Featured Books
શ્રેણી
શેયર કરો

બા, હું રેલમંત્રી બનીશ - અધ્યાય ૧૩

અધ્યાય ૧૩

હું જ્યારે મિનલના ઘરે પંહોચ્યો, ત્યારે મધરાત થઈ ગઈ હતી. ચારેતરફ નીરવ શાંતિ હતી. અભિવાદન કરવા આવેલી ભીડમાંના કેટલાક લોકો અને પાર્ટીના કાર્યકર્તાઓ જ્યાં પણ જગ્યા મળી ત્યાં સૂઈ ગયા હતા. હવાલદારોને બહાર ચોકી પર રાખી, લોકોની વચ્ચે થઈ, જગ્યા કરતો કરતો, સાવચેતીથી પગ મૂકતો મૂકતો હું દરવાજા સુધી પંહોચ્યો.

મિનલને એના સ્વપ્નોમાંથી જગાડવાની લગીરે ઈચ્છા ન હોવા છતાં મેં દરવાજે બે-ત્રણ ટકોરા દીધા અને નકૂચો પણ પછાડયો.

દરવાજો મિનલે જ ખોલ્યો. મને દરવાજે ઉભેલો જોઈ એ આશ્ર્ચર્ય પામી પણ કંઈ પૂછવાને બદલે એણે મને અંદર આવવા કહયુ.

એણે મને પાણી લાવી આપ્યું અને સામે આવીને ખુરશીમાં બેઠી. એ મને પૂછવા જ જતી હતી ને એ પહેલા હું જ બોલ્યો.
"બેટા, તારો જીવ જોખમમાં છે."

"હું કંઈ સમજી નહી, કાકા. અને તમે તો મુંબઈ જવા નીકળ્યા હતા ને." મિનલ અસમંજસમાં પડી.

"મને સરખી રીતે વિસ્તારથી સમજાવો, કાકા."

"જો બેટા, હું તારી બુક કરાવી આપેલી ટિકિટ લઈ ટ્રેનમાં બેસી જ ગયો હતો. પણ મારી બાજુની જ બોગીમાં મેં એવુ કંઈ સાંભળ્યું કે હું સુરત સ્ટેશન ઉતરી પાછો વડોદરા તમારી પાસે આવી ગયો."

"એવુ તે શુ થયુ, કાકા? તમે ચોખ્ખું કહો ને."
મિનલ જરા છણકા સાથે બોલી.

હું જરાક થંભ્યો, ઘુંટડો પાણીનો ગળે ઉતાર્યો અને અત થી ઈતિ સુધીની આખી વાત એને કહી સંભળાવી.

દરવાજાની આડશે ઉભો રહી બધુ સાંભળી ચૂકેલો અર્જુન પણ ચિંતાતુર ચહેરે બહાર આવી ઉભો રહયો. હું એને આગળ કંઈ કહુ એ પહેલા જ ઈન્સ્પેકટર દેસાઈ દરવાજામાંથી દાખલ થતા જણાયા.

"મિનલબેન, પૂરી વાત જાણીને આવ્યો છુ. તપાસ કરાવતા માલૂમ પડ્યું છે કે કામ શહેરના પાંચ અલગ-અલગ શાર્પશૂટરોની ગેંગને અપાયુ છે. તમે શપથવિધિ માં ન જશો. આ પાંચમાંથી બે ગેંગ તો પૂરી પકડાઈ ચૂકી છે, પણ બાકીના માણસો બહારના રાજ્યના છે જેમનો કોઈ પતો નથી લાગ્યો." આવતા જ દેસાઈ સાહેબ એકધારૂ બોલ્યા.

"અને એમની યોજના શુ છે એ જાણ્યા વગર આ હુમલો ખાળવા કશુ કરી શકાય એમ નથી."

"હા, મિનલ બેટા, નરેન્દ્રભાઈ ને આપણે આ બાબતે વાત કરી કંઈક નક્કી કરી શકીએ તો." મિનલને સમજાવવા મેં પણ પ્રયત્ન કરી જોયો.

મિનલ ખુરશીમાંથી ઉભી થઈ બારીમાંથી આકાશ તરફ થોડી વાર તાકી રહી.

પછી ધીરેથી બોલી, "શપથવિધિ માં જવાનો મારો નિર્ણય અફર છે, જગાકાકા. જે થવુ હોય એ થઈ જાય. આમ જ જો ડરી જાઉ તો મારામાં વિશ્ચાસ રાખવાવાળા આ હજારો લોકોનુ શુ? હવે આ માત્ર મારૂ લક્ષ્ય નહી, પણ આ પ્રજાએ મને આપેલા મતનો સવાલ છે. "

"તમે ટ્રેનના લોકલ ડબ્બા ની જગ્યાએ જો મોટરકારમાં જાવ તો પોલીસને વધુ મદદરૂપ થશે, બેન." દેસાઈ સાહેબ વિનંતીના સ્વરે બોલ્યા.

પણ મિનલ માની નહી. મિનલ જે પણ કહે એ માનવાની અજ્જુએ તો જાણે પ્રતિજ્ઞા લીધી હતી. હા, એના ચહેરા પર પણ ચિંતાએ રેખાઓ ખેંચી દીધી હતી.

"ઠીક છે, મિનલબેન. તમારો આ જ નિર્ણય છે તો. પણ એટલુ જરૂર કહીશ કે તમારા જેવા નેતાઓની આ દેશને ખૂબ જરૂર છે માટે સાવચેત રહેશો. અંહી બહાર થોડા પોલીસના માણસોને છોડીને જાઉ છુ એ તમારી સાથે જ રહેશે."

"આભાર, દેસાઈ સાહેબ."

ઘડિયાળમાં ત્રણના ટકોરા પડયા. જાણે કંઈ જ ન બન્યું હોય એમ મિનલે સૂવાના રૂમમાં જતા જતા કહયું, "ચાલો, સૂઈ જઈશુ. કાકા તમે પણ જરા આરામ કરી લો. સવારે વહેલી ટ્રેન છે."

હું કંઇ બોલી ન શકતા મનમાં વિચારોની ભીડ લઈ મારી સૂવાની જગ્યા પર જાગતી આંખોએ સૂવા માટે આડો પડયો.