Pratiksha - 48 books and stories free download online pdf in Gujarati

પ્રતિક્ષા - ૪૮

“ઓહ...! મને નહોતી ખબર તમે બધું જ તમારી વાઈફને કહીને કરો છો!” ઉર્વા ધારદાર નજરે ઉર્વિલ સામે જોતા બોલી ને પછી ઉમેર્યું, “તો તો મારી મધર વિષે, રેવા વિષે પણ ઇન્ફોર્મ કર્યું જ હશે ને બધું...!”
“ચાલો વોક પર જઈએ...” આગળ કંઈજ દલીલ કર્યા વિના ઉર્વિલ ઉભો થઇ દરવાજા તરફ ચાલવા લાગ્યો ને ઉર્વા પણ વિજેતાની મુસ્કાન સાથે દરવાજાની બહાર નીકળી ગઈ.

સવારનો સોનેરી તડકો રોડ પર પ્રસરવાની તૈયારીમાં હતો. વાહનોની સામાન્ય અવરજવર શરુ થઇ ગઈ હતી. ફૂટપાથની એક તરફ ઉર્વા અને ઉર્વિલ ચુપચાપ ચાલી રહ્યા હતા. સેંકડો સવાલો ઉર્વિલના હોઠ સુધી આવીને રહી જતા હતા. એમાંથી એકપણ સવાલ ઉર્વાને પૂછવાની ઉર્વિલની હિંમત નહોતી થઇ રહી. ઉર્વાને ખબર હતી કે આ મૌન ઉર્વિલને અકળાવશે અને એટલે જ તે એની તરફ નજર સુદ્ધા કર્યા વિના ચાલ્યે જતી હતી. કંઈ કર્યા વિના જ તેના મસ્તિષ્કમાં પેદા થયેલી આગમાં પેટ્રોલ નાખ્યે જતી હતી...

“ઉર્વા...” ૨૦ મિનીટ ચુપચાપ ચાલ્યા પછી છેલ્લે હિંમત કરીને તે બોલી રહ્યો.
“હં...” ઉર્વિલ તરફ ફરીને ઉર્વા ઉભી રહી ગઈ.
“આમ ચુપચાપ ક્યાં જઈશું? ક્યાંક ઉભા રહીને નક્કી પણ કરીએ ને કે ક્યા સુધી જવું છે? ને ક્યારે પાછુ વળવું છે!!” ઉર્વિલના આ વાક્યના ઘણા અર્થ થતા હતા તે ઉર્વા બહુ સારી રીતે સમજતી હતી.
“રેવા સાથે કેમ નક્કી નહોતું કર્યું કે ક્યાં સુધી જવું છે? એને શું કામ નહોતું કીધું કે ક્યારે પાછુ વળી જવાનું છે?” કાતિલ સ્મિત સાથે ઉર્વિલની મજા લેતા ઉર્વા બોલી.
“દરેક વખતે એક જ વાત શું કામ ઉર્વા?” ઉર્વિલ સતત થઇ રહેલા દોષારોપણથી હવે કંટાળી રહ્યો હતો. દેવ, ઉર્વા, કહાન, રઘુ બધા જ તેને દોષી માની રહ્યા હતા અને તે પોતાનો કોઈજ પક્ષ રાખી શકતો નહોતો. તે હવે ફાઈનલી થાક્યો હતો.
“તો? મેં ખોટું કીધું કંઈ?” ઉર્વાને ઉર્વિલને અકળાવવાની મજા પડી રહી હતી.
“કંઈ ખોટું નથી કીધું. પણ, દરેક વાત મારી મચડીને એક જ પોઈન્ટ પર લાવવી ક્યા સુધી યોગ્ય છે!!” ઉર્વિલ પોતાનો બળાપો ઠાલવી રહ્યો. દેવનો ગઈ કાલે રાતે આવેલો ફોન, મયુરીબેનના ટોણા, રઘુના હાથે ખાધેલો માર, ઉર્વાની આંખોમાં દેખાતો તુચ્છકાર અને મનસ્વીની અપેક્ષાઓ... ગણતરીના દિવસોમાં જ પોતાની ૩૬૦ ડીગ્રીએ ફરી ગયેલી ઝીંદગીને જોઈ રહેલો ઉર્વિલ હવે સંયમ ખોઈ રહ્યો હતો.
“તો તમારે એવું કંઈ નહોતું કરવું ઉર્વિલ જે તમારે સાંભળવું પડે! તમારા ૨૦ વરસ પહેલા લીધેલા એક નિર્ણયે કેટલી ઝીંદગી હોમી દીધી એ તમને ખબર જ છે. તો તમે કોઈ જ પોઝીશનમાં નથી કે તમે આ રીતે બિહેવ કરો!” ઉર્વા અવાજમાં જરાપણ ગુસ્સો લાવ્યા વિના ઉર્વિલ પર વાગ્બાણો ચલાવી રહી. ઉર્વિલ કંઈજ બોલ્યા વિના સમસમીને ચુપ થઇ ગયો
તે ઉર્વિલની આગળ આગળ ચાલી રહી હતી. તેણે પાછળ ફરીને જોયું તો ઉર્વિલ રોડ પર એક ખૂણામાં ઉભો રહી ગયો હતો.

