Aatmani antim ichchha - last part books and stories free download online pdf in Gujarati

આત્માની અંતિમ ઇચ્છા - અંતિમ

આત્માની અંતિમ ઇચ્છા

-રાકેશ ઠક્કર

પ્રકરણ-૧૬ અંતિમ

ડૉક્ટરે સમય ઓછો હોવાની વાત કરીને એક રીતે ચેતવણી જ આપી હતી. કાવેરીને અને બાળને બચાવવા માટે પરવાનગી માગવામાં આવી રહી હતી. ડોકટર પહેલાં એકને બચાવવાનો વિકલ્પ આપીને પછી બંનેના જીવ પર જોખમ હોવાની વાત કરી રહ્યા હતા. લોકેશને થયું કે તે મોડો પડ્યો છે. તેણે લસિકા સાથે સીધો મુકાબલો કરી લેવાની જરૂર હતી. કાવેરી સાથે લસિકા વિશે વાત કરી લીધી હોત તો આજે આ સ્થિતિ ઊભી થઇ ના હોત. પોતે લસિકા સાથેના સંબંધની વાત છુપાવીને મોટી ભૂલ કરી છે. હવે એવો સમય પણ નથી કે કાવેરી સાથે વાત થઇ શકે. પોતાની આ ભૂલ ભારે પડવાની છે. કાવેરીને ઇશારામાં ઘણી વખત કહી જોયું એના કરતાં સ્પષ્ટ વાત કરી હોત તો પેલી અજાણી મહિલા જે ખરેખર લસિકાનો જ આત્મા છે એની ચુંગાલમાં કાવેરી ફસાઇ ના હોત. બહુ જ, બહુ જ મોડું થઇ ગયું. લસિકા કાવેરીના માથા પર જઇને બેસી ગઇ હશે. તે વિજયનું અટ્ટહાસ્ય કરવાની રાહ જોતી હશે....

"અરે ભાઇ, હવે વિચારવાનો સમય જ નથી. તમે નથી ઇચ્છતા કે અમે પ્રયત્ન કરીએ? જો તમે સહી નહીં કરો તો અમારી કોઇ જવાબદારી રહેશે નહીં. તમને તમારા પત્ની કે આવનારા બાળની કોઇ ચિંતા જ નથી...?" ડૉક્ટરના મોટા થઇ રહેલા અવાજથી લોકેશ ચમકીને પોતાના વિચારોમાંથી એકદમ બહાર આવી ગયો.

"ના-ના, ડૉક્ટર સાહેબ, એવું નથી. હું તો ચાહું છું કે બંનેને બચાવી લેવામાં આવે...." લોકેશ ફરી વિચાર કરતાં બોલ્યો.

ત્યાં ઊભેલા દીનાબેન બોલી ઊઠયા:"લોકેશકુમાર, સમય ના વેડફશો. બે જણનો જીવ જોખમમાં છે..."

"....પણ મને લાગે છે કે બંને પર જોખમ ઊભું થવાનું કારણ બીજું જ કંઇ છે. આટલા મહિનાથી તો બધું બરાબર હતું. છેલ્લી ઘડીએ પરિસ્થિતિ બગડી જાય એ માનવામાં આવે એમ નથી. મને તો લાગે છે કે કોઇ આત્મા બંનેને હેરાન કરી રહ્યો છે..." લોકેશે આખરે પોતાના મનમાં રમતી વાત કહી દીધી.

"અરે ભાઇ, આ દવાખાનું છે. કોઇ ભૂવા-બાવાનો આશ્રમ નથી. અહીં વિજ્ઞાનની પૂજા થાય છે અધકચરા જ્ઞાનની નહીં. હું તમને છેલ્લી વખત પૂછું છું...." ડૉક્ટરની વાતને લોકેશે પૂરી થવા દીધી નહીં. એમના હાથમાંથી કાગળ ઝૂંટવી સહી કરી પરત આપી દીધો. ડૉકટર કંઇ બોલ્યા વગર દોડતા ઓપરેશન થિયેટરમાં ઘૂસી ગયા.

દીનાબેન હોસ્પિટલમાં ગણપતિની મૂર્તિ હતી ત્યાં પ્રાર્થના કરવા ગયા.

લોકેશ માથા પર હાથ મૂકી નજીકની એક ખુરશીમાં બેસી પોતાની જાતને કોસવા લાગ્યો.

ડૉકટરે અંદર પહોંચીને પોતાની તૈયારી શરૂ કરી દીધી. થોડી જ વારમાં સિઝેરીયન ઓપરેશન માટે આખો સ્ટાફ સજ્જ થઇ ગયો. ડૉકટર કાર્યવાહી શરૂ કરે એ પહેલાં જ કાવેરીને ભારે વેણ ઉપડયું. ડૉકટરે જોયું તો બાળક બહાર આવવાની તૈયારી હતી. એમના થોડા જ પ્રયત્નથી બાળક બહાર આવી ગયું. તેના રડવાનો અવાજ બધાના ચહેરા પર સ્મિત લઇ આવ્યો. કાવેરી આંખો બંધ રાખી મંદ મંદ મુસ્કુરાઇ. તેણે મોરાઇ મા અને પેલી અજાણી સ્ત્રીનું સ્મરણ કર્યું.

ડૉકટરે બાળકને સ્વસ્થ જોયું. છતાં સાવચેતીના ભાગરૂપે એને થોડા કલાક કાચની પેટીમાં મૂકવાની સૂચના આપી. કાવેરીને એક ઇન્જેક્શન આપી સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપી સ્ટાફને આગળનું બધું સંભાળવાનું કહી ડૉકટર બહાર જતા રહ્યા.

બહાર આવીને ડૉકટરે જોયું તો લોકેશ ખુરશીમાં બેભાન જેવો પડ્યો હતો. તેમણે તરત જ સ્ટાફને બોલાવી સ્ટ્રેચર પર પોતાની પાસે લાવવા કહ્યું. ડૉકટરને થયું કે અચાનક એને શું થઇ ગયું? એવું તે શું અસામાન્ય બન્યું કે આ ભાઇ બેભાન થઇ ગયા છે. નાડી ચાલતી હતી એટલે થોડી રાહત થઇ. તેમણે લોકેશને તપાસવાનું શરૂ કર્યું.

આ તરફ થોડીવારમાં પોતાની કામગીરી પૂર્ણ કરી સ્ટાફના સભ્યો કાવેરીને તેના રૂમમાં સુવડાવી જતા રહ્યા. અચાનક કાવેરીને થયું કે કોઇ તેની પાસે આવીને બેઠું છે. તેણે આંખો ખોલી તો બાજુમાં લસિકા બેઠી હતી. તેના ચહેરા પર અપાર ખુશી હતી. કાવેરીએ બે હાથ જોડીને કહ્યું:"બહેન, હું તારો ઉપકાર જન્મોજનમ નહીં ભૂલી શકું. તેં મને મા બનવાનું ગૌરવ અપાવ્યું છે. મારું જીવન સફળ કરી દીધું છે. મોરાઇ મા તારા આત્માને પરમ શાંતિ આપે એવી હું પ્રાર્થના કરતી રહીશ...."

લસિકા બોલી:"કાવેરી, તેં મારો જન્મ સફળ કરી દીધો છે. હું એક બાળને જન્મ આપવા ઇચ્છતી હતી એ શક્ય બન્યું ન હતું. તેં મને સાથ આપીને મારી અંતિમ ઇચ્છા પૂરી કરી છે. મારો આત્મા હવે આ લોકમાંથી મોક્ષ પામશે. આજે છેલ્લી વખત હું તને મળવા આવી છું. મેં આપણા બાળકને જોઇ લીધું છે. અદ્દલ લોકેશ જેવું જ દેખાય છે. હું સમયસર ના આવી હોત તો કદાચ આપણા બાળકને મોટું જોખમ હતું. છેલ્લે સુધી બધું બરાબર રહ્યું. પણ ભગવાન થોડીક તો કસોટી કરે ને? મેં મારી શક્તિથી બાળકને અને તને સલામત કરી દીધા. તું નસીબદાર છે કે તને લોકેશ મળ્યો. મારો એની સાથેનો સાથ બહુ ટૂંકો રહ્યો. નસીબ અને સંજોગોએ અમને વધારે સમય સાથે રહેવા ના દીધા. તેં મારી અંતિમ ઇચ્છા પૂરી કરી છે એટલે હું તારી મોરાઇ માને પ્રાર્થના કરીશ કે સાત જન્મ સુધી તને પતિ તરીકે લોકેશ જ મળે. આમ તો હું તારી શોક્ય ગણાય, જો જીવતી હોઉં તો! પણ હું એક આત્મા સ્વરૂપે છું એટલે તારી બહેન સમજજે....અને હા, આજ સુધી તેં મારી સાથેની મુલાકાતો અજાણી મહિલા તરીકેની ઓળખમાં રાખી છે એ મરતાં સુધી છુપાવી રાખજે. લોકેશ ભલે મને દુશ્મન માનતો હોય કે હું તેનું ખરાબ ઇચ્છી રહી છું એવા ભ્રમમાં હોય પણ તેણે મારી સાથે ક્યારેય કંઇ જ બૂરું કર્યું નથી એટલે હું તેને માફ કરી દઉં છું. અને તારી સલામતિ માટે જ એ મારા વિશે ખોટું વિચારતો હતો એટલે એના વિચારોથી મને કોઇ દુ:ખ થતું ન હતું. હું જ મૂરખ હતી કે મેં એને મરી જવાનો ઉપાય બતાવ્યો. એની સાથે કોઇ વાત કર્યા વગર મરવા માટે રેલ્વે ટ્રેક પાસે લઇ ગઇ. એ મારી સાથે કૂદવા ગયો પણ એની જીવનરેખા લાંબી હતી. મારું મોત લખાયેલું હતું. હું પાણીમાં પડતાની સાથે જ ડૂબી ગઇ. અગાઉ એણે મારો જીવ બચાવ્યો હતો એટલે આમ તો મારો એ બીજો જન્મ હતો. બીજી વખત હું બચી શકી નહીં. મારું શરીર નદીના પાણીમાં વહેતું રહ્યું પણ મારો આત્મા મર્યો નહીં. મારી અંતિમ ઇચ્છા પૂરી થઇ ન હતી એટલે મારી આત્મા ભટકવા લાગી. મારી આત્મા જ્યારે આત્મા લોકમાં પહોંચી ત્યારે મને ખબર પડી કે જ્યાં સુધી મારી અંતિમ ઇચ્છા પૂર્ણ નહીં થાય ત્યાં સુધી મને મોક્ષ મળશે નહીં. હું ભટકતી રહીશ. એ માટે લોકેશના ફરી લગ્ન થાય એ જરૂરી હતું. અને એની પત્નીને મારો ગર્ભ આરોપિત થાય તો જ મને મુક્તિ મળે એમ હતી. એ માટે મારે ઘણા વર્ષ રાહ જોવી પડી. લોકેશે તને પસંદ કરી એ પછી હું સતત તારી પાછળ હતી. તને બાળક ના થાય એ જરૂરી હતું. મારી પ્રાર્થના કે કુદરતનો સાથ એની ખબર નહીં પણ તને બાળક ન થવાથી તું ચિંતિત હતી ત્યારે મેં તારી સાથે પહેલી મુલાકાત કરી. તેં મારા પર વિશ્વાસ મૂક્યો અને એક અજાણી મહિલા તરીકે લોકેશને મારી ઓળખાણ આપી અને બાકીનું કામ મારા માટે સરળ બનાવી દીધું. મેં મારા સાચવી રાખેલા અદ્રશ્ય ગર્ભને તારામાં આરોપિત કરી દીધા પછી મને શાંતિ થઇ કે મારો આત્મા છૂટકારો પામશે. આજે તને મારામાં રહેલા લોકેશના જ ગર્ભ થકી બાળકનો જન્મ થયો છે. એ મારા માટે ખુશીની વાત છે. હું એક વખત આપણા બાળકને જોઇને કાયમ માટે વિદાય લઇશ. મોરાઇ મા તને સુખી રાખે અને લોકેશને પણ..."

લસિકા જવા લાગી ત્યારે કાવેરીની આંખના ખૂણા ભીના થઇ ગયા:"બહેન, આટલા મહિનાથી તારી સાથે એક અજીબ સંબંધ બંધાઇ ગયો હતો. મેં તારી સાથેની બધી વાતો લોકેશથી છુપાવીને એનો ગુનો કર્યો છે, પણ મારી મોરાઇ મા જાણે છે કે હું મજબૂર હતી. આપણા બંનેની ઇચ્છા પૂરી થવાની હતી. મા તારી આત્માને મોક્ષ આપે અને તારી આત્મા સદગતિને પામે...."

લસિકા ઊડીને બાળક પાસે ગઇ. એને દિલભરીને જોઇ લીધું અને ત્યાંથી આકાશ તરફ પ્રસ્થાન કર્યું.

લોકેશ ભાનમાં આવે એની રાહ જોતા ડોકટરને હવે ઊંઘ આવી રહી હતી. ત્યાં લોકેશે આંખ ખોલી. તે ઊંઘમાંથી ઊઠતો હોય એમ આંખો ચોળતો ડૉક્ટર અને દીનાબેનને નવાઇથી જોઇ રહ્યો. તે એકદમ બેઠો થઇ ગભરાઇને બોલ્યો:"મારી કાવેરીને બચાવો...કાવેરી ક્યાં છે?""

"અરે ભાઇ, આરામથી બેસો. કાવેરી અને તમારું બાળક એકદમ સલામત છે. ઇશ્વર કૃપાથી સ્વસ્થ બાળક જન્મ્યું છે. અમારે ઓપરેશનની પણ જરૂર ના પડી. તમે નાહકના ગભરાતા હતા. તમે બેભાન ક્યારે થઇ ગયા?"

"ડૉકટર સાહેબ, તમને સહી કરીને કાગળ આપ્યો એ પછી મને બંનેની ચિંતા થવા લાગી. એક અજાણ્યા ડરથી હું હોશ ગુમાવી બેઠો. તમે સારા સમાચાર આપીને મારા જીવમાં જીવ લાવી દીધો છે. ચાલો, કાવેરીને મળી લઉં..." બોલતો લોકેશ દોડતો કાવેરીના રૂમમાં ગયો. કાચની પેટીમાં નવજાત બાળકને જોયું અને કાવેરીને આરામથી સૂતેલી જોઇ લોકેશને હાશ થઇ. લોકેશને થયું કે તેણે લસિકાને ઓપરેશન થિયેટરમાં જતાં જોઇ એ ભ્રમ જ હતો. એટલું જ નહીં અત્યાર સુધી એ મનમાં ખોટી ચિંતા કરતો હતો. કાવેરી અને બાળક સલામત છે. લસિકા મારું કોઇ અહિત કરવા માગતી હોત તો મારી આંખ સામે બંને જીવિત ના હોત. હવે લસિકા ભલે દિલના એક ખૂણામાં રહે પણ એને મગજમાંથી કાઢી મૂકીશ. તે કોઇ બદલો લેવા માગતી હોત તો આજ સુધી ઘણું અહિત કર્યું હોત. તે બદલો લેવાની છે એમ માનીને વગર કારણથી હેરાન થતો રહ્યો. હવે કાવેરી અને આ બાળકની ચિંતા કરવાની.

સમાપ્ત.

*

મિત્રો, સપ્ટેમ્બર -૨૦૨૦ સુધીમાં ૫.૨૫ લાખથી વધુ જેમની ઇ બુક્સ ડાઉનલોડ થઇ ચૂકી છે એ રાકેશ ઠક્કરની 'માતૃભારતી' આયોજિત 'લોંગ સ્ટોરી કોમ્પીટીશન-૨૦૨૦' માં વિજેતા નીવડેલી હોરર નવલકથા 'આત્માનો પુનર્જન્મ' પણ વાંચવાનું ચૂકશો નહીં. અને સૌથી વધુ વંચાયેલી સુપરહિટ નવલકથા 'રેડલાઇટ બંગલો' જો હજુ સુધી વાંચી ના હોય તો જરૂર વાંચી લેશો. આજ સુધી આ વિષય પર આવી નવલકથા તમે વાંચી નહીં હોય. ૪૮ મા પ્રકરણમાં જે રહસ્ય ખૂલે છે અને જે વિચાર વ્યકત થયો છે એ જાણવા જેવો છે. અને એક રહસ્યમય રૂપાળી યુવતીની હીરોઇન બનવાના સંઘર્ષની 'લાઇમલાઇટ' તમને સુપરહિટ ફિલ્મની જેમ છેલ્લે સુધી જકડી રાખશે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED