નિરાશ બનેલી નિયતિ સાંજે તેનાં ઘેર જતી રહી. સવારે પણ જાણે ઓછાં મને તે કોલેજ પહોચી. આજે તે બાઈક ખાલી નહતું. કોઈક તેની પર પીઠ કરીને બેઠું હતું. તે જોઈ નિયતિને ગુસ્સો આવ્યો કે રોહનનાં બાઈક પર કોઇ બેસી રહ્યું છે. એ વાત સહન ના થઈ. જાણે પોતાનો હક હોય તે બાઈક પર તેવી રીતે વર્તન કરવાં લાગી અને એક અવાજ આપ્યો "Excuse me!".. અવાજ સાંભળી થોડી ડોક પાછળ કરી તે પાછળ તરફ ફર્યો. લાંબું મોટું કદ, સ્વર્ણરંગી રૂપ. સવારનો કુણી કીરણો ઝાડમાંથી સંતાઇને તેનાં ચહેરા પર અસ્તિત્વ ઘુમાવી રહી હતી . શરીરના દરેક ચાલ આકર્ષી રહી હતી. જોતાં જ મંત્રમુગ્ધ કરી દેતો તેનો વાન ખુબ શોભી રહ્યો હતો. નિયતિની આંખો તેનાં પરથી દુર થવાની કોશિશ નહતી કરી રહી.
એક સુંદર મુસ્કાન સાથે તે વ્યક્તિએ કહ્યું "નિયતિ, આમ કેમ જોવે છે?...ઓળખતી નથી મને? ... હું રોહન....." "રોહન?!!.... ત..તું આજે અહીંયા?... મ..મને લાગ્યું નહતું કે હું તને મળી શકીશ! ".. નિયતિ ગભરાતાં ગભરાતાં બોલી. "કેમ નહતું લાગ્યું કે હું નહીં આવું?...તે જ તો બોલાવ્યો હતો ને મને!... તારાં મેસેજમાં સાફ દેખાય રહ્યું હતું. " રોહને થોડું રોબથી કહ્યું. નિયતિની નજર હકારમાં નીચી ઝુકી. રોહન જાણે નિયતિનાં મનની બધી વાતો ચહેરો જોતાં સમજતો હોય તેમ થોડું હસીને બોલ્યો "અરે ટેંશન ના લે.. હું મજાક કરું છું. ખરેખર તો હું પણ તને મળવા માંગતો હતો પણ હિંમત નહતી. શું આપણે વાત કરવાનું ચાલુ રાખી શકીએ છીએ? " નિયતિ થોડી ચિંતામાં" પણ...." "પણ નિયમ એમ હશે કે No expectations, No friendship and No personal relationship...."રોહને વાત કાપતા કહ્યું. નિયતિ આ સાંભળી હળવાશ અનુભવી રહી અને એક નાનાં સ્મિતથી વાતને સહમતી આપી.
રોજ વાતો , નાની મુલાકાતોની ગાડી ચાલવા લાગી. રોહન અને નિયતિનો તાલમેલ સારો થવાં લાગ્યો. કહેલી કે ના કહેલી દરેક વાતો સમજવા લાગ્યાં. હસવું બોલવું અને ઢગલાબંધ વાતો. પણ માત્ર પાર્કિંગમાં અને થોડી વાર માટે જ. પછી બંને પોતાનાં રસ્તે. કોઇ બંધન ના રાખવાની આડમાં જે બંધન ઉછરી રહ્યું હતું તેનું ભાન ન હતું. અને ભાન કરાવવા માટે પણ કોઈ નહતું. પણ પરિસ્થિતિ અને પરમેશ્વર મરજીથી ના ચાલે. એટલે જ્યાં સુધી વિપરીત પરિસ્થિતિ ના આવે ત્યાં સુધી સાચા ખોટાં નું ભાન પણ ના આવે. આવી જ એક વિપરીત પરિસ્થિતિ આવી પડી.
સવારનો સમય હતો અને રોહન વધારે જલદી આવીને નિયતિની રાહ જોતો હતો. નિયતિ પોતાનાં સમયે આવી એક સુંદર સવારની મુબારક વાત આપવા લાગી પણ રોહન ઉદાસ જણાયો. નિયતિ રોહનનું મુખ જોઈને જાણી ગઈ કે કોઇક વાત ખટકે છે. નિયતિએ ધીમેથી સાદ આપ્યો.."રોહન..." રોહનની પાંપણ ધીમેથી ઉંચકાય . નિયતિ તેનું મોં જોઈ રહી હતી . ઉંચકાયેલી પાંપણ પરથી આશ્રુનું એક બુંદ ટપક્યુ. નિયતિને ધ્રાસ્કો પડ્યો અને ઝપાટાભેર રોહનની નજીક આવી તેનો હાથ પોતાનાં હાથમાં લઈ લીધો. જોરથી પકડી રાખેલો તે હાથ રોહને વધારે ફીટ કરી દીધો. જાણે કહેતો હોય હું તને ક્યાંય નહીં જવા દઉં. નિયતિનાં પુછવા છતાં રોહનથી કશું બોલાયું નહીં એટલે નિયતિનો બીજો હાથ રોહનનાં ગાલ પર મૂકી હીંમત આપતી નિયતિએ ફરી પુછ્યું " શું થયું?.. હું તારાં માટે જરુરી હોય તો બોલ શું થયું છે?" રોહને બોલવાનો પ્રયત્ન કર્યો
" મારા દાદા-દાદી મારા કાકા સાથે લંડનમાં રહે છે. કેટલાય મહિનાઓથી તે બોલ્યા કરતાં હતાં કે મને મારો પુરો પરિવાર એકસાથે જોવો છે. પણ મારા પપ્પા અને કાકાને સમયનાં અભાવે તે શક્ય ના બનાવી શક્યાં. અને હવે મારાં દાદાની તબિયત ખરાબ થઈ ગઈ છે. ડોક્ટર એ પણ હાથ ઉચા કરી દીધાં છે અને કહ્યું છે કે હવે જે ઈચ્છા હોય તે પુરી કરો. એટલે મારે પપ્પા-મમ્મી સાથે લંડન જવાનું છે. વધારેમાં મારા કાકા એ મને ત્યાં જ સ્થાયી કરવાનાં બધાં બંદોબસ્ત કરી દીધાં છે. તો જો હું એકવાર અહીં થી ચાલ્યો ગયો તો ફરી પાછો નહીં આવી શકું. ".... નિયતિનાં મનમાં જોરથી ઘા થયો આ દરેક વાતોનો....
ક્રમશઃ