર એની આશરે પંદરેક વર્ષની, ભણવામાં સાત ચોપડી ભણીને ઘરના કામમાં જોતરાઈ ગયેલી, ત્યાંના વિસ્તારમાં છોકરીઓ ભણે એ અજાયબી હોય.આવામાં દયાનું સાત ચોપડી ભણવું એ તો સૌ માટે ગર્વની વાત હતી, પણ બધા અશિક્ષિત હોઈ એને ભણવા કરતાં ઘરકામમાં વધારે ધ્યાન આપતા, મધુને મન પણ દયા બસ લગ્ન પહેલા ઘરકામમાં નિપુણ બને એ જ ઈચ્છા.


"કાં ગેય કોલી?" ઘરનાં આંગણામાં દયા ના દેખાતાં મધુએ બૂમ પાડી. ઘરનાં પાછળના ભાગે થી એ આવી.એની આંખોમાં ચમકતા હતી, એના વ્યવહારમાં સ્પૂર્તી હતી. એને હોઠે લહેરાતું સ્મિત એ એની વિધવા માં માટેનું એક આશાનું કિરણ હતું. એના પિતા એ દારૂની એવી લતે ચડી ગયેલા કે બે વર્ષ પહેલાં બીમારીના શિકાર બની એ માં દીકરીને નોધારી મૂકીને ચાલ્યા ગયા હતા.
" આ રેય, એ તો વાસણ અજવાળવા ના બાકી હુતા તો કુવે પાની ઉલેચતી હુતી." એની વાતો નાની ઉંમરમાં પરિપક્વ બની ગયેલી હતી, એકલાં જીવતા આવડી ગયું હતું એ એની વાતો કહી દેતી હતી.
" તારે પન બસ પાનીમાં જ રેવું છે, ના પાઈડી હુતી ને કે ની જતી પછાડી! પડી જઈશ કૂવામાં કોઈ વારે."
" ની એવું કેય ની થાય! લવ જો થેલી હુ લાઇવી છે મારી હાટુ?" કહેતાં ની સાથે મેલી એવી કાંતાન ની થેલી એને મધુ જોડે લઈ લીધી, એમાંથી એને ભાવતા કમરક કાઢીને ખીસામાં મૂકીને એ ઘરની બહાર જવા માંડી.
" ક્યારે સુધરીશ કોલી તું? તારી માં કેય કે એ તારે માનવું જ ની મલે! કાલે ઉઠીને સાસરી જવાનું થાહે તો મારે હાંભળવું પડહે!" મધુ એને શિખામણ આપતાં બોલી પણ કોલી તો કોલી એ ક્યાં કોઈનું સાંભળે. એતો એની મસ્તીમાં મશગુલ ફરકતી જવા જ માંડી.એનું બાળપણ હવે એની જુવાનીના ઉંબરે આવીને ઊભી હતી, મધુને હવે એને હાથ પીળાં કરવાની અધીરાઈ હતી, પણ દયાનું બાળપણ ઓછું થાય એની રાહ હતી. મનોમન એ વિચારતી જ રહેતી કે નાત માં કોઈ સારો છોકરો હોય તો એને જટ પરણાવી દઉં.
દયા જતી રહી એને મધુનું મન એના લગ્નની વાતોમાં વિચારતું થઈ ગયું. એ મનોમન એના એકલાં થઈ જવાનાં વિચારથી દુઃખી થવા માંડી, પણ દીકરીને સાસરે વિદાય આપી એને સુખી કરવાના એના નિસ્વાર્થ પ્રેમથી આશિષ આપી રહી હતી.એવામાં જ હરિકાકા આવી ચડ્યાં.
હરિકાકા કોલીના પિતાના અવસાન બાદ એમના વડીલ તરીકેની ફરજ નિભાવતા હતા. માં દીકરીને સહારો આપી એમની હિંમત વધારતાં હતા, એમને જરૂર પડ્યે નાની મોટી મદદ પણ એમના ત્યાં થી મળી જતી, એટલે મધુ એમનું કહ્યું બધું માનતી. એ આવ્યા જાણી મધુ એ એમને આવકાર આપ્યો. ભલે ગરીબાઈની આડ હતી પણ મનમાં ઉદારતા ત્યાં દરેકમાં ઝલકતી હતી, મનમાં ભાવોમાં જે ગરિમા હતી એ કદાચ શિક્ષિત વર્ગમાં પણ ના જોવા મળે!
" આવ કાકા, બો દિવસે દેખાય ને!" કોઈ અજાણ ને તો કદાચ એમની તોછડી ભાષા ના ગમે પણ ત્યાંના સ્થાનિક લોકો માં તુકારીને વાત કરવી એ જ પ્રથા હતી, નાના મોટાં ને તુકાર એ સ્વાભાવિક હતો.
" હા દિકા, એ તો ડુંગરી બાજુ ગેલો, આજે જ આઇવો છું."
" એવું કે? ચા પીવી છે?"
" ની હમણાં જ પી ને આઈવો છું, તારી કાકી એ જો કોલી માટે ગલેલી મોકલાવી છે, આપજે એને." કાગળના ગુંચડામાં ભરેલી કંઇક વસ્તુ એને એની સામે ધરી. મધુ એ ખુશ થઈને લઈ લીધી.
"સારું, લે કમરક ખાહે?"
"હારું એક જ આપજે હે. ને હાંભલ એક કામથી આવલો આજે તો!"
"હું કામ?"
"તારી પોરી કોલી ના હાથ પીળાં કરવા માટે એક વાત છે, તારે કરવું છે હગપન? "
" કેથે? કોનો પોઇરો છે?"
" મારા બનેવી નાથાલાલ ના નંદોઈ ના ભાઈનો છે પોઈરો! મે કાલે જ જોયો એને રૂબરૂમાં. કોલી માટે બધું હારું છે, તું કે તો વાત કરું."
" એમાં મને પૂછે હુ કામ? તને ફાવે એમ કરવાનું છે, બસ મારી પોરી સુખી રેય એ જ મારે જોવાનું."
" એ તો તારી પોરી એ મારી પોરી. તમે બન્ને મારી પોરીઓ છો.પણ એક વાર પૂછી જોમ, પછી કરી નાખા વાત મે!"
મધુ એ માથું ધુણાવીને હા ભરી દીધી, ખુશીના સમાચાર મળ્યાં જાણતા એ ફરી વધારે ખુશ થઈ ગઈ. એને મનમાં ફરી લગ્નનાં સૂર રેલાઈ ઉઠ્યા ને પાછળની શેરીમાં ક્યાંક કોઈ લગ્નગીત ના ફટાણાં રેલાઈ રહ્યાં હતા,એના સૂર હરીકાકા અને મધુના કાને પડઘાઈ રહ્યા હતા.
' હૂરત સેરથી ગલકા આઇવા ચાર ગલકા ટોપીવાલાં..... હૂરત સેરથી ગલકા આઇવા ચાર ગલકા ટોપીવાલાં!'