“ઉર્વિલ, લેટ્સ વોક!!” ઉર્વા બુમ પાડી ફરીથી કંઈ થયું જ ના હોય એમ ઉર્વિલની મજા લેતા બોલી.
“ઉર્વા પ્લીઝ...” ઉર્વિલ ત્યાં જ ઉભો ઉભો ઓલમોસ્ટ ઉર્વાને કરગરી રહ્યો.
“વોટ!! મેં શું કર્યું?” ઉર્વા બિલકુલ ભોળાભાવે કહી રહી ને પછી ઉમેર્યું, “સાચું પણ ના બોલું શું?? ચાલો ઠીક છે, નથી બોલતી બસ!! તમે આ ૨૦ વરસમાં કંઈજ ભૂલ નથી કરી. માની લઈએ છીએ આપણે, ઓકે? હવે તો ચાલો...”
ઉર્વાનો કટાક્ષ ઉર્વિલને વીંઝીતો ગયો પણ છતાં તે ચુપચાપ ચાલવા લાગ્યો તેની સાથે.

“અચ્છા એક વાત કહો. રેવા તમારી સાથે હતી ત્યારે કેવી હતી! આઈ મીન મારા આવ્યા પહેલા...!” થોડું ચાલીને બગીચાની બહારની એક બેંચ પર બેસીને ઉર્વિલને બેસવાનો ઈશારો કરતાં ઉર્વા બોલી. ઉર્વિલ બે ક્ષણ ડઘાઈને જોઈ રહ્યો.
તેને માનવામાં જ નહોતું આવતું કે ઉર્વા કોઈ કટાક્ષ વિના સીધી રીતે કોઈ પ્રશ્ન પૂછી રહી છે.
“વોટ? મેં તો મારી આખી લાઈફ રેવાને મિઝરેબલ જ જોઈ છે બટ મેં સાંભળ્યું છે કે તે એકલી કોઇપણ પાર્ટીની રોનક હતી. તેની અંદર એક અલગ જ ચાર્મ હતો. એટલે તમને પુછુ છું... તમારા ગયા પહેલા રેવા કેવી હતી. આઈ વોન્ટ ટુ નો...”

***

“રૂમ નંબર ૩૪૧, રઘુ નામનું પેશન્ટ...” બપોર પડવાની તૈયારીમાં હતી ને બંદિશ હોસ્પિટલ પહોંચીને તરત જ રીસેપ્શન પર સવાલો કરી રહી.
“મેડમ થર્ડ ફ્લોર પર લેફ્ટ સાઈડ...” રીસેપ્શનીસ્ટ ઔપચારિક ઢબે કહી રહી.
“આ લીફ્ટ કઈ બાજુ છે!” આમતેમ લીફ્ટ શોધતી બંદિશ ડાફોળિયાં મારી રહી હતી.
“મેડમ સીધા જઈને જમણી બાજુ તરત જ લીફ્ટનો દરવાજો આવી જશે.” રીસેપ્શનીસ્ટ બોલીને બંદિશ તે દિશામાં ચાલી નીકળી. જ્યારથી રઘુના હોસ્પિટલમાં દાખલ થયાના ન્યુઝ મળ્યા હતા ત્યારથી બંદિશનું મગજ બહેર મારી ગયું હતું. તે શું કરી રહી હતી ને શું કહી રહી હતી તેનું ભાન તેને પોતાને પણ નહોતું.

રઘુના રૂમમાં આવતા વેંત રઘુને જોઈ તે તેના પગ પાસે બેસી ફક્ત રડી રહી. તેનાથી એક શબ્દ પણ બહાર ના નીકળ્યો.
“બંદિશ , આમ રડ નહિ. જો હું બિલકુલ ઠીક છું.” રઘુ તરત જ પલંગ પર બેઠા થતા કહી રહ્યો. દર્શન ત્યાં જ હાજર હતો પણ આમાં કંઈ તેને બોલવા જેવું ના લાગ્યું. તે પણ ચુપચાપ જ બેસી રહ્યો.
“બંદિશ.... એ બંદિશ! આમ જો...” રઘુ પ્રેમથી તેની નજીક જઈ તેની ચિબુક ઊંચકી કહી રહ્યો.
“આમ કેમ થઇ ગયું તને!!” બંદિશ તેના ખભે માથું ઢાળી કહી રહી.
“અરે, કંઈ જ નથી થયું મને! બિલકુલ સાજો સારો છું. થોડી નબળાઈ આવી ગઈ હતી. હવે બિલકુલ ઠીક છું. આ દર્શનભાઈને પૂછ જોઈ! હેં ને દર્શનભાઈ? ડોકટરે કીધું ને હું બિલકુલ ઠીક છું?” રઘુ નાના બાળકને સમજાવતો હોય તેમ બંદિશને સમજાવી રહ્યો.
“હા ભાભી, રઘુભાઈ બિલકુલ ઠીક છે. કંઈજ ચિંતા જેવું નથી. ડોક્ટર આજે જ રજા આપી દેશે.” દર્શન બંદિશને આશ્વાસન આપતા બોલ્યો.
“ભાભી!!” બંદિશ રઘુ સામે જોઈ ધીમેથી હોઠ ફફડાવી હસી રહી.
“હા તો બીજું શું કહે તને? જે હોય એ કહે...!” રઘુ પણ તેના કાનમાં કહી રહ્યો ને બંદિશ શરમથી લાલ લાલ થઇ ગઈ.

તે હજુ આગળ કંઈ બોલે કે સમજે તે પહેલા જ ડોક્ટર સાહિલ ત્યાં આવી ગયા ને દર્શનને ડીસ્ચાર્જની ફોર્માલીટી સમજાવી રહ્યા. રઘુને ફરી હોટલ પર લઇ જવાની તૈયારી કરી રહ્યા.

***

મનસ્વી રૂમમાં આવીને એક ક્ષણ પણ આંખો ના મીંચી શકી. તેના માથામાં ઉર્વિલના બોલેલા દરેક વાક્યો હથોડાની જેમ ઝીંકાઈ રહ્યા હતા. તે માથું પકડીને બેસી રહી ને ક્યાંય સુધી રડતી રહી.
થાકીને તેણે નીચે આવીને જોયું તો ઉર્વિલ કે ઉર્વા બન્નેમાંથી કોઇપણ દેખાતું નહોતું.

તે ફરી પોતાના રૂમમાં આવી બાથરૂમના અરીસા સામે પોતાને જોઈ રહી. પોતાના શરીરને ઉપર થી નીચે સુધી નિહાળી રહી.
“શું કમી છે મારામાં? રંગ બહુ ગોરો નથી? બહુ પાતળી લાગુ છું? પેટના ભાગ પર થોડી ચરબી આવી ગઈ છે? ના... ના... હું બહુ સમજદાર નથી ને! એ જ વાંધો છે... કે પછી બન્ને! ના રૂપ છે ના બુદ્ધિ... કેવી પત્ની છું હું! મારા પતિને એક ટકો રસ નથી મારામાં...!” મનસ્વી પોતાના એક એક અંગને અડકીને જોઈ રહી હતી.
પોતાના શરીર પર હાથ ફેરવતાં તેનું ધ્યાન ગળાની નીચે પડેલા નિશાન પર ગયું. તેના હાથ વડે તેણે તે નિશાન પર ઘસી તેને દુર કરવાની કોશિશ કરી પણ તે ના નીકળ્યું.
શાવર ચાલુ કરી પહેરેલા કપડે જ તે પોતાના ઉપર પાણી વહાવી રહી. તે નિશાનને વારંવાર ઘસી રહી. તે જેમ જેમ પોતાને અડકતી જતી હતી તેમ તેમ રાતના દરેક દ્રશ્યો તેની આંખોની સામે તે જોઈ રહી હતી.
ઉર્વિલ જ્યાં જ્યાં તેને સ્પર્શ્યો હતો તે બધી જ જગ્યાઓ પરની ચામડી તે ઘસી રહી હતી. તેની નજર બાજુમાં સબુદાની પાસે પડેલા બાથસ્ટોન પર ગઈ. તે તરત જ તે સ્ટોન લઇ પોતાના શરીર પર એકધારું ઘસી રહી. તે ઉર્વિલના સ્પર્શ સહીત પોતાની જ ચામડીને પણ પોતાના શરીરથી અળગી કરી રહી. પોતે લોહીલુહાણ થઇ રહી.

બાથરૂમથી બહાર આવી તે પલંગ પર ભીના કપડે જ ફસડાઈ પડી. ઉખડી ગયેલી ત્વચા અને હ્રદયપર પડેલા ડામની પીડામાં તે ક્યારે સુઈ ગઈ તેની ખબર તેને પણ ના પડી.

***

ઉર્વિલ પહેલા તો વિચારી રહ્યો કે ઉર્વા ખરેખર શું કરવા માંગતી હતી. થોડીવાર તો તે એમજ ચુપચાપ બેસી રહ્યો.
“આટલું બધું શું યાદ કરવું પડે છે! ભૂલી તો નથી ગયા ને રેવાને...?” ઉર્વા તેને ચુપ જોઈ મજાક કરતા પૂછી રહી.
“એક વખત શ્વાસ લેતા ભૂલી શકું છું રેવાને નહિ...” ઉર્વિલે સીધું જ કહી સંભળાવ્યું ને પછી ઉમેર્યું, “દુનિયામાં ભાગ્યે જ કોઈ એના જેવું વ્યક્તિત્વ હશે! એને પહેલીવાર જોઈ ને ત્યારથી પાગલ હતો હું. પરફેક્શન એની સરનેમ કહેવાય. રેવા વોઝ અ નેક્સ્ટ લેવલ પર્સન... આટલી પ્રસિદ્ધિ છતાં આટલી સરળતા... એના જેવું કોઈ હોય જ ના શકે!” ઉર્વિલના શબ્દોમાં રેવા માટેનો પ્રેમ આજે પણ જીવિત હતો.
“એટલે જ મૂકી દીધી ને તમે! ઉર્વિલ શું ઘટ્યું એમાં? શું નહોતું એમાં?” ઉર્વા જે પ્રશ્ન વર્ષોથી પૂછવા ઈચ્છતી હતી એ ફાઈનલી તેના હોઠો પર આવી જ ગયો.
“ઉર્વા, ઘટ્યું મારામાં... હું મારી મમ્મીને ના સમજાવી શક્યો. હું મનસ્વી માટે લગ્નની ના ન કહી શક્યો. હું રેવાને લઈને ભાગી ના શક્યો. જો કે રેવા પોતે પણ નહોતી ઈચ્છતી કે હું ફેમીલીથી વિરુદ્ધ જઈને એની સાથે રહું...” ઉર્વિલ અફસોસ વ્યક્ત કરી રહ્યો.
“તમને ખબર છે કેમ?” ઉર્વિલ સામે ધારદાર નજરે જોતા ઉર્વાએ પૂછ્યું.
“રેવા એ ક્યારેય કીધું નહિ...!” અપરાધવશ ઉર્વિલ આમતેમ જોઈ રહ્યો.
“તમે ક્યારેય પૂછ્યું નહિ!” ઉર્વા ઉર્વિલને ફરી ઉક્સાવી રહી હતી.
“હું મારા પોતાના પ્રોબ્લેમમાં હતો...” ઉર્વિલ પોતાનો બચાવ કરી રહ્યો. ઉર્વા ફક્ત તેની સામે સ્માઈલ કરી રહી. વળતી જ પળે તેણે પોતાના પોકેટમાંથી રચિતનું સિગરેટનું પેકેટ ખોલી હોઠે લગાવી સળગાવી.
તેણે ત્રાંસી નજરે જોયું તો ઉર્વિલનો અણગમો સાફ દેખાઈ રહ્યો હતો.
“શું થયું?” ઉર્વીલની આંખોમાં આંખ પરોવી તેના ચેહરાની લગોલગ ધુમાડો છોડતા ઉર્વાએ કહ્યું.
“કંઈ નહિ. બસ, રેવા હોત તો એને ના ગમત!” ઉર્વિલ ચેહરો ફેરવતા બોલ્યો.
“અચ્છા? તમને બહુ પડી છે રેવા ને શું ગમત ને શું નહિ એની! તો તમારું લગ્ન કરવું તો રેવાને બહુ ગમ્યું હશે! લગ્ન પછી ય રીલેશન રાખવું એને બહુ ગમ્યું હશે. હેં ને?” ઉર્વાના અવાજમાં હવે આક્રોશ હતો.
“સીચ્યુશેન અલગ હતી...” ફરી પાછી એ જ વાત આવતા ઉર્વિલ ચિડાયો.
“એવી કઈ સિચ્યુએશન હોય જે તમારી લસ્ટ જસ્ટિફાય કરે ઉર્વિલ? યુ વેર મેરીડ... તો ય તમારા રેવા સાથે અફેર હતા. તમે રેવાને એક રમકડાંથી પણ વધારે ખરાબ રીતે ટ્રીટ કરતા હતા. તમે આલ્કોહોલના નશામાં એની જાન સુધી જોખમમાં નાંખી દીધી તી... ને તમે કહો છો એ પ્રેમ હતો!!” ઉર્વા ઉકલી રહી હતી.
“એ પ્રેમ હતો ઉર્વા. બીલીવ ઈટ ઓર નોટ...” ઉર્વિલ પણ સામે બોલી રહ્યો. તે ખોટો સાબિત થઇ થઈને થાક્યો હતો.
“હું તમારી લસ્ટનું પરિણામ છું ઉર્વિલ વોરા... આઈ એમ બાય પ્રોડક્ટ ઓફ...” ઉર્વા નજર ફેરવી ગઈ ને એક ક્ષણ રોકાઈ ઉર્વિલ સામે જોઈ બોલી રહી,
“વિચાર કરો ઉર્વિલ, રોજ પોતાને અરીસામાં જોઇને મને શું થતું હશે! કેટલી આગ સળગતી હશે મારી અંદર... આ જ આગથી સળગાવી નાખીશ હું તમને ને તમારા પુરા ઘરને...!” બોલતા બોલતા ઉર્વા રીતસરની ધ્રુજી રહી હતી.

ઉર્વિલ ડઘાઈ રહ્યો. તેણે એકવખત પોતાના મસ્તિષ્કમાં અત્યારસુધીની બધી જ ઘટનાઓ ફરી રીવાઈન્ડ કરી જોઈ.
“ઉર્વા તું મારા ઘરમાં નહિ રહી શકે. આઈ વોન્ટ યુ ટુ ગો ટુ મુંબઈ ટુડે...” થોડું વિચારી ઉર્વિલ કહી રહ્યો ને ઉર્વા કોઈ જ પ્રતિક્રિયા આપ્યા વિના ત્યાંથી ઉભી થઇ થોડે આગળ જઈ રીક્ષા કરી ઘર તરફ નીકળી ગઈ.

***

મનસ્વી ઉઠી તો તેના પલંગ પર અલગ અલગ જગ્યાએ લોહીના ડાઘ હતા. ફટાફટ કપડાં બદલી તેણે ચાદર બદલી નાંખી. ફરીથી મોઢું ધોઈ ઘર છોડવાના મક્કમ વિચાર સાથે પોતાનો સામાન પેક કરવા લાગી.

***

(ક્રમશઃ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED