Featured Books
શ્રેણી
શેયર કરો

બા, હું રેલમંત્રી બનીશ. - અધ્યાય ૯

અધ્યાય ૯

મિનલનો આજનો આખો દિવસ આમ તો ઘણો સારો ગયો, પણ ભૂતકાળમાં સહન કરેલી ખરાબ આર્થિક પરિસ્થિતિનો સમય દર્દભરી ટીશ બની રહી-રહીને એના હ્ર્દયમાં ફરીથી ખૂંપી રહયો હતો.

આજે પહેલીવાર એનુ કામમાં જરાક પણ ધ્યાન નહોતુ. નાની ઉંમર હોવાથી બાપુજી અને બાના મૃત્યુનો શોક પણ સમજી ન શકવાનો અફસોસ, ઉપવાસ કરીને કે માત્ર દહીં-રોટલી ખાઈ કાઢેલા દિવસો, બીમારીમાં પડેલા બા માટે ઉઠાવેલી જહેમત, ખાસ બહેનપણી મનીષાનો સથવારો, માટીના રમકડા બનાવવામાં ભૂંસી નાખેલી હાથની રેખાઓ એમ અવિરતપણે જાણે એ પોતાના જીવનની આત્મકથા આજે વાંચી રહી હતી.

આખો દિવસ ચાલ્યો ગયો. એનુ દિવાસ્વપ્ન અટક્યું, જ્યારે શર્માજીએ ઓફિસમાં પ્રવેશ કર્યો.

"મેડમ સાહેબ, કોર્ટરૂમ ભરાઈ ગયો છે."

સહેજ ચમકીને મિનલ બોલી.
"અચ્છા, સમય થઈ ગયો."
-ઘડિયાળ તરફ જોઈને-
"અરે, સાડા પાંચ થઈ ગયા! તમે બેસાડો બધાને, હું અબઘડી આવુ છુ."

મિનલ ઉઠીને બાથરૂમમાં ગઈ, અરીસા સામે ઉભી રહી, મોં પર પાંચ-સાત વાર પાણી છાંટયુ.
જરાક રાહત જેવુ લાગતા એ કોર્ટવાળા રૂમમાં જઈને બેઠી. બધા સામે એક નજર ફેરવી એણે સંબોધન કર્યુ.
"માફ કરજો, ભાઈ-બહેનો. આજે જરાક મોડુ થઈ ગયુ. બોલો, પહેલો કોનો કેસ છે?"

"બેન, હું રાજુ, અંહી ડાબી બાજુ બેઠો."

મિનલ બરાબર ન સંભળાતા ઉઠીને રાજુની નજીક ગઈ.
"હા બોલ, રાજુ બેટા. શુ સમસ્યા છે?"

"એ તો" -રાજુને બોલતો અટકાવી મિનલે પૂછયું.-

"તે મારી હિરલ માટે મંગાવેલો એ રમકડાના હાથીનુ શુ કર્યુ?"

"બેન,એ યાદ જ છે મને. લઈને જ આવ્યો છુ. આ લો."

"સારૂ, હવે સમસ્યા બોલ, ચાલ."

"મોટાબેન, દસમુ ભણી રહયો એ તો તમને ખબર જ છે, હવે આઈટીઆઈ નુ ભણવુ છે, પણ અરજી કરવાના પૈસા નથી."

"અચ્છા, એ વાત છે એમ. લે આ સો રૂપિયા. આમાંથી હાથીના અને ફોર્મના બંનેનો ખર્ચ કાપી બાકીના પછી પાછા આપી જજે."
રાજુના હાથમાંથી મિનલે પેલુ માટીનુ રમકડુ લઈ લીધુ.

"આભાર, બહેન." રાજુ ખુશખુશાલ.

રાજુના ચહેરા પરની એ ખુશી એને ઓળખીતી લાગી, પણ એણે મન ખંખેરી નાખ્યું. હજુ ઘણા લોકોને સાંભળવા બાકી હતા.

થોડા સમયમાં કોર્ટ પૂરી થઈ ને બધા વિખરાઈ ગયા. શર્માજી ને વહેલા ઘરે મોકલી આજે મિનલ ઓફિસમાં વધુ રોકાઈ.

સાંજે રિક્ષા પકડી મિનલ પોતાના ઘર તરફ જઈ રહી હતી અને રાજુની ઓળખીતી લાગેલી મુસ્કાન વિશે ભૂતકાળમાં ફંફોસી રહી હતી.

પેલા ભાઈ ગણપતિદાદાની મૂર્તિ લઈ ગયા, એના બીજા દિવસે મિનલ ફરીથી એની જગ્યાએ હાટડી માંડીને બેઠી હતી.

હજુ માંડ નવ જ વાગ્યા હશે, ને મિનલે એક સહેજ પરિચિત અવાજ સાંભળ્યો.
"કેમ છે બેટા, આ લે. તારા ગણપતિદાદાને ક્ષેમકુશળ પાછા લઈ આવ્યો."

"એ ખાલી મારા થોડી છે, એ તો બધાના છે, મોટા સાહેબ."

પેલા મહાશય ખૂબ ખુશ થયા. એમણે કંઈક વિચારીને સવાલ પૂછયો.
"શુ તુ સંઘની શાખામાં આવીશ, બેટા?"

"ત્યાં આવીશ તો હું મારૂ કામ ક્યારે કરીશ, અને હા ભણવાનુ?"

"બેટા તારૂ લક્ષ્ય શુ છે? કંઈ વિચાર્યુ છે."

"હા, છે ને. હું રેલમંત્રી બનીશ. હા, પણ ખબર નથી કેવી રીતે. "

મિનલની નિર્દોષ પણ નક્કી વાત પર જરાક હસીને પેલા ભાઈએ કહ્યું, "જરૂર, બેટા.
તુ જરૂર બનીશ. તારા અવાજ માં આત્મવિશ્વાસ જોવુ છુ. અને દિશાશૂન્ય લોકોની આ દુનિયામાં તને તારૂ લક્ષ્ય ખબર છે એ બહુ મોટી વાત છે."

"તુ એકવાર આવી જો શાખામાં. તને યોગ્ય લાગે તો આવવાનું ચાલુ રાખજે, નહીતર તુ જે નક્કી કરે એ. તારા ભણતરનો ખર્ચ ઉઠાવવાની જવાબદારી મારી, બસ."

"સારૂ, હું વિચારીશ સાહેબ."

"સવારે સાત વાગે આ કાગળ પર લખેલા સરનામે આવી મારૂ નામ આપજે. મારૂ નામ નરેન્દ્ર છે."

મિનલે હસીને હકારમાં ડોકુ હલાવ્યુ.

અને પોતાની એ ખુશીમાં એને રાજુની ખુશી બરોબર બંધબેસતી લાગી. મિનલની શોધ પૂરી થઈ ને સાથે સાથે ઘર સુધીની રિક્ષા-યાત્રા પણ.