હિરુ Ashoksinh Tank દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હિરુ

અઝરૂ ભાવનગર મેઈન બઝારમાં ટ્રાફિક વીંધતો કોઈ વસ્તુની ખરીદી માટે શોપ તરફ જઈ રહ્યો હતો.ત્યાં તેનું ધ્યાન શોપની બહાર ઊભેલી એક યુવાન સ્ત્રી તરફ ગઈ.સેંથામાં સિંદૂર પુરેલો ગોળ ચહેરો. આંગળી અડાડો તો પણ લાલ દાગ પડી જાય તેવો ગૌર વર્ણ.ભોળી ને ભાવવાહી આંખો.સુંદર બાંધો. અઝરૂ નું ચેતાતંત્ર રિવર્સ ગતી કરવા લાગ્યું.તે તેનાથી થોડું અંતર રાખી ઉભો રહી ગયો.આની સાથે કંઇક ગાઢ સંબંધ હોય તેમ તેનું મન આ સ્ત્રી તરફ ખેંચવા લાગ્યું.એટલામાં ચેતાતંત્ર પચ્ચીસ વર્ષ બેક દોડી ગયું.

અઝરૂથી જોરથી બોલાઈ ગયું. " હિરુ તું...."

પોતાનું નામ સાંભળતા હીરું એ અઝરૂ સામે જોયું.જોતા જ જાણે તેની ખાલી ફોટો ફ્રેમમા ફોટો આવી જાય તેમ હિરુની આંખોએ અઝરૂને ઓળખી લીધો.તેની આંખોમાં વર્ષોનાં ઇન્તેઝાર નું ફળ મળ્યાનો સંતોષ ઉભરાઈ ગયો.પરંતુ બીજી જ ક્ષણે આંખોનો ભાવ બદલાઈ ગયો.આંખોમાં ભય વ્યાપી ગયો.તે ગભરાઈને આજુબાજુ જોવા લાગી.બે ડગલાં પાછી હટી ગઈ. અઝરૂ સમજી ગયો. કંઇક ગરબડ લાગે છે.તે પણ પાછો હટી ગયો. તેનું ધ્યાન હિરુના ચહેરા પરથી હટતું ન હતું. હિરુ ફરી નીચું જોઈ ગઈ. ફરી ઊંચું જોયું તો અઝરુની નજર હજી તેને વીંધી રહી હતી.તેની આ રીતે સામું જોવાની રીતથી અઝરૂ જૂના દિવસોમાં ખોવાઈ ગયો.

અઝરૂના મકાનની પાછળ એક નાનું ખેતર હતું.તેમાં એક માથાભારે માણસે મકાનો બાંધી દીધા હતાં.ને નાના માણસોને ભાડે આપી દેતો હતો. અઝરૂના મકાનની બરાબર પાછળ એક પરિવાર આ મકાનમાં રહેવા આવ્યો.મકાન વિલાયતી નળિયા નું ને કાચું હતું.ઓસરી,એક રૂમ ને નાનકડું રસોડું.ને થોડુક ફળિયું હતું.ફળિયામાં એક સિમેન્ટની ટાંકી પાણીનાં સ્ટોક માટે ને તેની બાજુમાં કપડાં, વાસણ ધોઈ શકાય તેવી ઈંટોની બોર્ડર બાંધીને નાની ચોકડી બનાવેલી હતી.તે પરિવારમાં સૌથી મોટી બે દિકરી ને નાનો ભાઇ ને તેના માતા પિતા એમ કુલ પાંચ લોકો હતાં.મજૂરી કરતો પરિવાર હતો.આધેડ વયનો પુરુષ રોજ સવારે ટિફિન લઈને મજૂરી કરવા જતો રહે.તેનો છોકરો સરકારી શાળામાં ભણવા જતો રહે.બંને દિકરીઓ વધું ભણી હોય તેવું લાગતું ન હતું.તે બંને આખો દિવસ ઘર કામ કરે.નાની છોકરી તેર ચૌદ વર્ષની હશે.મોટી છોકરીએ યુવાનીના ઉંબરે પગરવ માંડી દીધા હતા.તેનું નામ હિરુ હતું. હિરુ તો સાચે જ હિર હતી.તેનો એકદમ ગોરો વાન, લાગણીના દરિયા સમાવેલી આંખો.છાતીમાં સોળ નો સળવળાટ,આંખોમાં શરમ.ગરીબના કૂબામાં,ઘોર અંધકારમાં દીવો જળહળે તેવી સુંદર લાગતી હતી.જૂના ડ્રેસમાં પણ સાદગી ને સુંદર દીપતી હતી.

અઝરૂ તેના ઉપરનાં રૂમમાં બારીએ બેસી લખતો હતો.પાછળ વાસણના ખખડાટ થી તેનું ધ્યાન ખેંચાયું. તેણે જોયું કે બે નયન તેને તાકી રહ્યા છે.વળી તે પોતાના કામમાં પરોવાઈ ગયો.તેને કોલેજ જવાનો સમય થઇ ગયો હતો. તેણે બારીઓ બંધ કરી. તેણે બારીમાંથી નીચે જોયું તો હજી પેલા બે નયન તેને તાકી રહ્યા હતાં.આ નજરે તેને બેચેન કરી દીધો.પણ કોલેજ નો સમય થઈ ગયો હતો. બારી બંધ કરી અઝરૂ કોલેજ ભાગ્યો.પણ આજે કૉલેજ પણ પેલા બે નયન જ નજર સામે ફર્યા કરે છે.તેનું મન ભણવામાં પણ ના લાગ્યું.

સાંજે રજા પડી.ઘેર આવી જલ્દી થી નાસ્તો કરી પોતાનાં ઉપરનાં રૂમમાં જતો રહ્યો. જઈ તરત બારી ખોલી નીચે નજર કરી. હિરુ ચા નાં વાસણ માંજતી હતી. તેણે તરત ઉપર જોયું બંનેની નજર એક થઈ.હિરુએ ઓસરીમાં નજર કરી તેનાં મમ્મી ન હતાં. તેણે સ્માઈલ આપી. અઝરૂ એ પણ સ્માઈલ આપી.હિરુનો ચહેરા પરનો ગૌર વર્ણ રતુંબડો થઈ ગયો.પછી તો આ સિલસિલો આગળ વધતો ગયો. અઝરૂ હવે વધારે સમય ઉપર પોતાનાં રૂમમાં જ વિતાવતો હતો.બંને વચ્ચે આંખોથી ભરપુર વાતો થયા કરતી.કોલેજ જતી વખતે આંખોથી જ બાય,આવી ને આવકાર પણ આંખોના ભાવથી જ,ચાલો જમવા,શુભ સવાર,આજે તો મસ્ત લાગો છો,હું બહાર ગામ જાવ છું, જલ્દી આવજો જેવી વાતો આંખોથી ખૂબ સારી રીતે થવા લાગી. હિરુનાં મમ્મી આખો દિવસ ઘરે જ રહેતાં એટલે આંખોની વાતો સિવાય કોઈ રસ્તો જ ન હતો. હિરુને એકલું ક્યાંય બહાર પણ જવાનું ન થતું.હીરુ પોતાની સાથે એક ઢીંગલી કાયમ રાખતી.વાસણ માંજવા બેસે ત્યાં પણ ઢીંગલી સાથે જ હોય. ઢીંગલી નો હાથ ઊંચો કરાવી અઝરૂને બાય કહે.પથારીમાં પણ ઢીંગલી સાથે જ હોય.

એક દિવસ હિરુ વાસણ માંજતિ હતી.અઝરૂ ઉપરથી તાકી રહ્યો હતો.હિરુની યુવાનીનાં મોરલા અષાઢી ઉન્નમાદમાં ગાંડા થયા હતા. અઝરૂનાં શરીરમાંથી વીજળી પસાર થઈ ગઈ.હિરુ એ નીચું જોયું તે અઝરૂની નજર પારખી ગઈ. તેણે પોતાની ચુંદડી સરખી કરી નાખી.બંને હસી પડ્યા.

દિવસો પસાર થવા લાગ્યા.બંને આંખોમાંથી દિલમાં ઉતરી ગયા.એક બીજાની દિનચર્યા પણ જાણી લીધી.હિરુને તેનાં બંને ભાઈ બહેન ઓસરીમાં જ સુવે.બધા સૂઈ જાય પછી બારીએ અઝરુનાં નયનને ખાટલામાં હિરુનાં નયન વચ્ચે મોડી રાત સુધી વાતો ચાલ્યા કરે. સૂતી વખતે હિંરૂ ઢીંગલીને ભેટીને પોતાનો પ્રેમ અઝરૂ સુધી પહોંચાડતી. આટલા પ્રેમથી પણ બંને ખુશ રહેતા હતાં.અઝરૂ ખૂબ સારો ગાયક હતો.તે ક્યારેક જોરથી હિન્દી પિક્ચર નાં ગીત પણ ગાવા લાગતો. સાંભળી.હિરુ તેની સામે મલકાતી.અઝરૂને આ સ્માઈલ માં આખી દુનિયા મળી જતી.

એક દિવસ અઝરૂ વહેલી સવારે જાગી બારીએ ગોઠવાઈ ગયો.હિરુ હજી સૂતી હતી.તેની ચાદરમાંથી એક પગ બહાર આવી ગયો હતો.તેની નાઇટી ગોઠણથી ઉપર સુધી ચડી ગઈ હતી. અઝરૂની નજર ત્યાં જ સ્થિર હતી. તેણે આનાથી સુંદર દુનિયામાં કંઈ જોયું ન હતું.આ નજરે હીરૂને ખળભળાવી નાખી તે અચાનક જાગી ગઈ.જોયું તો અઝરૂ તેને તાકી જ રહ્યો હતો.તે શરમાઈ ગઈ. ઝડપથી ઊભી થઈ રૂમમાં ચાલી ગઈ.બંનેનું આ ઊંડા માં ઊંડું મિલન હતું.એક વર્ષનાં બંનેનાં આ પ્રેમમાં બંનેએ કેટલાંય ભવ જીવી લીધાં.

અઝરૂ ને કૉલેજ પૂરી થઈ.ઉચ્ચ અભ્યાસ માટે બહાર ભણવા જવાનું થયું.વિદાયનો સમય આવ્યો.ઉપર રૂમમાં અઝરૂને ને નીચે છૂપી છૂપી હિરુ ની આંખો અનરાધાર વરસી પડી. બંને વચ્ચે કેટલાય કિલોમીટરની દીવાલ ચણાય ગઈ. ખીલેલાં બાગમાં વંટોળ પસાર થાય ને ફૂલો ખરી પડે તેમ, ફૂલો વગરનાં છોડથી ઉજ્જડ લાગતાં બાગ જેમ બંને નાં જીવનમાં અચાનક ઉદાસી છવાઈ ગઈ.

અઝરુ ૬ મહિના રહીને આવ્યો.આવી સીધો જ ઉપર પોતાનાં રૂમમાં ગયો.બારી ખોલી,જોયું તો મકાનનો દરવાજો બંધ હતો.ઓસરી ધૂળ ધૂળ થઈ ગયેલી હતી.ફળિયામાં સુકાઈ ગયેલાં પાંદડા ઊડતાં હતાં.ચોકડી કોરી કટ હતી. અઝરૂની વિહવળ નજર આખા ઘરને ફેંદી વળી. કેટલાંય દિવસોથી આ મકાન ખાલી કરી જતાં રહ્યાં હોય તેવું લાગતું હતું. અઝરુએ ચોકડીની પાળી પર જોયું તો તેનાં ટેકે પેલી ઢીંગલી બેસારેલી હતી. ઢીંગલી ધૂળ ને પાંદડામાં ઢંકાયેલી હતી.ઢીંગલીની નજર બારી સામે મંડાયેલી હતી.

અઝરૂની બાજુમાં બાઈક ઊભી રહી ત્યારે જ તે ભૂતકાળમાંથી જાગ્યો. હિરુ ગભરાઈને તેનાં પતિની બાઈક પાછળ બેસી ગઈ.બાઈક નીકળી ગઈ. હિરુ અઝરૂ ને ક્યાંય સુધી સજળ નેનોથી તાકી રહી. અઝરૂને પેલી ઢીંગલીની આંખો પણ આંસુથી ઉભરાતી દેખાવા લાગી. બાઈક સડસડાટ કરતી ભીડમાં સમાઈ ગઈ.
લેખક: અશોકસિંહ ટાંક (૯૪૨૮૮૧૦૬૨૧)
તા.૧૩/૯/૨૦૨૦
(વાર્તા કાલ્પનિક છે)