sasraji books and stories free download online pdf in Gujarati

સસરાજી

છેલ્લા કેટલાય દિવસોથી ચાલતી લગ્નની તૈયારી નો ધમધમાટ હવે પૂરો થઈ ગયો હતો.ઓમનાથે તેના કાળજાના ટુકડાને સાસરે વળાવી દીધો.ને પોતાનાં ઘરે દિકરાની વહુ લાવી નાખી.બંને ભાઈ - બહેનનો પ્રસંગ એક સાથે જ પતાવી ઓમનાથ હળવા થઈ ગયા. ઓમનાથ નાની ઉંમરે વિધુર થઈ ગયા. દિકરો અર્શ બાર વર્ષ ને દિકરી આયુષી દસ વર્ષની હતી, જ્યારે ઓમનાથના પત્ની તેને નોધારા મૂકી સ્વર્ગે સિધાવ્યા ત્યારે.કુટુંબ,સગા,સબંધી બધાએ ઓમનાથને પુનઃ લગ્ન કરવા ઘણું સમજાવ્યાં. ને હજું ઓમનાથ ની ઉંમર પણ ક્યાં એટલી મોટી હતી! સારી નોકરી પણ હતી.જો તે ઈચ્છે ત તો તેને સારું પાત્ર પણ મળી જાત. પરંતુ ઓમનાથ મક્કમ હતાં. તેણે માતા અને પિતા બંનેનો રોલ સારી રીતે નિભાવ્યો. રસોઈ કરી બંને બાળકોને જમાડી સ્કૂલે રવાના કરી પોતાની નોકરીએ જતા. ધીમેધીમે આયુષી મોટી થવા લાગતા તે પપ્પાને કામમાં મદદ કરતી. ને અમૂક વર્ષો પછી તો આયુષી એ ઘર સંભાળી લીધું હતું. બંને ભાઈ બહેને કોલેજ પૂરી કરી લીધી હતી. અર્શે નાની નોકરી ચાલુ કરી દીધી. આયુષી ઘર સંભાળે.

હવે ઓમનાથ ને ઘરનું કંઈ કામ નહોતું કરવું પડતું.બંને ભાઈ બહેન હવે મોટા થઈ ગયા હોવાથી એ સારી પેઠે જાણતા હતા, કે પપ્પાએ આપડા સારા માટે જ બીજા લગ્ન નહોતા કર્યા. આનાં લીધે બંનેના દિલમાં પપ્પા માટે ખૂબ માન હતું.

હવે તો ઓમનાથ પણ આયુષી ઉપર નિર્ભર થઈ ગયા હતા. " બેટા આયુ, રસોઈને કેટલી વાર છે? મારે ઓફિસનું મોડું થાય છે.બેટા આયુ જો તો જરા મારો હાથ રૂમાલ મળતો નથી.બેટા આયુ, મારા ચશ્મા ક્યાં ગયા? આયુ મારી ગાડીની ચાવી તો દે..." ઓમનાથ ઓફિસે ન જાય ત્યાં સુધી આવી રાડારાડી કર્યા કરે. ને આવતાની સાથે જ. "બેટા આયુ, પાણી લાવજે જરા, બેટા આયુ, મસાલાવાળી ચા બનાવ ને બેટા આજે તો થાકી ગયો છું." ના પોકાર ઘરમાં ગુંજ્યા કરતાં. આયુષી પણ પપ્પાનાં આ બધાં કામ હોંશે હોંશે કરતી. ક્યારેક પપ્પા ને માથું દુઃખે તો વિક્સ લગાવી આપે.

ઘણી વાર ત્રણેય બેઠાં હોય ત્યારે ઓમનાથ કહેતાં, " આયુ તું સાસરે જતી રહે પછી હું હેરાન થઈ જઈશ."

આયુષી કહેતી, " લે.. પપ્પા, હું જાશ ત્યાં ભાભી આવી જશે.તેને પણ મારી જેમ કામ ચીંધી ચીંધી ને દોડાવ્યે રાખવાની."

ત્રણેય હસી પડતા. ઓમનાથ કહેતાં, " બેટા, દિકરી એ દિકરી ને વહું એ વહું."

" ના, પપ્પા એવું નથી વહું પણ કોઈકની તો દિકરી જ ને? " આયુષી વિરોધ કરતાં કહેતી.

આમને આમ સુખ દુઃખનાં દિવસો પસાર થઈ ગયા. સારું ઠેકાણું ગોતી. બંને ભાઈ બહેનના લગ્ન કરી દીધા. ઓમનાથની માથેથી જાણે એક બોજ હલકો થઈ ગયો. ઓમનાથ નિવૃત્ત થઈ ગયા હતા. દીકરા અર્શ ને પણ સારી જોબ મળી ગઈ હતી.અર્શ આખો દિવસ પોતાની કંપનીમાં કામે જતો રહેતો.તેની પત્ની આશુ આખો દિવસ ઘર કામ કર્યા કરતી.

ઓમનાથ આખો દિવસ ઘરે એકલા કંટાળતા. ટીવી પણ કેટલું જુએ? જિંદગી આખી તેણે ઘર ને ઓફિસ જ સંભાળી છે.તેને નથી કોઈ ખાસ મિત્રો કે જેની સાથે તે સમય વિતાવી શકે.નથી તેણે કોઈ ધાર્મિક પ્રવૃત્તિ કરી નહિતર તે ક્યાંક આશ્રમ કે મંદિરમાં સમય કાઢી શકે. પાનમાવાનું બંધાણ હોય તો પણ ગલ્લે જઈ ગપાટા મારી બે કલાક કાઢી શકાય.

તેને આયુષી સાંભરી આવી. તરસ લાગે તો વહું પાસે પાણી મંગાવતા પણ તેને સારું નોતું લાગતું.તો વહું રસોડામાં કામ કરતાં હોય ને ત્યાં જઈ જાતે પાણી પીવું પણ યોગ્ય નો કહેવાય. નવરા નવરા બધું ખાવાનું પણ મન થાય પણ કોને કહેવું? ઓમનાથ થાકી ગયાં. અર્શ કામે જાય પછી તે એકલા પડી જતાં. ઘડીક ટીવી જુએ. વળી પાછું એમ થાય કે વહુને થશે કે મારા સસરા તો આખો દિવસ ઘરમાં પડ્યાં રહે છે.આશુ સાફસફાઈનું કામ ચાલું કરે ત્યારે બહાર ગેટે ઉભા રહે.વળી પાછા મનમાં વિચારે કે આવતાં જતાં લોકો શું વિચારશે? થોડા દિવસોમાં તો ઓમનાથનું શરીર લેવાવા લાગ્યું.આશુ આ બધું જોયા કરતી.પણ નવી નવી હતી ત્યાં સુધી કંઈ બોલી ન શકી.સસરાની હાલત જોઈ આશુ સમજી ગઈ હતી.અર્શ ને પણ પપ્પાની ચિંતા થતી હતી.તેને તો સમજાતું જ ન હતું કે પપ્પાને શું થાય છે. એક દિવસ તો તેણે તેના પપ્પાને હોસ્પિટલ ચેકઅપ કરાવવા માટે લઈ જવા તૈયાર થયો.પણ ઓમનાથ તૈયાર જ ના થયા.

" મને કાઈ રોગ નથી ભાઈ, મારે દવાખાને નથી જાવું."

થોડા દિવસ થયા એટલે આશુ એ અર્શ ને પપ્પાજી નો મુંઝારો સમજાવ્યો.

આજે ત્રણેય જણ રાત્રે બેઠાં હતાં. આશુએ વાત ચાલું કરી, " પપ્પા, અર્શ કહેતાં હતાં કે તમે આયુષી બેનને આખો દિવસ કામ ચિંધ્યા કરતાં.ને આખો દિવસ તેના નામની બૂમો પાડયા કરતાં.જ્યારે હવે તો તમે મને કંઈ કામ પણ નથી ચીંધતા ને આખો દિવસ સૂનમૂન રહો છો.

ઓમનાથે કહ્યું, " બેટા, આયુ મારી દીકરી હતી.તમે મારા દીકરાના વહું છો.આયુ નો હું પપ્પા છું.તમારો તો સસરા કહેવાવ.તમારી મારે મર્યાદા રાખવી પડે."

ઘડીક શાંતિ પ્રસરી ગઈ. અર્શ પણ નીચું જોઈ ગયો.

આશુ બોલી, " તો સસરાજી, તમે જ મારા પપ્પા ના થઈ શકો? આયુબેન ની જેમ હું તમારી આશુ ના થઈ શકું?"

ઓમનાથ આશુની સામે જ જોઈ રહ્યા.તે ગળગળા થઈ ગયા. તેને પોતાની સાસરે વળાવેલી આયુ સામે ઉભેલી દેખાઈ.

અર્શે કહ્યું, "પપ્પા તમે ફરી હતા તેવા જ પપ્પા બની જાવ ને!!"

ઓમનાથે જોરથી કહ્યું, " બેટા આશુ..... જમવાની કેટલી વાર છે? થાળી તૈયાર કર કકડી ને ભૂખ લાગી છે."

ત્રણેય હસી પડ્યાં....

લેખક: અશોકસિંહ ટાંક
તા.૩/૯/૨૦૨૦

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED