અધ્યાય ૧૦
આ તરફ હું, અર્જુન અને હિરલ કમાટીબાગમાં બાળકોની ટ્રેનની મજા લઈ રહયા હતા અને ટ્રેનમાંથી ઉતરતા જ અમારી મુલાકાત મિનલની ખાસ સખી મનિષા સાથે થાય છે. મારા ખૂબ આગ્રહવશ મનિષા મિનલની રેલમંત્રી સુધીની સફર, એણે સહન કરેલી મુશ્કેલીઓ, એની ધીરજ અને સરળતા વિશે વાત કરી રહી છે.
મિનલ હવે તરૂણાવસ્થામાં પ્રવેશી રહી હતી. લાંબી બિમારીના ખાટલા બાદ બાનુ મરણ થયુ હતુ. મિનલે બાના અંતિમ સમય સુધી એમની પૂરી સેવા કરી હતી. જીવનના અનેક રંગો જોઈ ચૂકેલી મિનલ હવે સરળતાથી ઘર ચલાવી શકતી હતી, અને એના ખર્ચા પણ કાંઈ ખાસ હતા નહી. અઠવાડિયામાં ચાર વાર તો એ ઉપવાસ પર જ રહેતી.
જેમ એ લાલ ઘેરૂ માટીમાંથી વિધ-વવિધ પ્રકારના રમકડા ઘડતી એમ જ સંઘના પ્રતાપે એના જીવનનુ પણ સારી રીતે ઘડતર થઈ રહયુ હતુ. પોતાના રોજિંદા કામો આટોપીને એ સંઘના કામોમાં લાગી જતી. નજીકના ગામડામાં બાળકોને ભણાવતી અને સંઘના નારીમંડળ સાથે મળી સેવાના કાર્યોમાં જ મોટાભાગનો સમય કાઢતી. એનુ એકમાત્ર લક્ષ્ય હવે લોકોની મદદ કરવાનું જ રહયુ હતુ.
નરેન્દ્રભાઈ જેમને મિનલે પોતાના ગુરૂ ગણ્યા હતા, એમના એક મિત્રની પ્રિન્ટિંગ પ્રેસમાં મિનલને કામ પણ મળી ગયુ હતુ. એકંદરે શાંતિ હતી. નોકરી સાથે મિનલે કોલેજનુ ભણતર પણ પૂરૂ કરી લીધુ હતુ.
રેલવેની એ કોલોનીમાં મિનલ એક જ આટલુ ભણેલી હોવાથી લોકો એની ખૂબ જ ઈજ્જત કરતા. ઈશ્વરકાકાની જેમ જ મિનલ પાસે પણ લોકો સલાહ-સૂચનો કરવા આવવા લાગ્યા હતા.
સંઘના સ્વયંસેવકો સાથે મળી મિનલે એ વિસ્તારમાં વિકાસના ઘણા કામો કરાવ્યા હતા અને આફતના સમયે તો મિનલ પૂરી ખંતથી લોકોને મદદ કરતી.
લોકોમાં વધી રહેલી મિનલની લોકપ્રિયતા એરિયાના કેટલાક રાજનેતાઓને ખટકી પણ રહી હતી. વિસ્તારમાં કેટલાક કામોની ગ્રાંટ માટે કે અટકેલા કામો માટે મિનલ કેટલીય વાર આ નેતાઓ સામે આંદોલનો કરી ચૂકી હતી.
એકવાર નોકરી પર મિનલને મોડુ થયુ હતુ. બહાર નીકળ્યા પછી એને કોઈ વાહન ન મળતા એણે ઘર તરફ ચાલવાનું શરૂ કર્યુ. લગભગ રાતના પોણા બાર વાગી ગયા હતા. ઝપાટાબંધ ચાલી રહેલી મિનલ પોતાના ઘરની ગલી પાસે જ પંહોચવામાં હતી, ત્યાં જ ત્રણ ઓળા એને ઘેરી વળ્યાં.
એ લોકોએ પોતાના ચહેરા પર રૂમાલ બાંધ્યો હતો, પણ મિનલને એમની નિયત સમજવામાં જરા પણ વાર ન લાગી. દરરોજ કેટલાય પુરૂષોની લોલૂપ નજરોમાં થઈ એ પસાર થતી હતી.
એ જરા સાવધ થઈ બે ડગલા પાછળ હટી. પેલા ત્રણ બૂકાનીધારીઓને એમ હતુ કે આ એકલી છોકરી શુ કરી લેવાની છે?, પણ શાખામાં મિનલ સ્વરક્ષાના કેટલાય દાવ શીખી ચૂકી હતી એની એ લોકોને ખબર નહોતી. એક -એક કરી મિનલે ત્રણેયને ધૂળ ચાટતા કરી દીધા હતા.
હું ગલીના નાકા પાસે જ રહેતી ને આ બધુ મેં જોયુ હતુ અને ગલીમાંથી લોકોને બોલાવવા દોડી ગઈ હતી. જ્યારે બધાને લઈ ને પાછી આવી ત્યારે ખેલ ખતમ થઈ ચૂક્યો હતો. આ કામ કરવા માટે એ ત્રણને કયા નેતાએ પૈસા આપ્યા હતા, એ માહિતી પણ મિનલ જાણી ચૂકી હતી.
આ બનાવ પછી મિનલ શહેરની સ્ત્રીઓ માટે પ્રેરણા સમાન બની ગઈ હતી અને લોકોમાં એ વધુ ને વધુ લોકપ્રિય થઈ રહી હતી.
બે જ મહિના પછી વિધાયકની ચૂંટણી આવી રહી હતી અને મિનલની લોકપ્રિયતા જોઈ નરેન્દ્રભાઈએ
મિનલ પાસે ચૂંટણીનુ ફોર્મ ભરાવી દીધુ હતુ. એંસી ટકા મત સાથે મિનલે ચૂંટણી સાવ આસાનીથી જીતી લીધી હતી અને રેલમંત્રી બનવાના એના સપના તરફ પહેલો વિજય સ્તંભ રોપી દીધો હતો.