Gamdani Prem Kahaani - 11 books and stories free download online pdf in Gujarati

ગામડાની પ્રેમ કહાની - ૧૧

ગામડાની પ્રેમકહાની


મનન અને સુમન વચ્ચે પ્રેમની લાગણીઓ જન્મી ગઈ હતી. હવે બંને ધીમે-ધીમે તેને વ્યક્ત કરતાં પણ શીખી રહ્યાં હતાં.ભાગ-૧૧સુમન અને મનન સાપુતારા પહોંચી ગયાં. સાપુતારા એટલે કુદરતનાં અદભુત દ્રશ્યોથી ભરેલું એક નગર જ જોઈ લો!! એમાંય ચોમાસાની ઋતુમાં ઝરમર ઝરમર વરસાદ વચ્ચે અહીં ફરવાની મજા જ કંઈક અલગ આવે.

સુમન ગાડી પાર્ક કરીને મનન સાથે સાપુતારા ફરવા લાગી. આવી જગ્યાએ કોઈ પણ પ્રેમી પંખીડાની પ્રેમની લાગણીઓ બહાર આવવા મથવા લાગતી હોય છે. આજ મનન પણ પોતાની લાગણીઓને રોકી શકતો નથી. મનનની નજર ના ઈચ્છવા છતાં સુમન પર પડી જ જતી હતી. અહીંનું વાતાવરણ જ કંઈક એવું હતું, કે તમે પ્રેમ નામનાં પંખી થી દૂર રહી જ નાં શકો.

સાપુતારા નો ધોધ, વાંકા ચુકા રસ્તાઓ, લીલાંછમ વૃક્ષો ને પાણીની ઠંડી બુંદો બધું જ ચિલ્લાઈને પ્રેમ‌ પ્રેમ જ પોકારી રહ્યું હતું.

સુમન આ વરસાદી માહોલમાં સફેદ ડ્રેસમાં કોઈ પરી જેવી લાગતી હતી. મનનની જગ્યાએ કોઈ પણ છોકરો હોય. સુમનને જોતાં જ તે પણ તેનાં પ્રેમમાં પડ્યાં વગર રહી નાં શકે. સુમન પથ્થરો પરથી પડતાં ધોધને જોઈ રહી હતી. મનન તેની પાસે જઈને ઉભો રહી ગયો.

"મનન તને ખબર છે?? સાપુતારા આવવાનું મારું વર્ષો જૂનું સપનું હતું. પણ ભણતર અને કામમાંથી ક્યારેય સમય જ નાં મળતો." સુમન ધીમે-ધીમે મનન સાથે પોતાનાં સપનાં શેર કરવા લાગી હતી. મનનને પણ સુમનની વાતો સાંભળવી ગમતી હતી.

"તો આજ તને તારાં સપનાં પૂરાં કરવાનો સરસ મજાનો મોકો મળ્યો છે. આજનો દિવસ તારી રીતે જીવી લે." મનને સુમનની વાતનો વળતો જવાબ આપતાં કહ્યું. મનનનો જવાબ સાંભળી સુમનના ચહેરા પર એક સ્માઈલ આવી ગઈ.

સુમનની સ્માઈલ એટલી સુંદર હતી, કે મનન એ‌ સ્માઈલ જોઈને જ ક્યારેય પોતાની વાત કહી નાં શકતો. મનન સુમનને એટલી હદ સુધી પ્રેમ કરતો, કે તેને સતત એક ડર સતાવ્યા કરતો. ક્યાંક મનન સુમનને પોતાનાં દિલની વાત કરે, ને સુમનની એ સ્માઈલની જગ્યાએ તેનાં ચહેરા પર દુઃખ ની રેખાઓ છવાઈ જાય. તો એ મનન માટે સહન કરવું અઘરું પડી જાય.

પ્રેમ વ્યક્ત કરવો જરૂરી નથી હોતો. પરંતુ બધી વાતો મનમાં જ રાખને ચૂપ રહેવું પણ યોગ્ય નથી. સમય અને સંજોગો અનુસાર અમુક વાત કરવી પણ જરૂરી બની જાય છે. મનન ઘણાં સમયથી માત્ર ખયાલી પુલાવ જ પકાવતો હતો. પોતાનો પ્રેમ સ્વીકારવાની હિંમત કરવી, એ તેનાં માટે લોઢાના ચણા ચાવવા સમાન થઈ ગઈ હતી.

સુમન તો એક આઝાદ પક્ષી ની માફક ઉડવા લાગી હતી. તેનું વર્ષો જૂનું સપનું સાકાર થયું હતું. સુમન ધોધ તરફ આગળ જતી હતી. ત્યારે જ ત્યાં ની જમીન ચીકણી હોવાથી તેનો પગ લપસ્યો. બરાબર એ સમયે જ મનને તેનો હાથ પકડી લીધો. બસ આ હતી તેમનાં પ્રેમની શરૂઆત!! પ્રેમનું પહેલું પગથિયું જ સમજો.

સુમનના બંને હાથ મનનની ગરદનને વીંટળાઈ ગયાં. મનન નો એક હાથ સુમનના હાથમાં ને બીજો હાથ તેની કમર પર હતો. આ દ્રશ્ય ની સાથે જ વરસાદની ગતિ પણ તેજ થઈ ગઈ. જાણે વરસાદ પણ બંનેનાં પ્રેમને વધાવી રહ્યો હતો. એવું રોમાંચક વાતાવરણ સર્જાવા લાગ્યું.

સુમન બે પળ માટે મૌન થઈ ગઈ. મનન તો આમેય હંમેશા મૌન જ રહેતો. થોડીવાર થતાં જ સુમનને એક પથ્થર પર બેસાડી મનન તેની પાસે ઉભો રહી ગયો. દિલમાં તો જાણે પતંગિયા ઉડતાં હતાં. પણ બોલવાં માટે શબ્દો શોધવાં પડે એમ હતાં. કહેવા માટે ઘણું હોય, પણ કહી નાં શકાય‌. એવી જ હાલત અત્યારે બંનેની હતી.

વરસાદી માહોલે વાતાવરણમાં ઠંડી પ્રસરાવી દીધી. વરસાદે વરસવાનું બંધ કરી દીધું. ધીમે-ધીમે આખું આકાશ ખુલ્લુ થવા લાગ્યું. સુરજ નો સોનેરી પ્રકાશ ધરતી પર પડ્યો. એ સાથે જ પાણી સોનાની માફક ચળકતું થઈ ગયું. વૃક્ષો પરથી પડતાં પાણીનાં ટીપાં હમણાં જ વરસાદ વરસી ગયો. તેની હાજરી પૂરતાં હતાં.

"મનન, એક વાત પૂછું??" સુમને એકદમ શાંત સ્વરે મનન સામે જોઈને કહ્યું.

"એક નહીં હજાર વાતો પૂછ...પણ કામની વાતો સિવાય બીજી કોઈ પણ વાત પૂછજે."

"તે કોઈને ક્યારેય પ્રેમ કર્યો છે??" સુમને મનન સામે જોઈને લહેકામાં પૂછ્યું.

સુમનની વાત સાંભળી મનન ના દિલની ધડકન વધી થઈ ગઈ. જાણે હમણાં મનન નુ દિલ બહાર આવીને સુમનને પોતાનાં દિલની વાત કહી દેશે. એટલી જોરથી તેનું દિલ ધડકવા લાગ્યું. આ તો જેને પ્રેમ કરતાં હોય, એ જ પૂછે કે તું કોઈને પ્રેમ કરે છે?? એનાં જેવું થઈ ગયું.

"જો 'હા' કહું તો તું શું કરીશ?? ને જો 'ના' કહું તો તું શું કરીશ?? મને પહેલાં એ વાતનો જવાબ આપ." મનને તો સુમનના સવાલ સામે એક નવાં જ સવાલ નું તીર છોડ્યું. સુમન મનનના સવાલથી અસમંજસમાં મૂકાઈ ગઈ. સવાલ સામે સવાલ તો માત્ર મનન જ કરી શકે. જ્યારે જવાબ આપવો અઘરો હોય, કે સવાલનો જવાબ ખુદની પાસે હોય જ નહીં. ત્યારે જ વ્યક્તિ સવાલ સામે સવાલ કરે.

"જો 'હા' કહીશ, તો એ કોણ છે?? એવો સવાલ કરીશ. ને જો 'ના' પાડીશ, તો હું તારી સામે એક પ્રસ્તાવ મૂકીશ." સુમને કાતિલ સ્માઈલ આપતાં કહ્યું.

"કંઈ વાતનો પ્રસ્તાવ મૂકીશ??" મનને નેણ નચાવતાં પૂછ્યું.

"હવે સવાલ સામે સવાલ બહું થયાં. તું હવે મારાં પહેલાં સવાલનો જવાબ આપ, પછી તને તારાં બીજાં સવાલનો જવાબ મળી જશે." સુમન પણ સ્માર્ટ હતી. તેને પોતાની વાત મનાવતાં ને કઢાવતાં બહું સારી રીતે આવડતું હતું.

"તો હવે કોઈ જવાબ નહીં મળે." મનન એટલું કહીને ઉભો થઈને ચાલવા લાગ્યો. સુમનને એમ હતું, કે પોતે મનન પાસેથી વાત કઢાવી લેશે. પણ આ વખતે એવું નાં થયું. સવાલથી ચાલું થયેલો‌ દોર સવાલ પર આવીને જ અટકી ગયો. સુમન પણ ઉભી થઈને મનન પાછળ જવાં લાગી. એટલામાં ફરી તે લપસી પડી. મનન દોડીને તેની પાસે ગયો.

"તને વાગ્યું તો નથી ને??" મનને સુમનની પાસે બેસીને તેનો વળેલો પગ સીધો કરતાં પૂછ્યું.

સુમન નો પગ મરડાઈ ગયો હતો. જેનાંથી મનને પગ સીધો કર્યો, તો સુમનના મોંઢે થી રાડ નીકળી ગઈ. મનન ને પોતાની હરકત પર દુઃખ થવા લાગ્યું.

"બહું વાગ્યું છે??" મનન થોડાં ખચકાટ સાથે બોલ્યો. પોતાનાં લીધે સુમન તકલીફ માં હતી. એ મનન થી સહન નાં થયું. જે વાતનો ડર હતો. એ જ થઈ રહ્યું હતું.

"હાં, બોવ જ વાગ્યું છે. લાગે છે મારો પગ ભાંગી ગયો." સુમન નાનાં છોકરાંની જેમ‌ બોલી રહી હતી. મનન ને થોડું અજીબ લાગ્યું. છતાંય તેણે સુમનને તેડીને સપાટ જમીન પર બેસાડી. સુમન મનન ની સામે જ જોઈ રહી હતી.

મનન સુમન નો પગ પોતાનાં ખોળામાં લઈને તેનાં પર હાથ ફેરવી રહ્યો હતો. પછી અચાનક જ કંઈક યાદ આવતાં તે ગાડી પાર્ક કરી હતી, એ તરફ ગયો. સુમન તેને જતાં જોઈ રહી. ત્યાં મનન ગણતરીની મિનિટોમાં જ ગાડીમાંથી એક બોક્સ લઈને આવ્યો. એમાંથી સ્પ્રે કાઢીને તેણે સુમનના પગ પર છાંટ્યો. સુમન ને હકીકતમાં વાગ્યું નહોતું. પણ સુમન નાટક કરી રહી હતી. એ સુમનના ચહેરા પર દેખાતું હતું.

"મનન, તને મારી આટલી બધી ચિંતા થાય છે, કે તું અહીં પણ આ દવાઓનું બોક્સ લઈને આવ્યો છે!!" સુમન તકનો લાભ ઉઠાવી ફરી પોતાનાં સવાલો પૂછવાં લાગી.

"હાં, ચિંતા તો થાય ને!!" મનન પોતાની જ ધુનમાં જવાબ આપવા લાગ્યો. તેને તો માત્ર સુમન નો પગ જ દેખાતો હતો.

"કેમ?? ચિંતા શાં માટે થાય??" સુમને સવાલોનો દોર ચાલુ રાખ્યો.

"મારાં લીધે તને વાગ્યું. તો ચિંતા થાય." મનને એકદમ માસુમિયત થી જવાબ આપ્યો.

"તો તારાં લીધે મને કાંઈ થાય, એટલે તને ચિંતા થાય એમ??" સુમન મંદ મંદ હસી રહી હતી. પણ મનન નું એ તરફ ધ્યાન નહોતું.

"હાં, મારાં લીધે તને કાંઈ નાં થવું જોઈએ."

"તો તારું કહેવું એમ છે કે તારાં લીધે તારી સાથે મને પ્રેમ પણ નાં થવો જોઈએ??" સુમન આંખો પહોળી કરીને બોલી.

"નાં, એવું નથી. પ્રેમ તો થવો જોઈએ. મને પણ તારી સાથે થઈ ગયો છે. તો તને પણ થવો જ જોઈએ." મનન આવેગમાં આવીને બોલી ગયો. સુમન તેની સામે જ જોવાં લાગી. સુમનની એ નજરથી મનન ને ખ્યાલ આવ્યો, કે પોતે શું બોલી ગયો છે.

સુરજ ઢળવાની તૈયારી દર્શાવી રહ્યો હતો. આકાશમાં કેસરી લાલીમા પથરાઈ ગઈ હતી. સુમન મનન સામે ને મનન સુમન સાથે જોઈ રહ્યો હતો. બંનેની નજર મળતાં જ વાતાવરણ પણ રમણીય બની ગયું.

એક તરફ સુરજ ડૂબી રહ્યો હતો. તો બીજી તરફ સુમન અને મનન નાં જીવનમાં પ્રેમનો સુરજ ઉગી રહ્યો હતો.
(ક્રમશઃ)


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED