શિવાંશ Rajeshwari Deladia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શિવાંશ

ખુશ્બુ ખૂબ જ પ્રેમાળ અને સંસ્કારી દિકરી.સ્વભાવે જેટલી સારી એટલી જ દેખાવે સુંદર.પણ એને એનાં રૂપનું બિલકુલ પણ અભિમાન નહીં.ખુશ્બુને બાળકો એટલા વ્હાલા કે તે આજુબાજુ તમામ બાળકો જોડે રમે. અને ઘણીવાર તો પડોશીઓને બહાર જવું હોય તો એમનાં બાળકોને તેઓ ખુશ્બુ પાસે મુકી ને જાય. કેમ કે ખુશ્બુ એ બાળકો ને એક માઁ નો પ્રેમ આપતી અને બાળકોને જીવની જેમ સાચવતી. આખી શેરીમાં ખુશ્બુ બધાની પ્યારી દીદી હતી.

ખૂશ્બૂની ઉંમર લગ્ન લાયક થઈ હતી.એટલે ઘરનાં વડીલોએ ખુશ્બુનાં લગ્ન નમન જોડે કરવાનું નક્કી કર્યું હતુ.નમનની પોતાની રમકડાંની દુકાન હતી.પૈસે ટકે નમન અને એનાં ઘરનાં લોકો સધ્ધર હતા.આમ ખૂબ જ સારી રીતે નમન અને ખુશ્બુનાં લગ્ન થઈ ગયા.લગ્ન પછી બંને ખશ્બૂ ને ગમતી જગ્યા ગોઆ હનીમૂન માટે ગયા જયાં તેમણે ખૂબ જ એન્જોય કર્યું.દસ દિવસ પછી બંને ઘરે ફર્યા હતાં.

બંનેની જિંદગી ખૂબ જ સારી રીતે પસાર થઈ રહી હતી.એમનાં લગ્ન જીવનને જોઈ ને અન્ય દંપતિને ઈર્ષા થતી હતી.. ખુશ્બુ પિયરની જેમ સાસરીમાં પણ બધાની પ્રિય બની ગઈ હતી.

આમ બંનેનાં લગ્ન જીવમ દોઢ વર્ષ પુરુ થવા આવ્યુ હતુ. બંનેનું લગ્ન જીવન ખૂબ જ સુખી હતું.બંનેનું જીવન સુખમય રીતે પસાર થઈ રહ્યુ હતું.

એક દિવસ અચાનક ખૂશ્બુને તેનાં શરીરમાં કઈક અલગ જ રોમાંચનો અનુભવ થયો.અને તે પોતાની જોડે જ વાત કરવા લાગી.

આજથી પહેલા તો મને આવો કોઈ રોમાંચ નથી અનુભવાયો.હવે આજે આવુ મને શુ થઈ રહ્યુ છે.મન બેચેની અનુભવી રહ્યુ છે તો મન ખુશી નો અનુભવ કરી રહ્યુ છે.એને આ વાત એની સાસુ ને કરવાનું નક્કી કર્યું.

મમ્મી મને આજે ખૂબ જ બેચેની થઈ રહી છે.વોમીટ જેવું પણ થઈ રહ્યુ છે અને ખાટ્ટુ ખાવાનું પણ મન થઈ રહ્યુ છે.

આ સાંભળી ને મમ્મી તો ખૂબ જ ખુશ થઈ ગયા. અને ખુશ્બુને ભેટી પડયાં.

બેટા આમાં ડરવાની કોઈ જરૂરત નથી.આપણા ઘરે હવે નવા મહેમાન આવવાના છે.

એટલે મમ્મી હુ કઈ સમજી નઈ.

અરે મારી ભોળી ખુશ્બુ તુ માઁ બનવાની છે.આજ સુધી તુ બધાં બાળકોને પ્રેમ આપતી હતી. હવે તારુ પોતાનુ બાળક આવવાનું છે.તુ હમણાં આ ખબર કોઈને નાં કહેતી.આપણે સાંજે ડૉક્ટર પાસે જઈએ પછી તુ બધાને આ ખબર આપજે. અને હા નમનને પણ કઈ નાં કહેતી. સાંજે આપણે બંને ડૉક્ટર પાસે જઈ આવીએ પછી ઘરે આપણે બધાને સરપ્રાઈઝ આપીશું.

ખુશ્બુને તો પહેલેથી જ બાળકો ખૂબ જ વ્હાલા હતાં. એટલે એ તો એની માટે અનેક સપનાઓ જોવા લાગી અને જેમ જેમ એ વિચારતી ગઈ તેમ તેમ એ ખૂબ જ રોમાંચિત થતી ગઈ. એ રોમાંચમાં ક્યાં સાંજ પડી ગઈ એ ખબર જ નાં પડી.

સાંજે બંને સાસુ વહુ ડૉક્ટર પાસે ગયા.બધી તપાસ કરાવી.રિપોર્ટ પોઝેટીવ આવ્યાં હતાં એ વાત સાંભળી ને બંને સાસુ વહુ ખૂબ જ ખુશ થઈ ગયાં. ખુશ્બુનાં સાસુ એક ડેકોરેશન વાળાને ત્યાં ફોન કરે છે અને પૂરો હોલ શણગારવાંનું કહે છે.

બંને ઘરે આવે છે.થોડી જ વારમાં ડેકોંરેશન વાળા પણ આવી જાય છે.અને હોલ ને ખૂબ જ સુંદર રીતે સજાવે છે. ઘરમાં જાણે કઈક ઉત્સવ હોય એવો માહોલ લાગે છે. રાતે 8 વાગ્યે નમન અને એનાં પપ્પા ઘરે આવે છે ત્યારે હોલ જોઈ ને આશ્ચર્યચકિત થઈ જાય છે.

મમ્મી આ બધુ શુ છે. આજે તો ઘરે કઈ નથી પછી ઘરને આટલુ બધુ સજાવ્યુ કેમ છે.અને ખુશ્બુ ક્યાં છે કેમ દેખાતી નથી.

ખુશ્બુ ઘરમાં જ છે.જા તુ જલ્દી તારા રૂમમાં જા અને ફ્રેશ થઈ ને ફટાફટ આવ.

નમન રૂમમાં જાય છે ત્યાં ખુશ્બુ મોટા ટેડિબેર જોડે નમનનું સ્વાગત કરે છે.

ખુશ્બુ આ બધુ શુ છે?

ખુશ્બુ નાના બાળકનું જે પોસ્ટર રૂમમાં લગાવ્યું હોય છે એ તરફ આંગળી કરે છે.અને ઓશિકામાં પોતાનુ મોઢું છુપાવી લે છે.

ઓહ ખુશ્બુ આ સાચું છે? આપણે માતા પિતા બનવાના છીએ?

જેવું ખુશ્બુ માથું હલાવે છે એવો જ નમન એને ઉંચકી લે છે. ત્યારે રૂમમાં નમનનાં મમ્મી પપ્પા પ્રવેશ કરે છે અને નમનને ખીજાય છે.હવે તારે આવુ બધુ ના કરવાનું,સમજ્યો?

ખુશ્બુ આ બધુ જોઈને શળમાઈ જાય છે અને દોડીને મમ્મી પાસે જતી રહે છે.

ખુશીની વાત સાંભળી ને બધાં જમવા બેસે છે.મમ્મી તો એની આજથી જ ખૂબ જ કાળજી રાખે છે.

જોત જોતામાં સાત મહિના ક્યાં પૂરા થઈ જાય છે એ ખબર જ નથી પડતી.સાતમે મહિનેખુશ્બુનાં શ્રીમંતની વિધી કરવામાં આવે છે. વિધી કરીને ખુશ્બુને એનાં પિયર લઈ જવામાં આવે છે.

આ બધુ જોઈ ને ખુશ્બુ ખૂબ જ રોમાંચિત રહેતી હતી.એ પોતાના આવનાર બાળક વિશે વિચારતી હોય છે ત્યાંજ એને અચાનક પેટમાં દુખવા લાગે છે.એટલે એને તરત જ હોસ્પિટલ લઈ જવામાં આવે છે.

ખુશ્બુ ખૂબ જ ડરી જાય છે.ડૉક્ટર તાત્કાલિક ઓપરેશન કરવાનું કહે છે.જો ઓપરેશન ન કરવામાં આવે તો બાળકનાં જીવ ને ખતરો છે એવું કહેવામાં આવે છે.

ડોક્ટરની વાત સાંભળીને તરત જ નમન ને બોલાવવામાં આવે છે.નમન ભાગી ને હોસ્પિટલ આવે છે એની જોડે એનાં માતા પિતા પણ આવે છે.અને નમનની મંજુરી લઈ ને ઓપરેશન કરવામાં આવે છે.

ઓપરેશન દરમિયાન બધાને ખૂબ જ ડર લાગે છે કે હવે શુ થશે. બધાં ઓપરેશન થિયેટરની બહાર આમ તેમ આતા ફેરા કરે છે.જેવો બાળકનો રડવાનો અવાજ આવે છે કે બધાં ખુશ થઈ જાય છે.

નર્સ બહાર આવે છે અને બધાને અભિનંદન આપે છે અને કહે છે ખુશ્બુ એ પુત્ર ને જન્મ આપ્યો છે.પણ બાળક થોડુ કમજોર છે કેમ કે એ અધૂરે મહિને જન્મ્યું છે. હમણાં બાળ નિષ્ણાંત આવશે પછી બાળકની તપાસ કરાવવામાં આવશે.

બાળ નિષ્ણાંત આવે છે અને બાળકની તપાસ કરે છે ત્યારે ખબર પડે છે કે બાળકને શ્વાસ લેવામાં તકલીફ છે અને એને તરત જ વેન્ટિલેટર પર મુકવુ પડશે. બાળક ને તરત બાળકોની સ્પેશિયલ હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે અને ત્યાં એને વેન્ટિલેટર પર મુકવામાં આવે છે.

આ બાજુ ખુશ્બુ ને હોશ આવે છે એટલે પહેલું બાળક વિશે પૂછે છે. ખુશ્બુની મમ્મી જે બન્યુ એ બધુ જ એને જણાવે છે.એટલે ખુશ્બુ બાળક પાસે જવાની જીદ કરે છે પણ ડૉક્ટર એને જવાની અનુમતિ નથી આપતાં. ખુશ્બુ નો જીવ એનાં બાળકની અંદર જ રહ્યો છે એટલે એ ડૉક્ટર જોડે વાત કરે છે કે કઈ પણ થાય મને મારા બાળક પાસે જવું છે.

ડૉક્ટર ઘણુ સમજાવે છે પણ ખુશ્બુ એક ની બે નથી થતી.એની જીદની આગળ ડૉક્ટર હારી જાય છે અને ખુશ્બુને તેનાં બાળક પાસે જવાની પરવાનગી આપી દે છે.

ખુશ્બુ હોસ્પિટલ પહોચે છે. અને બાળકને જોઈ ને દૂરથી તેને વ્હાલ કરે છે અને એની જોડે વાતો કરે છે .તું ગભરાઈશ નહી હવે હુ આવી ગઈ છું તને કઈ નાં થવા દઉ.

ખુશ્બુનાં હાથ બાળકને સ્પર્શ કરવા માટે તડપી રહયા છે.પણ એ એમ કરી નથી શક્તી.ખુશ્બુ દિવસ રાત બેસીને એને જોયા જ કરે.એક વખત રાતે બાળકને દુધ આપવા માટે જે નળી નાખી હોય એ નળી નીકળી જાય છે. આ જોઈ ને ખુશ્બુ ખૂબ જ ગભરાઈ જાય છે.એ નર્સ ને બોલાવે છે પણ એક ઇમરજન્સી આવી હોવાને કારણે ત્યાં આઈ.સી.યુ પાસે કોઈ હતુ નહી. અને રાતે બાળક પાસે પણ કોઈ હતુ નહી. ખુશ્બુ એ રિસેપ્શન પર ફોન કર્યો તો ફોન પણ નાં લાગે.ખુશ્બુ ખૂબ જ ગભરાઈ ગઈ અને સાતમા માળેથી ફટાફટ ઉતરીને નીચે ગઈ અને નર્સને બોલાવી આવી.નર્સે આવી ને એ નળી નાખી ત્યારે ખુશ્બુનાં મનને શાંતિ થઈ.

આમ ને આમ પાંચ દિવસ થઈ ચુક્યા હતા. આજે બાળકની નામકરણની વિધી કરવાની હતી.એટલે બધા એ એનુ નામ શીવાંશ પાડવાનું વિચાર્યું.

શીવાંશને લગભગ બે મહિના સુધી હોસ્પિટલમાં રાખવામાં આવ્યો હતો.પછી એને રજા આપવામા આવી હતી.

શીવાંશનાં ઘરે આવવાથી ઘરે ફરી ઉત્સવનું માહોલ જોવા મળ્યું.

ખુશ્બુ હવે શીવાંશની ખૂબ જ કાળજી લેતી હતી.પણ ખુશ્બુને શીવાંશમાં કઈક ખામી હોય એવું લાગી રહ્યુ હતુ.શીવાંશ જેમ જેમ મોટો થતો હતો તેમ તેમ એનું વર્તન સામાન્ય બાળકોથી વિરૂદ્ધ હોય એવું લાગી રહયું હતુ.

નમન મને શીવાંશની બહુ ચિંતા રહે છે.એનો શારિરીક અને માનસિક વિકાસ સામાન્ય બાળકો જેવો નથી થઈ રહ્યો.ચાલ ને આપણે કોઈ ડોક્ટરને બતાવીએ.

સારુ ખુશ્બુ આપણે કાલે ડૉક્ટર પાસે જઈએ.

બંને ડૉક્ટર પાસે જાય છે.ડૉક્ટર એમને માનસિક રોગના ડોક્ટરને બતાવવાનું કહે છે.ત્યારે ખબર પડે છે કે શિવાંશ મંદ બુદ્ધિનું બાળક છે.ડોક્ટરે બંનેને સલાહ આપે છે કે તમારે શિવાંશની ખૂબ જ કાળજી રાખવી પડશે. અનેક પડકારોનો સામનો તમારે કરવો પડશે.

ખુશ્બુ અને નમન બંનેને હવે શુ કરવું એ વિશે કઈ સમજણ પડતી ન હતી.પણ ખુશ્બુ હિંમત નતી હારી.

નમન તુ ચિંતા નાં કર. આપણે બંને આપણા શિવાંશનો ઉછેળ ખૂબ જ સારી રીતે કરીશું.

ધીરે ધીરે શિવાંશ મોટો થતો ગયો પણ એનો માનસિક વિકાસ એવો ને એવો જ રહેતો હતો.ખુશ્બુ ને શિવાંશની ચિંતા હતી પણ એ ક્યારેય કોઈને જણાવતી નહી.

એક દિવસ ખુશ્બુ મંદબુદ્ધિનાં સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર પાસે જાય છે અને આવા બાળકોનો ઉછેર કઈ રીતે કરવો એ વિશેની સમજણ મેળવે છે.

ડૉક્ટરનાં કહ્યા પ્રમાણે ખુશ્બુ શિવાંશની દરેક વાતની કાળજી રાખતી.તે શિવાંશને ધ્યાન કરાવતી, હળવી કસરત કરાવતી. સંગીત સંભળાવતી એની જોડે ઘણી વાતો કરતી.એને નાના નાના કામો કરવા કહેતી.રોજ શિવાંશને ગાર્ડનમાં ફરવા લઈ જતી. એની પાસે જોડકણા બોલાવતી.

શિવાંશ હવે 12 વર્ષનો થઈ ગયો હતો.એને હવે થોડી થોડી સમજણ પડતી હતી કેમ કે ખુશ્બુ એને બધુ શીખવાડતી હતી.ગુસ્સો ન કરવો, ગુસ્સો આવે તો એને કઈ રીતે કાબુમાં લેવું આવી નાની બાબતો તે એને શીખવતી હતી.

શિવાંશને કેટલીક વાર ગુસ્સો આવતો તો એ હવે બધી વસ્તુઓની તોડફોડ કરતો. નહી તો ભિત જોડે માથું અફાડતો, નહી તો સામે જે પણ કોઈ હોય એને એ મારી દેતો હતો.

એક દિવસ શિવાંશ બીજા છોકરાઓ જોડે રમી રહ્યો હતો ત્યારે એક છોકરાએ એને ગાંડો કહ્યો એ સમયે શિવાંશને તરત જ મમ્મીની કહેલી વાત આવી ગઈ.

શિવાંશ આંખો બંધ કરી ને ઉંધી ગણતરી કરવા લાગ્યો અને ત્યાંથી થોડે દુર જઈ ને બેસી ગયો.

ઘરે આવી ને મમ્મી ને કહેવા લાગ્યો.

મી ઓ મી મને બધા ગાંડો કહે છે. હુ ગાંડો નથી ને મી?
મી મને એ લોકોની વાતો સાંભળી ને ખૂબ જ ગુસ્સો આવ્યો પણ મી મે એમને કઈ ન કર્યું.મી તે જે શીખવાડ્યું હતુ ને એવું જ મે કર્યું.પેલું મી દસ, નવ,છ એવું આંખ બંધ કરી ને બોલવાનું એવું જ મે કર્યું મી.

ખુશ્બુ એ એને એની વાતો સાંભળી ને એને ગળે લગાવી દીધો.

એક દિવસ શિવાંશને ખૂબ જ તાવ આવ્યો. તાવ આવતાં એનાં બધા રિપોર્ટ કઢાવ્યા તો રિપોર્ટમાં ન્યુમોનિયા આવ્યુ.ડોક્ટરે એને હોસ્પિટલમાં એડમિટ કરવાનું જણાવ્યું.કેમ કે તાવ શિવાંશનાં મગજે ચઢી ગયો હતો.

મી તુ મારી પાસે જ બેસજે હો.મને આજે બહુ બીક લાગે છે.મને લાગે છે મને બધા તારાથી દુર લઈ જઈ રહ્યાં છે.મી મને તારાથી દુર નથી જવું.મારે તારી પાસે જ રહેવુ છે મી.

શિવાંશ કોઈ તને મારાથી દુર ન કરી શકે.શિવાંશ બેટા હુ તારી પાસે જ છું.ચાલ આજે હુ તને એક હાલરડું સંભળાવું. એ સાંભળતા સાંભળતા તુ સુઈ જજે.

શિવાંશ ખુશ્બુનાં ખોળામાં માથું નાખી ને સૂતો હોય છે અને ખુશ્બુ એની માટે હાલરડું ગાઈ રહી છે.

"પારણીયું બંધાય,યશોદાજી ગાય,
લાલો મારો પારણીયાંમાં ક્યારે પોઢી જાય....
હે મારા લાલા ને હીંચકે ઝુલાવૂ,
હુ તો ગીત મધુરા તેં ગાઉં.....
"પારણીયું બંધાય,યશોદાજી ગાય,
લાલો મારો પારણીયાંમાં ક્યારે પોઢી જાય....

હાલરડું સાંભળતા સાંભળતા શિવાંશ એવો સુઈ ગયો કે ક્યારેય પાછો ઉઠ્યો જ નહી.

આમ શિવાંશ બધા ને છોડી ને કાયમ માટે પોઢી ગયો.

રાજેશ્વરી