અંકુબાપુએ નવો નવો મોબાઈલ ફોન લીધો. અંકુબાપુને ફક્ત ફોન રિસીવ કરતા અને કટ કરતા ફાવે. અંકુબાપુનો સ્વભાવ ખૂબ ગુસ્સાવાળો. તે હંમેશા મોટી મોટી હાક્યા કરે.શરીર એક વડિયું.મોટી મૂછ રાખે. આખો મોટી ને લાલ ત્રાંબક વરણી હોય.ગામને ચોરે બેઠા હોય ત્યાં રોજ નવી વાત લાવે.
"મારું કવું એક દાડો હું બોટાઝ નાં કેડે થી હાલ્યો આવું મારું મોટરસાયકલ લઈને અધવસાલે એક ખાખી લૂગડું ઊભુતું,મને ઊભો રખાયો.મે વળી કોય દાડો નહી ને તે'દી ભાગિયા હારું બે કોથળી ડેકીમાં ગૂડી તી. હું મૂંઝાણો, આજ આ ખાખી લૂગડું આબરૂ પાડહે.મને ઈમ કે હવાલદાર હહે.પડખે આવી
મને કે, "
" અલ્યા ડેકી માં શું લઈ જા છો બતાવ?"
"એમ કરી પડખે આવ્યું.મે વધુ પડખે આવવા દીધું.પશે જે ખંભાનો હડસેલો દીધો ને તે ગયું ગોથા ખાતું ખાળીયામાં. ન્યા આડું પડ્યું ત્યારે એની કડયે મે ઠુઠું બાંધેલું જોયું.આલે..લે આ તો પીએ શાબ લાગે સે.આપડે ગાડી દાબી મૂકી.એનેય વાહે ઘણા ધુવાડાં ઉદાડયે આવા દીધી.પણ ભાયડો ઈમ હાથમાં થોડો આવે?"
વાળું ટાણુ થઈ ગયું હતું. ડાયરો પણ કંટાળ્યો હોય.પણ બધાને ટાઈમ પાસ સારો થઈ જાય.બધા લેંઘા ખંખેરી ઘર તરફ ઊપડી ગયા.
અંકુબાપુના આવા ભડાકા હોય.જુવાનડાને ખબર પડી કે બાપુ મોબાઈલ ફોન લાયા. બધાએ બાપુની સુવાણ કરવાનું નક્કી કર્યું. બાપુને મિસ કોલ કર્યા કરે.બાપુ બચારા ફોન ઉપાડી
"હાલો..હાલો..."કર્યા કરે. આ મારું હાળું કોક ફોન કરી બોલતું નહી. વાયડું લાગે હે."
ફરી બાપુ કામે ચડી જાય.ત્યાં મિસ કોલ આવે.એક બે દિવસ આવું હાલ્યું.બાપુનો મગજ તો વયો જ ગયો હતો.
" મારું હાળું હામે આવે તો બોસીમાં બે નાખી દવ."
ફરી એક દાડો બાપુ ખેતરમાં હળ ખેડ કરતા હતા.ટ્રેક્ટરનું હળ મોટા મોટા ઢેફાં ઉખાડયે જાતું હતું.ત્યાં ફોન રણક્યો.અંકુબાપુએ ટ્રેક્ટર ઉભુ કરી ફોન ઉપાડ્યો.
"હાલો... "
સામેથી અવાજ આવ્યો "અંકુ બોલે સો?" તુંકારો હાંભળી બાપુના ડોળા બાર આવી ગયા,આખો લાલ ઘુમ થઈ ગઈ,રૂંવાડા બઠા થઈ ગયા. "
કયો સે અલા? કેમ તુંકારો કરે સો?"
" તું ગામને એમ કહેતો ફરે છો કે તે મને ખાળીયા માં ગલોટિયાં ખવરાવી દીધા હે?"
" કોણ...કોણ... શાબ બોલો સો?
ફોન કપાઈ ગયો.અંકુબાપુનુ શરીર ધ્રુજવા લાગ્યું. ફરી ટ્રેક્ટર પર સવાર થઈ ખેડવા લાગ્યા.મનમાં વિચાર કરે.
" અલ્યા આ ખોટી વાત સાહેબને કોણે પહોંચાડી હશે?"
દાજમાં ને દાજમા હળથી મોટા મોટા ઢેફાં ઉખાડે જાય છે. એટલામાં ફરી ફોન રણક્યો.અંકુબાપુ એ મ્યાનમાંથી તલવાર કાઢે તેમ ખિસ્સામાંથી ફોન કાઢ્યો. સામેથી અવાજ આવ્યો,
" અલ્યા અન્કુ કેમ બવ ફાટ્યો સો?"
અંકુબાપૂ એ ટ્રેક્ટર ઉભું મૂક્યું. હેઠા ઉતર્યા.ત્યાં સામેથી બોલ્યા,
" અલ્યા ફાટી પડ્યો? કેમ મુંગો થઈ ગ્યો?"
અંકુબાપુ ને સમજાયું કે આ કોક બીજો અવાજ છે.પેલા ફોન આવ્યો ઈ નહી.
" કોણ સો અલ્યા?"
" કોણ નો દિકરો થા માં"
"અલ્યા જે હોય ઈ તુંકારો નો કરતો હામે આવ"
" હામે આવીશ તો તારો બધો પાવર ઉતરી જાહે રાકા"
બાપુ ને પરસેવો જાય ભાગ્યો ને પગ પછાડતા જાય. ને ઢેફાં ભાંગતા જાય,
" દીકરા મારા હામો આવ તો ખબર પાડું.ભો માં નો ભંડારી દવ તો ખરો બાપુ નહિ."
" ભાળ્યો હવે બાપુ વાળો ગામ આખામાં ફાકા મારે છો ને(ગાળ....) તને તો ઉપાડી લેવાનો છે."
ગાળ હાંભળતા બાપુની ચોટલી ખીતો થઈ ગઈ. એ તો હાથમાં ઢેફાં લઈ રદાડા કરવા લાગ્યા.સામે ગાળો ની બહબહાટી બોલાવા લાગ્યા.સામે વાળો પણ કાઈ ગાજ્યો જાય તેવો નહોતો.આમને આમ એક મૂકે ત્યાં બીજાનો ફોન આવે ને બાપુને ફરી ખીજવે.બાપુએ એટલામાં ઢેફાના ભૂકા બોલાવી દીધા.
સાંજે ઘરે આવી તેના દિકરા રાજવીર ને વાત કરી. રાજવીરે બાપુનો ફોન જોયો નંબર જોઈ સમજી ગયો.
" બાપુ એ તો કો'ક નવરા હશે.હવે તમને ફોન નો આવે એવું કરી દશ."
બીજા દિવસે રાજવીર ખેતરે આંટો ગયો ત્યાં તેણે હળેલા માં જોયું એક ખલા વા જગ્યામાં બાપુનો ગુસ્સો જોઈ હકાતો હતો.ગામમાં આવ્યો.આ ફોન કરનારા મંડળી ચોરે જ બેઠી હતી.
" અલ્યા હવે હાવ કરો તો હારું"
" કાં સુ થ્યું? ""તેમાંથી એક ઠાવકું મોઢું કરી બોલ્યો.
" ભઈ હવે મીંઢા થાવ માં મે તમારા નંબર જોયા સે. બાપુને તમારું નામ આપી દશને તો ઊભા શિરીને મરસુ ભરી દેહે.બોલો કહી દવ?"
" બધા એક સાથે હસી પડ્યા.." ના રાજવીર ભાઈ, અમે તો બાપુને ઘડીક ખારા કરતા હતાં."
" પણ કેટલા ખારા કર્યા હશે તમે? ઈ ઢેફાં વાયામા બાપુએ પગ પછાડીને, દાજથી ઢેફાં નાં ઘા કરીને,રજકો થાય એવું પસિયું કરી નાખ્યું, બાપુનાં હમ."
ડાયરો દાતે બઠ્ઠો પડી ગયો.ગામડામાં આવી મજાક કરી પણ શકે ને સહન પણ કરી શકે.
એટલામાં અંકુબાપુ આવ્યા લાલ ઘૂમ આંખો ને મૂછે વળ દેતા આવે. ખાખા ખીખી કરતો ડાયરો ચૂપચાપ થઈ ગયો...
લેખક: અશોકસિંહ એ. ટાંક
(કથાબીજ: અજીતસિંહ ટાંક)
તા.૨૧/૦૮/૨૦૨૦