ડિલિવરી મેન Ashoksinh Tank દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ડિલિવરી મેન

આજે વાતાવરણમાં ખૂબ બફારો હતો.સાંજનો પાચેક વાગ્યાનો સમય હતો.હું મારા ફળિયામાં ટહેલતો હતો.મારા દરવાજા આગળથી એક ટુ વ્હીલર બે-ત્રણ વખત આવ્યું અને ગયું.મને લાગ્યું કે કોઈકનું ઘર શોધે છે.પણ ઉભો રહી કોઈકને પૂછે તો કોઈ કહેને!

એ તો કાને ફોન રાખી રઘવાયો થઈ દોડાદોડ કરતો હતો. હું તેને મદદ કરવા દરવાજા બહાર ગયો. પરંતુ મારી સામે પણ જોયા વગર એ મારી આગળથી પસાર થઈ ગયો. થોડી વાર થઈ ત્યાં ફરી પાછો આવી મારી આગળ ઉભો રહ્યો. હજુ પણ તે ફોનમાં જ વહીવટ કરતો હતો. હું જાણે ત્યાં ઊભો જ ન હોવ તેમ તેણે મને લક્ષમાં જ ના લીધો. મારા દરવાજે લગાડેલી મારી નેમ પ્લેટ વાંચીને તે સામેવાળાને ફોનમાં પોતાનું લોકેશન બતાવતો હતો.

જેમ જેમ ફોનમાં વાત કરતો ગયો તેમ તે વધુ ને વધુ ઘુસવાતો ગયો. ફોન કટ કર્યો. માથેથી બ્લ્યુ કલરની કેપ કાઢી તે પરસેવે રેબઝેબ થઈ ગયેલા ને વિખાય ગયેલા વાળ ખંજોળવા લાગ્યો.તે ઓનલાઈન ખરીદી કરતાં લોકોને તેની વસ્તુની ડીલીવરી કરવા વાળો ડિલિવરી મેન હતો. તેણે જીન્સને બ્લુ કલરનું કંપનીના લોગો વાળું ટી-શર્ટ પહેરેલું હતું. તેણે પાછળ કીટ ઉપાડેલી હતી. આમ તો તેને કીટ ના કહેવાય પણ મોટો કોથળો જ કહેવાય એટલી મોટી હતી. આવા બફારા વાળા વાતાવરણમાં આ કિટને લીધે તે પરસેવે ન્હાય ગયેલો હતો.પરસેવાની દુર્ગંધ પણ આવતી હતી.રસ્તા પર ઊડતી ધૂળ તેના ચહેરા પર ચોંટી ગયેલી હતી.તડકા ને આ ધૂળને લીધે તે વધું કાળો લાગતો હતો.

હવે તેણે મને જોયો હોય તેમ મારી સામે પેલું પાર્સલ રાખી દીધું ને સમર્પણ જાહેર કર્યું.હજી તેનો રઘવાટ હેઠો નહોતો બેઠો.મે નામ ઠામ જોઈ તેને બે શેરી વટી ને આ એડ્રેસ છે તેમ બતાવ્યું.પૂરું સમજ્યા વગર વળી પાછો મારા હાથમાંથી પાર્સલ જૂટવી ઢરુમ... કરીને ભાગ્યો.

થોડી વાર થઈ ત્યાં ફરી મારા દરવાજે આવી ઊભો રહ્યો.યાર આ સાહેબનું ઘર જ નથી મળતું. કહી કેપ ઉતારી નીતરતાં પરસેવાને વાળમાં રગદોળી ફરી ઊંઘી કેપ પહેરી લીધી.મે તેને નિરાંત રાખવાં કહ્યું.હું ફરી તેને એડ્રેસ બતાવતો હતો ત્યાં પાર્સલ વાળાનો ફોન આવ્યો.મને તે બંનેનો સંવાદ સંભળાતો હતો.

" સાહેબ,તમારું ઘર મળતું નથી તો આ સાહેબને તમારું પાર્સલ આપી દવ? "

" ના,બિલકુલ નહિ.ને પાર્સલ મારા ઘરે પણ ના આપતો.આજે મારી વાઇફનો બર્થડે છે એટલે હું મારા હાથે જ તેને સરપ્રાઈઝ આપીશ.હું બહાર ગામ છું આવીને તારો કોન્ટેક કરી પાર્સલ લઈ જઈશ. ત્યાં સુધી તું બીજા પાર્સલની ડિલિવરી કરી આવ."

" સાહેબ હવે મારે બે પાર્સલની ડિલીવરી બાકી છે. મારે આજે થોડી ઉતાવળ છે. સાહેબ મોડું ના કરતાં મારે જલદી ભાવનગર પાછું પહોંચવાનું છે."

શિહોરથી ભાવનગર પોણી કલાકનો રસ્તો ખરો.તે પરેશાન થતો થોડો કંટાળા થી ને થોડી દયામણી નજરે મારી સામે જોઈ પીઠ પાછળ કોથળો લાદી બાઈકનો શોર્ટ ટર્ન લઈ નીકળી ગયો.એકાદ કલાક પછી તે ફરી આવી ગયો.દિવસ આથમવા આવ્યો હતો.હું ફરી દરવાજે ગયો.હવે તે થાકી લોથપોથ થઈ ગયો હતો.એક પગનું સ્ટેન્ડ કરી બાઈકની સીટ પર બેસીને તે ફોન કરી રહ્યો હતો.બે ત્રણ ટ્રાય કરી પછી કંટાળા થી ફોનને પગ સાથે પછાડી બોલ્યો,

" મારે ઉતાવળ નો પાર નથી ને આ સાહેબ મારો ફોન નથી ઉપાડતા."

મે તેને પાણી પાયું. તે ઉતાવળે આખો ગ્લાસ ઠાલવી ગયો.ત્યાં સામેથી પેલાં ભાઈનો ફોન આવ્યો,

" હું રસ્તામાં જ છું, તું જ્યાં છો ત્યાં જ ઉભો રહે.મારા ઘરે પણ ના જતો ને બીજાને પણ પાર્સલ ના આપતો.આજે મારી વાઈફને હું બર્થડે ગિફ્ટ આપીને જોરદાર સરપ્રાઈઝ આપીશ.."

" પણ...સાહેબ...મોડું...પણ..."

ત્યાં તો ફોન કપાઈ ગયો.વાળમાંથી પરસેવાનાં રેલા ઉતરતાં હતાં.તેના મોઢા પર ઉદાસી છવાઈ ગઈ.મારી સામે જોઈ માથુ હલાવી ફિક્કું સ્મિત આપ્યું.

" સાહેબ લાગે છે અમારી જીંદગી આમ જ પૂરી થઈ જશે."

બોલી, પગનાં ટેકે ઉભો ઊભો થાકી જતાં બાઈક સીધી કરી. વાહા માં પરસેવા સાથે ચોટેલી પેલી કોથળા જેવી કીટ ને થોડી અળગી કરી.વીસ,પચ્ચીસ મિનિટ થઈ હશે ત્યાં પેલાં હરખઘેલા પતિ દેવ ત્યાં આવી પહોંચ્યા. તેણે હરખમાં મને ન દેખ્યો.ને પેલાને ઉધડો લીધો.

" અલ્યા તમે, એક તો ડિલિવરી કેટલી મોડી આપોને આવો ત્યારે મારતા ઘોડે.અમારે પણ કાંઈ કામ હોય કે તમારી રાહે જ બેસી રહેવાનું? તારું ડિલિવરી રેટિંગ ડાઉન આપવું પડશે."

એમ કહી પાર્સલ ના પૈસા ચૂકવી.પાર્સલ આચકતો હોય તેમ લઈ મોઢું બગાડી નીકળી ગયો.

પેલો વધું ઝંખવાણો પડી ગયો." જોયું ને સાહેબ!"

મેં તેને સાંત્વના આપતા કહ્યું," ચાલ્યા કરે, પણ તારે ઘરે પહોંચવાની કેમ ઉતાવળ હતી?"

ઘર આગળના થાંભલાની સ્ટ્રીટલાઇટમાં એના માથેથી ટપકતાં પરસેવાનાં બિંદુ ચમકી રહ્યાં હતાં.

" સાહેબ,હું ભાવનગર પહોંચીશ ત્યાં બજાર બંધ થઈ ગઈ હશે.આજે મારી ત્રણ વર્ષની દીકરીનો પણ જન્મદિવસ છે. મેં તેને સાંજે ઢીંગલી લાવી દેવાનું પ્રોમિસ આપ્યું હતું.તે બિચારી મારી ને તેની ઢીંગલીની રાહે હશે.પણ આ સાહેબે મારો ખેલ બગાડી નાખ્યો."


એમ કહી,બાઈકનો શોર્ટ ટર્ન વાળી પાછળ લાદેલો કોથળો સરખો કરી બાઈક મારી મૂકી..

લેખક: અશોકસિંહ ટાંક
તા.૮/૯/૨૦૨૦