અધ્યાય ૪
સાડા ત્રણની આસપાસ હું રેલ્વે ઓફિસ પંહોચી ગયો. રેલવેની એ બહુમાળી ઈમારતમાં બહુ ફર્યો, બહુ લોકોને કાર્ડ બતાવ્યુ. પણ આપણા દેશમાં લોકોને જવાબ દેવો એ જીવ દેવા જેવુ લાગે, એટલે મોટાભાગના એ આગળ જવા કહયુ, તો કેટલાકે અંદાજે જવાબો આપ્યા. આખરે થાકીને એક બાંકડા પર જઈને બેઠો.
ત્યાંજ સામેના કેબિનમાંથી મિનલ બહાર આવતી દેખાઈ. મને ત્યાં જોતા જ એણે શર્માજીને બૂમ મારી.
શર્માજી તરત જ હાજર. "જી, મેડમ સાહેબ."
"તમે તમારૂ કામ આજે બરાબર નથી કર્યુ. આ વડીલ મારા પિતા સમાન છે, અને તમે... "
એ પછી એ કાંઇ બોલી નહી. એકાદ મિનિટ પછી.
"ચાલો કાકા, આપણે ચા-નાસ્તો કરીએ. બહુ દુબળા થઈ ગયા છો."
નાનપણમાં એ મારી આંગળી પકડી મારી સાથે મેળામાં આવતી, અને આજે મને એ એના હાથના ટેકે એની કેબિન સુધી દોરી ગઈ.
બંનેએ બેઠક લીધી. એની ઓફિસમાં બધુ સુવ્યવસ્થિત ગોઠવેલુ હતુ. ટેબલ પર પીવાના પાણીનો જગ, એની કલમ, ફાઈલોનો થોકડો અને પાછળ કબાટ ભરીને ચોપડીઓ સિવાય રૂમમાં કંઈ જ રાચરચીલું નહોતુ. પાછળ દેશના નેતાઓની સાથે ઈશ્વરભાઈનો પણ ફોટો લગાવેલો હતો. થોડીવાર કોઈ કંઈ જ બોલ્યું નહી. પાંચ મિનિટ પછી જ્યારે પટ્ટાવાળો ચા ને નાસ્તો મૂકી ગયો, ત્યારે એ બોલી.
"લો, કાકા ચા અને આ અંહીના ફેમસ સમોસા છે."
હું ઘણુ બધુ પૂછવા માંગતો હતો, પણ મિનૂડી હવે મેડમ બની ગઈ હતી. એટલે કંઈ પણ પૂછતા અચકાતો હતો. એનુ થોડુ-ઘણુ કામ પતાવી એણે ખબર-અંતર પૂછયા, અને મને પણ જરાક રાહત થઈ. એટલે હું પૂછવા ગયો.
"બેટા, આ બધુ...???" અટક્યો.
"કેવી રીતે એમને, કાકા.. "
"લાંબી વાત છે. પણ હા, મારૂ સપનુ સફળ થયું ખરૂ."
"હા, તારી પ્રગતિ જોઈને તો મારૂ મન ઠરે છે. તારા બાપુજી પણ અત્યારે હોત તો કેટલા ખુશ થાત."
બે હાથ ઉંચા કરી આશીર્વાદ આપ્યા.
મિનલ થોડી ગળગળી થઈ અને સાથે ખુશીના થોડા આંસુ વહી ગયા.
સાંજે પાંચેક વાગ્યા હશે ત્યાં જ શર્માજી આવ્યા.
"મેડમ કોર્ટ ભરાવાનો સમય થઈ ગયો છે, લોકો આવી ગયા છે."
"હા, હું આવુ છુ."
"કાકા, તમારે અંહી બેસવુ હોય તો અંહી બેસો નહીતર ત્યાં પણ આવી શકો છો. આપણા જેવા જ લોકો છે." મિનલે જતા જતા મારા તરફ ફરીને કહયુ.
પૈસો આવતા જ માનવી પોતે શુ હતો એ ભૂલી જતો હોય છે, પણ અંહી નવીન જ કાંઈક જોઈ રહયો હતો. આટલા ઉંચા પદે આવ્યા પછી પણ મિનલ બધા વર્ગના લોકોને સમાન ગણે છે અને પોતે કઈ પરિસ્થિતિમાંથી આવી છે એ ભૂલી નથી એ જાણી આનંદ થયો.
પાછી અંહી વળી આ સમયે શાની કોર્ટ એવો વિચાર આવતા હું પણ જ્યાં લોકો એકઠા થયા હતા, એ ખંડમાં જવા કેબિનની બહાર નીકળ્યો. બહાર નીકળીને જોવુ છુ તો આખી ઈમારતમાં ગણ્યાગાંઠ્યા લોકોને છોડી બધા જ ઘરે ચાલ્યા ગયા છે. એ જ હરોળમાં ખૂણામાં આવેલ પ્રમાણમાં બીજા ઓરડાઓ કરતા મોટા ઓરડામાં મિનલની કોર્ટ ભરાઈ હતી. જાતે જ સેતરંજી પાથરીને બધા નીચે બેસી ગયા હતા. મિનલ પણ નીચે એક પાટલા પર બેઠી હતી.
રેલ્વેમાં નીચલા વર્ગોમાં કામ કરતા મારા જેવા ગેંગમેન, લારીઓવાળા, સફાઈ કર્મચારીઓ અને કુલીઓ તથા આસપાસના વિસ્તારના ગરીબ મજૂરોના પરિવારોનો જાણે મેળાવડો હતો. એક પછી એક દરેકે પોતપોતાની સમસ્યા કહેવા માંડી. મિનલે દરેકના કંઈક ને કંઈક ઉપાયો બતાવ્યા. જેના વિશે કંઈ નક્કી ન કરી શકાયુ એની નોંધ કરી લેવામાં આવી. જ્યાં પણ આર્થિક મદદની જરૂર જણાઈ, મિનલે પોતાનુ પર્સ ખાલી કર્યુ.
એકાદ કલાક પછી આ ગરીબોની કોર્ટ વિખરાઈ. સામાજિક, દારૂબંધી ને લગતી, જીવનની મૂળભૂત જરૂરિયાતોની, ભણતર માટે આર્થિક મદદની અને શૌચાલય ના નિર્માણ સુધીના મુદ્દાઓ સૂચનો અપાયા અને જરૂર પડી ત્યાં પૈસા. નીચેજ લોકોની સાથે બેઠેલી મિનલમાં એક સમયે મને લોકોને યોગ્ય સલાહ-સૂચનો આપતા ઈશ્વરભાઈના દર્શન થયા.
કોર્ટ વિખરાઈ ગયા પછી શર્માજીએ જરા સંકોચ સાથે કહયું, "મેડમ, આમ તો તમારી બધી આવક આમ જ ખર્ચ થઈ જશે. ગયા મહિને પણ તમારો પોણા ભાગનો પગાર આમાં જ વહયો ગયો."
"હું હજુ બચત કરીશ. પહેલા કરતી એમ ટયુશન ભણાવીશ, ખાખરા બનાવીને વેચીશ, પણ આ કામ બંધ કરવાનુ ક્યારેય બોલતા નહી, શર્માજી."
એણે ગંભીર ચહેરે જવાબ દીધો.
"ના ના એવુ નહી, મેડમ." શર્મા જરાક ભોંઠો પડયો.
"તો કેવુ, અને હા અંતે જરૂર આવી પડી તો તમે પણ પૈસા ભેગા કર્યા જ હશે ને?"
વાતાવરણ હળવુ કરવા મિનલ સસ્મિત ચહેરે બોલી.
શર્માજી હસી પડયા.
"આ લોકો જ છે જેમના બળથી હું આટલે પંહોચી શકી છુ, કાકા. મારા નામ માટે એ લોકો જીવ આપવા પણ તૈયાર છે. અને એમના માટે હું કંઈ ન કરૂ તો મારા જેવુ નગુણુ કોણ. સાચી વાત ને, જગાકાકા?" મારી સામે પ્રશ્ર્નાર્થ નજરે એણે જોયુ.
"તારી વાત બિલકુલ સાચી, બેટા. બિલકુલ તારા બાપ જેવી જ છે તુ. તને ભગવાન અઢળક ખુશીઓ આપે."
"અને હા, હું પણ હવે નીકળુ, બેટા. સાંજની ટ્રેન છે મુંબઇની. તને બહુ હેરાન કરી અને ઘણા સમય પછી પિન્ટુ દિકરાને મળવુ છે."
"એમ થોડી હું જવા દઈશ તમને. અઠવાડિયુ અંહી રહો. પિન્ટુને હું પત્ર લખી દઉ છુ. હજુ તો મારૂ ઘર જોઈને શાંતિથી રહીને જવાનુ છે."
"પણ બેટા, અંહી રહીને હું શુ કરીશ?" છટકવા એક પ્રયાસ કરી જોયો.
"તમારે કોઈને મળવાનું બાકી છે. અને હા, મારા હાથનુ ખાધા વગર જવાય જ કેમ."
"મળનાર વ્યક્તિ ન ગમે તો તમે નકકી કરજો જવુ કે નહી, બસ."
આખરે એના આગ્રહવશ હું એની અને શર્માજીની સાથે રેલ્વે સ્ટેશન તરફ ચાલતો થયો. મુંબઈ ની નહી, વડોદરા ની ગાડી પકડવા.