Jaane-ajaane books and stories free download online pdf in Gujarati

જાણે-અજાણે

ધક-ધક...ધક-ધક...ધક-ધક........ હ્રદય જોર જોરથી ફલાંગો મારતું હતું. રાહ જોતાં અધીરી બનેલી મોટી મોટી આંખો ઘડિયાળ તરફ તાકી રહી હતી. માસૂમ દેખાતાં ચહેરાં પર હલચલ સાફ ઝલકી રહી હતી. છતાં પણ એ ચહેરો જોતાં જ મન આકર્ષાય તેટલું નુર ટપકી રહ્યું હતું. કોઇકની ઝંખતી હાજરીથી હવે તો હોઠ બીડાય રહ્યા હતાં. પવન પણ જાણે રમત કરતો હોય તેમ ધીમી ઝડપે તેનાં લાંબા ખુલ્લા વાળમાંથી પસાર થઈ જતો. હવામાં ઉડતી લટ ને સંભાળવા ઉઠતો કોમળ હાથ એ પળને શોભી રહ્યો હતો. ટીક-ટીક...ટીક-ટીક...ટીક-ટીક..... સમય જાણે ત્યાં જ થંભી ચૂક્યો હોય તેમ રાહ જોવાતી ઘડી વીતી જ નથી રહી.
             નિયતિ માટે આજે સૌથી મોટો દિવસ છે. છેલ્લાં કેટલાંય સમયથી વાટ જોતી નિયતિ આજે તેનાં જીવનનાં એ વળાંક પર ઉભી છે જ્યાંથી મળતો એક જવાબ તેની આખી જીંદગી પલટી શકે છે. માત્ર નિયતિ જ કેમ બીજો પણ એક વ્યક્તિ જે આ દિવસની રાહ જોતો હતો તેનાં માટે પણ એક અવિસ્મરણીય મુલાકાત બનવાની હતી, એટલે કે રોહન.
               રોહન અને નિયતિની વાત એક અજીબ જ છેડેથી શરૂ થાય છે. ત્રણ વર્ષ પહેલાંની આ વાત છે. કૉલેજનું આ છેલ્લું વર્ષ હતું. એક નાનાં અમથાં શહેરમાં ભણતી એક છોકરી નિયતિ બહું સીધું અને સરળ કુટુંબમાંથી આવતી હતી. ભણવામાં ઘણી આગળ . દરેક શિક્ષકની લાડકી હતી. જેટલી ભણવામાં આગળ તેટલી જ બોલવામાં પણ. એક વખત જો વાતો એ ચઢી જાય તો પછી અંત જ ના આવે. અને એ જ વાતથી એ ઘડીક વારમાં જ નવાં નવાં મિત્રો બનાવી લેતી. કોઈ સાથે વાત કરવામાં અચકાતી નહીં. પોતાની બનાવેલી નાની અમથી દુનિયામાં તે ખુશ હતી. ના કોઈ વાતની લાલસા કે ના કોઈ વાતની ઈચ્છા. કોલેજનાં દિવસોમાં જ્યારે દરેક વ્યક્તિ કોઇકના ઉપર મરતા હોય. કોઇકને ઝંખતા હોય ત્યાં નિયતિને આ બધી વાતથી મતલબ જ નહતો. હા તેનાં મનમાં પોતાના સાથીદારને લઈને એક ચિત્ર હતું પણ એ વાત તેણે પોતાના ભાગ્ય પર છોડી દીધી હતી. બસ એક વાત જે તેને પાગલ કરી મુકતી એ હતી એક ચમકતું લાલ બાઈક- બુલેટ. રસ્તામાં કે પાર્કિંગમાં જો નજરે પડે તો તે બાઈકનાં એક એક પાર્ટસ તપાસવા બેસી જતી.
આવું જ એક બાઈક આજે તેણે કોલેજની પાર્કિંગમાં જોયું. મુખ્ય ગેટની ડાબી બાજુ પહેલો ખૂણો નિયતિનાં વાહન માટે જ જાણે ફાડવેલો હોય તેમ રોજ તેની એક જ જગ્યા પોતાનું વાહન પાર્ક કરવા માટે. નવું વર્ષ શરૂ થયું હતું એટલે નવા વિદ્યાર્થી અને જુના વિદ્યાર્થીની નવી વસ્તુઓ ચર્ચામાં હોય. અને આવું જ નિયતિ માટે ચર્ચામાં હતું આ બાઈક, પોતાની રોજની જગ્યાની બાજુમાં ઉભું એ બાઈક. પહેલી નજરે નિયતિની આંખોમાં એક ચમક જ આવી ગઈ અને તે પોતાનું વાહન પાર્ક કરી બાજુમાં મૂકેલાં એ બાઈકને ધ્યાનથી જોવા લાગી. આગળ-પાછળ, ઉપર-નીચે બધી બાજું તેની નજર ફરવા લાગી. એટલામાં પાછળથી એક હાથ તેની તરફ લંબાયો અને અવાજ આવ્યો "wanna try? "... નિયતિ સફાળી ઊભી થઈ ગઈ અને આશ્ચર્ય સાથે પાછળ ફરી. તેની સામે એક અજાણ્યો છોકરો હાથમાં ચાવી બતાવી ઊભો હતો. નિયતિને કોઇ સાથે વાત કરવામાં અચકાતી નહીં પણ આજે તે શું બોલે તેને સમજાયું નહી. તેને વિચાર આવ્યો કે "જે વ્યક્તિ મને ઓળખતો નથી મને જાણતો નથી અને સીધું પુછે છે કે બાઈક ચલાવવી છે!... જરુર એનાં મનમાં કંઈક ગડમથલ ચાલે છે. "... વિચારોની સાથે જ નિયતિ કાંઈ પણ બોલ્યા વગર ત્યાંથી જતી રહી.
                 બીજા દિવસે ફરી એ જ જગ્યાએ એ જ બાઈક પાર્ક કરેલું હતું. નિયતિની નજર ફરી તેની પર પડી. પણ કાલે થયેલા અનુભવ પછી તેણે તે બાઈકને touch કરવાનો વિચાર પણ છોડી દીધો. પણ નજર તો એ બાઈક પર જ ટકી રહી હતી...! આખરે નિયતિનુ ડ્રીમ હતું એ... તેણે પોતાની નજર આજુબાજુ ફેરવી જોવા લાગી કે આસપાસ પેલો છોકરો દેખાતો તો નથી ને!.... પણ તેને કોઇ દેખાયુ નહીં એટલે મનમાં જ એક હાશકારા સાથે એ પોતાનાં ક્લાસમાં જતી રહી. થોડાં દિવસ આમ જ વીતી ગયાં અને રોજનું જાણે કામ બની ચુક્યું હોય તેમ રોજ નિયતિ બાઈક જોતી અને જતી રહેતી. પણ એક દિવસ તેને વિચાર આવ્યો કે રોજ આ બાઈક અહીંયા જ કેમ મૂકેલું હોય છે?... અને હું ચાહે જેટલી પણ જલદી આવી જઉં પણ આ બાઈક અને આ જગ્યા હંમેશા ખાલી જ હોય!... બધી વખતે આ કોઇ સંજોગ તો ના હોય શકે!... દરેક વિચાર નિયતિને અંદરથી હલાવી રહ્યો હતો. એટલે તેનું નિરાકરણ જરુર કરવું રહ્યું.
                   એટલે એક દિવસ નિયતિ પોતાનાં રોજનાં સમય કરતાં જલદી કૉલેજ પોહચી અને કૉલેજની બહાર એક ખૂણામાં ઉભી પેલા અજાણ્યા છોકરાની રાહ જોવા લાગી. પંદર મિનિટ પછી એ બાઈક અને એ છોકરો નજરે આવ્યો. તેની દરેક ગતિવિધિ પર નિયતિની નજર હતી. અને નિયતિએ જે જોયું તેનાંથી તેની આંખો પોહળી થઇ ગઈ. કશું સમજાતું નહતું કે આ થઇ શું રહ્યું છે અને કેમ?.... તેણે હજું વધારે સમય નજર ટેકવી. એક કલાક, દોઢ કલાક, બે કલાક.... પણ નિયતિને પોતાનાં કોઇ પ્રશ્નનું સમાધાન મળ્યું નહીં ઉપરથી તે વધારે ગુંચવાયી....

ક્રમશઃ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED