Rainey Romance - 17 books and stories free download online pdf in Gujarati

રેઈની રોમાન્સ - 17

'દિવાન ફાર્મ'......


રાજકોટથી થોડે દૂર આ સુંદર જગ્યા આવેલી હતી. નાની ટેકરીઓથી ઘેરાયેલા આ 'દિવાન ફાર્મ' ની આસપાસનું વાતાવરણ અત્યંત શાંત હતું. ડી. પી. ગ્રુપના તમામ બિઝનેસનું આ ઇમરજન્સી હેડક્વાર્ટર હતું. 100 એકરના ગાઢ વૃક્ષોના કૃત્રિમ જંગલ વડે ઘેરાયેલું 'દિવાન ફાર્મ' પક્ષીઓના કલબલાટથી સતત ગુંજતું રહેતું. ફાર્મમાં બનાવેલા નાનકડા તળાવના ફરતાં કિનારે ૪૦ જેટલા રુમ, મેઈન બિલ્ડીંગ અને બે હોલમાં ફેલાયેલ તેની ખુબસુરતી કંઇક ઔર જ હતી. વિશાળ બગીચો રંગબેરંગી ફુલોની સુંગધથી સતત મહેકતો રહેતો. પક્ષીઓના કલરવથી આજની સાંજ વધુ રળીયામણી બની રહી હતી.


આજની મીટીંગ માટે હોલને બદલે વનરાઇથી લચેલો બગીચો પસંદ કરવામાં આવ્યો હતો. દિવાન પંડિત સ્ટાફને જરૂરી સુચનાઓ આપી રહ્યો હતો. અહીંના સ્ટાફના માણસો અંત્યતં ચીવટપુર્વક મિટીંગની દરેક તૈયારીને આખરી ઓપ આપી રહ્યા હતા. આજે વિદેશ પધારનારા મહેમાનોની સરભરામાં તે કોઇ કચાશ રાખવા માંગતો નહોતો. ખૂબ જ અગત્યની અને અત્યંત ખાનગી મીટીંગ હોય ત્યારે આ ફાર્મહાઉસ પસંદ કરામાં આવતું. રાજકોટના બીજા ચાર 'ફાર્મ હાઉસ'માં મહેમાનોને તેમના સ્ટેટ્સ મુજબ મહેમાનગતિનો લાભ નિયમિતપણે મળતો રહેતો.


વાંસની સાદી પણ કલાત્મક ખુરશીની વચ્ચે એક નાનકડી ટીપાઇ ગોઠવાય ચુકી હતી. કંચન બા હળવે પગલે બગીચીમાં આંટા મારી રહ્યા હતા.તેમનો ઠ્ઠસો કોઇ મહારાણીની યાદ અપાવતો હતો. તેમને ગુજરાતી ઢબની મોંઘીદાટ સિલ્કની સાડી પહેરી હતી. જે તેમના વ્યક્તીત્વને વધુ જાજરમાન બનાવી રહી હતી. ગળામાં શોભતાં સોનાના આભુષણો માફક તેમના ચહેરાનો ચળકાટ પણ કંઇક ઔર જ હતો. આ ઉંમરે પણ તેમની આંખો અને હાસ્ય કોઇ પણ પુરુષને ગુલામ બનાવી દેવા માટે પુરતાં હતા.તેમણે ખુરશીમાં ગોઠવાતા કહ્યું." રાજવીર ક્યારે આવે છે એ લોકો ?"


રાજવીર પણ હવે તૈયારીમાંથી ફ્રી થઇ ચુક્યો હતો."કંચન બસ એ લોકો હવે પહોંચે એટલી જ વાર છે. કાલે રાતે રેવાએ એલ્વીસને પકડાવ્યો. કેસના ઇન્ચાર્જ એસીપી વાઘેલા છે. મે એલ્વિસને સમજાવ્યો હતો. પણ પોતાની આવડતના અભિમાનમાં તેને રેવાના પ્રેમને બહુ હળવાશથી લીધો. પોતાને સુપિરિયર સાબિત કરવાના નશામાં તે મુર્ખામી કરી બેઠો."


