અધ્યાય ૧૧
"આ કમજાત છોકરડીનુ કાંઈક કરવુ પડશે, ભત્રીજા. આજ સુધી તો હું કોઈ પણ ગુનામાંથી રમતો રમી બચતો આવ્યો છુ. પણ આ ઈશ્વર ના કેસમાં જ મને જીંદગીમાં પહેલીવાર જેલ થઈ છે. આ બધુ કામ નક્કી એની આ છોડીનુ જ. એ નપાવટે જ આ કેસ ફરી ચલાવ્યો છે. એ મિનલડીનુ કાંઈક રસ્તો કરવો પડશે, ભત્રીજા." ઈશ્વરભાઈના કેસમાં હજુ આજે જ જામીન પર છુટેલો લખતરસિંહ ઉર્ફે લાખુ પોતાના ભત્રીજા, હરપાલસિંહ, જે વડોદરાનો સાંસદ અને માથાફરેલો ગુંડો પણ હતો એને સંબોધી કહી રહયો હતો.
"હા, છેલ્લા દસ વર્ષથી બરોડામાં એકધારૂ મારૂ શાસન ચાલ્યું છે, ને આ ન જાણે કયા ઉકરડામાંથી બહાર આવી છે અને પાછુ લોકો પણ એની વાત ગાંડાની જેમ માને છે. મારી બેટી, વિધાયક પણ બની ગઈ અને રાજસભાની ચૂંટણી પણ આસાનીથી જીતી લીધી. પાછુ પાર્ટીના પેલા સત્યવાદી નરેન્દ્ર ડોસલાએ સિફારીશ કરી આ મજૂરણને જ રેલમંત્રી પણ બનાવી દીધી.આ બુધવારે તો એની શપથવિધિ પણ છે."
હરપાલસિંહે પણ પોતાનો ગુસ્સો પ્રગટ કરતા બેંચ પર જોરથી મુક્કો માર્યો.
"રેલવેમાં પણ આપણા જેટલા પણ દાણચોરીના અને નાના બાળકોને ભીખ મંગાવવાના ગેરકાયદે કામધંધા ચાલતા, એ બધા ફરીથી ચાલુ કરવા હોય તો આ કાંટાને રસ્તામાંથી હટાવવો જ રહયો, નેતાજી." હરપાલના કોઈક ચમચાએ પણ ટાપસી પૂરાવી.
એ અમદાવાદથી મુંબઇ તરફ જતી એક્સપ્રેસ ટ્રેન હતી. વર્ગ ૧ના એસીવાળા વિભાગની એક બોગીમાં મિનલનુ કાસળ કાઢી નાખવાની યોજના ઘડવા મિનલના બધા દુશ્મનોનો મેળાવડો ભેગો થયો હતો.
મિનલના રાજ્ય-રેલમંત્રી બની જવાથી કોને શુ-શુ નુકસાન થયુ અને કેટલા ગેરકાનૂની ધંધા બિલકુલ બંધ થઈ ગયા એ વિશેની મિટિંગ મળી હતી. વાત ગુપ્ત રહી શકે માટે ટ્રેનની બોગીમાં મિટિંગ બોલાવવામાં આવી હતી.
જેમ-જેમ મિનલના કારનામા એક પછી એક ખૂલી રહયા હતા, એમ-એમ આ મિટિંગ મિનલને માત્ર રોકવાના બદલે એને કાયમ માટે સ્વધામ પંહોચાડી દેવા તરફ વધી રહી હતી.
જ્યારે સ્ટેશને ગાડી ઉભી રહેતી, ત્યારે જાત-ભાતના નાસ્તા ડબ્બામાં આવતા, અને નાસ્તાની જયાફત ઉડાવતા ઉડાવતા મિનલનુ ઢીમ ઢાળી દેવાના નવા-નવા ષડંયત્રો રચાવા લાગ્યા.
આ બધા જ મિનલના દુશ્મનોની જાણ બહાર જ્યારે ટ્રેન વડોદરા જંક્શન આવી ઉભી રહી હતી, ત્યારે વર્ગ ૧ની એ જ બોગીની અડીને આવેલી બોગીમાં એક બુઝુર્ગ દાખલ થયા હતા. મિનલ નામ એમના કાને અથડાયુ ત્યારથી એ બોગીની દરેક વાતચીત આ બુઝુર્ગ કાન દઈ ધ્યાનથી સાંભળી રહયા હતા અને એમના કપાળ પર એક-એક કરચલી વધે જ જતી હતી.
આ બુઝુર્ગ બીજુ કોઈ નહી, હું પોતે હતો. દસેક દિવસ માટે મિનલને ત્યાં રોકાયા બાદ આખરે મિનલને અને અર્જુનને પરાણે મનાવી હું પોતાના દિકરાને મળવા આજે મુંબઇ જવા નીકળ્યો હતો. મિનલે બુક કરાવેલી વર્ગ ૧ની ટિકિટ લઈ જ્યારે હું બોગીમાં ચડયા ત્યારે સંયોગથી એ બોગી મિનલના દુશ્મનોની બાજુવાળી જ નીકળી હતી.
અને આ પૂરેપૂરું ષડયંત્ર ગોઠવાઈ ચૂક્યું ત્યારે લખતરસિંહ, હરપાલસિંહ અને એના સાથીદારો જ્યારે ઘસઘસાટ ઉંઘી રહયા હતા, ત્યારે બધી જ યોજના જાણી ચૂકેલો હું સુરત સ્ટેશને ઉતરી જઈ વડોદરા પાછી જતી ગાડીની રાહ જોઈ રહયો હતો.
આજે સોમવાર હતો અને યોજના એક દિવસ પછી એટલે કે બુધવારે સવારે જ્યારે મિનલ કેન્દ્રીય રેલમંત્રી તરીકેની શપથ લેવાની હોય ત્યારે એનુ કાસળ કાઢી નાખવાની હતી. વડોદરા જેટલુ જલ્દી બને પંહોચવાનુ હતુ અને આગલી ટ્રેન સીધી છ કલાક પછીની હતી.
સ્ટેશન પર શોરબકોર હતો જ્યારે સાવ શૂન્ય થઈ ગયેલા મારા મગજમાં વહેલામાં વહેલી તકે વડોદરા પંહોચવાની ઉતાવળ સિવાય બચ્યો હતો માત્ર સન્નાટો.