Featured Books
  • જૂનું અમદાવાદ

    *અમદાવાદનો અમારો ગાંધી રોડલેખક: *અશોક દવે**મને એટલું યાદ છે...

  • એક ષડયંત્ર.... - ભાગ 50

    (માનવ સિયાને સોના જેવું બનાવે છે, ઉદાહરણ આપી સમજાવે છે. સિયા...

  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

શ્રેણી
શેયર કરો

બા, હું રેલમંત્રી બનીશ. - અધ્યાય ૫

અધ્યાય ૫

કોઈ અમીરોની સોસાયટી કે સરકારી બંગલાઓની જગ્યાએ અમારી રિક્ષા રેલવે કોલોનીમાં આવી ઉભી રહી. આજે જાણે આખો દિવસ આખો યાદોમાં જ થઈ ને પસાર થઈ રહયો હતો, એવુ એ કોલોનીમાં ચાલતા ચાલતા અનુભવ્યું.

રેલવે ક્વાર્ટસની હરોળમાં સૌથી છેલ્લે આવેલા, નાનકડા, એક માળના પણ સુઘડ અને સ્વચ્છ ઘરના ઓટલા પર અમે ચઢ્યા.
ઓટલો લીંપેલો હતો, માટે ઠંડક આપતો હતો. એક ઝૂલો ત્યાં બાંધેલો હતો, અને ઓટલાની કિનારે એક લીમડાનુ ઝાડ હતુ, ઝાડની પાસે હરોળમાં અલગ અલગ છોડ ફૂલ અને શાકભાજીના છોડ વાવ્યા હતા. શર્માજી નુ ઘર બાજુમાં હોવાથી એમણે ત્યાંથી જ રામ-રામ કર્યા.

મિનલે ઘરના દરવાજા પર ચાર-પાંચ વાર ટકોરા માર્યા, ત્યારે ઘરનો દરવાજો ખુલ્યો. મિનુ જેવી બાળપણમાં હતી, તેવી જ અદ્લ દેખાતી બાળકી આવી મિનલને મમ્મી કરીને વળગી પડી. મિનલે એને કપાળ પર વ્હાલ ભરી બચી કરી.

"જો તો કોણ આવ્યું, મારી સાથે"? આ છે જગાદાદા. આપણા ઈશ્ર્વર દાદા હતા ને એમના ખાસ ભાઈબંધ. "મિનલે ઓળખાણ આપી.

"અને કાકા, આ છે મારી વહાલી હિરલ."
મેં વ્હાલથી એના માથે હાથ ફેરવ્યો.

ત્યાં જ રસોડામાંથી કોઈ પુરૂષનો અવાજ આવ્યો.
"મિનલ, હાથ-પગ ધોઈ લે. ખાવાનુ તૈયાર છે. સાથે કોઈ છે? તો એમની પણ થાળી લગાવી દઉ."

"તુ બહાર આવીને મળી લે. તારા માટે મસ્ત સરપ્રાઈઝ છે." મારા આશ્ર્ચર્યભરેલા ચહેરા સામે જોઈ હસતા હસતા મિનલે જવાબ આપ્યો.

મિનલ બાથરૂમમાં ગઈ અને હું હિરલના નિર્દોષ પ્રશ્નનોના જવાબો આપી રહયો હતો.

ત્યાં જ એક પગે વિકલાંગ એક પુરૂષ લંગડાતો લંગડાતો પણ બે હાથમાં ખાવાની થાળીઓ લઈને રસોડામાંથી બહાર આવ્યો. એણે ટેબલ પર બંને થાળીઓ મૂકી, ને પછી એ મારી તરફ ફર્યો.

મને જોતા જ એ કંઈક વિચારે ચડી ગયો અને થોડીક સેકંડો પછી એ મારી તરફ આવ્યો, મને પગે લાગ્યો અને મારા પગ પાસે જ બેસીને બોલ્યો.
"શુ જગાકાકા, હજુ પણ મારી ઓળખાણ ના પડી તમને?"

હવે વિચારવાનો મારો વારો હતો.
ચહેરો જાણીતો હતો, પણ યાદ નહોતુ આવતુ.

આખરે એણે જ ઓળખાણ આપતા કહયુ કે, "કાકા, તમારા ઘરના દરવાજા પર રાતે બે વાગે સાંકળ ખખડાવીને જે નાસી જતો હતો એ જ હુ."

"તુ ... તુ અજ્જુ?... જશુનો અજ્જુ તો નહી ને."
ખુશીના માર્યા હું અટકી અટકીને એટલું જ બોલી શકયો.

"હા, એ જ અજ્જુ , કાકા. એ જ."

"તો તે મિનલ સાથે....?"

"હા, કાકા અને આ અમારૂ એકમાત્ર સંતાન." હિરલ તરફ આંગળી ચીંધી એણે કહ્યું.

મારા મનમાં અગણિત પ્રશ્ર્નો હતા. હું આગળ કંઈ પૂછુ એ પહેલા મિનલનો અવાજ સંભળાયો.
"કાકા, ભત્રીજો ભેગા થઈ ભૂખ્યા મારશો કે શુ?"

ભીની આંખે બેઉ જમવા બેઠા. સાથે નાનકડી હિરલ પણ.

"અજ્જુ, આ પગને શુ થયુ છે? નાનપણમાં લોકોને દોડી દોડી બહુ હેરાન કર્યા હતા, એ બધાનો શ્રાપ લાગે છે."
જમતા જમતા મારાથી રહેવાયુ નહી, ને હું મજાક કરી બેઠો.

બંને જણા ગંભીર થઈ ગયા.

"એવુ જ સમજી લો, કાકા. આ રઘાને છે ને ઘણીવાર એવુ ઝનુન ઉપડે છે કે એ મને પણ ભૂલી જાય છે. મારી સાથે રેલવે મજૂરો ના હક માટેના આંદોલનમાં જોડાયો હતો. એમાં ટ્રેન રોકોની ચળવળ વખતે એ મારી કેટલીય વાર ના પાડવા છતા ટ્રેન આગળ પાટા પર સૂઈ ગયો હતો."

"સરકારે નમતુ ન જોખતા આખરે ટ્રેન ચલાવવાનો હુકમ કર્યો. આપણા આ અજ્જુ સાહેબે પણ જીદ પકડી હતી, અને એ ઉંઘેલો જ રહયો. ટ્રેનનુ એન્જિન ચાલુ કરવામાં આવ્યુ, ટ્રેન છેક આવી ગઈ, પણ આણે જાણે જીવ આપવાનુ જ નક્કી કર્યુ હતુ. હું એ સમયે સરકારના આંદોલનની માગણીઓ સાંભળવા નિમેલા અધિકારી સાથે વાતચીતમાં હતી. આ તો અંત સમયે શર્માજી ત્યાં પંહોચી ગયા, અને એને બહાર ખેંચી લીધો. છતાં પણ એના પગની પાની ન બચી. મારી હાલત સાવ ખરાબ હતી,અને આ નફ્ફટ એ વખતે પણ હસતો હતો."

એકીશ્ર્વાસે બોલી ગયેલી મિનલે પાણીનો ઘુંટડો ભર્યો.
"જીવ કાઢી દીધો હતો આણે, ને હજુ હસે છે, કાંઈ શરમ જ નથી." દાંત કાઢતા અર્જુન સામે એણે આંખો કાઢી. અર્જુને બીવાનો અભિનય કર્યો.

નાનકડી હિરલને ગમ્મત પડી અને એ ખિલખિલાટ હસવા માંડી.