" રાજવીર એલ્વિસ હવે ખોટો સીક્કો બની ચુક્યો છે. તે આવી જ ભૂલો કરતો રહ્યો તો આપણા ધંધા માટે જોખમી પણ છે. તેનું શું કરવું તને ખબર છે..... ! રેવા અને ઉત્સવ વચ્ચે શું રંધાઇ રહ્યું છે.?? "


" કંઇ ખાસ નથી. બંન્ને પ્રણયભીના ઘેનમાં આગળ વધી રહ્યા છે. ચાલવા દો એમને......રેવા એમાં સચવાયેલી રહે એ વધુ સારું છે. પરન્તુ સાગરિકા જે ગતિથી આગળ વધી રહી છે તે આપણા માટે જોખમી બની શકે એમ છે." રાજવીરે સિગાર સળગાવી.


" સાગરિકાને કંઇ નથી કરવાનું. તેને આ રહસ્યોના જાળામાં ગુંચવીને રાખ. તેને બહુ મોટું બેકઅપ છે. તેનું ડેરિગ અને સતર્કતા આપણા માટે જોખમી બની શકે એમ છે. બસ રેવાના લગ્ન સુધી તેને સાચવી લે." બાની આંખોમાં ખુન્નસ હતું.


" સાગરિકા તો સચવાઇ જશે પણ.... રેવાને સાચવવી હવે મુશ્કેલ બની રહી છે. એવું નથી લાગતું ...? ખાસ કરીને પેલી ડીનરની ઘટના પછી." રાજવીર સીગારનો ધુમાડો કાઢતાં બોલ્યો.


" રાજવીર એ લોઢાને ધીમે ધીમે ગરમ થવા દે. તેને હકીકતની જાણ થશે ત્યાં સુધીમાં તો ઘણું મોડું થઇ ગયું હશે. એ સત્યનો આઘાત ઝીરવી જશે તો લગ્ન કરવાનું માંડી વાળશે. એની પાસેથી કેમ કામ લેવું મને ખબર છે. .આ કંચનની કાયાના કામણથી હજુ સુધી કોઈ બચી શક્યું નથી. ...." કંચનબા નું હાસ્ય હવામાં રેલાયું.


"તો પણ કંચન મને લાગે છે હવે થોડી સાવધાની રાખવાની જરુર છે. કેશવલાલ નો કેસ પણ વાઘેલા પાસે છે અને તને ખબર જ છે તે કોઇ સામાન્ય પોલિસ ઓફીસર નથી. તેનું નાક અને કાન ગમે ત્યાંથી સુરાગો શોધી લે છે." રાજવીર સીગારની રાખ ખેરતાં બોલ્યો.


"રાજુ લિમીટમાં રેહેજે... તારી હેસિયત નથીમને સલાહ દેવાની .મને ખબર છે મારે ક્યારે કંઈ ચાલ ચાલવાની છે. છે.આમ પણ દુશ્મનને હરાવવા માટે પહેલાં તેને જીતના ભ્રમમાં રાખવો જરૂરી છે....અત્યાર સુધી બધાને રાખ્યા છે એમ ...! એન્ડ મંત્ર શું કરે છે. આવી ગયો એ રાજકોટમાં .....? "


" હા, એ આવી ગયો છે. તેની બધી વ્યવસ્થા થઇ ગઇ છે. તેને આખો પ્લાન અને તેનો રોલ સમજાવી દેવામાં આવ્યા છે. એ બહુ શાતીર ખેલાડી છે. એ બદલાની આગમાં સળગતો રહે ત્યાં સુધી વાંધો નથી પણ આપણાં પર જરાકે'ય શંકા ગઈ તો એ જ સહુથી મોટો વિલન બની શકે એમ છે..... ...!! " રાજવીરે સીગાર બુજાવતાં કહ્યું.


"બધે જ જો અને તો ના દરવાજા ખુલ્લા રહેતાં હોય તો રાજવીર મારે તારું શું કામ છે ? મારે દરેક દરવાજાની ચાવી તૈયાર જોઈએ. ઈચ્છું ત્યારે ખોલ બંધ કરી શકું. રેવાએ સ્વંયવરનું નક્કી કરીને મારું કામ સાવ આસાન કરી દીધું છે. શરદપૂનમે આ કંચન સાગરમાં ઓગળી ક્યાં સમાઇ જશે કે નવો અવતાર ધારણ કરશે એ કોઇ કલ્પી નહી શકે." રાજવીર આ શબ્દોનો અર્થ બરાબર સમજતો હતો.


"કંચન, શક્યતાનો એક દરવાજો આપણે સર્જવો પડે. દુશ્મનને ભૂલ - ભૂલામણી રમાડવા માટે. એની તાકાત અને ફોક્સને ડાયવર્ટ કરવા માટે. આ ખેલમાં ખુલ્લી બાજીની રમત જ રમવાની છે. આ વખતે જીતવા માટે હોંશિયાર નહીં મૂર્ખ બનવાની જરૂર પડશે." દિવાન પંડિત ખરેખર પંડિત હતો.


એટલામાં ત્રણ ગાડીઓ ફાર્મહાઉસના ગેટમાં પ્રવેશવા માટે તૈયાર હતી. ગેટ પરના ગાર્ડે પરમિશન માંગી. રાજવીરે મોબાઇલમાં સ્વીચ દબાવી ગાડીને એન્ટ્રી માટે મેઈન ગેટના દરવાજા ખોલી આપ્યા.


આ એન્ટ્રી સાથે જ 'દિવાન ફાર્મ' ના સિક્યુરિટી લેયર્સ એક્ટિવ થઈ ગયા.... અત્યાર સુધી ગોપનીય રહેલું ફાર્મહાઉસ કેટલાયના રડારમાં આવી ચુક્યું હતું. ફાર્મહાઉસ અને ગાડીની બધી વિગતો અવકાશી ઉપગ્રહોમાં સંદેશા રુપે વહી રહી હતી. કેટલાય કમ્યુટરની સ્ક્રિનનો ખજાનો હાથ લાગ્યો હોય તેમ હરખ સમાતો નહોતો.


કંચન બા ના ચહેરાનું તેજ કોઈ વર્તી ના શકે તેમ વધુ તેજોમય બની રહ્યું હતું. રેવાના લગ્ન પહેલાં આજની ડીલ થવી અનિવાર્ય હતી. તે ઇચ્છતા હતા અંત સુધી રમતનો કંટ્રોલ પોતાની પાસે જ રહે. અત્યાર સુધી જરૂર પડ્યે સબસીટ્યુટ તરીકે ઉતરી કે પોતાના પ્યાદાને ઉતારી રમતનો કંટ્રોલ પોતાની પાસે જ રાખ્યો હતો. હવે રમતનો અંત જ હતો. આજે તે કેટલાંક નવા પ્યાદાની ગોઠવણ કરવાના હતાં. પોતાની અંતિમ ચાલ માટે. જેના વિશે કોઈ વિચારી પણ નહીં શકે એવું તેમને લાગતું હતું. શું ખરેખર એવું હતું.....?


* * * * * * * * * * * * * *


રેવા ના ભવિષ્યને કાયમ માટે બંધનમાં કેદ કરવાનો સમય આવી ગયો હતો. વર્ષોનું અધૂરું સપનું સાકાર થવા જઈ રહ્યું હતું. દિવાન પંડિત એ મોકલેલા પ્લાન પરથી સમજાઇ ગયું હતું. તે આવડું મોટું એમ્પાયર કંઈ રીતે હેન્ડલ કરતાં હતા. તેનો પ્લાન ફૂલપ્રુફ હતો. પ્લાન a, b અને c એકબીજામાં એવી રીતે જોડેલાં હતાં કે દુશ્મનની પોતાની લાગતી જીત થોડીવારમાં હારમાં બદલાય જતી. એક કલાકાર હોવા છતાં તેમને પંડિતની કારીગરી પર માન થઈ આવ્યું.


મારે કશું ગુમાવવાનું નહોતું. મારે તો બસ રેવાને બરબાદ થવી જોવી હતી. ધીમે ધીમે. મારે તેને હરાવવી નહોતી. તેને જીતવા દઈને તેની જીત પર અફસોસ કરાવવો હતો. એવો અફસોસ કે તે આજીવન તેના પસ્તાવામાં વિતાવાને બદલે સામેથી મરવાનું પસંદ કરે. ત્યારે જ મારી મા ની આત્માને શાન્તિ મળવાની હતી.


મેં આખો પ્લાન અને મારા રોલ જોયા. મને મારી એક્ટીંગ વડે લોકોને મંત્રમુગ્ધ કરવાની સોનેરી તક મળી હતી. હું આ તક વડે જગત જીતવાની શરૂઆત કરવાનો હતો. 'લોકોના દિલ જીતી લો દેશ જીતવાની જરૂર નહીં પડે.' દરેક કલા આખરે તો આ જ સાર આપતી હતી.


પણ શું દિવાન પંડિત પર ભરોસો કરાય ?


તેને જે પ્રકારે મારી સાથે ડીલ કરી છે એ જોતાં તેને પોતાના સ્વાર્થ સિવાય મારી સાથે કોઈ મતલબ નથી. એ બધું જાણતો હોવા છતાં.


શું મારા પર ભરોસો કરાય ....!


જો દિવાન પંડિત ખરેખર મને ઓળખતો હોત તો આ કામ ક્યારેય ના સોંપત. એને મને ઓળખવામાં ભૂલ કરી. જે એને બહુ ભારે પડવાની છે. મારી મા ની બરબાદી માટે કંઈક અંશે તો એ પણ જવાબદાર હતો. એને પણ એની સજા મળવી જોઈએ. મને ખુદ સાથે આવા સંવાદ કરવાની મજા આવતી. કારણ કે જાતને કોઈ જાતની સભાનતા વિના બિન્દાસ બની જવાબ આપવાની છૂટ મળતી.


મેં દિવાન પંડિતના પ્લાનની બાજુમાં મારા પ્લાન x અને y ગોઠવ્યા. મારે તેના પ્લાન મુજબ જ ચાલીને મારી રમત રમવાની હતી. જેમાં હું માસ્ટર હતો. મેં બંનેને મર્જ કરવાનું ચાલુ કર્યું.


રાત વીતી રહી હતી.


લિઝા સાથે મેસેજમાં મુલાકાત નક્કી કરી. સુલતાનની 'લાઈફ સિક્યોર' ના અનસિક્યોર પાસા શોધી કાઢ્યા. ઉત્સવ & કંપની ના રંગમાં ભંગ પાડવાની તૈયારી પુરી થઈ ચૂકી હતી. આ બધાનું નિમિત્ત આખરે તો સાગરિકા જ બનવાની હતી. 15 ઓગસ્ટ... થી આ રોમાન્સ પર મંત્રનું વાવાઝોડું ત્રાટકવાનું હતું. એક વ્યક્તિ આખરે તો કેટલે પહોંચે...! મારી ટીમ બની ચુકી હતી.
આ નફરત કોણ જાણે શું શું કરાવશે... ? બસ, પ્રેમ આગળ હારી ના જાય તો ઘણું....મંત્રને ફરીથી ભૂતકાળનું પુનરાવર્તન થવાની બીક લાગતી હતી. પણ એ બેફિકર હતો. આટલા વર્ષોની સાધના તેને આ વખતે હારવા નહીં દે.......

to be continued......




બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED