તેની સાથે સાથે ગર્લ્સ હોસ્ટેલ માં પણ એક રૂમની લાઈટ ચાલુ થયેલી. તે છોકરી બારી પાસે ઊભી પોતાનો હાથ જોઈ રહી હતી અને ધીમા સ્વરે બબડી રહી હતી. કોણ હશે એ…? અહીંયા શું કામ આવ્યો હશે… ? જો તે રેગીંગનો બદલો લેવા જ આવ્યો હતો તો પછી.... બહાર કેમ ઉભો રહ્યો અને... ખરેખર એ ચોર હતો તો મને જોઈને ડરી ગયો હોત.... અને આમ , પણ તે ચહેરા થી તો એવો દેખાઈ રહ્યો ન હતો. તેની આંખ સામે રેયાંશ નું ચિત્ર ઊભું થઈ રહ્યું હતું. આંખમાં થોડો ગુસ્સો થોડો અપરાધ ભાવ અને ચેહેરો એકદમ નિર્દોષ તેની શેપ આપેલી દાઢી પર દ્રઢતાથી ભીડાયેલા હોઠ અત્યારે પણ એની નજર સામે દેખાઈ રહ્યા હતા. આ જ આંખો તેને પહેલાં પણ આવી ચૂકેલી હતી પણ ક્યાં...?
તે છોકરી આ બધું વિચારી રહી હતી ત્યારે પાછળથી તેના ખંભે કોઈએ હાથ મૂક્યો તેણીએ ચોંકી અને પાછળ જોયું.
“ શું વિચારે છે રાગિણી…?”
“ કંઇ નહિ તમે હજુ જાગો છો આશા દીદી..?” રાગિણી તે છોકરી સામે નજર ના મેળવી શકી. તેણીએ પોતાનો ડાબો હાથ પાછળ છૂપાવી દીધો.
“ હા …. પણ તુ જરૂર મારાથી કંઈ છૂપાવે છે રાગિણી…! બોલ જોઈ શું થયું છે તને”
“ અં…. ના દીદી એવું કંઈ નથી એ તો બસ એમજ … હું શું છુપાવું તમારાથી”
“ એમ… તો પછી બતાવ જોઈ તારો ડાબો હાથ” રાગિણી આગળ કંઈ બોલે તે પહેલા આશાએ તેનો હાથ બાવડા એ થી આગળ ખેંચ્યો અને તેમાં પડેલો ચિરો તેને આંખના ઇશારાથી બતાવ્યો.જાણે પૂછ્યું હોય કે આ શું છે તો પછી. રાગિણી વિચારી રહી હતી કે પેલા છોકરાની વાત કહેવી કે નહિ કેમ કે આશાને લગભગ આખી કૉલેજ ઓળખતી તેનું કારણ તેની શારીરિક અને માનસિક બંનેની સ્વસ્થતા હતી. તે સ્પોર્ટ્સ માં હંમેશા આગળ રહેતી જેથી કૉલેજના છોકરા પણ તેની સાથે ટક્કર લેતા પહેલા વિચાર કરતા.
“ દીદી એ પેલા છોકરા એ…” આટલું સાંભળતા જ આશાની આંખમાં ગુસ્સો તરી આવ્યો રાગિણી કશું આગળ બોલે તે પહેલાં જ તે પૂછવા લાગી.
“ કોણ છોકરો…? કાર્તિક ની ટીમ માંથી કોઈ હતો…? અને તને આ કેવી રીતે માર્યું” આશા એ રાગિણી ને પળ વાર માં તો કેટલાયે પ્રશ્નો પૂછી નાખ્યાં. રાગિણી એ હજુ પણ સ્વસ્થ હતી. પરંતુ તે આશાનું આ વર્તન સમજી શકી ન હતી. તેણી તેને સેટી પાસે લઈ ગઈ અને બેસવા માટે કહ્યું. આવી રીતે આશાને માત્ર રાગિણી જ ઠંડી પાડી શકતી. તે ગુસ્સામાં હોય અને તેને કોઈએ જવાબ ના આપ્યો હોય તો તે ધૂળ કાઢી નાખતી પણ રાગિણી પાસે તેને સાચવવાની આવડત હતી અને બેઓની દોસ્તી પણ આ કારણ થી જ થઈ હતી. બાકી કોઈ પણ નવા વિદ્યાર્થી એક વર્ષ સુધી તો અજાણ્યો જ રહેતા.
“તમે પહેલા પાણી પીવો હું બધું કહું છું” રાગિણી એ ત્યાં પડેલી બોટલમાંથી ગ્લાસમાં પાણી આપ્યું. આશા એક ઘૂંટ માં જ આખો ગ્લાસ ગટગટાવી ગઈ.તેણીએ ફરી રાગિણી તરફ જોયું હવે જવાબ દેવાની વારી રાગિણીની હતી.
આશા ઘણા દિવસથી રાગિણી ને પરેશાની માં જોઈ રહી હતી. તે જાણવા માંગતી હતી પરંતુ સીધી રીતે પૂછી શકે એમ ન હતી તેથી આજ તેની પાસે સરો મોકો હતો. મન માં તો એ પણ જાણતી હતી કે પોતાનું વર્તન થોડું વધુ છે પરંતુ આના સિવાય તેની પાસે બીજો કોઈ રસ્તો ન હતો.
“ દીદી આમાં એમનો કોઈ વાંક નથી. મને લાગ્યું કે વૈશાલી ને એ લોકો કહેતા હતાને કે તેની વસ્તુઓ ચોરી થઈ જાય છે તો મને એવું લાગ્યું કે તે ચોર હશે એમ વિચારી અને હું ત્યાં ગયેલી પણ એ બીજું કોઈ હતું”
“ જે કોઈ પણ હતું પણ એને તને મારવાની શી જરૂર પડી…?” આશા એ પૂછ્યું
“દીદી અને ખબર જ ના હતી કે પાછળ હું છું અને લાગ્યું હશે કે કોઈ તેને મારવાની કોશિશ કરી રહ્યું છે એટલે તેને મારો હાથ બેવડ વાળ્યો અને એમાં જ મારું કાચનું કડુ તુંટી ગયેલું જેથી આ ચિરો પડી ગયેલો... બસ આટલું જ”
“ છોકરી તું મને કોઈ વાર્તા સંભળાવી રહી હોય તેવું મને લાગે છે અને ખબર ના હતું કે ગર્લ્સ હોસ્ટેલ માં છોકરીઓ સિવાઈ બીજું કોણ હોઈ શકે.”
“ પણ દીદી આ જ સત્ય છે”
“ જો એ હીરો તને ગમતો હોય તો એમ કહે કેમ કે આટલી રાત્રે તો કોઈ આશિક જ મળવા આવી શકે કેમ કે જો તે કર્તિકના ફ્રેન્ડ માંથી કોઈ હોત તો તે પણ ચાદર ઓઢી અને બધી છોકરીઓ ને ડરાવવામાં તેમની સાથે હોત.” આશાને કોઈ પણ રીતે તેની પાછલા દિવસની પરેશાની નું કારણ જાણવું હતું. તેથી તે રાગિણી ને અલગ અલગ વાતોમાં ઉલજાવી રહી હતી. એમાં પણ રાગિણી એ ચોરીનું બહાનું માર્યું એટલે તેની શંકા વધી. કેમ કે તે છેલ્લા કેટલાક દિવસ થી રાગિણી ખૂબ વિચારમાં રહેતી હતી. આજ આ બનાવ સાથે આશા એ પોતાની શંકા જોડી દીધેલી.
“ દીદી એવું કશું જ નથી હું તો બસ મારી…” તે આગળ કશું બોલી નહિ
“ મારી…? શું આગળ બોલ” આશા એ કહ્યું
“ કંઈ નહિ સવાર થવા આવી છે હું નાવા જઈ રહી છું” આટલું બોલી રાગિણી ઊભી થઈ ગઈ. આશા કંઈ આગળ પૂછે તે પહેલાં રાગિણી એ કહી નાંખ્યું “ આજ કૉલેજ જઈ અને પહેલું કામ આપણે તે છોકરાને શોધવાનું કરીશું”
આશા હવે ફસાઈ હતી કેમ કે અને તો માત્ર તેની મુશ્કેલીઓ જાણવા માટે આ વાત પૂછી હતી. “ જે હશે તે સામે તો આવશે જ” તે બોલી અને તેની સાથે જ એણે બધા વિચાર ખંખેરી નાખ્યા અને તેને પોતાનો ફોન શોધી એક નંબર લગાવ્યો. પણ સામે છેડે થી પણ તેને પોતાની વાત જ સાંભળવા મળશે તેવી તેને ખબર ના હતી.
“ શું થયું રાધિકા કેમ બોલતી નથી પૂજાએ તને કશું કહ્યું છે …?” પ્રેમ રાધિકાને મૂકવા તેના ઘર તરફ જઈ રહ્યો હતો. શેરી સાવ નીરવ હતી. સવારના સાડા પાંચ વાગ્યા હોવાથી ગુલાબી ઠંડીનો માહોલ હતો.
“ ભાઈ મારે તમને એક વાત કહેવી છે” કાલ રાત્રે શું થયું હતું તે વાતની રાધિકા ને પૂરેપૂરી જાણ ના હતી પરંતુ પ્રેમને આ વાત જણાવી જરૂરી હતી. તેથી તે શબ્દો ગોઠવી રહી હતી.
“ બોલ ને બેન … એક નહિ એક હજાર કહે”
“ પૂજા ભાભી થોડા અપસેટ છે એમનું ધ્યાન રાખજો”
“ કેમ પૂજાને શું થયું… મને તો એવું લાગ્યું નહિ અત્યારે … જોયું નહિ તે તારા આવવા થી કેટલી ખુશ હતી એ બાકી એ ક્યારેય આટલી વહેલી નાસ્તો નથી કરતી”
“ હા ભાઈ પણ…” રાધિકા ફરી વિચાર માં પડી કે ગઇકાલ રાતની વાત માટે શરૂઆત કઈ રીતે કરવી
“ કશું થયું હતું ગઈ કાલે …? “ તે વિચારતી હતી ત્યાં જ પ્રેમ એ તે વાત કાઢી કે તરત જ રાધિકા એ આ તક ઝડપી લીધી.
“ હા ભાઈ ભાભી ગઈ કાલે ખૂબ રડ્યા છે કઈ વાત ને લઈને એતો મને નથી ખબર પણ મમ્મી અને દિવ્યા માસી એ માંડ શાંત પાડયા હતા”
“ સારું થયું મને એવું લાગ્યું જ કેમ કે સુમન આન્ટી એ અત્યાર સુધી તને એમના થી દુર જવા નથી દીધી…” રાધિકા નું પડેલું મોઢું જોઈ અને તેને વાત વાળવા કહ્યું તો ખરું પણ તેના ચહેરા પર કોઈ ફેર ના પડ્યો.
“ અરે આ સમય માં તેના હોર્મોન્સ ઉપર નીચે થશે જેને કારણે તેના સ્વભાવ માં ફેર આવશે આવું ડોકટર જ કહેલું માટે બહુ ચિંતા નહિ કરે."
રાધિકા હકાર માં ડોકું ધુણાવ્યું. તે બંને તેના બંગલા સુધી પહુંચે તે પહેલાં જ તેને સુનીલ ભાઈ મળી ગયેલા. તે બંને ત્યાં જ ઊભા રહી ગયા. ગઈ કાલ રાતના બનાવને વિચારીને રાધિકાને એવું લાગ્યું કે પોતાને ત્યાંથી ચાલ્યું જવું જોઈએ. તેવું તે વિચારી રહી હતી કે કહ્યા વગર જવું યોગ્ય ન લાગ્યું માટે તે વારાફરતી બંને સામે જોઈ રહી હતી.
“ રાધિકા હું અને પ્રેમ અહીંયા જ ઊભા છીએ.” સુનિલભાઈ ની આ વાત તેના માટે ત્યાંથી જવાનો ઈશારો હતો. પ્રેમ પણ એ જ ઇરછતો હતો.
“ હા હો માચીસ છેને તારી જોડે …?” પ્રેમ એ તેની મજાક કરતા કહ્યું રાધિકા અને સુનિલભાઈ બંનેના ચહેરા પર પ્રશ્નાર્થ ભાવ હતા. “ એટલે આ તો ત્યાં કૂતરાં હશે તો … માટે કહ્યું”
સુનિલભાઈ ના ચહેરા પર સ્મિત આવી ગયું
“ શું ભાઈ તમે પણ “ આટલું બોલી રાધિકા ત્યાંથી ચાલી ગઈ પ્રેમ અને સુનિલભાઈ તેને જતા જોઈ રહ્યાં.તેના અંદર ચાલ્યાં ગયાં ની ખાતરી કરી તે બંને આગળ વધ્યા. સુનિલભાઈ પ્રેમની સામે જોયા વગર જ કહ્યું “ પ્રેમ પૂજાને તારા સાથની બહુ વધુ જરૂર છે બને તો બહારગામ જવાનું ટાળજે” તેમના શબ્દોની ગંભીરતાને પ્રેમ સારી રીતે સમજી શક્યો હતો. પણ આ વિષય પર આગળ ચર્ચા કરવા માટે એ જગ્યા યોગ્ય ના હતી તે પણ પ્રેમ સારી રીતે સમજતો હતો તેથી તેણે આગળ કંઈ પૂછી શક્યો નહિ. માત્ર હમમ કહ્યું. ત્યાં સુધીમાં તે બંને પ્રેમ ના ફ્લેટ સુધી આવી ગયા હતા. તે બંને ઊભા રહ્યા.
“ કાકા હું સાંજે આવું છું ઘરે તમે ક્યારે ફ્રી હશો...?” પ્રેમ એ પૂછ્યું. સુનિલભાઈ એ આ માટેની ગોઠવણ કરી જ રાખી હતી કેમ કે તેમને પણ પ્રેમને પુત્રનું સ્થાન આપ્યું હતું.
“ હું સાંજે ૮ વાગ્યે આવી જઈશ.” ત્યાર પછીની દસ મિનિટ ધંધાની થોડી ઘણી વાતો પતાવી અને તે બંને છુટા પડ્યા. તેઓ રેસેકોર્સ પાર્ક ને ચક્કર લગાવીને આવ્યા ત્યાં સુધીમાં સાડા સાત વાગી ચૂક્યા હતા. તે બંગલાની અંદર પહોંચ્યા ત્યારે સુમન બહેન બગીચામાં છોડ ને પાણી પીવડાવી રહ્યા હતા. આ જોઈ સુનિલભાઈ તેમની પાસે બગીચામાં ગયા સુમન બહેન ગીત ગણ ગણી રહ્યા હતા. અલબેલા મોસમ કહેતા હૈ સ્વાગતમ્ … કોન સા હૈ વો દીપ કી જિનસે ડરતે હૈ અંધિયારે….
“ ઘરમે ઉજાલા કર દેતે હૈ સુંદર નેંન તુમ્હારે “ સુનિલભાઈ એ પણ તેમના ગીતમાં સાથ પુરાવ્યો.
“ અરે… આવી ગયાં તમે “ સુમન એ સાડીના પાલવથી હાથ લૂછતાં કહ્યું.
“ હા એ પણ ખરાં સમયે” તેમને પોતાની પત્નીને પાછળથી પકડતાં કહ્યું.
“ શું વાત છે શેઠ આજ તો આપ અલગ જ મૂડ માં છો ને કંઈ ” તેણીએ સુનીલના હાથ ને છોડાવ્યા અને તેમના મોઢા તરફ ફરી.
“ હું તો મૂડમાં જ હોઉં છું પણ શેઠાણી અમારી તરફ ધ્યાન આપે તો ને…”
“ અરે… પહેલાં તમારી પત્ની છું… બસ બોલો જોઈએ શું સેવા જોઈએ”
“ સેવા નહિ સમય જોઈએ સુમન… ચાલ જોઈ થોડીવાર બેસીએ” સુનીલ તેણીને હિંડોળા તરફ લઈ ગયો. ટ્રેક અને ટીશર્ટ માં તે યુવાન લાગી રહ્યો હતો જો તેને કોઈ પાછળથી જુએ તો કલ્પના પણ ના કરી શકે કે આ માણસ પચાસને નજીક પહોંચેલો છે. પરંતુ આજે તેનું મન તેની ઉંમરથી અડધી ઉંમરનું થઈ ગયું હતું. જો કે તેની પાછળ સુમનની સુંદરતા પણ એટલી જ જવાબદાર હતી. તેણીએ પીચ કલરની સાડી પહેરી હતી. જેના પર લીલા કલરની મખમલની બોર્ડર મુકેલી હતી.
“ સમય પણ તમારો ને હું પણ… બોલો હવે” તે બંને હિંડોળા પર બેઠાં હતાં.તડકો નીકળ્યો હતો પરંતુ હિંડોળા સુધી હજુ આવ્યો ન હતો. સુમન એ સુનીલના ખંભા પર પોતાનું માથું ટેકવ્યું અને બંને પગ ઉંધા વાળી બેઠી.
“ આજે ખરેખર તને આ ગીત ગાતાં જોઈ અને મને ફરી વિતેલા વર્ષોની યાદ આવી ગઈ. સમય કેટલો જલ્દી વીતી રહ્યો છે નહિ. હજુ કાલે જ તો તું મારી પત્ની બનીને મારી જિંદગીમાં આવી હતી અને આજ મારા બે છોકરાની માં મારા ઘરની ગૃહલક્ષ્મી અને ના જાણે બીજું કેટલું બધું છો… ખરેખર સુમન તારા વગર હું આ જીવનની કલ્પના પણ નથી કરી શકતો” સુમન તેનો હાથ પકડી આ બધુ બંધ આંખે જ સાંભળી રહી હતી.
“હમમ… એ તો હું પણ નથી કરી શકતી શેઠ” તેનો એક ગાંઠ મારી અને બાંધેલો અંબોડો ખુલી ગયો હતો. આ જોઈ સુનીલ તેનાથી થોડો અળગો થયો. તે એકધારું સુમન ને નિહાળી રહ્યો હતો તેની આછા આંજણ વાળી પાણીદાર આંખોમાં પોતાનો ચહેરો જોઈ રહ્યો હતો. તેના ચહેરા પર તાજગી હતી.કપાળ પર ચાંદલો અને અને સેંથાસિવાય કંઈ પણ કરેલું ના હતું. છતાંયે તે મનમોહક લાગી રહી હતી. તેને સુનીલ જાણે પચ્ચીસ વર્ષ પહેલાં સુમન યાદ આવી રહી હતી.
" શું આ એ જ છોકરી હતી જેને પોતાની માં એ નાપસંદ કરી હતી"