જાણે- અજાણે (72) Bhoomi Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

  • તલાશ 3 - ભાગ 21

     ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તે...

શ્રેણી
શેયર કરો

જાણે- અજાણે (72)

અમી અને નિયતિ એકબીજાને એવી રીતે મળી રહ્યા હતાં જાણે વર્ષો પછી કોઈ પોતાનું વ્યકિત મળી જાય અને એક પળમાં મનને ઠંડક પહોંચાડી જાય. અમીની આંખોમાંથી આંસુઓ વહે જતા હતાં કેમકે તેને અફસોસ હતો બધાના મન એક ઝટકામાં તોડવાનો. અને નિયતિ તો પોતાની ભૂલો ને લીધે અફસોસ કરી રહી હતી કે તેણે અમીને ખોટી સમજી. નિયતિને પોતાનાં કરેલાં ગુસ્સા પર ગુસ્સો આવતો હતો. અને નિયતિએ ધ્રુજતા અવાજે કહ્યું " મને માફ કરી દે...મેં વગર કોઈ વાત જાણી તારી પર ગુસ્સો કરી તને ઘરની બહાર ચાલી જવાં કહ્યું. તારું શું થશે , તારી પર શું વિતશે , કે તું નવી જગ્યા શુ અને કેવી રીતે રહીશ તે કોઈ વાતનો વિચાર મેં ના કર્યો. અને તેં બદલામાં એક શબ્દ પણ કહ્યો નહીં અને ત્યાંથી ચાલી ગઈ. " " અરે દીદી એમાં તમારી શું ભૂલ!... મેં જે કર્યું હતું તેનાં પછી તો એ થવું નક્કી જ હતું ને.. " અમીએ ધીમેથી કહ્યું. નિયતિએ ધિરજ સામેં એક ક્ષણ જોયું અને અમીને જવાબ આપ્યો " પણ છતાં તું એ ગુસ્સાને લાયક નહતી. તેં તો કોઈકનું સારું જ વિચાર્યું હતું ને!.. હાં તારો રસ્તો ખોટો હતો પણ એમાં પણ તારું કોઈનાં માટે સારો જ વિચાર હતો ને... " અમીને સમજાય નહતું રહ્યું કે નિયતિ કેમ આમ બોલે છે. તેણેં આશ્ચર્યથી ધિરજ સામેં જોયું અને ધિરજે કહ્યું " નિયતિને બધી ખબર પડી ગઈ છે. મારાં વિશે અને તેં કર્યું તેનું કારણ પણ.મેં તેમને બધી વાત વિસ્તાર પુર્વક જણાવી દીધી . અને તું ક્યાંય મળી નહતી રહી તો નિયતિએ મારી મદદ કરી તને શોધવામાં. " અમી આ બધું સાંભળી વિશ્વાસ જ નહતી કરી શકતી ધિરજ પર. કે તેણે પ્રામાણિકતાનો રસ્તો કેવી રીતે પસંદ કર્યો. અને એ પણ કોઈનાં સમજાવ્યા વગર. તે ધિરજની વાત પર ફરીથી કશું બોલી નહીં અને નિયતિ સામેં જોવાં લાગી

નિયતિએ માથું ધુણાવી તેની હામાં હા ભરી એટલે અમિની ખુશી ડબલ થઈ ગઈ. તેનાં માથેથી મોટો બોજ ઉતરી ગયો. અને તેણે નિરાંતનો શ્વાસ લીધો. અમીનાં ચહેરાની એ શાંતિ જોઈ નિયતિ અને ધિરજને મનને પણ શાંતિ મળી. જે મન બે દિવસથી ભૂખ્યાની માફક અમીને શોધી રહ્યું હતું તે સંતૃપ્ત થવાં લાગ્યું. અને ફરીથી બધું સુધરવા લાગ્યું. કૌશલ એકબાજું શાંત ઉભો આ બધું જોતો હતો. એકપણ વાક્ય બોલી તેણે આ પળમાં ખલેલ ના પહોચાડી. કૌશલ એ વ્યકિત બનીને આવ્યો હતો જે અમીનાં દુખદ ક્ષણોમાં સૌથી આગળ હાજરી પુરાવતો હતો, તેની મદદ પળે- પળે કરતો હતો પણ તેની ખુશીમાં સૌથી પાછળ શાંત બની ઉભો હતો. પણ અમીએ પોતાની ખુશીમાં કૌશલને બિલકુલ ના ભૂલી અને કૌશલ પાસે જઈ જોરથી તેને ભેટી પડી . અમી પાસે શબ્દો નહતાં પણ તેનાં મૌનમાં કહેવાતું આભાર કૌશલે દિલથી વધાવી લીધું. તે હજું શાંત હતો કેમકે નિયતિનું સામેં હોવાથી તે પહેલેથી જ હચમચી ગયો હતો. અને શું બોલે તે સમજાતું નહતું. એ હાલ તો નિયતિનો પણ હતો પણ બંને જાણે બધું બરાબર હોય અને કશું ફર્ક ના પડતો હોય તેમ બતાવવાની કોશિશ કરી રહ્યા હતાં. વાતો પુરી થઈ એટલે અમીને ઘેર આવવાં નિયતિએ કહ્યું " ચાલ હવે ઘેર. હજું તો ઘરમાં કોઈને આ બધી વાત નથી કરી. હું ચાહતી હતી કે તું જ બધાને સામેં ઉભી રહી બધું બરાબર રીતે જણાવે. " હા દીદી... પ..પણ.. કૌશલભાઈ!.." અમીએ નીચું જોઈ એકદમ ધીમેથી કહ્યું. નિયતિએ મૌન સેવ્યું એટલે અમી સમજી ગઈ કે નિયતિ હજું કૌશલની સાથે વાત કરવાં કે તેને ઘેર બોલાવવા તૈયાર નથી. કૌશલ પણ થોડો અસમંજસમાં હતો. તે ચુપકીથી નિયતિને જ જોઈ રહ્યો હતો. જાણે તે નિયતિનો ચહેરો વાંચી શકતો હોય તેમ બધું સમજી રહ્યો હતો. તે સમજી ગયો કે નિયતિ તેની સાથે વાત પણ નહીં કરે. એટલે પોતે જ ત્યાંથી પોતાનાં રસ્તે ચાલવાં લાગ્યો. તે નિયતિને આ વાતનો દોષ જરાંક પણ નહતો આપી રહ્યો. પણ તેણે પોતાની કિસ્મતને અપનાવી લીધી હતી. એટલે તે ચાલવાં લાગ્યો. આ જોઈ નિયતિએ પાછળથી ટોકી કૌશલને રોકી લીધો. અને નિયતિનાં મોઢેં બોલાયેલું કૌશલનું નામ સાંભળી તેનું મન તો જાણે ફલાંગો મારવાં લાગ્યું હતું. સંતૃપ્તીનો અનુભવ તેને સમજાય રહ્યો હતો. તેનાં પગલાં આપોઆપ જ રોકાય ગયાં.

વર્ષોનું અંતર તે એકક્ષણમાં ભૂલી શકે તેટલી લાગણી ઉભરાય આવી. અને તે નિયતિ તરફ વળ્યો. નિયતિએ વાત આગળ વધારી " તું પણ સાથે ચાલ. ઘરમાં પણ બાકી બધાંને તને મળી ખુશી થશે. અને દાદીમાંને પણ સારું લાગશે. હું તેમની ખુશી માટે કશું પણ કરી શકું છું. બસ મારી ભૂલોમા ભાગીદાર નથી બનાવી શકતી. એકવાર પહેલાં પણ હું એ ભૂલ કરી ચુકી છું. હવે ફરી નહીં કરું. તું આવી તેમને મળીશ તો કદાચ વિખરાયેલાં કેટલાક ભાગ જોડાય જશે. " કૌશલ માનવાં તૈયાર નહતો કે ખરેખર નિયતિ તેની સાથે સીધી સીધી રીતે વાત કરે છે. અને એ પણ ઘેર આવવાં કહે છે. આ જ બધાં વિચારોમાં તે નિયતિને જવાબ આપવાનું વિસરી ગયો અને ચુપચાપ બસ નિયતિને સાંભળતો રહ્યો. આ જોઈ નિયતિને લાગ્યું કે કૌશલ તેમની સાથે આવવાં નથી માંગતો એટલે ફરીથી તેણે કહ્યું " જ..જો આવી શકતો હોય તો જરૂર આવજે. બાકી હું તને ફોર્સ નહીં કરું. " અમીએ કૌશલ સામેં જોયું તો તે થોડો ખોવાયેલો લાગ્યો એટલે પોતાનો કોણીનો ખુણો મારી તેને જગાડ્યો અને ઈશારાથી કહ્યું " જવાબ તો આપો. " અને કૌશલે તરત હાં કહી દીધું.

ઘેર જવાં સાધનની જરૂર હતી પણ કૌશલ અને અમી તો એમનેમ જ ફરવાં નિકળ્યા હતાં તો તેમની પાસે કશું વાહન નહતું પણ ધિરજ અને નિયતિ પોતાનાં બાઈક લઈને આવ્યા હતાં એટલે કૌશલ અને અમીને તેમની પાછળ બેસીને જ જવાનું હતું. ધિરજે દોડીને ફટાફટ બાઈક કાઢ્યું અને અમીની એકદમ સામેં લાવી ઉભો રહ્યો. કોઈપણ ઈશારા વગર તે મૌન બની કહી રહ્યો હતો કે "અમી બેસી જા બાઈક પર પ્લીઝ. " પણ જ્યારથી અમી મળી હતી ધિરજ અને નિયતિને ત્યારથી અમી ધિરજને માત્ર અવગણી જ રહી હતી. જાણે નારજ હતી તે ધિરજથી. આ વાત ધિરજ તો સારી રીતે જાણતો હતો પણ તે પોતાની ભૂલો સુધારવાં અમી પાસેથી એક તક પણ ચાહતો હતો. એટલે તે અમીનાં બધાં નખરાં અને નારાજગી સહન પણ કરી રહ્યો હતો. આ નિયતિ અને કૌશલ બન્ને જોઈ શકતાં હતાં. પણ અમી નહીં. તે તો ધિરજનો ચહેરો પણ જોવાં નહતી ઈચ્છી રહી અને તે થોડું આગળ ખસી નિયતિની સાથે બેસવા જવાં લાગી. આ જોઈ નિયતિએ ફટાફટ કૌશલને ઈશારો કરી પોતાની પાછળ બેસવાં કહ્યું અને જાણે કૌશલ બધું સાચા અર્થમાં સમજતો હોય તેમ ફટાફટ નિયતિનાં બાઈક પાછળ બેસી ગયો અને અમીને કહેવાં લાગ્યો " શું થયું!.. ચાલ ફટાફટ બેસી જા ધિરજ પાછળ. ઘેર જવાંમાં મોડું થશે. " અને અમીને પરાણે ધિરજ પાછળ બેસવું પડ્યું. અને એક મુસ્કાન નિયતિ, કૌશલ અને ધિરજનાં ચહેરાં પર આવી.

અમી ધિરજનો ચહેરો પણ જોવાં નહતી માંગતી અને આજે તેને ધિરજની પાછળ બેસવું પડી રહ્યું હતું એ વાત પર તેને ગુસ્સો આવી રહ્યો હતો . પણ અમી એ વાત જોઈ શકતી હતી જે બીજાં કોઈ ને નહતી દેખાય રહી. કૌશલ અને નિયતિને આજે તે એક સાથે એક સવારી પર જોઈ રહી હતી. જે જોઈ તેનું મન ખુશીથી ફૂલાય રહ્યું હતું અને સાથે એક ઉંમ્મીદ મળવાં માંડી કે કદાચ તે બંને ફરીથી એકસાથે થઈ શકે.

બીજી તરફ કૌશલ અમી માટે નિયતિ સાથે તો ચાલી નિકળ્યો હતો પણ જ્યારે તે બંનેને ભાન થયું એ વાતનું તો તે મનથી અસ્વસ્થ થઈ રહ્યા હતાં. કૌશલ જ્યારથી નિયતિને મળ્યો ત્યારથી તે નિયતિને અવલોકી રહ્યો હતો. નિયતિને બાઈક ચલાવતાં જોઈ તેને જૂનાં દિવસો અને તેની વાતો યાદ આવવાં લાગી. "એક સમય હતો જ્યારે રેવા મારાં બાઈક પર બેસવાથી પણ ગભરાતી હતી. અને પછી એક સમય એ પણ હતો જ્યારે તે બાઈક પાછળ ગાંડાની જેમ પડી હતી. તે હંમેશાં કહેતી કે એક દિવસ મારી પાસે પણ ચમચમતું બાઈક હશે, જેની પર હું ગર્વ કરી બધે ફરતી હોઈશ. અને જ્યારે મારાં ખુલ્લા વાળ પવનને કારણે હવામાં ઉડતા હશે ત્યારે તે મારાં મનને ઠંડક પહોંચાડતાં હશે. અને આજે એ દિવસ છે, જ્યારે રેવા પાસે પોતાનું બાઈક છે . " કૌશલ પોતાનાં વિચારોમાં મગ્ન બની ચુક્યો હતો અને અચાનક નિયતિની ઉડતી વાળની લટો તેનાં ચહેરાને અથડાવાં લાગી અને કૌશલનુ ધ્યાન તૂટ્યું , નિયતિનાં વાળ તરફ ગયું. અને તે ભૂતકાળમાંથી વર્તમાનમાં આવી ગયો. એમ તો કૌશલ અને નિયતિ એકબીજાની બધી વાતો સમજતાં હતાં પણ છતાં કૌશલે પુછ્યું " હંમમમ... તો તેમનાં સંબંધની નાનકડી આશ બાકી છે તારાંમાં!.." નિયતિની આંખો થોડી નીચી ઝૂકી કૌશલ તરફ વળી, હોઠ થોડાં બિડાયા અને ઉંડો શ્વાસ ભરતાં નિયતિ બોલી " હા... થોડી ઉંમ્મીદ તો છે. અને જ્યાં ચાહ છે ત્યાં રાહ છે. મારી થોડી કોશિશથી જો આ બંનેનો સંબંધ બચી શકતો હોય તો કેમ નહિ!..." કૌશલે થોડું મુસ્કાન ભરતાં કહ્યું " હાં... કેમ નહિ... કદાચ દરેક સંબંધ 'એક વધારે પ્રયત્ન'નો જ ભૂખ્યો હોય છે. જોકે એક વધારે પ્રયત્ન સંબંધને બચાવી પણ શકે છે. " વાત તો કૌશલ અને નિયતિ અમી અને ધિરજ માટે કરી રહ્યાં હતાં પણ ક્યાંક ને ક્યાંક તે પોતાની પરિસ્થિતિ અને સંબંધ પણ તેમની સાથે સરખાવી શકતાં હતાં. " બાકી કેટલીક વાર તો એક વધુ પ્રયત્નનો અવસર જ નથી મળતો. " નિયતિએ ભિંજાયેલી આંખે કહ્યું. કૌશલ સમજી રહ્યો હતો તેની ભાવના. છતાં તેણે પોતાનાં સંબંધને મહત્વતા ના આપતાં કહ્યું " જો તું ચાહે તો હું તારી મદદ કરી શકું છું અમી અને ધિરજના મામલામાં. જો તને કોઈ પ્રોબ્લેમ ના હોય તો... " નિયતિ કશું બોલી નહીં અને થોડીવાર વિચાર્યા પછી તેણે હકારમાં માથું ધૂણાવ્યું અને એટલી ઝડપે વાહન ઉડાડ્યું જાણે સામેં અથડાતાં પવનથી કૌશલની બીજી કોઈ વાત તેની સુધી પહોંચી ના શકે.

કૌશલ અને નિયતિનો સંબંધ તૂટી ચુક્યો હતો અને ઘણો લાંબો સમય વીતી ગયો હતો. મનનો જે ખૂણો એક સમયે ફૂલોનાં બગીચાની માફક સુગંધિત રહેતો હતો, જે ભાવ તેમની ધડકનને ચુમીને જતો હતો , જે અહેસાસ આખા દિવસનો થાક ઉતારી શકતો હતો અને જે વ્યકિત મનનાં ખુણામાં ઘર કરીને બેઠો હતો ... મનનો તે ભાગ ખંડેર બની ચુક્યો હતો. જ્યાં ફૂલ તો દૂરની વાત એક લીલું પાંદડું પણ નહતું, દિલની ધડકન હવે માત્ર શરીરને જીવતું રાખવાં ચાલી રહી હતી , જેને કોઈ આટલાં સમયમાં ભૂલથી પણ અડકી નહતું શક્યું , જે વ્યકિત ઘર કરી બેઠું હતું તે તો તેમનાં જીવનથી ક્યારનું દૂર થઈ ચુક્યું હતું. ખાલી ઘરની દિવાલો કમજોર બની તૂટવાં લાગી હતી. હાં તે દિવારો પર જૂનાં સંભારણાં પડ્યા હતાં પણ દરવાજે દુઃખ અને હતાશા રૂપી તાળું હોવાથી તે ક્યારેય કોઈને જોવાં નહતાં મળ્યા. પણ આજે કુદરત તરફથી એક ભેટ એ તૂટતાં મકાનને મળી હતી જેથી ફરી તે મકાન ઘર બની શકતું હતું. કૌશલ અને નિયતિ ભલે વર્ષો પછી મળ્યા હતાં , તેમની વચ્ચે કોઈ સંબંધ બચ્યો નહતો પણ છતાં કોઈક ખુણે પોતાની લાગણીઓનું સન્માન જરૂર હતું. કદાચ એ સમય અને લાગણીને અપાતું સન્માન જ તેમને એકબીજાં સાથે વાત કરવાં અને મહદ્ અંશે એકબીજાની વાત સાંભળવાં ખેચી રહ્યું હતું.

જીવનમાં ઘણીવાર એવાં વળાંકો આવે જ્યારે આપણે તૈયાર ના હોઈએ તે તોફાન ને સહન કરવાં પણ છતાં તે તોફાનમાં પડતાં જાતે જ આપણાં પગ આગળ વધે કેમકે કદાચ કોઈ જમાનામાં ખાસ રહેલાં વ્યકિતનો હાથ આગળ વધ્યો દેખાય રહે. આ જ વાત કૌશલ અને નિયતિ સાથે પણ થઈ રહી. ભલે ધીમે ધીમે પણ તેમનાં ખંડેર જેવાં મનમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો. હવે આ વરસાદ લીલોતરી ફેલાવશે કે વિનાશ તે સમય આધારીત જ હતું.

બીજી તરફ ધિરજ અમી સાથે વાત કરવાંનાં પ્રયત્નોમાં પરોવાયેલો હતો પણ અમી તેની કોઈ વાતનો જવાબ નહતી આપી રહી. ધિરજ તરસી રહ્યો હતો અમીનાં મોંઢેથી શબ્દ સાંભળવાં. આજથી પહેલાં જ્યારે અમી તેને સમજાવતી ફરતી હતી તો ધિરજ તેની કોઈ વાત નહતો સાંભળતો પણ આજે જ્યારે પસ્તાવાની અગ્નિમાં તે બળી રહ્યો હતો તો અમીનો મદદભર્યો હાથ તેને નજરે નહતો આવી રહ્યો. આ વાતથી તે વધારે હતાશ બનવાં લાગ્યો હતો. તે તડપવાં લાગ્યો અમીને જણાવવાં કે તેને પોતાનાં કર્યાનો પસ્તાવો છે પણ અમી તેને સાંભળી જ નહતી રહી. પણ ગમેં તેમ કરી અમી સાથે તો વાત કરવી જ રહી એટલે ધિરજે પોતાનો રસ્તો બદલી લીધો. જે રસ્તે ઘેર જવાં લેવાનો હતો તેનાં પહેલાનો જ વળાંક લઈ લીધો. અને આ જોઈ અમી તરત બોલી " ખોટો વળાંક લીધો છે. આગળ સીધું જવાનું હતું. " ધિરજે જવાબ આપ્યો " આ જ ખરો વળાંક છે. ઘેર તો જવાશે પણ એ પહેલાં એક જરૂરી કામ પુરું કરવાનું છે. " અને તે આગળ વધતો ગયો. એક મંદિર સામેં તેણે બાઈક રોકી દીધું અને તેને ઉતરવાં કહ્યું. દેખાવે મંદિર જૂનું હતું. ત્યાંની હવામાં પવિત્રતા અને નિર્મળતા અનુભવાય રહી હતી. ધિરજે મંદિરમાં બેસી તેની સાથે વાત કરવાનું વિચાર્યું પણ અમી ત્યાં આવવાં જ તૈયાર ના થઈ. પણ ધિરજ ત્યાંથી જવાં જ તૈયાર નહતો જ્યાં સુધી અમી તેની વાત ના સાંભળી લે. એટલે અમી સાંભળવા તૈયાર થઈ ગઈ. ધિરજ બોલતો ગયો તેનાં મનની વાત જણાવતો ગયો અને અમી પાસે માફી માંગતો ગયો. પણ અમીનાં કાનમાં એકપણ શબ્દ નહતો પડી રહ્યો. તેણે શું કહ્યું તે પણ તેણે ધ્યાન ના આપ્યું. અને ધિરજની વાત પુરી થઈ એટલે અમી પાસેથી એક જ વાક્ય સાંભળવા મળ્યું " શું હવે ઘેર જઈ શકીએ?!.. " અને ધિરજનો આ પ્રયાસ પણ વિફળ રહ્યો. અને તે બંને ઘેર પહોંચ્યા. નિયતિ અને કૌશલ થોડાં જલદી પહોંચી ગયાં હતાં પણ તે ઘરની બહાર ઉભાં અમીની રાહ જોતાં હતાં.

કૌશલની નજર આમતેમ ફરવાં લાગી. તે આસપાસની બધી વસ્તુઓ અને માણસોને ધ્યાનથી જોવાં લાગ્યો. નિયતિ અને કૌશલની વાત તો ઓછી થઈ ગઈ હતી પણ છતાં તેને અવલોકન કરતાં જોઈ નિયતિથી પુછાય ગયું " શું જોવે છે?.." અને કૌશલનો જવાબ મળ્યો " તમારી જિંદગીમાં પ્રવેશ કરું છું તો બસ એ જ જાણવાની કોશિશ કે તમેં ક્યાં અને કેવી દૂનિયામાં રહો છો. " અને નિયતિ ફરીથી ચુપ થઈ ગઈ. થોડીવારમાં અમી અને ધિરજ પણ પહોંચી ગયાં . " અરે દીદી તમેં લોકો બહાર જ ઉભાં છો?.. " અમીએ ફટાફટ નીચે ઉતરતાં કહ્યું. નિયતિએ થોડું હસીને જવાબ આપ્યો " બસ તમારી જ રાહ જોતાં હતાં. " બધાં ઘર તરફ આગળ વધ્યા અને દરવાજો ખટખટાવ્યો . શેરસિંહજી એ દરવાજો ખોલ્યો . કૌશલનું મન ખુશી અને બીકથી ભરાય રહ્યું હતું. વર્ષો પછી બધાને મળવાની ખુશી હતી અને કેવી રહેશે મુલાકાત તેની બીક. નિયતિ દરવાજાને ઘેરીને ઉભી હતી. અને શેરસિંહજી ને જોતાં તે બોલી " પપ્પા... જોવો હું શું લાવી તમારાં માટે!.. " ઉત્સાહી બનેલી નિયતિને જોઈ શેરસિંહ એ કહ્યું " એવું તો શું લાવી છે કે આટલી ખુશ થાય છે?!.. " અને વાક્ય પુરું થાય એ પહેલાં અમી તેમની સામેં આવી ગઈ. અમીને જોઈ શેરસિંહજીની આંખો ભરાય આવી અને બધો ગુસ્સો તે આંસુઓમાં વહી ગયો. જોતજોતામાં તેને ગળે વળગી અમીને આવકારી લીધી. જેવું જ શેરસિંહજી અમીને લઈ અંદર જવાં લાગ્યા ત્યાં તો અમીએ તેમને ફરીથી રોકી લીધાં. અને કહ્યું " પપ્પા... જોવો હું તમારાં માટે શું લાવી!... " શેરસિંહજી હસવાં લાગ્યા. અમીનો પણ ઉત્સાહ જોઈ તેમણે ફરી કહ્યું " અરે તું પણ કશુંક લાવી છું?.. શું છે?.. " અને તે અમીનાં હાથ તરફ જોવાં લાગ્યા. અમી અને નિયતિ દરવાજેથી સાઈડમાં ખસ્યા અને કૌશલ તેમની સામેં આવી ઉભો રહ્યો. શેરસિંહજીને સમજાય નહતું રહ્યું કે તે પોતાની સામેં કોને જોઈ રહ્યા છે!.. તેમનાં મોંઢેથી અવાજ નહતો નિકળી રહ્યો. કૌશલ તેમનાં પગે પડ્યો અને આશીર્વાદ માંગ્યો. ત્યાં જઈ ને તેમને પોતાની આંખો પર વિશ્વાસ થયો, એકબીજાંને એ રીતે ભેટ્યાં જાણે વર્ષોની તરસ એક ઝટકે ઠંડા પાણીથી છુપાવતાં હોય. ફટાફટ તેને ખુબ જ આદર સત્કાર અને પ્રેમથી અંદર બોલાવ્યો.

કૌશલ પહેલીવાર નિયતિનાં ઘરમાં પગ મુકી રહ્યો હતો. દરેક વધતાં પગલાં સાથે તે નિયતિનો અહેસાસ અનુભવી શકતો હતો. તેની સુગંધ તે ઘરની હવામાં માણી શકતો હતો. ઘરમાં મુકેલી અને સજાવેલી એક- એક વસ્તુ તે માત્ર જોઈને જાણી શકતો હતો કે કોની પસંદની છે!.. ઘર નવું હતું પણ એ અહેસાસ ઘણો જૂનો હતો. કૌશલ ઘરને બરાબર આમતેમ નજર ફેરવી જોવાં લાગ્યો પણ આ વખત નિયતિએ કશું પુછ્યું નહીં. કૌશલ અને ધિરજ ઘરમાં આવી બેઠાં જ ત્યાં તો રૂમમાંથી જોરથી અવાજ આવ્યો " મમ્માં.... " અને બધાનું ધ્યાન ત્યાં ગયું તો શબ્દ દોડતો દોડતો બહાર આવ્યો અને નિયતિને ભેટી પડ્યો. નિયતિએ તેને ઘણાં પ્રેમથી ઉચકી લીધો. તેની સાથે મમતાથી ભરેલી બચીઓ કરતાં તેની સાથે વાતો કરવાં લાગી. કૌશલની આંખો શબ્દને જોઈ પહોળી રહી ગઈ. તેને પોતાની નજર પર ભરોસો નહતો થઈ રહ્યો. એક નાનકડો બાળક નિયતિને મમ્માં કહીને બોલાવતો હતો અને નિયતિ ખુશી ખુશી તેને આવકારી રહી હતી. શબ્દે કહ્યું " મમ્માં... તું અમી માસીને લઈ આવી!.. I love you mumma..." અને તે ઉછળીને અમીનાં ખોળે ચાલ્યો ગયો. અમીએ પણ તેને ઘણો વ્હાલ કર્યો અને પોતાની છાતી સરસો ચાંપી લીધો. " તેં મને યાદ કરી હતી?" અમીએ શબ્દને પુછ્યું. અમીનાં ખોળે ચઢેલો શબ્દ બોલી ઉઠ્યો " હાં .... માસી... મેં તમને બ....હું.... બધું યાદ કર્યા.. તમેં નહતાં તો મને જરાંક પણ નહતું ગમતું. હું કેટલું રડ્યો. " " અરે... કેમ રડ્યો?!.." અમીએ તેનાં માથે હાથ ફેરવતાં કહ્યું. " તમેં પણ રડતાં રડતાં ગયાં હતાં ને.. એટલે મને પણ રડવું આવે જ ને... " શબ્દ એટલું નિર્દોષ ભાવે બોલી ઉઠ્યો. જોતજોતામાં તે અમી પરથી ધિરજ પર કૂદી પડ્યો. ધિરજનાં ખોળે બેસી તેની પર જ ગુસ્સો કરતાં કહેવાં લાગ્યો " કેમ લઈ ગયાં હતાં માસીને?.. એ પણ રડતાં હતાં તો પણ... !.. કેમ નહતી રહેવાં દીધી અહીંયા!.. હું તમારી જોડે વાત નહીં કરું!.. " અને શબ્દ મોઢું ફુલાવી છતાં ધિરજનાં જ ખોળામાં બેસી રહ્યો. આ જોઈ થોડું હસતાં ધિરજે જવાબ આપ્યો " અરે.... સૉરી ... મેં તારી માસીને બહું હેંરાન કરી છે ને!.. મને માફ કરી દે.. જો હું માફી માંગવાં જ અમીને અહીં લઈ ને આવ્યો છું. તે પણ મારાથી ગુસ્સે છે કે કેમ મેં તને તેનાથી દૂર કર્યો. તું તો મારો ફ્રેન્ડ છે ને.. તો પણ ગુસ્સો કરે છે મારી પર!.. પ્લીઝ મને માફ કરી દે.. " ધિરજ શબ્દ સાથે વાત કરી રહ્યો હતો પણ તે સંભળાવી અમીને રહ્યો હતો. પણ આ બધી વાતમાં કૌશલ માત્ર બધું સુન્ન બની જોઈ રહ્યો હતો. કોણ છે આ બાળક અને બધાં તેને કેમ આટલો પ્રેમથી બોલાવે છે!.. અને તે કેમ નિયતિને મમ્માં બોલાવે છે... ઘણાં પ્રશ્ન કૌશલનાં મનમાં એકસાથે ફરતાં હતાં.

કૌશલે ધીમેથી ધિરજને પુછ્યું " કોણ છે આ બાળક ?" અને ધિરજે તરત જવાબ આપ્યો " તમને નથી ખબર?... આ નિયતિનો દિકરો છે - શબ્દ " અને કૌશલનાં પગ નીચેથી જમીન સરકી ગઈ. ઝટકામાં તેની મુઠ્ઠી જોરથી બંધ થઈ તે બસ ચુપચાપ બેસી રહ્યો. મનમાં ઘણી વાતો ચાલી રહી " દ...દિકરો.... એ પણ ર..રેવાનો?!... ક...કે..કેવી રીતે શક્ય છે?.. મારી રેવા બીજાં કોઈ જોડે જતી રહે?!... અ..એ શક્ય નથી. જરૂર મને સમજવામાં કશુંક ભૂલ થાય છે.... રેવા એવું નથી કરી શકતી!.. હું તેની માટે આટલાં વર્ષ રાહ જોતાં બેઠો છું. મેં પોતાને કોઈ બીજા માટે ક્યારેય નથી આપી. તો રેવા મારાં વગર જીવનમાં આટલી આગળ કેવી રીતે?... " કૌશલનું મન ગભરાટમાં ગોથા ખાય રહ્યું હતું. પણ જે જોયું અને જાણ્યું એ પછી કૌશલની એકમાત્ર આશ પણ હવે તૂટીને વિખરાય ગઈ હતી. મનમાં જે વ્યકિત ને ઘર કરી આપ્યું હતું તે આજે તૂટીને વિખરાય ચુક્યું હતું. કૌશલ નિયતિ અને શબ્દને માત્ર જોયાં જ કરતો હતો. તેમનાં ચહેરામાં કૌશલને પોતાનો અંત દેખાય રહ્યો હતો. અને હવે એકપણ ક્ષણ તેને એ ઘરમાં રોકાવું નહતું. તે ઉભો થઈ અચાનક ત્યાંથી ચાલવાં લાગ્યો . આ જોઈ અમીએ તેને રોકતાં કહ્યું " ક્યાં જાઓ છો કૌશલભાઈ?.. " કૌશલે પરાણે કહ્યું " બસ કંઈક કામ છે મને જવું પડશે... " અમી અને શેરસિંહજીનાં ઘણાં સમજાવવાં છતાં તે રોકાવાં તૈયાર નહતો. એટલામાં નિયતિએ એક કોશિશ કરી " દાદીમાંને તો મળીને જા... " નિયતિનાં આટલાં શબ્દો પુરતાં હતાં કૌશલને રોકવાં માટે. અને દાદીમાંનું નામ પડતાં તે રોકાય ગયો.

નિયતિ કૌશલને જોઈ સમજી રહી હતી કે કેમ તેનો મિજાજ બદલાયેલો હતો. અને નિયતિ એ વાતની ચોખવટ કૌશલને કરવાં માંગતી હતી. તેને શબ્દની વાત કૌશલને જણાવવા માંગતી હતી એટલે તે જાતે કૌશલને દાદીમાં સુધી લઈ જવાં લાગી. પણ કૌશલ નિયતિની કોઈ વાત સાંભળવાં નહતો માંગતો. તેનાં મનમાં નિયતિ માટે ગુસ્સો પેદા થઈ રહ્યો હતો. અને એ ગુસ્સો એટલો જલદી વધ્યો કે બસ નિયતિ જોડે એક પળમાં જ ઘણું લાંબું અંતર વધારી ગયો. નિયતિ કહેવાં માંગતી હતી કે શબ્દનો બાપ બીજું કોઈ નહીં કૌશલ જ છે. જે દિકરાને જોઈ તે ગુસ્સો કરે છે તે પોતાનું જ સંતાન છે. પણ કૌશલ નિયતિને એકપણ તક આપી નહતો રહ્યો.

આ જોઈ નિયતિને ગુસ્સો આવ્યો અને તેણે કૌશલને જોડેનાં રૂમમાં ધક્કો મારી દીધો. તે પોતાની વાત કોઈને સંભળાવવાં નહતી માંગતી એટલે તેણે કૌશલ સાથે એકલામાં વાત કરવી બરાબર સમજી. નિયતિએ અકળાયને કહ્યું " તારી પ્રોબ્લેમ શું છે?.. ક્યારની કહું છું મારે તારી સાથે વાત કરવી છે... પણ સાંભળવાં જ તૈયાર નથી!... શબ્દ... " " મારે કશું નથી સાંભળવું!... તું તારાં જીવનમાં શું કરે તેનાથી મને કોઈ ફર્ક નથી પડતો. હું માત્ર દાદીમાં માટે પાછો આવ્યો છું. " કૌશલે નિયતિની વાત ફરી કાપી નાખી. નિયતિએ ફરી પ્રયત્ન કર્યો " એકવખત મારી વાત સાંભળી લે... પછી હેંરાન નહીં કરું . શબ્દનાં પિતા... " કૌશલે નિયતિને દૂર ધક્કો મારતાં કહ્યું " મને નથી જાણવું તારાં દિકરાનો બાપ કોણ છે!.. ખુશ રહો ને પોતાનાં જીવનમાં જેમ આટલાં વર્ષથી રહો જ છો તેમ!.. મારું તો શું છે કાલે પાછું જ જવાનું છે. " અને ગુસ્સા સાથે તે રૂમની બહાર ચાલવાં લાગ્યો. નિયતિનું મન બળી રહ્યું હતું જેનું દુઃખ આંખોમાંથી વહેવાં લાગ્યું. પણ કૌશલ રોકાયો નહીં અને બહાર જતાં જતાં કહ્યું " તું મારી રેવા નથી હોઈ શકતી.. ક્યારેય નહીં. હું તો વિચારતો હતો કે કદાચ હજું કોઈ આશ બાકી છે પણ આજે તેેં એ ખોટી સમજ પણ દૂર કરી દીધી. " અને તે રૂમની બહાર નિકળી ગયો.

શું આ અધૂરું સત્ય અને સમજ કૌશલને ફરીથી દૂર કરી દેશે રેવાથી કે શબ્દને તેનાં પિતા સુધી દોરી જશે?!...એક વાતના ખુલાસા સાથે કેેેટલી વાતો બહાર આવશે?!...



ક્રમશઃ