અસ્તિત્વનું ઓજસ - 16 Dharvi Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અસ્તિત્વનું ઓજસ - 16

પ્રકરણ ૧૬


" હાંશ... પત્યુ " દિવ્યા બહેન એ લિફ્ટમાં પ્રવેશતા કહ્યું
" પૂજા આટલું બધું કામ એકલી કેમ કરતી હશે... સારું થયું તું હતી સુમન... બાકી હું એકલી તો... કેમ પહુંચી શકી હોત"

" તારે બધે ઘોડે સાથે ચડવું હોય તે થાક તો લાગે જ ને... તું અહીંથી તો રસોઈ કરવા માટે એવી રીતે દોડી હતી કે જાણે ત્યારે જ બધા જમી લેવાના હોય... અને વળી મે ના કહી તો પણ ફરી અહીંયા દોડી આવી ... તું નાહકની દોડધામ કર્યા કરે છે ... પછી થાક ના લાગે તો શું થાય. " સુમન બહેને ગ્રાઉન્ડ ફ્લોરનું બટન દબાવતા કહ્યું.

" તમને શું ખબર બહેન તમે રહ્યા ધંધા વાળા માણસો ... અમારે તો એ સાત વાગ્યે ઑફિસથી આવે અને આવતા સાથે નાસ્તો માંગે ... એના કરતા જમાડી જ દઉં મારે પણ વહેલું કામ પતી જાય અને સમયસર જમવાનું એ પચી જાય... " લિફ્ટ ગ્રાઉન્ડ ફ્લોર પર ઊભી રહી તે બંને પૂજાના એપાર્ટમેન્ટમાંથી બહાર નીકળી અને દિવ્યમ વિલાસમાં પહુંચ્યા. દિવ્યા બહેન એ પોતાના ફ્લેટનો દરવાજો ખોલ્યો લાઈટ પંખો ચાલુ કર્યા અને તે બંને લિવિંગ રૂમમાં રાખેલા સોફા પર ગોઠવાયા. એ આવ્યા તેને ખાસ્સી વાર થઈ ચૂકી હતી અને તો પણ એ બંનેની વાતો હજી ખૂટી ન હતી.

વાતો વાતોમાં દિવ્યા બહેનનું ધ્યાન સામેની દીવાલ પર ટીંગાડેલી ઘડિયાળ પર ગયું " સાડા સાત થઈ ગયા.. આજ તો પટેલ હજુ ના આવ્યા... લાવ જોઈ એમને ફોન લગાવું ..." દિવ્યા બહેન એ સોફાની બાજુમાં રાખેલા ટેબલ પરથી ફોન લીધો. તેઓ મોબાઈલ સ્ક્રીન સામે જોઈ અને આંગળીથી કશુંક રહ્યા હતા.

" વાહ દિવ્યા ... તને તો ટચ સ્ક્રીન ફોન પણ ફાવે છેને ...!" સુમન બહેન એ કહ્યું

" હા... એ આ છોકરાઓ માટે શીખી .. નિલય સાથે વાત કરવી હોય તો નેન્સીને કહેવું પડતું .... અને તું તો જાણે છે કે એ ભણવા બેસે પછી બધું પતાવીને જ ઊભી થાય... એટલે પછી ધીમે ધીમે હું એ શીખી ગઈ ... એમ પણ આમાં ગુજરાતી આવે છે એટલે આપડું ગાડું ચાલ્યું ... બાકીનું વધ્યું ઘટયું નિલય શીખવાડે એટલે ચાલે "દિવ્યા બહેનએ કારણ આપતા કહ્યું

" મને તો આ ફાવતો જ નથી આજ રાધિકા એ એનો ફોન આપ્યો હતો સવારે તો પણ મારે પેલા ભાઈને કહેવું પડ્યું કે લગાડી આપો... આપણે તો આ સાદો બરાબર છે " સુમન બહેને પોતાના હાથમાં રહેલા ફોન તરફ ઈશારો કર્યો

" તે તું રેયાંશ સાથે વાત નથી કરતી કે ... " દિવ્યા બહેન એ પૂછ્યું

" થતી હોય પણ હમણાં એની પરીક્ષાઓ ચાલે છે તેથી સમય નથી મળતો. બાકી એ તો રાધિકાના ફોન માં વિડિયો કૉલ પણ કરે " સુમન બહેન એ કહ્યું

" તે તું એ શીખને ... તું તો ઘણુંબધું ભણેલી છો તને તો અંગ્રેજી પણ આવડે છે " દિવ્યા બહેન એ કહ્યું

" હમમ... " સુમન બહેન એ એમની એ વાતને ટૂંકા જવાબથી જ સંકેલી લીધી. કદાચ તેઓ આ વિશે વાત કરી અને જૂના જખ્મોને તાજા કરવા નોહતાં માંગતા. " ચાલો હું નીકળું હવે ... પૂજાને છોકરીઓ આવી ગયા હશે... અને હા નેન્સી આજ મારે ત્યાં જ જમશે માટે તું એની રાહ નહિ જોતી"

" અરે બાઈ ... મને તો ખબર જ હતી. હું રસોઈ કરવા આવી ત્યારે જ રાધિકાનો ફોન આવી ગયો હતો.... આ તમે બેય
માં - દીકરી થઇ અને અમારી ટેવ બગાડો છો " દિવ્યા બહેન એ કહ્યું

" તે ભલેને ... નેન્સી એ મારી દીકરી જ છે ને... આ બધી દીકરીઓ કાલે એના ઘરે ચાલી જશે... પછી તો એ આપણી ક્યાં કહેવાશે. મને તો ખરેખર ક્યારેક વિચાર આવે કે મારી રાઘુ થોડા દિવસોમાં જ મને મૂકીને ચાલી જાશે" સુમન બહેને નિશાસો નાંખતા કહ્યું

" લે ... સુમન તું તો અત્યારથી રાધિકાની ચિંતા કરવા લાગી... હજુ રેયાંશનું તો થઈ જવાદે... આમેય રાધું તો હજી નાની છે. તું અત્યારથી ક્યાં એને ઘર સંસારમાં પાડવાની વાતો કરે છે " દિવ્યા બહેનના આ કહેણ સાંભાળતા જ સુમન બહેનને લાગ્યું કે એમના વર્ષો જૂના જખમ જાણે ઉપર ઉઠી રહ્યા છે.
જે ધા અમને આટલા વર્ષોથી છુપાવ્યો હતો. આજ એ ઘા પરથી દિવ્યા જાણતાં અજાણતા જ પડદો ઉઠાવી રહી હતી. એવું એમને લાગ્યું
અત્યારે આંખો બંધ કરતાની સાથે જ એમને એક દ્રશ્ય
દેખાવા લાગ્યું હતું જેમાં. એક સ્ત્રી અને પુરુષનો ઉગ્ર સંવાદ ચાલી રહ્યો હતો. જેમાં સ્ત્રી પેલા પુરુષને જોરજોરથી બરાડા પાડીને કહી રહી હતી.
" આજ નહીં તો કાલે ઘર સંસાર તો સંભાળવો પડશેને... અને એના આ બે ચોપડા માટે હું એનો સંસાર સળગાવવા નથી માંગતી... માવતર બધું હલાવે જશે ત્યાં નહિ હલાવે... એ મારે એને સમજાવું જ પડશે"
" પણ આપણે એમને થોડો સમય રાહ જોવા કહીએ મને ખાત્રી છે કે એ આપણી વાત સમજશે બાકી મારી દીકરી હજુ એટલી પણ મોટી નથી થઈ. હું બીજું ઠેકાણું ગોતી લઈશ.. " પેલો પુરુષ એ સ્ત્રીને સમજાવતા કહી રહ્યો હતો.

" એ ... લાજો લાજો ... સગપણ નક્કી થઈ ગયું છે અને એક દીકરીના માવતર થઈ અને આપણે સગપણ તોડીએ .... ના એ તો નહિ જ બને કમ સે કમ મારા જીવતા તો નહિ જ ... "

" પણ એમની સાથે વાત તો કરી શકાઈને ... " પેલા પુરુષ એ સ્ત્રીની દલીલો સામે જીતવાનો વધુ એક પ્રયાસ કરી જોયો

" તમને શું લાગે છે મે પ્રયાસ નહિ કર્યો હોય ... " આટલું તો એ સ્ત્રી માંડ માંડ બોલી શકી.હવે એનું ગળુ ભરાઈ આવ્યું હતું " હું લાચાર છું .... બાકી તો એ આજે પણ મારા શરીરનો અંશ છે " આ શબ્દો બોલતાની સાથે જ એમનું અત્યાર સુધી રોકી રાખેલું રુદન આંખમાંથી સરિતાના નીરની જેમ વહી નીકળું.

આ દ્રશ્ય એ સુમન બહેનની આંખોમાં પાણી લાવી દીધા હતા.
દિવ્યા બહેને એમના ખંભે હાથ મૂક્યો. " અરે.... સુમન અત્યારથી શું રડવા લાગી... હજી તો વાર છે"

સુમન બહેન, દિવ્યાના સ્પર્શથી વર્તમાનમાં આવી ગયા. એમને હાથેથી આંસુ લૂછ્યા. " હા તું શું કહેતી હતી..."

" એમ જ કે રાધું હજી નાની છે પહેલાં રેયાંશને પરણાવીદે પછી રાધુનું વિચારજે ... ત્યાં નેન્સી એ મોટી થઈ જાય... પછી બેઉને એક માંડવે જ પરણાવી દઈશું " દિવ્ય બહેને મજાક કરતા કહ્યું. હવે સુમન બહેને પોતાની જાતને સંભાળી લીધી હતી. એ દિવ્યાને વાતોના એના જ અંદાજમાં જવાબ આપી રહ્યા હતા અને બંને હસી રહ્યા હતા. એમના હસવાનો અવાજ દરવાજો ખુલ્લો હોવાના કારણે છેટ બહાર સુધી પહુંચી રહ્યો હતો જેની બે માંથી કોઈને ખબર ના હતી.

બધી વાતોને અંતે પણ છેલ્લી વાત તો રાધિકાના લગ્ન પર આવીને જ અટકી. " જેને તું નાનકડી દીકરી કહે છે ને દિવ્યા, એ દીકરી આ વર્ષે બાવીસની થશે ... વિશ્વાસ તો મને પણ નથી થતો... એનો પહેલો પગરવ હજીએ યાદ છે અમારું એ ગામડાનું ઘર... આખુએ ગુંજી ઉઠ્યું હતું જ્યારે એ પહેલી વાર પોતાના પગ પર ચાલતી થઇ હતી" સુમન બહેન યાદ કરીને બોલી રહ્યા હતા... " મે તો હજુ એની એ ઝાંઝરી સાચવી રાખી છે..." એમને આંખો બંધ કરી ત્યારે એમને રાધિકાના બાળપણથી લઈ અને અત્યાર સુધીની સ્મૃતિઓ એમની નજર સમક્ષ તરી આવી " ખરેખર દીકરીઓ બહુ જલ્દી મોટી થઈ જાય છે "

" હા સુમન તારી વાત સાવ સાચી છે હો... નેન્સી પણ આવતા વર્ષે કોલેજમાં આવી જશે " દિવ્યા બહેન એ કહ્યું

" હા હો એ તો છે ... અને એ પણ કહી દઉં કે નેન્સી હજુ નાની છે ભણી લેવા દેજે એને અને જો મને નેન્સીએ ફરિયાદ કરી કે તું એની પાસે કામ કરાવે છે તો મારી ઘરે જ રાખી લઈશ એને... સમજી. " સુમન બહેન એ છેલ્લા શબ્દ પર ભાર આપતા કહ્યું.

" હા લઈ જ જા ... દીધી તને ... પણ એના બદલામાં રાધિકાને મને સોંપી દે" દિવ્યા બહેને કહ્યું અને બરાબર ત્યારે જ દિનેશભાઈ એ દરવાજો ખોલ્યો.

" આ લે.... લે હમણાં બેય બહેનપણી હસતા હતા અને હું આવ્યો એટલે બાધવા લાગ્યા" એમને ટીપાઈ પર બેગ મૂકતા કહ્યું અને પછી તેઓ સાઈડમાં ગોઠવાયેલા સિંગલ સોફા પર બેસી ગયા. " કેમ છો શેઠાણી ... મજામાં ને ...? ક્યાં ગયા અમારા શેઠ... આવ્યા નહી એ ...? " દિનેશભાઈ એ સુમન બહેનની સામે જોઈ અને પૂછ્યું

સુમન બહેનએ દિનેશ ભાઈને અંદર આવતા જોઈ અને સાડીનો છેડો ખંભા પાસેથી વીંટી લીધો.
" હા ભઈલા એકદમ મજામાં ... તમારા ભાઈ તો મોડા આવશે... હમણાંથી તો એમને બહારગામ જવાનું બહુ થાય છે " પછી એમણે દિવ્યા બહેન સામે જોઈ અને ઉમેર્યું " ચાલ દિવ્યા રાત્રે મળીએ જય શ્રી કૃષ્ણ " તેઓ સોફા ઉપરથી ઊભા થઈ ગયા.

" અરે ભાભી બેસવું નથી ... ? " દિનેશ ભાઈએ આગ્રહ કરતા પૂછ્યું.

" ના ... ભઈલા પૂજાને લઈ છોકરીઓ આવતી જ હશે. તમે અને દિવ્યા રાત્રે ઘરે આવો છો ને...? " સુમન બહેને દિનેશભાઈ સામે જોઈ અને પૂછ્યું

" જી ભાભી જરૂર "દિનેશભાઈ એ જવાબ આપ્યો.

એમનો જવાબ સંભાળ્યા પછી સુમન બહેન ફ્લેટની બહાર નીકળી અને ચંપલ પહેરવા લાગ્યા. તેમની પાછળ દિવ્યા બહેન પણ નીકળ્યા. તેમને દિનેશભાઇને ઇશારાથી જ સમજાવી દીધું કે હું સુમનને નીચે મૂકવા જઈ રહી છું

" હાલ હું નીકળું હો ... રસોઈ પણ બાકી છે... પારૂલ એકલી ક્યાં પહોંચશે..." સુમન બહેનએ એપાર્ટમેન્ટનું છેલ્લું પગથીયું ઉતરતા કહ્યું

" હા ... જરૂર હોય તો કહેજે હું એ આવીશ આમેય અમારે તો હમણાં પતી જાશે" દિવ્યા બહેને કહ્યું

" ના રે ... તું આવજે નિરાંતે ... જય શ્રી કૃષ્ણ " સુમન બહેન ત્યાંથી ચાલ્યા ગયા એમને જતાં જોઈ દિવ્યા બહેન પણ લિફ્ટ તરફ આગળ વધ્યા.

***
" તેજ ભાઈ તમે .... ! " પૂજા એ તેજસ સામે ઉભા રહી અને કહ્યું
તેજસે પોતાનું નામ સાંભળતા જ આંખો ખોલી. સામે પૂજાને ઊભેલી જોઈ એ ઓળખી તો ગયો પરંતુ એના મગજમાં બીજા જ વિચારો ચાલી રહ્યા હતા. તેને પૂજાના ચહેરા સામે ક્ષણ ભર જોયું. એ સવાર કરતા સાવ અલગ દેખાઈ રહી હતી.
તેની વ્યવસ્થિત પહેરાયેલી સાડી, ક્લિપ નાંખીને બાંધેલા વાળ, કપાળ પરનો ચાંદલો અને સેંથામાં સિંદૂર તેજસ સમક્ષ એક વ્યવહારુ અને કુશળ ગૃહિણી તરીકેની છાપ ઉભી કરી રહ્યા હતા. તેજસે તેની સામે તો જોયું પરંતુ તેના મગજનો એક ખૂણો હજુ પેલી સુગંધ વિશેના વિચારવામાં વ્યસ્ત હતો તેથી તેને પૂજાને શું જવાબ આપવો એ સુજ્યુ નહિ.

પૂજાએ તેેજસને ફરી કહ્યું
" તેજસ ભાઈ ... "

" જી .... " તેજસે થોડી ક્ષણો પછી જવાબ આપ્યો. " તમે મને કંઇ કહ્યું ...? " તેને પૂછ્યું

" હા હું એમ પૂછી રહી હતી કે ... તમે અહીંયા...? " પૂજા એ પૂછ્યું

" હા ...મમ્મી એ તમારી તબિયત પૂછવા કહ્યું હતું " તેજસે કહ્યું

" તો પૂછો .... " પૂજા મસ્તીના મૂડમાં હતી પરંતુ એ તેજસને સમજાયું નહિ

" જી... આપને કેમ છે હવે ...? " તેજસે પૂછ્યું

" મજામાં ..." પૂજાએ જવાબ આપ્યો. પછી ખાસ્સી ક્ષણો વીતી ગઈ પરંતુ તેજસ તરફથી કંઈ જવાબ મળ્યો નહિ એટલે પૂજાએ આગળ ચલાવ્યું " આન્ટીને કહેજો હું મજામાં છું "

તેજસે માત્ર " જી ... " કહ્યું હવે તેને શું કરવું એ સમજાયું નહિ. એ એમનો એમ નીચી નજરે ત્યાં ઊભો હતો.

પૂજાને લાગ્યું કે એ કંઇ બોલશે નહિ. માટે અને ફરી ચાલુ કર્યું " આવજો ..."

" હમમ " કહી તે લિફ્ટ તરફ ફર્યો અને ચાલવા લાગ્યો.
હજુ તેણે બે ડગલાં માંડ ભર્યા હતા ત્યાં પૂજા ફરી બોલી
" મે પ્રેમનાં મોઢેથી આપના વખાણ સંભાળ્યા હતા પરંતુ મને ખ્યાલ ના હતો કે તમે ખરેખર આટલા સીધા હશો "

આ સાંભળી તેજ પાછો ફર્યો " જી આપે મને કહ્યું... ? " તેને નીચી નજરે જ પૂજાને પૂછ્યું

" જી હાં... મે આપને જ કહ્યું ... " પૂજા એની સામે જોઈને બોલી

તેજસને સમજાયું નહિ કે તેને આગળ શું વાત કરવી માટે તેને પ્રેમ વિશે પૂછ્યું
" પ્રેમ ભાઈ ક્યાં છે ... ? "

" એ તો દુકાને ગયા છે પણ જો તમને વાંધો ના હોય તો તમે અમને કંપની આપી શકો છો ... ભલે આન્ટી એ ના કીધું હોય" પૂજાએ છેલ્લું વાક્ય હસ્કી અવાજમાં કહ્યું.

" જી " તેજસે કહ્યું

" ચાલો રૂમ તરફ જઈશું ... આપણે ત્યાં જ બેસીએ. આમ પણ ત્યાં છોકરીઓ એકલી છે " પૂજાને લાગ્યું કે તેઓ એ અજાણ્યા થઈને પણ એમની આટલી મદદ કરી છે એટલે એમને એમજ પાછા મોકલી દેવા યોગ્ય નહિ ગણાય માટે તેને રૂમમાં આવવા કહ્યું

" જી ..." તેજસે નીચી નજર રાખીને જ જવાબ આપ્યો અને તે બંને રૂમ તરફ ચાલતાં થયા.

" તમને ... ' જી ' સિવાય કંઇ બોલતા નથી આવડતું કે ...? " પૂજા એ પૂછ્યું.

આ સવાલના જવાબમાં તેજસ માત્ર નાનું એવું સ્મિત કર્યું. એને હવે સમજાઈ રહ્યું હતું કે પૂજા તેની સાથે મસ્તી કરી રહી છે.

" ખરેખર... વિદેશમાં ભણેલો છોકરો આટલો સીધો અને વેલ કલ્ચર્ડ હોય શકે એવું મે પહેલી વાર જોયું" તેજસ પૂજાની વાત સાંભળી પણ એ આગળ જવાબ આપે ત્યાં સુધીમાં એ બંને રૂમ સુધી પહુંચી ગયા હતા.

તે બંને અંદર પહોંચ્યા ત્યારે બંને છોકરીઓ એકદમ ડાહી થઈને ઊભી હતી જાણે એ એમના આવવાની જ રાહ જોતી હોય.
રીંકલ અને નેન્સી બંને પૂજા સાથે આવેલા માણસને જોઈ રહ્યા હતા. એ બંનેના મનમાં એમ હતું કે પૂજાની સાથે જે માણસ આવી રહ્યો છે એ જ ડૉકટર છે માટે તે બંને એ પાણીપુરી પ્લેટો સહિતનું સ્ટ્રેચર રૂમના બીજા ખૂણામાં જવા દીધું અને તેના પર ઓઢણી ઢાંકી દીધી. આમ જોવા જઇએ તો એ બંનેની વાત ખોટી ના હતી. તેજસ ઓફ વ્હાઇટ કલરના જેકેટમાં ડોકટર જ લાગી રહ્યો હતો.તેમાં પણ અંદર તેને ઈન કરેલું ફોર્મલ પહેર્યું હતું. તેથી તેને ઓળખવમાં કોઈ પણ થાપ ખાઈ શકે એમ હતું
" તમે બંને કેમ આમ ડાહ્યા થઈને ઉભા છો... અત્યારે તો તમારા ટીચર પણ નથી... બધું ઠીક તો છે ને ...? " પૂજા એ પૂછ્યું

" જી ભાભી બધું ઠીક છે " રીંકલે એ બંનેની થોડી નજીક આવી અને જવાબ આપ્યો.

" રીંકલ આ તેજસ ભાઈ છે .... તને ખ્યાલ હોય તો આમના મમ્મી આપણી ઘરે દિવાળી પર આવેલા... " પૂજા એ કહ્યું. અને રીંકલે એમને બે હાથ જોડી અને "જય શ્રી કૃષ્ણ " કહ્યું સામે તેજસે પણ એક હાથ છાતી પર રાખી અને માથું જુકાવ્યું.

રીંકલે હળવેકથી પૂજાના કાનમાં કહ્યું " એ આન્ટી એ તો એમ કહ્યું હતું કે એમના દીકરા વિદેશમાં હજુ ડૉકટર નું ભણી રહ્યા છે તો પછી એ આપણી મદદ કઈ રીતે કરી શકે "

" હા ... તો તેજસ ભાઈ છ મહિના પહેલા જ વિદેશથી આવ્યા છે... " પૂજા એ પણ બીજા કોઈને સંભળાઈ નહિ એ રીતે જવાબ આપ્યો.

" પણ એ આન્ટી તો એ દિવસે બીજુ જ નામ લઈ રહ્યા હતા" રીંકલે એને ફરી પૂછ્યું

એ બંનેની વાતો તેજસ સાંભળી રહ્યો હતો એને લાગ્યું કે એ બંને વરચે ગૂંચવણ ઊભી થઈ રહી છે માટે તેને પૂજા સામે જોઈ અને પૂછ્યું " તમને વાંધો ના હોય તો હું મારો પૂરો પરિચય આપી શકુ...? "

" હા ... હા ... ચોક્કસ " પૂજા એ કહ્યું

" મારું નામ તેજસ તન્ના છે મે પી.એચ.ડી. કર્યું છે માટે હું ડોકટર છું." તેને કહ્યું અને પછી રીંકલ સામે જોઈ અને ઉમેર્યું " મમ્મીએ તે દિવસે તમને કદાચ સમર વિશે વાત કરી હશે. એ મારો નાનો ભાઈ છે અને એ હજુ એ ભણી જ રહ્યો છે "

" હા એ જ તો ... મે નોહતું કહ્યું ભાભી કે એમનું નામ તેજસ નોહતા બોલ્યા એ આન્ટી " રીંકલે કહ્યું અને તેજસના ચહેરા પર સ્મિત આવી ગયું.
પૂજાને મનોમન તેજસની સમજદારી પર માન થઈ આવ્યું. એને શું વાત છે એ પૂછ્યું પણ નહિ અને ગૂંચવણ પણ ઉકેલી દીધી.

અત્યાર સુધીનું આ બધુ દૂરથી સાંભળી રહેલી નેન્સી, નજીક આવી અને કહ્યું " એનો મતલબ કે તમે એ ડોકટર નથી ને જે ભાભીને તપાસવા આવવાના હતા."

" જી .. નહિ... હું એ નથી " તેજસ એ જવાબ આપ્યો

" સરસ ચાલો હવે તો અમે તમારી સામે નહિ પણ તમારી સામે જ પાર્ટી કરીશું ... બરાબરને ભાભી" નેન્સી એ કહ્યું

" હા ચોક્કસ " પૂજા એ કહ્યું. પરંતુ તેજ ને સમજાયું નહિ કે શેની પાર્ટી. એને લાગ્યું કે કદાચ પૂજાની સાજા થઈ જવાની ખુશીમાં કેક મંગાવી હશે પરંતુ તેની સામે જ્યારે સ્ટ્રેચર પરથી ઓઢણી ઉઠાવવામાં આવી ત્યારે એને ખબર પડી કે એ લોકો પાણીપુરીની પાર્ટીની વાત કરી રહ્યા હતા.

" તમને ચાલશે ને ...? " રીંકલે તેજસની સામે જોઈ અને પૂછ્યું

" હા ... પણ મે આ ડિશ કોઈ દિવસ ચાખી નથી " તેજસ એ કહ્યું

" હેં તમે આ કોઈ દિવસ પાણીપુરી નથી ખાધેલી ..." નેન્સી એ પૂછ્યું

" ના... કેમ કે હું દસમા ધોરણથી જ વિદેશ ચાલ્યો ગયો હતો અને એના પહેલાં પણ બોર્ડિંગ માં હતો એટલે અહીં વિશે બહુ ઓછી ખબર હોય" તેજસ એ બહુ સરળતા જવાબ આપ્યો

" ગજબ કહેવાય ... પણ જો તમે અહીં નોહતા રહેતા તો પછી તમે આટલું બધું ગુજરાતી કેમ બોલી શકો છો " રીંકલે પૂછ્યું " હા .... હો એ વાત તો સાવ સાચી તારી ... કહો જોઈ કેમ આવડે છે આપને ગુજરાતી " નેન્સી એ પણ રીંકલની વાતમાં તેનો સાથ પુરાવ્યો.
તેજસ એ બંનેના પ્રશ્નોના જવાબ આપી રહ્યો હતો. આ જોઈ પૂજાને થયું કે એને રાધિકાને પણ બોલાવી લેવી જોઈએ તેથી તેને નેન્સી પાસેથી મોબાઇલ લઈ અને રાધિકાને ફોન લગાવ્યો પરંતુ તેનો ફોન વ્યસ્ત બતાવી રહ્યો હતો. તેને થોડી મિનિટો પછી પાછો લગાવ્યો ત્યારે તેનો કૉલ તરત જ ઉપડી ગયો.

" હેલ્લો રાધિકા દીદી .... તમે કેમ હજુ ના આવ્યા બધું ઠીક તો છે ને ...? " પૂજા એ પૂછ્યું

" હા ભાભી બધું ઠીક છે તમે લોકો નાસ્તો કરી લેજો મને વાર લાગશે કેમ કે રેયાંશનો ફોન ચાલુ છે એટલે એ પતાવીને જ હું ઉપર આવીશ. " રાધિકા એ કારણ જણાવ્યું

" ઓહ્ સારું ચાલો ... " જો તેજસ હાજર ન હોત તો પૂજાએ ચોક્કસ રાધિકાની રાહ જોઈ હોત પરંતુ પરિસ્થિતિ જ એવી હતી કે એની ઇરછા હોવા છતાં એ રાહ જોઈ શકે એમ ના હતી માટે તેને એ સ્વીકારી લીધું અને કહ્યું..." રેયાંશ ભાઈને અમારી યાદી આપજો કહેજો હવે વહેલા વહેલા આવો "

" હા ભાભી એ હોલ્ટ પર છે માટે તમે ત્યાંથી કૉલ ડિસ્કનેક્ટ કરી નાંખજો " રાધિકા એ કહ્યું અને પૂજા એ ફોન રાખી દીધો.
હવે માત્ર રાધિકા અને રેયાંશ જ કૉલ પર જોડાયેલા હતા

" હાં તો કહે જોઈ તારે મારી બંગડીનું માપ શું કરવા જોઈએ છે ...? " રાધિકા ફોન પર રેયાંશને પૂછી રહી હતી.

" એ બધું હું તને પછી કહીશ .... અત્યારે તો તું મારી ડાહી ડાહી બહેન થઈ અને મારું કામ કરી આપ " રેયાંશે કહ્યું

" અને જો ના કરી આપુ તો ..." રાધિકા એ કહ્યું


( ક્રમશઃ )