જાણે-અજાણે (73) Bhoomi Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

શ્રેણી
શેયર કરો

જાણે-અજાણે (73)

લાચાર બનેલી નિયતિ કશું કહી ના શકી. તેની બધી કોશિશ નાકામ થઈ ગઈ. બીજી તરફ કૌશલનો ચહેરો ઉતરી ગયો હતો. તે દાદીમાં સુધી જાતે જ પહોંચી ગયો. દાદીમાં તેની નજર સામેં હતાં. ઘરડાં અને થોડાં મુર્જાયેલાં ચહેરે પણ દાદીમાં આજે કૌશલને સૌથી વધારે સારાં લાગી રહ્યા હતાં. એ વ્યકિત જેણે આપણી સમજણ આવવાં પહેલાથી આપણી પડખે રહ્યા હોય , લાડ- પ્યાર આપ્યા હોય તેવાં વ્યકિત ગમેં તેટલા ઘરડાં થાય છતાં તેમની માટે મનમાં ઈજ્જત ઓછી નથી થઈ શકતી. આ જ વાત કૌશલને પણ આજે સારી રીતે સમજાય રહી હતી. તે દાદીમાંને જોઈ ભાવુક બની ગયો હતો. ફટાફટ દોડતો- કૂદતો કૌશલ દાદીમાંને વળગી પડ્યો. આ જોઈ દાદીમાંને નાનપણનાં કૌશલની યાદ આવી ગઈ , જે પોતાને આમ જ દાદીમાં પર ઢોળી દેતો હતો. યાદશક્તિ થોડી ઓછી થઈ ગઈ હતી, સાંભળવામાં પણ તકલીફ પડતી હતી અને નજરો પણ કમજોર હતી છતાં દાદીમાં કૌશલનો અહેસાસ સારી રીતે જાણતાં હતાં. માથે હાથ ફેરવી તેમણે કૌશલને પોતાનો બધો વ્હાલ આપી દીધો. કૌશલ એમ તો હંમેશા પોતાની ભાવનાઓ દબાવીને રાખતો હતો પણ આજે તે એમ કરવામાં તે અસફળ થવાં લાગ્યો. નિયતિની જેમ કૌશલ પણ દાદીમાંનાં ખોળે માથું મુકી બધું બોલી દેતો હતો. પણ આજે જ્યારે આટલાં સમયે મળવાનું થયું હોય તો શું એમ ખુલ્લાશથી વાત કરવી બરાબર રહેશે કે કેમ તેનો પણ વિચાર આવી રહ્યો હતો. પણ પોતાના મનનો ભાર ક્ષણે - ક્ષણે વધી રહ્યો હતો. એ ભાર એટલો વધ્યો કે જોતજોતામાં તે દાદીમાંનાં ખોળે ઢળી પડ્યો. તેણે બોલવાનું શરૂ કર્યું " દાદીમાં..... મેં તમને કેટલાં યાદ કર્યા!.. તમને તો ખબર પણ નથી કે કેટલાં કપરાં દિવસોને ચીરીને આજે તમને મળવાનું થયું છે. !... તમારો આશિર્વાદ તો જાણે એક ઝટકામાં છૂટી ગયો. પણ શું દાદીમાં તમને પણ હું ખોટો લાગું છું?.. અથવાં તો તે દિવસે જ્યારે તમેં રેવાની સાથે ગામ છોડ્યું શું ત્યારે પણ તમારાં મતે હું ખોટો હતો?... મને નથી ખબર કે મારી કેટલી ભૂલ હતી પણ એ દિવસ તો તમેં બધાએ મને એક પળમાં એકલો કરી દીધો. મા..મારી પાસે તો કોઈ રહ્યું જ નહતું જેનાં ગળે વળગી હું રડી શકું!.. જેમની સાથે હું મારાં મનનાં ભાવ કહી શકું!.. છતાં મેં હાર નહતી માની. મને મનનાં કોઈક ખૂણે એક આશ હતી કે એક દિવસ તો એવો આવશે ને જ્યારે પહેલાની માફક બધાં મને ગળે વળગી લેશે. અને એક દિવસ તો આવશે ને જ્યારે હું રેવાને ફરી પુછી શકીશ કે શું તે વધેલી બધી સવાર મારી સાથે જોવાં માંગશે, શું તે બધી સાંજ મારી સાથે વિતાવવા માંગશે!...
પ...પણ... આજે એ દિવસ આવ્યો તો પણ અધૂરો!!.... રેવાને મળવાનો વારો તો આવ્યો પણ તેને કશું પુછવાનો અવસર ના મળ્યો!... તેની સાથે વાત તો થઈ પણ તેની પર હક્ક જતાવવાનો મોકો જ ના મળ્યો!.... કેમ?.... કેમ દાદીમાં?....... શું એ વાત એટલી મોટી હતી કે રેવાએ બીજાં લગ્ન કરી લીધાં અને તેનો એક દિકરો પણ છે!.... અને તમેં લોકોએ એક વાર પણ તેને સમજાવવાની કોશિશ ના કરી?.. તમેં એકવાર પણ ગામ પાછું આવવાની કોશિશ ના કરી?... હું તો આજે બધું પામીને પણ ખાલી હાથ રહી ગયાં!... હું આટલાં વર્ષ વિચારતો રહ્યો કે ક્યાંક ને ક્યાંક માત્ર નારજ છે રેવા મારાંથી. પણ ના.... તે તો પોતાનાં જીવનમાં એટલી પરોવાયેલી હતી કે પછી મારી યાદ ક્યાંથી આવે!... હાં હતો મારો પણ ગુસ્સો કે જેથી હું તેની સાથે વાત પણ નહતો કરવાં માંગતો પણ હું તેને પ્રેમ કરતો હતો તેને નફરત કેવી રીતે કરી લેતો?... આજસુધી તેની જગ્યા મારાં જીવનમાં અને મારાં ઘરમાં ખાલી છે પણ તેણે તો મારી જગ્યા જ છીનવી લીધી!..
હવે હું પાછો ક્યારેય નહીં આવું. હવે હું ક્યારેય રેવાનાં જીવનમાં અડચણ નહીં બનું. દાદીમાં મને નથી ખબર કે તમેં મને જ દોષી માનો છો કે નહીં પણ તમારી કમી મને હંમેશા રહે છે. હોઈ શકે તો ફરીથી ગામમાં એકવાર આવી જજો... " અને કૌશલ બસ દાદીમાંનાં ખોળામાં માથું રાખી બેસી રહ્યો. થોડીવારમાં થોડી હલચલ થઈ અને દાદીમાંનો હાથ કૌશલનાં માથે ફેરવાયો . કૌશલને લાગી રહ્યું હતું કે દાદીમાંએ તેની કોઈ વાત નહતી સાંભળી. પણ મનની વાત મન સુધી પહોંચવાં કાનની જરૂર ના પડે તેમ કૌશલનું દુઃખ દાદીમાંને સમજવાં વધારે વાર ના લાગી. તેમની ઉંમર હવે જવાબ આપી રહી હતી અને બોલવામાં પણ બળ કરવું પડતું હતું છતાં દાદીમાંએ બોલવાનું શરું કર્યું " કૌશલ બેટાં... તું આવી ગયો?!... કેટલી વાર કરી દીધી આવવામાં!... એકવાર પણ દાદીમાંને મળવાં ના આવ્યો. હું તો રાહ જોતી થાકી ગઈ. ....અ..અને તું રેવાને મળ્યો કે નહીં?!... " અને આટલું બોલતાં જ તેમને હાંફ ચઢી ગયો અને તે ચુપ થયાં. કૌશલે કહ્યું " દાદીમાં મને તો ખબર જ નહતી તમેં ક્યાં છો તો કેવી રીતે આવતો!... અને રેવાને મળ્યો પણ દાદીમાં તે તો સાવ બદલાય ગઈ છે. હવે હું શું કહી શકવાનો!.. " દાદીમાંએ થોડું હસતાં કહ્યું " બેટાં બદલાવ તો કૂદરતનો નિયમ છે ને. સમય અને પરિસ્થિતિની ઠોકરો ખાય ખાય ને તે કઠણ બની ગઈ છે પણ બદલાય નથી. " કૌશલે તરત જવાબ આપ્યો " ના દાદીમાં.... હવે મને તો અમારું ભવિષ્ય એકસાથે તો નથી દેખાતું. અને એમ પણ હું તમને મળવાં જ આવ્યો છું અને આજે પાછો પણ જતો રહીશ. બસ તમારો આશિર્વાદ મારાં માથે રાખજો. " અને કૌશલ ત્યાંથી ઉભો થઈ ચાલવાં લાગ્યો એટલે દાદીમાંએ જતાં કૌશલને કહ્યું " બેટાં આ તારું જીવન છે. પણ હંમેશા યાદ રાખજે જે જોવે તેને સમજજે , જે સમજે તેને ફરી જોજે. હોઈ શકે તું જેને પારકું માને તે પોતાનું નિકળે અને હોઈ શકે કે તારી મદદની જરૂર કોઈકને તારાંથી પણ વધારે હોય!... " દાદીમાંનો ધ્રુજતો અવાજ છતાં કૌશલને સૌથી મોટી જીવનદોરી મળી હતી. પણ આ વાતને તે સમજવાં જેટલો સક્ષમ નહતો. અને તે હા કહી ત્યાંથી ચાલ્યો ગયો.

બહાર નિકળ્યો એટલામાં શબ્દ દોડતો આવતો તેની સાથે અથડાઈ ગયો. શબ્દની નજર ઉપર કૌશલ તરફ ઉઠી. કૌશલ તેનાથી ઘણો ઉંચો હતો એટલે શબ્દે તેને ઈશારો કરી નીચો નમવાં કહ્યું. શબ્દનો સંબંધ નિયતિ સાથે સાંભળી તેનું મન બળતું હતું પણ શબ્દને જોઈ એટલી જ ઠંડક તેનાં મનને થતી હતી. આ બે તરફી ભાવનાઓ તે સમજી નહતો શકતો અને તે કશું વિચાર્યા વગર પોતાનાં ઘૂંટણીયે બેસી શબ્દની બરાબરમાં આવ્યો. શબ્દએ કહ્યું " તમેં અમી માસીનાં ફ્રેન્ડ છો કે ધિરજનાં?" ઉંમરથી આગળ પડતો પ્રશ્ન સાંભળી કૌશલને હસવું આવી ગયું. તેણે ઘણું પ્યારથી કહ્યું " હું તારી અમી માસીનો ભાઈ સમાન છું. " " ઓહ.... તો તમારું નામ શું છે?.. મેં તો તમને આજથી પહેલાં જોયાં નથી!... " શબ્દનાં પ્રશ્નો તો વધતાં જતાં હતાં!.. પણ કૌશલને તે વાતનું જરાંક પણ અકળામણ નહતું થતું તેણે ફરી કહ્યું " કૌશલ નામ છે મારું!.. અને તારું નામ?.. " શબ્દએ પોતાનાં નાનાં અને મુલાયમ હાથ કૌશલનાં બંને ગાલ પર મુકી કૌશલનો ચહેરો જોરથી હલાવતાં કહ્યું " ઓઓઓઓ........ કૌશલ??.... તો રેવા ક્યાં છે?!.... " અને જોર જોરથી હસતો હસતો દોડીને ચાલ્યો ગયો. કૌશલને જરાક પણ સમજાયું નહીં કે આ શું થયું?.. આટલાં નાનાં છોકરાંને રેવા વિશે કેવી રીતે ખબર!.. પણ તે કશું પુછે તે પહેલાં શબ્દ છૂમંતર થઈ ગયો. પણ એ નાનકડો છોકરો તેનાં હાથનો અહેસાસ કૌશલનાં ચહેરે અને પ્રશ્નની ગડબડ તેનાં મગજમાં મુકતો ગયો. કૌશલ ત્યાંથી તો ચાલ્યો ગયો પણ તેનું મન શબ્દમાં અટકવાં લાગ્યું. ભલે બે વાક્યોની વાત થઈ હોય છતાં તેનાં મન-મગજમાં તે નાનો છોકરો શબ્દ જ ફરવાં લાગ્યો.

બીજી તરફ અમીએ નિયતિનાં કહેવાં પર ધિરજની સચ્ચાઈ બધાં સામેં ખોલી દીધી. પોતાનું ઉઠાવેલું એક-એક પગલું બરાબર રીતે બધાને સમજાવવાં લાગી. વંદિતા ઘેર હતી નહીં પણ તેણે આવતાં આ બધી વાત સાંભળી અને તે બારણે જ રોકાય ગઈ. ધિરજ એ માની ચુક્યો હતો કે જેવી જ અમીની વાત પુરી થશે એટલે બધાં તેનાં પર તૂટી પડશે. પણ એવું કશું થયું નહી. ધિરજને એકપણ વાત કે ખોટાં શબ્દો સાંભળવાં ના મળ્યા. હાં બધાં તેનાથી ગુસ્સે હતાં પણ છતાં તે બધાં પોતાની મર્યાદામાં રહેતાં ધિરજ સાથે શાંતિથી વાત કરી. તેને સમજાવ્યો અને આગળથી કોઈ આવી હરકત ના કરે તેનો વિશ્વાસ માંગ્યો. ધિરજ આ જોઈ આશ્ચર્ય થયું કે કોઈ આવી વાત આટલી શાંતિથી કેવી રીતે કરી શકે એટલે તેણે પુછ્યું " તમેં લોકો મારી પર ગુસ્સે કેમ નથી થતાં?.. તમારી જગ્યા કદાચ હું હોત તો કેટલો ગુસ્સો કરી લીધો હોત. પણ તે દિવસે નિયતિને ખબર પડી હતી ત્યારે પણ તેણે કશું નહતુ કહ્યું. કેમ?.. " નિયતિએ તરત જવાબ આપ્યો " અમીનાં લીધે.... તેણે જે રસ્તો લીધો હતો તે જ અમેં પણ સાથ આપીએ છીએ. તે ઈચ્છતી તો તારાં વિશે બધું બધાને કહી તને જેલ સુધી પહોંચાડી શકતી હતી. પણ તેણે એમ ના કર્યું. તેને લાગ્યું કે તું તેનાથી નહીં પ્રેમથી જ સુધરીશ. અને તેણે તારો બધો દોષ પોતાનાં માથે લઈ લીધો. જ્યારે તે આટલી હિંમત બતાવી શકે છે તો અમેં તેનો સાથ તો આપી જ શકીએ છીએ ને.... " અને ધિરજ બધી વાત સમજી ગયો.
દરેક વીતી રહેલી ક્ષણે તેનાં મનમાં અમી માટે ઈજ્જત વધી રહી હતી. અને અમી તેની નજરમાં ઘણી ઉંચી ઉઠવાં લાગી . પણ હવે પ્રશ્ન એ હતો કે અમી અને ધિરજનાં લગ્નનું શું?... અમી તેની સાથે જવાં નહતી માંગતી અને ધિરજ તેને લઈ જવાં માંગતો હતો. એટલે નહીં કે તેને આ લગ્ન જોઈતું હતું પણ એટલાં માટે કેમકે તે પોતાની ભૂલોનો પ્રાયશ્ચીત કરવાં માંગતો હતો. અને નિયતિ તો પહેલેથી જ ધિરજ અને અમીનાં સંબંધને એક તક આપવાં માંગતી હતી એટલે તેની જીદ્દ પર અમીને ધિરજ સાથે જવું પડ્યું. અને દિવસનાં અંતે બધું પોતાની જગ્યાએ સુધરવાં લાગ્યું.

પણ શાંત અને કાળી રાત જ સંભારણાનો વરસાદ વરસાવે. તેમ નિયતિ અને કૌશલનાં મનમાં પણ આ વરસાદની રીમઝીમ શરું થઈ ગઈ હતી. આખા દિવસમાં તેમની સાથે ઘણું બધું થઈ ચુક્યું હતું જે રાતનાં એકાંમાં વાગોળાય રહ્યું હતું. બંને પોતાનાં રૂમની બારીથી બહાર નજર ફેરવતાં બસ વિતેલો દિવસ અને તેની ઉથલપાથલ જ વિચારી રહ્યા હતાં. બંને પાસે પોતાને સાચું સાબિત કરવાનાં તર્ક હતાં પણ સાંભળવાં માટે એકબીજાંનો સાથ નહતો. નિયતિ ઉદાસ હતી કે કૌશલ તેનાં ઘર સુધી આવ્યો છતાં પોતાનાં જ દિકરાં વિશે જાણી ના શક્યો. બીજી તરફ કૌશલ ઉદાસ હતો કે તે રેવાને જ સરખી રીતે જાણી નહતો શક્યો. બંનેનાં મનમાં ચાલી રહ્યું હતું કે કાશ તે મારી વાત સાંભળી લે.... કાશ મેં તેને આમ કહી દીધું હોત... કાશ તેણે મારો વિશ્વાસ કર્યો હતો... કાશ...કાશ.. અને કાશ... આ એક એવો શબ્દ છે કોઈપણ વાતમાં આવે એટલે પસ્તાવો ઉત્પન્ન થાય જે આજે કૌશલ અને નિયતિનાં મનમાં ભરાય રહ્યો હતો. પણ વર્ષો પછી મળ્યાનો એક ઉત્સાહ પણ હતો. માનવાં તૈયાર નહતાં પણ તેમણે એકબીજાને એક નજર જોયાં હોવાં છતાં તેમનો અતરંગ સમય તેમને યાદ આવી જ ગયો. જૂનાં વિતેલાં સમય પર જે દુઃખો રૂપી ધૂળ પડી હતી તે હવે ચોખ્ખું દેખાય રહ્યું હતું. અને યાદોની ટ્રેન પાટી પર દોડવાં જ માંડી હતી. પણ સાથે સાથે તે એક દિવસ પણ યાદ આવી જ ગયો જેનાં લીધે તેમનાં વચ્ચે અંતર વધી ગયું હતું.

ભૂતકાળનાં એ પળોમાં જ્યાંથી વાર્તા છૂટી હતી.....


વંદિતા અને અમી રોહનથી રેવાને અને ગોળ ફરીને કૌશલ અને રેવાનો સંબંધ બચાવવાં માંગતાં હતાં. જેનાં થકી તેમણે રોહનને રેવાનાં લગ્ન સુધી તેને દૂર રાખવાનો વિચાર કરી લીધો હતો. અને ગરબાની રાત હતી બધાં ગરબે ઝૂમવાં તૈયાર હતાં. કૌશલ અને રેવા તેનાં ઘરેથી તૈયાર થઈ ચોકમાં આવવાં નિકળી ગયાં હતાં. બીજી તરફ અમી અને વંદિતાએ રોહનને શરબત પીવડાવવાનો પ્લાન બગડી ગયો હોવાથી તેમણે બીજી તરકીબ વિચારી તેને ચોકથી દૂર બોલાવી તેને પોતાની ભાષામાં જ પાઠ ભણાવવાનું વિચાર્યું હતું . અને અલાયદી જગ્યા સુધી અમી તેને લઈ ગઈ વંદિતાનાં વાર કરવાની રાહ જ જોઈ રહી હતી. પણ અચાનક રોહનને આ વાતની પણ જાણ થઈ ગઈ અને તે વંદિતાનાં વારથી બચી ગયો પણ તેને ગુસ્સો આવતાં તે વંદિતા અને અમીને જ મારવાં પાછળ પડ્યો હતો. દોડતાં ભાગતાં અમી અને વંદિતા ઘણાં દૂર આવી ચુક્યાં અને શક્ય હતું એટલું બધું જોર લગાવી તેનાંથી પોતાનું રક્ષણ કરતાં ગયાં. પણ વંદિતાને ધક્કમુક્કીમાં ધક્કો વધારે જોરથી વાગ્યો અને તે એક પથ્થર પર જઈ ને માથું પટકાયું. જેનાં કારણે તે બેહોંશ થઈ ગઈ. અમી તો વંદિતા કરતાં પણ વધારે કમજોર હતી અને તેનાથી રોહનનો સામનો વધારે નહતો થઈ શક્યો. બીજી તરફ રેવા, કૌશલ અને બાકી બધાને વંદિતા અને અમી ક્યાંય નજરે ના પડવાથી તેમને શોધવાં નિકળ્યા અને રોહનનાં કશું વધારે નુકસાન કરવાં પહેલાં જ તે અમી અને વંદિતા સુધી પહોંચી ગયાં. પણ આ વાતનો ફાયદો ઉઠાવી રોહન ત્યાંથી ઘણો દૂર ભાગી ચુક્યો હતો. અમી અને વંદિતાની બેહોશ હાલત થઈ બધાં તેમનાં કારણની ચર્ચામાં લાગી ગયાં હતાં.

જેમ બને એમ જલદીથી તે બંનેને દવાખાને પહોંચાડવામાં આવ્યા. બીજી તરફ ગામમાં બધાની વાતો અને જાત જાતનાં તર્ક-વિતર્ક શરું થઈ ગયાં. કૌશલ અને રેવા પણ નહતાં જાણતાં કે અચાનક આ શું થઈ ચુક્યું. કૌશલે અમી અને વંદિતાને છેલ્લે રેવાનાં ઘેર જોયાં હોવાથી તેણે રેવાને પુછ્યું " તારી કોઈ વાત થઈ હતી આ બન્ને જોડે?... " રેવા વિચારમાં પડી ગઈ કે શું બોલે કેમકે છેલ્લે વાત તો રોહન વિશે જ થઈ હતી અને તે બંનેએ કહ્યું હતું કે રોહનની ચિંતા કે તેની વાત કૌશલને કરવાની જરૂર નથી. રેવાને ગભરાતાં વિચારતાં જોઈ કૌશલે ફરી કહ્યું " જો રેવા... કોઈ વાત થઈ હોય તો તું મને જણાવ. મેં તને કહ્યું છે ને કે હું તારો બધી વાતમાં સાથ આપીશ. તારી પર ભરોસો કરીશ!.. " પણ રેવાએ કશું ના કહેતાં કહ્યું " ના... મારી કોઈ વાત નહતી થઈ. અને જે વિશે થઈ હતી તેનો કોઈ મતલબ હતો નહીં. " રેવાની વાત પર ભરોસો કરવાનું કહ્યું હોવાથી કૌશલે વગર કોઈ પ્રશ્ને તેની વાત માની લીધી. અને બધાં વંદિતા કે અમીનાં હોંશમાં આવવાની રાહ જોતાં રહ્યા. આ બધી વાત વચ્ચે રોહન પણ ક્યાંય નજરે નહતો ચઢી રહ્યો. આ વાત પ્રકૃતિને જણાયી. અને તેણે આસપાસ બધી જગ્યા તેને શોધી વળી પણ તે દેખાયો નહીં. અનંતને પુછવાં પર પણ કોઈ ફાયદો થયો નહીં અને પ્રકૃતિનાં મનમાં જાતજાતનાં વિચારો આવવાં માંડ્યા. પ્રકૃતિએ એકવાર રોહનનો સાથ આપી જોઈ ચુકી હતી કે તેની વિચારસરણી કેટલી અને ક્યાં સુધી જઈ શકે છે. અને આ વાત કૌશલ તથા રેવાને જણાવવી જરૂરી લાગતાં તે રેવા તરફ વધી રહી હતી પણ જ્યારે આ વાતની અનંતને ખબર પડી તો તે પ્રકૃતિ પર બરાબરનો ગુસ્સે થવાં લાગ્યો. " જેવો છે એવો એ મારો ભાઈ છે. તે આવું કશું તે ના કરી શકે. હાં એક ભૂલ તેનાથી થઈ હશે પણ એ ભૂલમાં તે એકલો તો નહતો ને. તો તું કેવી રીતે તેનાં પર કોઈપણ જાતનો શક કરી શકે. !.." અનંતે ઘણીબધી વાતો પ્રકૃતિને સંભળાવી દીધી. અનંતની વાતમાં તેને કોઈક અંશે બરાબર જણાયી અને તેણે પણ પોતાનો વિચાર છોડી દીધો. પણ ગામમાં ના જાણે ક્યાંથી અને કેવી રીતે એ વાત હવાની માફક ફેલાય ગઈ કે છેલ્લે અમી અને વંદિતાને રોહનની સાથે જ જોઈ હતી. આ વાત એક મોંઢેથી બીજે એવી રીતે મોટી થતાં થતાં પહોંચવાં લાગી કે છેલ્લે કૌશલ , રેવા, અનંત અને પ્રકૃતિ સુધી પહોંચતા આ વાતનો અર્થ જ બદલાય ગયો અને વંદિતા અને અમીની ઈજ્જત અને માન - સન્માન પર જ પ્રશ્નો ઉઠવાં માંડ્યા. એક નારીની ઈજ્જત એટલી જ નાજૂક હોય જેટલો કાચનો ટૂકડો. અને આ રાત્રે પણ તે કાચ તૂટતાં વાર ના લાગી. કૌશલ અને અનંતની બુદ્ધિ કામ નહતી કરી રહી. પણ રેવા અને પ્રકૃતિનાં વિચારો તેમનાં વધતી શ્વાસની ઝડપ સાથે દોડ કરી રહ્યાં હતાં. એક તરફ રેવાએ રોહનની થયેલી વાત કૌશલને કહી નહતી અને બીજી તરફ પ્રકૃતિએ રોહન વિશેનો શક. અને હવે જ્યારે તે કૌશલને બધું સાચું જણાવે તો કૌશલનો ભરોસો ડગમગી જાય. પણ છતાં વંદિતા કે અમીની ઈજ્જત રેવા માટે સૌથી વધારે મહત્વની હતી. રેવા કૌશલ સાથે વાત કરવાં ઈચ્છતી હતી પણ કૌશલ જ્યાં એક તરફ આ બધી અફવાઓને જૂઠ્ઠું સાબિત કરવામાં પડ્યો હતો તો વંદિતાને રેવાની જરૂર હતી. તેનો ઘાવને કારણે તેની હાલત લથડી રહી હતી. આ બધી વાતોમાં કૌશલ અને રેવાને એકબીજાં સાથે વાત કરવાનો સમય જ ના મળ્યો. જોત-જોતામાં સવાર પડી ગઈ પણ હજું તેમને હોંશ નહતો આવ્યો. દવાઓનો અસર એટલો હદ્દ સુધી હતો કે ઘેન ઉતરવાનું નામ જ નહતું લઈ રહ્યું. પણ ઘેનની બહારની દૂનિયામાં ઘણાં મોટાં પ્રશ્નો ઉભાં થઈ ગયાં હતાં અને વાત એટલે સુધી બગડી કે કોઈનાં હાથમાં ના રહી. રોહનની શોધ ચાલું થઈ પણ તેને પણ ના શોધી શક્યા. અનંતને રોહન પર હજું એટલો ભરોસો હતો કે તે કૌશલ અને પ્રકૃતિ સાથે પણ ઝઘડવાં માંડ્યો હતો. પ્રકૃતિ, રેવા કે રચના કોઈ પણ પરિસ્થિતિને કાબૂ કરવાં સક્ષમ નહતાં.

બીજી તરફ અમીને ધીમે ધીમે ભાન આવી રહ્યું હતું. અને બધાનું ધ્યાન તેની બાજું જ હતું. અમી કોના પ્રશ્નોનાં શું જવાબ આપે તે સમજાતું નહતું. વંદિતાની તબિયત હજું સુધરી નહતી. અને એ જોઈ અમી પણ કશું બોલી ના શકી. રોહનનું નામ સાંભળી એકવાર માટે તે સ્તબ્ધ જ રહી ગઈ. પણ પાછળથી તેણે બધી વાત સમજાવી કે લોકો જેમ વાત કરે છે તેમ કશું નહતું પણ એ પહેલા જ આગની માફક વાત ભડકી ગઈ હતી. અને હવે રેવાને પોતાની વાત કહેવામાં જરાંક પણ વાર થાય એમ નહતું અને તેણે કૌશલને રોહન વિશે બધું જણાવવાનું હતું. રેવાએ હિંમત કરી બધું કહી દીધું પણ તેનાં પછી કૌશલ ગુસ્સાથી ભડકી ઉઠ્યો. તેને બધો દોષ રેવાનો જ દેખાય રહ્યો. જોતજોતામાં તે બંને વચ્ચે એટલો મોટો ઝઘડો થઈ ગયો કે તેમની એકબીજાં સાથે વાત પણ બંધ થઈ ગઈ.

બીજી તરફ એક -બે દિવસમાં વંદિતાને પણ ભાન આવી ગયું અને આ બધી વાત સાંભળી તેને પણ આઘાત પહોંચ્યો. ગામડું નાનું ઉપરથી લોકોનાં સંકુચિત મગજ , જેનો ભાર વંદિતાની માં ઉઠાવી ના શકી અને તેમણે રેવાને મળી કહ્યું " રેવા બેટા.... હું જાણું છું કે તારે કૌશલ સાથે તારી નવી જિંદગી ચાલું કરવાની છે. પણ વંદિતા પણ તારી બહેન છે. તેનું જીવન પણ સુધારવું કે બગાડવું એ હવે તારી પર છે. એ તને બહેનથી વધારે પ્રેમ કરે છે એ પ્રેમની માટે તેને અહીંયાથી દૂર લઈ જા. તે જો આ જગ્યા હવે રહેશે તો લોકો પોતાની વાતોથી જ તેને મારી નાખશે. તે માથું ઉઠાવી ચાલવાં યોગ્ય પણ નહીં રહે. જે રીતે આ બે-ચાર દિવસ મારા માટે અસહ્ય બની ગયાં તેમ તેનાં માટે પણ બની જશે. હવે આ જગ્યા, આ ગામ અને આ વજૂદથી દૂર જવું જ વધારે સારું. તું જ તેનો સહારો બની શકે છે. અને હવે લોકોને ખબર પડે એ પહેલાં ઘણું દૂર નિકળી વંદિતાને કોઈક બીજી જગ્યા મુકી આવ. " રેવાને વિશ્વાસ નહતો થતો કે પોતાની માં તેની દિકરી માટે આમ બોલી શકે . તેણે કહ્યું " કાકી તમેં જ તમારી દિકરી પર ભરોસો નહીં કરો તો બીજાં લોકો તો જરૂરથી બોલશે જ ને. એ વાતનો હક્ક તમેં જ આવી રીતે આપશો તો વંદિતા જ ખોટી સાબિત થશે. જો તે આજે આ ગામ છોડી જશે તો તેનો જ વાંક જણાય આવશે. અત્યારે તેને આપણાં સહારાની જરૂર છે આપણાં શકની નહીં!.. " પણ વંદિતાની માં કશું સમજવાં જ તૈયાર નહતી. તેમણે રેવા આગળ બે જ રસ્તા મુક્યાં કાં તો રેવા વંદિતાને દૂર મુકી આવે અથવાં તો વંદિતા અને તેની માં ની મોત જોવે. આ બંને વાતમાં રેવા અને વંદિતાની હાર નિશ્ચિત હતી. અને આખરે તેણે વંદિતાની જીંદગી પસંદ કરી પણ રેવા વંદિતાનો હાથ કે સાથ છોડવાં તૈયાર નહતી. તેણે જાતે પણ વંદિતા સાથે ગામ છોડવાં તૈયારી કરી લીધી. પણ તેની માં નાં કહેવાં પ્રમાણે કોઈને આ વાતની ખબર ના પડવી જોઈએ. કૌશલને પણ કહેવાંની ના પાડી દીધી. કેમકે કૌશલ રેવાને અથવાં વંદિતાને જવાં ના દેતો. પણ રેવા કૌશલને નહતી છોડી શકતી. એકવખત તેણે કૌશલ સાથે વાત છુપાવી જોઈ લીધું હતું હવે તે કૌશલને કોઈ વાતનાં અંધારામાં નહતી રાખી શકતી. પણ તે જાતે પણ કશું નહતી કહી શકતી.

બીજી તરફ વંદિતા આ ગામ છોડી જવાં તૈયાર નહતી. તેને પોતાની પર ભરોસો હતો અને તે ચાહતી હતી કે લોકો પણ એ ભરોસો બતાવે. જેની સાબિત કરવાં તેણે એ ગામમાં રહેવું જરૂરી હતું. પણ રેવાએ તેની જીંદગી પહેલાં જ પસંદ કરી લીધી હતી એટલે વંદિતાને રેવા સાથે જવું જ રહ્યું. રેવાએ દાદીમાંને બધી વાત જણાવી હતી અને જવાની રજા માંગી હતી. પણ દાદીમાં પોતાને મળેલી દિકરીને એકલી નહતાં છોડી શકતાં એટલે તેમણે પણ જેમતેમ કરી રેવાની સાથે આવવાં મનાવી લીધી.

બધી તૈયારી થઈ ચુકી હતી પણ રેવાનું મન કૌશલમાં અટવાયેલું હતું. રેવાનો જીવ હતો કૌશલ કેવી રીતે પોતાનાં જીવને શરીરથી અલગ કરી શકે!.. એક ઝઘડો તેમનાં વચ્ચે નહતો આવી શકતો પણ આ મજબૂરી તેમની વચ્ચે આવી ગઈ હતી. છતાં રેવાએ પોતાની બધી જવાબદારી સમજતાં અને નિભાવતાં છતાં કૌશલને જણાવવાં એક પત્ર લખ્યો. જેમાં તેણે કૌશલને કહ્યું કે તે કયાં સમયે જાય છે... અને જો તેનાં માટે રેવા જરૂરી હોય તો તે પણ તેની સાથે આવે . અને એ પત્ર કૌશલ સુધી પહોંચાડી પણ દીધો. બીજાં દિવસની સવારે જ્યારે રેવા દાદીમાં , જયંતિભાઈ અને વંદિતા સાથે બસ સ્ટેન્ડ પર કૌશલની રાહ જોતી હતી, તેને વિશ્વાસ હતો કે કૌશલ જરૂરથી આવશે. પણ કૌશલ ક્યાંય દેખાયો નહીં. પણ અમી અને તેનાં પિતા શેરસિંહજી આવી પહોંચ્યા. તેમને કેવી રીતે ખબર પડી એ તો કોઈ નથી જાણતું પણ તે બંને પણ રેવા સાથે જવાં તૈયાર થઈ ગયાં. ઘણું સમજાવવાં છતાં શેરસિંહજી તેમની ત્રણ માંથી એકપણ દિકરીને એકલી નહતાં છોડવાં માંગતાં. અને આખરે રાજકોટની બસમાં તે બેસી ગયાં. ક્યાં જાય છે, શું કરશે , ક્યાં રહેશે તે કશું ખબર નહતી. પણ મનમાં રહી ગયું તો કૌશલની રાહ અને એક અફસોસ કે કૌશલ તે દિવસે રેવાને ના મળ્યો. વંદિતાનાં મનમાં રહી ગયું તો રેવાં માટે નફરત અને નારાજગી. અને અમી પાસે રહી ગયો રેવા પરનો વિશ્વાસ.

બસની બારીમાંથી આવતો પવન રેવાનાં બધાં સપનાં , તેનો વિશ્વાસ અને તેનો કૌશલ પ્રતિ પ્રેમ બધું ઉડાવી ગયો બસ બાકી રાખ્યું તો તેનાં આંખોનાં આંસું અને આટલાં લોકોની જવાબદારીનો બોજ. જે બન્યો તેનો લોહીનાં સંબંધ કરતાં પણ વધારે ગાઢ પરિવાર.



ક્રમશ: