overflow books and stories free download online pdf in Gujarati

ઓવરફલો

શેત્રુંજી ડેમ ઓવર ફ્લો થયો અને તેના 50 દરવાજા દોઢ ફૂટ જેટલા ખોલવામાં આવ્યા. આ સમાચાર ન્યૂઝ પેપરમાં ફોટા સાથે જોયા.તે રૂબરૂ જોવા ફેમિલી ને મિત્રો સાથે ઉપડી ગયા.છેલ્લા પંદર દિવસથી સતત વરસાદને વાદળ છાયું વાતાવરણ હતું.આજે થોડો તડકો નીકળ્યો હતો.ત્યાં પહોંચતા જે દૃશ્ય જોયું, દૂરથી જ પાણી પડવાનો ખળખળાટ નો અવાજ આવતો હતો.ડેમ સાઇટે પહોંચ્યા ત્યાં અદભુત નજારો જોયો.ખૂબ ઊંચાઈથી પડતું પાણી જાણે દૂધ હોય તેવો ભાસ થતો હતો.ઉપરથી નીચે પછડાતા પાણીની ઝણ અમને ભીંજવતી હતી.વ્યું પોઇન્ટ પર લોકોના ટોળા જામી ગયા હતા.પડતા પાણીની સામે એક ધારું જોઈ રહેતા જાણે સમાધી લાગી જતી હતી.વાતાવરણ ઘડીક તડકોને ઘડીક વાદળ છાયું થઈ જતું.પાણીના પડવાના અવાજમાં લોકોની વાતો સંભળાતી ન હતી.લોકો વ્યુ પોઇન્ટની પાઇપની બોર્ડર રેલીંગ ઠેકી ડેમથી જેટલા નજીક જવાય તેટલા નજીક જઈ સેલ્ફી લઈ રહ્યા હતા.જોખમી જગ્યાથી લોકોને આઘા રાખવા ગાર્ડ ની વ્હિસલ વાતાવરણને ચીરતી હોય તેવું લાગતું.ફેરિયા પાસેથી આવતી શેકેલી મગફળી,બાફેલા મકાઈના ડોડા ને બબલાની મિશ્ર સુવાસ વાતાવરણમાં ભળેલી હતી.

અમારા ફેમિલી ના બાળકોને આ નજારો જોવા કરતા વહેતા પાણીમાં નહાવાની વધું ઉતાવળ હતી.પરંતુ આ ધસમસતાં પ્રવાહમાં ન્હાવું જોખમી હતું.અમારી સાથે પાલિતાણાના પણ એક સ્થાનિક મિત્ર હતા.

તેણે કહ્યું, " સામે કાંઠે જતાં રહેવી ત્યાં આપણને છોકરાવને નવડાવવા માટેની જગ્યા મળી જશે."

અમે સામે કાંઠે ગયા.ત્યાં એક પ્રવાહ નાનો અને છીછરો હતો. અમે ત્યાં એક ભેડા પર થેલા ને બીજી વસ્તુ ને બધું રાખ્યું.છોકરાવ તો ગાંડા થઈ નહાવા લાગ્યા. અમે પણ છબછબિયાં કરી અડધા પલળી ગયા.અમારા એક ભાઈ તો પાણી ભાળી રહી ના શક્યા. તેણે પણ ધૂબાકો માર્યો.બધા નહાવામાં મશગૂલ હતાં.હું અડધો ભીંજાયેલો એક મોટા પથ્થર પર બેઠો હતો.

સામે કાંઠાના એક ભેડા પર એક વ્યક્તિ બેઠો હતો. તેનાં શરીરનો વાન કાળો હતો.વધી ગયેલા ને ન્હાયા વગરના મેલાં વાળ હવામાં ઉડી ને જુથરકા થઈ ગયા હતા. જુનું પેન્ટને મેલી લાલને કાળા કલરની ગંજી પહેરેલી હતી. ગળામાં એકદમ નજીક ગળીના કાળા દોરામાં ચાંદીની મોટી માંદડી પહેરેલી હતી.જાણે કશાકની વાટ જોઈ જોઈને આંખો ની બંને બહારની સાઈડમાં કરચલી પડી ગયેલી હતી. વધી ગયેલી દાઢી થી તે આવારા જેવો લાગતો હતો.

તેનું ધ્યાન ઘડીક અમારી તરફ તો ઘડીક ન્હાતા છોકરાઓ તરફ ને ઘડીક અમારી પડેલી વસ્તુ, પર્સ તરફ ફર્યા કરતી.હું તેના તરફ ધ્યાન રાખી બેઠો હતો.મને એવું લાગતું કે આ લોકો ચોરી બોરી કરવા અહી બેસી રહેતા હશે.લોકોની નજર ચૂકવીને તેનો સામાન,પર્સ કે મોબાઇલ ફોન ચોરી લેતા હશે.તેના દરહન પણ એવા જ હતાં.મારો પરિવાર ને મિત્રો નહાવામાં મગ્ન હતાં.પણ હું આનું પાક્કું ધ્યાન રાખી બેઠો હતો.તેની નજર મારી સામે મળે ત્યારે હું તેની સામે કરડાકી નજરે જોતો.તે નજર ફેરવીને ન્હાતા બાળકો સામે જોઈ રહેતો.બાળકોના છબછબિયાં ને દેકારા, શોરબકોર જોઈ તે પણ રાજી થઈ હસવા લાગતો.વળી મારી સામે જોઈ મારી કરડી નજરથી ડરી નજર ફેરવી લેતો.એકાદ કલાક આવો પ્રોગ્રામ ચાલ્યો.બાળકોને મોટેરા ન્હાઈને થાકી ગયા.ને ભૂખ્યા પણ થયાં.એક મોટા પથ્થર પર પંગત પડી ગઈ.નાસ્તાનો સફાયો બોલાવી દીધો.

બધાં ઘરે જવા માટે થોડી દૂર નદી કાંઠે મુકેલી ગાડી તરફ ચાલી નીકળ્યા.હું પાછળ હતો.મે પેલાં ની નજીક જઈ જોયું તો તેણે પગની નીચે માછલી પકડવાની નાયલોન નેટ દબાવી રાખી હતી.

મેં તેને પૂછ્યું, "અલ્યા માછલા પકડે છો?"

તેણે ડરીને ટૂંકો જવાબ આપ્યો, " હા, શાબ."

" કેટલા પૈસા મળે તને માછલા વેચી ને?" મે ઉલટ તપાસ કરતાં પૂછ્યુ.

" શાબ હું તો મારા ઘરને ખાવા પૂરતા જ પકડું સું" તેને ડરતા ડરતા કહ્યું.

" તો બેઠો કેમ છો જાળ નાખી માછલાં પકડવા લાગ."

" શાબ, તણ દાડા થી ડેમ હામે જોય ને બેઠો સુ.પાણી ઓસુ થાય તો જ માછલાં પકડાય. પસે જ પોલીસવાળા જાળ્ય નાખવા દે." તેણે ડરતા ડરતા સ્માઈલ આપતા કહ્યું.

મેં તેને સીધો જ મારા મનનો પ્રશ્ન પૂછી નાખ્યો.

" તું અમારા છોકરાઓ ન્હાતા તેને જોઈ કેમ હસતો હતો?"

" શાબ, સોકરાને નાતા જોય મને બવ રાજીપો થાતો હતો. મારી પાસ વરહ ની છોકરી નનુડી ઘરે સે ઈને ય નાવા નો બવ સોખ સે."

કારણ જાણી હું પણ હવે નરમ પડ્યો.મને તેના વિશે ખોટી ધારણા બાંધવા માટે પસ્તાવો થયો.

મે તેને કહ્યું, " પણ તું તારી દીકરીને તારી સાથે અહી લેતો આવતો હો તો ! તું માછલી પકડે ને તે બિચારી ન્હાવાનો શોખ પૂરો કરે એમાં ક્યાં કંઈ ખર્ચ લાગે છે !."

તેં ઘડીક કાઈ બોલ્યો નહિ. વાતાવરણને ખળખળાટ નાં શોરથી ભરી દેતા ઓવરફલો થતા ડેમ તરફ જોઈ રહ્યો. પછી ઉપર આકાશ તરફ જોયું.ને નીચે જોઈ બોલ્યો,

"શાબ, હું તણ દાડાથી પાણી બન થાવા ની વાટે સુ, તણ દાડાથી હું મારા દંગે માછલી લીધા વિના જાવ સુ. સાક બવ મોંઘુ સે.એકલા રોટલાથી તો કેવુંક પેટ ભરાય? મારી નનુડી અડધી ભૂખી સુય જાય સે.જો એને આયા નાવા લાવું તો નાય ને ભૂખ બહું ઊઘડે. પશે મારે ઈને સુ ખવરાવવું શાબ ??"

તેની નજર નીચી જ હતી.તે પગના અંગૂઠાથી ભેડાના કાળમીંઢ પથ્થરને ખોતરવા મથી રહ્યો હતો. હવે તેણે મારી સામે જોયું. આંખોની બંને બાજુની કરચલીઓ નદી થઈ ગઈ ને તેની આંખોનો ડેમ ઓવરફલો થઇ તેમાં વહેવા લાગ્યો...

લેખક: અશોકસિંહ ટાંક
(સત્ય ઘટના પર આધારિત)
તા.૨૬/૮/૨૦૨૦

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED