મનસ્વી અને ઉર્વાને ઉર્વિલના ઘરમાંથી ગયે ત્રણ અઠવાડિયા ઉપર વીતી ગયા હતાં પણ ઉર્વિલે તે બંનેમાંથી એકપણને એકવખત પણ ફોન કર્યો નહોતો. તેના સાસુ સસરાનો ફોન આવતા તેમની સાથે વિવેક ખાતર એક બે વખત વાત કરી હતી જેથી કોઈને ખબર ના પડે કે મનસ્વી ખરેખર ક્યા કારણોથી ગઈ છે!
પરિસ્થિતિઓ જયારે જયારે પણ પ્રતિકુળ થતી ત્યારે તેને સાચવવાને બદલે કે તેને બદલવા માટે મહેનત કરવાને બદલે ત્યાંથી ભાગી છૂટવું અને પૂરેપૂરું ઇગ્નોર જ કરવું એ ઉર્વિલનો સ્વભાવ થઇ ગયો હતો. બાળપણમાં કોઈ ગમતા રમકડાંની વાત હોય, મનગમતી જોબ કરવાની કે બીજા સિટીમાં સેટલ થવાની... પોતાની ઈચ્છાઓ માટે લડતાં કે જમીન આસમાન એક કરતાં ઉર્વિલ શીખ્યો જ નહોતો. સમય જતાં પરિસ્થિતિ બદલશે એવી અભિલાષા સાથે જ તે જીવતો હતો. તેના આ જ સ્વભાવે તેને રેવાથી દુર કર્યો, આ જ કારણ હતું કે તેણે મનસ્વીથી લગ્ન કર્યા અને હવે આ જ સ્વભાવ તેને ઉર્વા અને મનસ્વી બન્નેથી દુર કરી રહ્યો હતો. અને આટલું થયા પછી પણ ઉર્વિલ તેના માટે કંઈજ કરવા તૈયાર નહોતો.
તેને અદમ્ય ઈચ્છાઓ થતી મનસ્વીને ફોન કરવાની, ઉર્વા સાથે વાત કરવાની પણ તેનો હાથ આટલા દિવસ પછી પણ નંબર ડાયલ કરી જ ના શક્યો.
તેની અંદર એક ખાલીપો વર્તાઈ રહ્યો હતો પણ તેના વિષે વાત તે કોઈપણ સાથે કરવા નહોતો માંગતો. તેનો અહમ હતો કે ડર ખબર નહી પણ તે અંદરથી સતત જડ બની રહ્યો હતો.
***
ચુડાથી વડોદરા બાજુની કાચી સડકમાં થોડે આગળ ખેતરોની વચ્ચે એક નાનકડા શિવ મંદિરને બીજે તરફ સાગ અને નીલગીરીના વૃક્ષોની હારમાળાની વચ્ચોવચ્ચ બે માળનું નાનકડું પણ નયનરમ્ય મકાન હતું. અત્યારે કહેવાતાં ફાર્મ હાઉસ જેવું તો નહિ પણ જોઇને જ રહેવાની ઈચ્છા થઇ જાય એવું મકાન હતું આ. મનસ્વીના પિતાએ આ મકાનને થોડે દુર જ લીધેલી જમીન પર લિંબુ અને ટમેટાની ખેતી થતી હતી. અને ૬ એક જેટલા મજુરો આ મકાનથી થોડે દુર આવેલા તેમના માટે સ્પેશ્યલી બનાવવામાં આવેલા કાચા મકાનોમાં રહેતા હતા.
મનસ્વીના પિતાએ થોડા વર્ષો પહેલા જ નવું ઘર ચુડા ગામની અંદર બનાવ્યું હતું જ્યાં તે સહપરિવાર રહેતા હતા. પણ તે ઘરમાં કોઈ બાગ બગીચો કે ખુલ્લું કુદરતી વાતાવરણ ના હોવાથી મનસ્વીને બહુ મજા ના આવતી ત્યાં રહેવાની. પિયર આવીને પહેલું કામ તેણે ફાર્મહાઉસ પર ઉર્વા સાથે રહેવાની પરવાનગી લેવાનું કર્યું. પહેલા તો નવીનભાઈ પણ નહોતા ઈચ્છતા કે મનસ્વી અને ઉર્વા એકલા રહે પણ આટલા દિવસે દીકરી પિયર રહેવા આવી હતી એટલે એને નારાજ ના કરવા તેમણે પરવાનગી આપી દીધી. ફાર્મહાઉસ મનસ્વીના ઘરથી વધારે દુર નહોતું, ફક્ત ૫ કિમીનો જ રસ્તો હતો. એટલે મોટાભાગે સવારનો નાસ્તો કરવા મનસ્વી અને ઉર્વા ઘરે જતા અને સાંજનું જમવાનું મનસ્વીનું આખું ફેમિલી ફાર્મ હાઉસમાં લેતાં.
મનસ્વી અને ઉર્વાના અમદાવાદ છોડ્યા પછી રચિત પણ લેપટોપ અને ડાયરીઓની માહિતીઓ ભેગી લઇ મુંબઈ નીકળી ગયો હતો. તે દેવની સાથે મળીને સાવ ધીમી ગતિએ સ્વાતિ અને રેવાના કેસની માહિતીઓ એકઠી કરવાની કોશિશ કરી રહ્યો હતો.
આ ત્રણ અઠવાડિયા ઉપરના સમયગાળામાં મનસ્વીએ ઉર્વાને અને ઉર્વાએ મનસ્વીને જાણવાનો પુરેપુરો પ્રયાસ કર્યો હતો. ઉર્વા ક્યાંકને ક્યાંક અનુભવી શકતી હતી કે ઉર્વિલ વિનાની રેવા અને ઉર્વિલ વિનાની મનસ્વીમાં કંઈ વધારે ફરક નહોતો. કદાચ ઉર્વિલની ઝીંદગીની તમામ સ્ત્રીઓનું નસીબ આ જ હતું... સતત ઝંખતા રહેવું. ઉર્વા જાણી શકી હતી કે તેની સાથેના લગ્નજીવનના વર્ષોમાં ઉર્વિલે તેને કોઈ જ તકલીફ નહોતી આપી. તેની બધી જ જરૂરતોનું તેણે ધ્યાન રાખ્યું હતું પણ એક હુંફ, થોડી વાતો, થોડો પ્રેમ એ કંઈજ તેણે જોયું નહોતું. ઉર્વિલ જરૂર ના હોય ત્યાં સુધી વાત જ ના કરતો. તે બંનેના દિવસોના દિવસો નીકળી જતા એક અક્ષર પણ બોલ્યા વિના. હા, ઉર્વિલને બાળકની ઝંખના હતી. તેની અંદરનું પિતૃત્વ બહાર આવવા ઘણીવાર ઉત્પાત મચાવતું. અને તેમાં પણ મયુરીબેનના સતત મ્હેણાં મારવાની આદત ઉર્વિલના દાઝ્યા પર ડામ આપતાં. ઉર્વિલની બહેન વૃંદાના બાળકો જયારે પણ તેમના ઘેર આવતા ત્યારે ઉર્વિલનું ખુશીનું ઠેકાણું ના રહેતું. ઉર્વિલ અને મનસ્વીએ જાતજાતના ડોકટરોનો સંપર્ક કર્યો હતો પણ બંનેના રિપોર્ટ્સ હંમેશા નોર્મલ જ આવ્યા હતાં. મનસ્વીએ તો ઈશ્વરની ઈચ્છાને સર્વોપરી ગણી પરિસ્થિતિ સ્વીકારીલીધી હતી પણ ઉર્વિલના ચેહરા પર ને વર્તનમાં બાળક ના હોવાનો વિષાદ અવારનવાર દેખાઈ આવતો.
ઉર્વા હવે સમજી શકતી હતી કે પોતે ઉર્વિલને કઈ હદે હર્ટ કર્યો હશે. તેનું મન પણ આ બધું સાંભળી ગ્લાનીથી ભરાઈ આવતું પણ તેના કારણે ઉર્વિલે જે રેવા સાથે કર્યું તે જસ્ટીફાય નહોતું થઇ જતું. તે ઉર્વિલને માફ નહોતી કરી શકતી. અને મનસ્વીનો પક્ષ સાંભળ્યા પછી તેની નફરત વધુ પ્રબળ થઇ હતી કારણકે જેટલો અન્યાય રેવાને થયો હતો એટલો જ મનસ્વીને પણ થયો હતો
રોજ નવી નવી વાનગીઓ બનાવતા, વાતો કરતાં, મનસ્વીના જુના પુસ્તકો વાંચતા, મોબાઈલ ટીવીને સાઈડમાં મૂકી એકાંત મહાલતા કુદરતના ખોળે આવેલા આ ઘરમાં દિવસો ક્યાં જઈ રહ્યા હતા તે તે બન્ને પણ નહોતા જાણતાં. બસ ધીમે ધીમે બન્નેની ભીતરનો સળગતો અગ્નિ ઓલવાઈ રહ્યો હતો. આ સમય એક નવી જ ઠંડક પ્રસરાવી રહ્યો હતો.
અત્યારે પણ મનસ્વી ઉર્વા માટે એક સફેદ દુપટ્ટામાં ભરતગુંથણ કરતી હિંડોળે બેઠી હતી કે ઉર્વા તેની બાજુમાં આવી બેસી ગઈ.
“થઇ ગઈ બુક પૂરી!” મનસ્વી દુપટ્ટો બાજુમાં મૂકતા બોલી રહી.
“ના છેલ્લા ૧૨ પાનાં બાકી છે! ક્લાઈમેક્સ જબરદસ્ત જામે છે બટ આટલું ઇન્ટેન્સ લવ એકસાથે વાંચવું અઘરું પડી જાય...!” ઉર્વા પોતે વાંચી રહેલી વાર્તા વિષે જણાવતા બોલી.
“ઇન્ટેન્સ લવ વાંચવો અઘરો પડે! તું કહાન માટે ઓછી ઘેલી છે કંઈ? એના કરતાં તો બુકમાં ઓછુ જ છે...!” આ સમયમાં મનસ્વી પણ કહાન અને ઉર્વા વિષે માહિતગાર થઇ હતી. એટલે તેને છેડતા બોલી.
“મારી અને કહાનની વાત અલગ છે. અમને બન્ને કમિટેડ છીએ, એ ત્યાં કોઈ બીજા સાથે કે હું અહિયાં કોઈ બીજા સાથે હોઉં એવું જરાય નથી. અને અમારો કોઈ એવો પહેલી નજરનો પ્રેમ પણ નહોતો, આ સ્ટોરીની જેમ... એકબીજાને વર્ષો ઓળખી, સમજી અને સ્વીકારીને સાથે જીવવાનું નક્કી કર્યું તું અમે... આ પહેલી નજરનો પ્રેમ વગેરે... મને નથી લાગતું હોતું હશે” ઉર્વા બોલી રહી.
“સારું તો એવું હશે...!” મનસ્વી હસીને કહી રહી. પણ તેના હાસ્યમાં એક છુપો મર્મ સાફ દેખાતો હતો.
“અચ્છા તો તમે માનો છો આ બધામાં? પહેલી નજરના પ્રેમમાં!” ઉર્વા ટેકો દઈને બેસી ગઈ.
“માનું છું! મેં તો કર્યો છે એવો પ્રેમ... ઉર્વિલને... મને નથી ખબર તમારી આજની જનરેશન કેમ અને શું વિચારે છે એ... પણ, ક્યારેક કોઈકને જોઇને કોઈક સાથે ફક્ત એકપળ ઉભા રહીને એવી અનુભૂતિ થઇ શકે કે આ એ જ છે જે મારા માટે બન્યું છે... બસ, આ જ એ વ્યક્તિ છે જેની મને પ્રતિક્ષા હતી. તો એ પ્રેમ નથી તો શું છે!! ઉર્વિલ પહેલા પણ બે છોકરા જોયા હતા મેં. પણ, ઉર્વિલને ફક્ત જોઇને, એમની આંખોમાં જોઇને, એમની સાથે ફક્ત બે મિનીટ ગાળીને મને એમ થઇ ગયું હતું કે બસ, આનાથી આગળ મારે કંઈજ નથી જોઈતું.” મનસ્વી પોતે ઉર્વિલને મળી હતી એ દિવસ યાદ કરતાં આ બધું જ ઉર્વાને કહી રહી. ઉર્વા મનસ્વીને અહોભાવથી જોઈ રહી. એક સ્ત્રી કંઈપણ અપેક્ષા વિના કઈ હદે ચાહી શકે છે કોઈને...! અને આટલું ચાહ્યા પછી પણ જયારે તેના આત્મસમ્માન પર પ્રહાર થાય ત્યારે તેનાથી જ દુર રહીને પોતાને સજા આપતી રહે છે!!
ઉર્વા આગળ મનસ્વીને પ્રત્યુત્તર આપવા જ જતી હતી કે તેનો ફોન રણક્યો અને રચિતનો નંબર જોઈ તે મનસ્વીને ચેહરાથી ઈશારો કરી પોતાના રૂમ તરફ ચાલી ગઈ.
“હાઈ! યાર મુંબઈ ગયા પછી તારા ફોન બહુ ઓછા થઇ ગયા છે હા...” ઉર્વા ફરિયાદના સ્વરમાં બોલી.
“ઓહ હેલ્લો! તારી પાસે ટાઈમ હોય છે ફોન ઉપાડવાનો! જયારે ફોન કરો ત્યારે કાં તો વાંચું છું. કાં તો કંઇક બનાવું છું. કાં તો હિંડોળે હિચકું છું.... આ ત્રણમાંથી એક જ જવાબ હોય છે. એમાં હું શું ફોન કરું?” રચિત પણ સામે ખીજવતા બોલ્યો.
“હા બહુ સારું...”
“હવે સાંભળ! એક કામથી ફોન કર્યો છે.” રચિત થોડો ગંભીર થયો
“હા બોલ...”
“બધી જ ડાયરીઓ, બધા ડોક્યુમેન્ટ ને બધા વિડીયો જોઈ લીધા. ગ્રાઉન્ડ રિપોર્ટ્સ માંથી જેટલા ફેક્ટસ મળ્યા છે તે પણ જોઈ લીધા. બધી વાતો એક જ વસ્તુ બતાવે છે. સ્વાતિ સાથે જે કંઈપણ થયું તે બધું ખાલી ને ખાલી રઘુએ જ કર્યું છે. અને એ પણ પોતાની ધાક કાયમ રાખવા માટે... આ થિયરીનું બીજું કોઈ જ ઓલ્ટરનેટીવ હાથ લાગતું નથી.” રચિત પૂરી વાત સમજાવી રહ્યો
“આ સાચું ના હોય શકે યાર... અને જો સાચું આ જ છે તો એનો મતલબ એ છે કે રેવાનું ખૂન પણ રઘુએ કર્યું છે. અને જ્યાં સુધી રઘુભાઈને હું ઓળખું છું એ કોઈ રીતે પોસીબલ જ નથી કે એ રેવાનું ખૂન કરે...!” ઉર્વા પોતાની મનોસ્થિતિ કહી રહી.
“ચાલ એકાદ બે ઓલ્ટરનેટ લીંક છે, હું ટ્રાય કરું છું એમાંથી કંઈ નીકળે તો... પેલો ચિરાગ તો તને યાદ જ હશે, જેને આપણે ઉર્વિલના ઘરે એન્વલપ પહોંચાડવાનું કામ આપ્યું તું... એની પાસેથી કદાચ કોઈ નવી ઇન્ફર્મેશન મળી જાય.” રચિત પોતાનું આગળનું પ્લાનિંગ સમજાવી રહ્યો.
“આઈ વિશ આપણે એ ચિરાગને કામ આપ્યું ત્યારે એડ્રેસ ય જાણી લીધું હોત... સિચ્યુએશન અત્યારે ઘણી અલગ હોત...” ઉર્વા આટલું બોલી કંઇક વિચારવા અટકી અને પછી ઉમેર્યું, ”આઈ થીન્ક તું રહેવા દે. ચિરાગ કે કોઈ બીજા પાસેથી ત્યાં કંઈજ નહિ મળે. જો આ બધી તપાસમાં કંઈ નથી મળ્યું, મતલબ રઘુભાઈ પોતે જ ઈચ્છતા હતા કે સ્વાતિ મોમ સાથે જે કંઈપણ થયું તેમાં એમનું નામ આવે....
મેં ઓલરેડી રઘુભાઈ પાસેથી મારી જરૂર પડ્યે મદદ કરવાનું પ્રોમિસ લીધું છે. ધીસ ઈઝ ધ ટાઈમ ટુ એનકેશ ઈટ... તું દેવ અંકલ સાથે અપડેટ લે. હું કાલે સવારે ફોન કરું તને...”
આટલું કહી ઉર્વા વિચાર કરી જ રહી હતી કે રઘુભાઈને ફોન કરવો કે નહિ ત્યાંજ બહારથી કંઇક વિચિત્ર અવાજ આવ્યો. ઉર્વા સીધી બહાર દોડી ગઈ.
તેણે જોયું તો મનસ્વી હીંચકા પર જ બેભાન પડી હતી. છેલ્લા એકાદ અઠવાડિયાથી મનસ્વીની તબિયત આમ પણ સહેજ નરમ રહેતી હતી. ઉર્વાએ વિચાર્યું હતું કે બહુ ટાઈમે આવી જગ્યાએ રહે છે તો પાણી ફેર ને લીધે કે ઉર્વિલની યાદોને લીધે આ હાલત થઇ હશે પણ અત્યારે બેભાન હાલતમાં મનસ્વીમાં જોઇને તે હેબતાઈ જ ગઈ
પોતાની જાતને સંભાળતા તેણે સીધી ખેતરમાં કામ કરતાં મજૂરોને હાકલ કરી અને તેમાંથી એક મજુર દંપતીને લઇ રીક્ષા બોલાવી મનસ્વીને લઇ ચુડાના હોસ્પિટલમાં લઇ ગઈ. રસ્તામાં જ તેણે મનસ્વીના ફોનમાંથી મનસ્વીના માતાપિતાને પણ ફોન કરી દીધો હતો.
મનસ્વીના પિતા આમ પણ ગામના પ્રતિષ્ઠિત વ્યક્તિઓમાંથી એક હતા એટલે ડોક્ટર પણ તેમના જાણીતાં જ હતા. મનસ્વીને તરત જ સારવાર માટે લઇ જવામાં આવી.
ઉર્વા એક ખૂણામાં ડરેલી હેબતાયેલી બેઠી જ હતી કે ડોક્ટર બહાર આવી,
“શું થયું મનસ્વીને? કંઈ ચિંતા જેવું નથી ને...!” મનસ્વીના પિતા પૂછી બેઠા.
“અરે, ખુશ ખબર આપો ઉર્વિલ કુમાર ને... આટલા વર્ષોની બધાની તપસ્યા ફળી. આખરે આપણી મનસ્વીને ત્યાં ય પારણું બંધાવાનું છે.”
***
(ક્રમશઃ)