માલતીએ દિવાળી નું કામ કાઢ્યું છે. એક બાજુ જુની પસ્તી, ભંગાર,બિનજરૂરી વસ્તુનો ઢગલો કર્યો છે. માધુનું ધ્યાન ત્યાં ગયું. એ ઢગલામાં મેલું ઘેલું પેલું વર્ષો જૂનું ટેડી પણ ઢીલુઢફ થઈ પડ્યું છે. માધુને લાગ્યું કે આજે માલતી આ જુનું ટેડી ભંગારમાં આપી દેશે. તે કંઈ બોલ્યો નહીં. માલતી આવી, ભંગારના ઢગલામાંથી ટેડી બહાર લઈ જઈ હાથથી ખંખેર્યું. પછી સ્વગત બોલી,
"કેટલાય દિવસથી ધૂળધાણી પડ્યું છે આજે તો ધોઈ નાખું."
તે ટેડી લઈ ધોવા ગઈ. માધુ નું મન વિચારે ચડ્યું. એ દિવસોમાં માધુ એક ફેક્ટરીમાં નોકરી કરતો હતો. તે સીધો સાદો અને ભલો માણસ. પોતાની નાની એવી દુનિયા. તેની સમજણી પત્ની માલતી આવ્યા પછી તેની સ્થિતિ વધુ સારી થઈ હતી. માલતી ઘરે સિલાઈ નું કામ કરી માધુનો આર્થિક રથ ઢસડવામાં મદદ કરતી હતી.તેમાંય દિલુ નું આગમન થતાં બંનેની ખુશી બેવડાણી.
માધુ રોજ સવારે પોતાની સાયકલ લઇ ફેક્ટરીએ કામે જતો રહેતો. તે સાંજે આવતો. માધુ ને બુલેટ મોટરસાઇકલ બહુ ગમે.ન્યૂઝ પેપરમાં બુલેટનો સારો ફોટો હોય તો પણ તે કાપી લે.સાયકલ લઈ જતા આવતા તેને ક્યારેક રસ્તે બુલેટ સામે મળે તો તે જોયા જ કરતો.પરંતુ જોવામાં ને જોવામાં સાઈકલ ઊભી રહી જતી ત્યારે તેને યાદ આવતું કે હજી તો સાઈકલ અને બુલેટ વચ્ચે ઘણું અંતર છે.તે મનમાં હસી ને જોર લગાવી પેડલ મારવા લાગતો. તેને ઘણીવાર સપના પણ એવા જ આવતા કે પોતે બુલેટ ચલાવતો હોય આગળ દિલુ બેઠો હોય ને પાછળ માલતી બેઠી હોય. બે ઓરડાનાં નાનકડા મકાનમાં આગળના રૂમમાં તેણે સ્ટુડિયોમાં પડાવેલ ફોટો જેમાં બુલેટ મોટરસાઇકલ પર પોતે સવાર હોય આગળ દિલુ ને પાછળ માલતી બેઠી હોય લગાડી રાખ્યો હતો.આ મોંઘવારી અને ટૂંકી આવકમાં તેણે મનમાં સમાધાન કરી નાખ્યું હતું કે બુલેટ જોઈને રાજી રહેવાય.
નાનકડા દિલુને જાતભાતના રમકડા નો બહુ શોખ હતો. બંને જણા તેને મેળામાં અચૂક લઇ જતા ને ત્યાંથી પોતાને પરવડે તેવું નાનકડું રમકડું દિલુ ને અપાવતા. દીલુ રાજીનારેડ થઈ જતો. એક દિવસ રમકડાની દુકાનમાં દિલુ એક મોટું ટેડીબીયર જોઈ ગયો. તેણે તે લેવાનું વેન કર્યું. બન્ને જણાએ ભાવ પૂછ્યો. દુકાનદારે 500 રૂપિયા કહ્યા. બંને જણ એકબીજાની સામે જોઈ રહ્યા. દિલુુને ફોસલાવી બીજું આનાથી મોટું લાવી આપીશું તેેવો વાયદો કરી ત્યાંથીી નીકળી ગયા. માધુ એક દિવસ કબાડી માં ગયો ત્યાં તેણે એક જૂનું ટેડી જોયું. આમ તો તે સારું હતું પરંતુ તેમાંથી ટોકિંગ મશીન કાઢી લીધું હતું તેથી તેના પેટમાં મોટો ખાડો હતો. એટલા માટે ટેડી ઢીલું લાગતું હતું. માધુ ને તે ખૂબ સસ્તામાંં મળી ગયું. ખુલ્લામાં પડયું રહેતું હોવાથી મેલું ઘેલું હતું. તેણે વિચાર્યું,
"ઘરે જઈને ધોવરાવી નાખીશ."
તેેે તેને લઈ લેનીંગવાળાની દુકાનેેે ગયો. ત્યાંથી થોડુ સ્પંજ લીધું. ટેડી ના પેટના ખાડા માં તેને ભરી દીધું. ઢીલુઢફ ટેડી ગોળ મટોળ થઈ ગયું. ઘરે માલતી એ તેને ઘસી ઘસીને ધોઈ નાખ્યું. ટેડી નવા જેવું થઈ ગયું. દિલુભાઇ તો રાજીના રેડ થઈ ગયા. આખો દિવસ આ ટેડી સાથે રમ્યા કરે. રાતે પણ તેનેે પથારીમાં ભેગુ સુવડાવે. દિલુ ને ટેડી ખૂબ પ્રિય હતું. વર્ષો સુધી તે ટેડીથી રમ્યો.
દિલુ મોટો થતો ગયો અને ભણતો ગયો. ટેડી તો હવે ખાલી દિવાળી ટાઈમે બહાર નીકળતું.તેને ધોઈને પાછું મૂકી દે. ભંગારમાં ઘણી વસ્તુ જાય. પણ ટેડી સાથે લાગણી નો સંબંધ હતો. માધુને માલતી એ દીલુને ખૂબ ભણાવ્યો. માધુ એ આખી જિંદગી સાયકલ ચલાવી. પરંતુ દિલુ એન્જિનિયરિંગ કોલેજમાં આવ્યો ત્યારે તેને નવી બાઈક લઇ આપી. પાંચ વર્ષ ભણીને દિલુ ને સારી કંપનીમાં જોબ મળી ગઈ. પગાર પણ ખૂબ સારો હતો.
માધુ ને માલતીનાં વાળમાં ઉંમરની ચાંદી આવી ગઈ હતી. એક દિવસ બંને ઓસરીમાં ખાટે હિચકતા હતા.ત્યાં દરવાજે બુલેટ મોટરસાઇકલ ઊભી રહી. બુલેટનો અવાજ આવતા જ માધુ ઉભો થઇ ગયો. જોયું તો દરવાજે નવું નક્કોર બુલેટ લઈ દિલુ ઉભો હતો. બંને ઝડપથી બહાર આવ્યા. જોયું તો દિલુ એ નવા બુલેટ ની આગળ પેલું પોતાનું ફેવરિટ જૂનું ટેડી બેસાર્યુ હતું. દિલુ નીચે ઊતર્યો, માધુ ને પગે લાગી કહ્યું,
" હેપ્પી બર્થડે પપ્પા, લો આ તમારી બર્થ ડે ગિફ્ટ"
માધુની આંખમાંથી આંસુ ટપકી પડ્યા. તેણે દિલુ ને છાતી સરસો ચાંપી દીધો. આ સુખની પળ જોતી માલતીની આંખો પણ છલકાણી.
માધુ બુલેટ પર સવાર થઈ ગયો. પાછળ માલતી ગોઠવાઈ ગઈ. માલતીએ એક હાથમાં ટેડી તેડી લીધું. ઢક... ઢક...ઢક... કરતું બુલેટ ઉપડ્યું. મમ્મી પપ્પા ને હરખમાં જતા જોઈ દિલુ પણ ભાવુક થઈ ગયો. મમ્મીએ તેડેલાં ટેડી નું મોઢું પાછળની બાજુ હતું. દિલુ એ ટેડી સામું જોયું. ટેડી જાણે સ્માઈલ આપી રહ્યું હતું.....
લેખક: અશોકસિંહ ટાંક
તા.24/8/2020