બાળપણથી અનાથની જેમ ઉછરેલો રાહુલ મોટાભાગનો સમય ગોડાઉનમાં કે ટ્રકમાં જ વિતાવતો, એનો બાપ શનો એ સમજણોય નોહતો ત્યારનો આ દુનિયાથી વિમુખ થઈ ગયો હતો. ત્યારે એકનાએક છોકરાની અને ઘરડા સાસુ સસરાની સઘળી જવાબદારી ધુળીને માથે આવી પડી હતી.
વહેલી સવારે જાગીને ધૂળી બાજુના શહેરમાંથી ફૂલ ખરીદી લાવે અને એમાંથી હાર બનાવીને વેચે. ગામથી શહેર સુધી ફેરા કરતા રિક્ષાવાળા અને જીપડા વાળાને હાર પકડાવીજ દે, અને રીક્ષા અને જીપવાળા પણ એવું માનતા કે સવાર સવારમાં ફુલનો હાર વધાવી ગાડી સ્ટાર્ટ કરીએ તો પેસેન્જર સારા મળે. આમ એમનું પેસેન્જર પર અને ધુળીનું એમના પર નભતું.
સવારે સાત વાગ્યાથી નવ વાગ્યા સુધીમાં બધા ફુલહાર વેચીને ધૂળી દાડીએ ઉપડી જાય, સાંજ પડ્યે પચા રૂપિયા દાડી મળે. આવી આવકમાંથી ધુળીનું ગુજરાન માંડ માંડ ચાલતું, બચતની તો વાત જ ક્યાં કરવાની? છતાં એ રાહુલને ઉચ્ચ શિક્ષણ આપવા માંગતી હતી, અને એટલેજ ટુકડે ટુકડે થોડા થોડા રૂપિયા છાના મૂકી રાખતી. એને ખબર હતી કે સંઘર્યું ધન ગમે તે સમયે કામ લાગે.
આ બાજુ રાહુલ છઠ્ઠા ધોરણમાં આવ્યો ત્યાંથી એને કુસંગત મળી ગઈ, ગામના લારીવાળા અને છેલબટાઉ છોકરાઓ સાથે રમવા ઉપડી જાય નિશાળે જાય નહીં. અને આવા બગડેલા છોકરાઓ ભેગા રહી રાહુલ પણ બગડ્યો હતો, કબાટમાંથી છાનોમાનો દસ રૂપિયાની નોટ ચોરી લે અને એમાંથી વિમલ લાવી ને ખાય, બીડીઓ પીવે. નિશાળમાંથી માસ્તર બીજા છોકરાને બોલાવવા મોકલે એમને આવતા જોવે ને રાહુલ ભાગી જાય. ધૂળી બિચારી મજૂરીએ ગઈ હોય એટલે એને આ બધી ખબર નહીં.
એકદિવસ મહેશ માસ્તર સવાર સવારમાં ઘરે કથા હશે એટલે છુટા ફૂલ અને ફુલહાર લેવા ધૂળી પાસે આવ્યા અને એમણે સહજ કહ્યું કે !
“ધૂળી બેન તમે આટલી મહેનત કરો ને છોકરો સાવ રખડી ખાય છે, નિશાળે પણ આવતો નથી. બીજા છોકરા વાતો કરે છે કે વ્યસન પણ કરે છે."
અને ધુળીનુ મગજ છટક્યું, મહેશ માસ્તરને ફૂલો આપ્યા ને રાહુલનું કામ લીધું બરાબર.
“હાહરા મારા ! તને ભણાવવા હું કાળી મજૂરી કરૂ અને તું મા......... નાલાયક ભડવા, ચેટલો સપનો જોયો અને રોયા તું બીડીઓ પીવી."
સાવરણીનું ઠુઠું ભાગી જાય ત્યાં સુધી રાહુલને માર્યો, અને રાહુલ ત્યાંથી નાઠો, એને ભાગતો જોઈ ધૂળી બોલી,
“અહીંયા અમે મરી જઈએ તોયે તારૂ મુઢું અમને બતાવતો નઈ, કે અમારૂ મુયલું મુઢું જોવાય આવી નથી."
પણ રાહુલ ક્યાં સાંભળવા રહ્યો હતો. શનાના મોત પછી રાહુલને જોઈને દિવસો કાઢતી ધૂળી માટે આ અસહ્ય હતું. બે ત્રણ દિવસ તો ફૂલ વેચવા પણ ના ગઈ કે ડાડીએ પણ નહીં.
એને ખાતરી થઈ ગઈ કે હવે રાહુલ નહીજ આવે એટલે ભગવાનની મરજી સમજી ફરીથી ફૂલ વેચવાના શરૂ કર્યા, અલબત્ત મજૂરીએ જવાતું નોહતું. માંડ માંડ ગુજારો થઈ રહેતો.
દિવસો, મહિના કે વર્ષો વીતતા ક્યાં વાર લાગે છે? થોડા વર્ષો પસાર થયા અને એક દિવસ ધુળીના ફળિયા પાસે એક ટ્રક આવી ઉભી રહે છે.
“માં! માં!” સાદ કરતો રાહુલ અંદર ગયો, ધૂળી એને ઓળખી શકતી નથી.
“ માં હું તારો રાહુલ ! જો માં જો ! હવે હું મોટો થઈ ગયો માં, જો.”
આટલું કેહતા રાહુલને ખ્યાલ આવ્યો માં એકલી છે ડોસા ડોસીની હયાતી હવે નથી. એ વિચારવા લાગ્યો બિચારી મારી બા એ આ દિવસો એકલા કેવી રીતે કાઢ્યા હશે? આ ડોસા ડોસી ના ખર્ચા, એમના કારજપાણી કેવી રીતે કર્યા હશે? એ ધારી ધારી ને ધુળીના ચેહરાને નિરખવા લાગ્યો. ધૂળી એક શબ્દ પણ બોલી રહી નોહતી. એને લાગ્યું કે માં હજી ગુસ્સામાં જ છે, તેણે દસ હજાર રૂપિયા ધૂળીના હાથમાં મુક્યાં અને કહ્યું,
“માં હું એ દિવસે ભાગ્યો પછી એક ટ્રકમાં બેસી ગયો, એ ટ્રક ડ્રાઇવર સારો હતો, મને રડતો જોઈ બધી વિગતો પૂછી, પછી મને એની સાથે જ રાખી લીધો, મને ટ્રક ચલાવતા આવડી ગયો, હું એ જ શેઠની ગાડી ચલાવું છું, મને દસ હજાર પગાર આપે છે, હવે તને કઈ તકલીફ નહીં પડવા દવ માં !”
દસ હજારનું બંડલ હડસેલી ને ધૂળી ખાટલામાં બેસેલી તે ઉભી થઇ અને કમાડ પાછળ રહેલી લાકડી લીધી, લાકડીએ લાકડીએ ફટકારવા લાગી.
“રાજ્યા તારો આરોતો ચાણનો મંડાઈ જ્યો, હવે તારા રૂપિયા હું કરું, નીકળ અહીંથી, તને ત્યારે જ ના પાડીતી કે વરતો ની આવતો, અવ હું કરવા આયો સી? અને હા ! લેઈજા આ તારા રૂપિયા, તારા પૈશા તની ગંધોય ! મી તની તું જ્યો એ દિવસનો જ નાઈ નાશ્યો સ, તારો બાપ ય જ્યો ને ભેગો તુય !નેકર હવે અહીંથી, અને હા જતા જતા હોભરી લેજે ! આ પોસ વરહની ડોહી હજુ બેઠેલી સ એનું જાતી કરી ખાય એટલું કમાઈ લે સે, ફરી વારચી આવતો ની આ બાજુ."
ધૂળી એ ધૂતકારી ને બીજી વાર રાહુલને કાઢી મુક્યો રાહુલ ટ્રક રિવર્સ લેતો હતો ત્યાં એક ફુલનો હાર લઈને ધૂળી એની પાસે ગઈ અને બોલી,
“ લાય ! દસ રૂપિયા, ને આ એક આર (હાર) લેતો જા, તારા ખટારામાં લગાડજે."
-મેહુલજોષી (બોરવાઈ, મહીસાગર)
મો 9979935101
23082020015000
@copyright mg