Featured Books
શ્રેણી
શેયર કરો

બા, હું રેલમંત્રી બનીશ - અધ્યાય ૮

અધ્યાય ૮

વહેલી સવારે મિનલે બધા માટે ચા-નાસ્તો બનાવી દીધો, અને પોતાના માટે ટિફિન પણ ભરી દીધું. અર્જુને આજે કામ પરથી રજા લીધી હતી, એ જગાકાકાને વડોદરા શહેર ફેરવવા લઈ જવાનો હતો. હિરલે પણ કમાટી બાગ જવાની જીદ પકડી હતી.

ચા-નાસ્તો કરી અર્જુન, જગાકાકા અને હિરલ પોતાના રસ્તે નીકળી પડયા, જ્યારે મિનલ શર્માજી સાથે પોતાની ઓફીસના રસ્તે વળી.

રિક્ષામાંથી ઉતરી રિક્ષાવાળાને પૈસા આપતી મિનલ ની નજર અચાનક જ સામેના મોલના પગથિયાં પાસે ચાદર પાથરીને બેઠેલી એક છોકરી પર પડી.

ઉનાળાની સવાર હતી અને દસેક વાગ્યાનો સમય. સૂર્ય ધીરેધીરે એના તાપનો ત્રાસ વધારી રહયો હતો. એવા સમયે એ છોકરી જે અંદાજે બારેક વરસની હશે, એ ત્યાં માત્ર એક ચાદર પાથરી, તેના પર બેસી ફૂલ-હાર વેચતી હતી. તેની બાજૂમાં એક નાનકડુ ભોંખડિયે ચાલતુ બાળક બેઠુ બેઠુ જમીન ખોતરતુ હતુ. મોડું થતુ હોવા છતાં મિનલ શર્માજીને ઓફિસ જવાનુ કહી એ તરફ વળી.

છોકરીને જઈને એણે પૂછયું, "બેટા, ક્યારની બેઠી છો?"

"છ વાગ્યાની બેન, પણ એક જ હાર વેચાયો છે."
"હવે તો ફૂલ પણ કરમાવા લાગ્યા છે, આ તાપ બળ્યો."

"બેટા, એક હારના કેટલા?" મિનલે ભાવ પૂછયો.

"ખાલી પાંચ રૂપિયા બેન."

"સારૂ, બધાના ગણી જો, કેટલા થાય."

"એક... બે...પાંચ.... વીસ હાર છે... સો થશે બેન."

"સારૂ, લે આ સો. અને આ બિસ્કીટ તારા આ ભાઈ માટે." મિનલે પર્સમાંથી બિસ્કીટનુ પેકેટ કાઢીને ધર્યુ.

પેલી છોકરીએ આખી ટોપલી મિનલને પકડાવી દીધી. એ છોકરીના ચહેરા પર આવેલા નાનકડા સ્મિતે મિનલના હૈયાને કોઈ અલૌકિક શાંતિ આપી.

મોડુ થઈ ગયુ હોવાથી મિનલ ટોપલી લઈ ઝડપી પગલે ઓફિસ તરફ આગળ વધી રહી હતી,જ્યારે મિનલનુ મન સમયચક્રમાં ક્યાંક પાછળની તરફ ફરી રહયું હતુ.

બા હવે મરણપથારીએ પડ્યા છે. વડોદરા આવ્યા બાદ પેન્શન પણ સરકારી અધિકારીઓના ભ્રષ્ટાચાર ના કારણે બંધ થયુ છે. થોડા-ઘણા ભેગા કરેલા પૈસા પૂરા થવા આવ્યા છે. મિનલ ક્યારેક એક ટંક જ ખાય છે તો ક્યારેક દહીં ને મોરસ ખાઈને દિવસો પસાર કરે છે. પડોશમાંથી કોઈ કાંઈ ઢાંકી જાય તો બાને પહેલા ખવડાવે છે અને બચે તો જ પોતે ખાય છે.

જો કોઈનો સથવારો છે તો માત્ર રેલવે કોલોનીના મજૂર પડોશી પરિવારોનો અને થોડા જ મહિનાઓમાં ખાસ બહેનપણી બની ગયેલી મિનલની સખી મનીષાનો. રેલવે કોલોનીમાં જ એક સરકારી સ્કૂલના મહિલા શિક્ષક પોતાના રેલવે કારકૂન એવા પતિ સાથે રહે છે. દર અઠવાડિયે કોલોની અને આસપાસના નિમ્ન વર્ગના લોકોના બાળકોને એમણે ભણાવવાનુ શરૂ કર્યુ છે અને આ રાત્રીશાળાની એક વિધ્યાર્થીની મિનલ પણ છે.

આટલા સમયમાં બાની સાથે રહેલી મિનલ માટીકામ શીખી ગઈ છે. દરરોજ સાંજે એ માટીના અવનવા પશુ-પક્ષીઓ અને ઢીંગલા-ઢીંગલીઓ ઘડે અને સવારથી બપોર સુધી રેલવે સ્ટેશનની સામે આવેલી એક શાળાના દરવાજા પાસે બેસી વેચે. આ કામમાં એની બહેનપણી પણ એને મદદ કરે છે.
દાક્તરે લખી આપેલી બાની દવા પણ પેલા શિક્ષિકા બેન સરકારી અસ્પતાલમાંથી લાવી આપે છે. અને ગમે તેવા સંજોગો હોય, ભણવાની ધગશ એટલી કે અઠવાડિયે રાત્રિશાળા અચૂક જાય છે.

આજે પણ મિનલ પોતાના રમકડાની ટોપલી લઈને સમયસર પોતાની જગ્યા પર આવી ગઈ છે. શાળામાં કોઈ ઉત્સવની તૈયારીઓ થતી હોય એમ લાગે છે. દરરોજની જેમ સામેની કીટલીવાળા ભલા માણસ એવા રામૂભાઈએ મોકલેલી ચા એ પી ચૂકી છે.

"રમકડા લઈ લો, ભાઈ."
"બહેન, આ ઢીંગલી તો જુઓ."
"આ બાબલા માટે જુઓ હાથી, લાગે છે ને અદ્લ."

મિનલ એના મધૂર અવાજે લહેકો કરી ત્યાંથી પસાર થતા લોકોને રમકડા બતાવે છે, જાતભાતની વાતો કરે છે ને રમકડા વેચે છે.

ટોપલીમાં લગભગ બે કે ત્રણ જ રમકડા બાકી છે. અને મિનલનો ઘરે જવાનો સમય પણ થઈ ગયો છે. મિનલ બધુ આટોપી રહી છે, અને ત્યાંજ એક ખોખરો પણ નમ્ર આવાજ એને સંભળાય છે.

"દિકરી, આ ગણપતિની મૂર્તિ કેટલામાં પડશે?"

"એ વેચવા માટે નથી, સાહેબ. એ તો મારા ભગવાન છે."

"બેટા, તુ માને છે ભગવાનમાં."

"હાસ્તો સાહેબ, આ બધુ મને વગર માંગે મળે છે એ એની જ કૃપા છે. અને આવી માટીની કળા પણ એણે જ તો આપી છે."
"અને કંઈ નહી તો છેલ્લે કોઈ ન હોય ત્યારે આમની સાથે જ તો વાતો કરૂ છુ. ને તમે એમને જ ખરીદવા આવ્યા." મિનલ એકધારૂ બોલી.

"બેટા,શુ માત્ર પૂજા પૂરતા હું પ્રભુને લઈ જઈ શકુ?
હું સ્વયંસેવક સંઘમાંથી આવુ છુ અને આ શાળાના કાર્યક્રમમાં મુખ્ય મહેમાન છુ. અંદર જઈને તપાસ કરતા માલૂમ પડયુ છે કે કાર્યક્રમની શરૂઆતમાં ગણપતિની જે મૂર્તિની પૂજા કરવાની હતી એ મંચ પર ચડાવતી વખતે ખંડિત થઈ છે."
પેલા સજ્જને મિનલને વિનંતી કરી.

"ઠીક છે, પણ કાલે મને મારા ભગવાન પાછા જોઈએ, અત્યારે તો મારો ઘરે જવાનો સમય થયો છે." વડીલની વિનંતી સાંભળી મિનલે કમને મૂર્તિ લઈ જવાની રજા આપી.

પેલા મહાશય મૂર્તિ લઈ શાળામાં ગયા, અને મિનલે ઘર તરફ પગલાં માંડયા. આજનો એ વાર્તાલાપ મિનલને એના સ્વપ્નની વધુ નજીક લઈ જવાનો હતો, અને એ વાતથી અજાણ મિનલ કોઈ લોકગીત ગણગણતી હતી.

ઓફિસના પગથિયે પંહોચેલી મિનલને જરાક ઠેસ વાગી અને એ ધ્યાનભંગ થઈ.