પ્રકરણ - 4
બીજા રિંગ રોડ પરનું 'અપના અડ્ડા' કોલેજ સ્ટુડન્ટસના કલબલાટથી સતત ધમધમતું રહેતું. રાત્રે યાર, દોસ્તોનીની મોહબ્બતની મહેફિલ જામતી. જેની ચર્ચા અને સ્મરણોની યાદગારીનો ક્યારેક ઉગતો સૂરજ પણ ઈર્ષા કરતો. કેટલાંય ગ્રુપની જેમ અમારી દોસ્તીનો આ કાયમી અડ્ડો હતો. આજે અમારી ચંડાલ ચોકડી ઘણાં સમય પછી અહીંયા ભેગી થઇ હતી. આરવ એક ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની ચલાવતો હતો. જ્યારે સૌમ્ય પ્રોફેશનલ હેકર હતો. વિવિધ એજન્સી અને અમુક સોફ્ટવેર કંપનીને તે સેવા પુરી પાડતો હતો. તથાગત ગવર્મેન્ટ ઓફીસર હતો. એક લગ્ન પ્રસંગમાં અનાયસે ભેગા થયેલા અમે બધા આજે પાક્કા ભાઇબંધ બની ચુક્યા હતા. અમારી ચંડાળ ચોકડી અઠવાડીયામાં બે દિવસ ચોક્કસ મળતી. પરન્તુ આ વખતે પંદર દિવસ પછી ભેગા થયા હતા. બધા પાસે કહેવા માટે ઘણું હતું. કેટલીય વાતો વહી ગઈ હતી. દરેક વખતની જેમ લેખક હોવાને લીધે બધાના ચર્ચાના કેન્દ્રમાં હું રહેતો. નવા નવા લોકોની મુલાકાતો,બુક્સ, મૂવી અને સ્પીકર તરીકેની સતત નવા સ્થળોની જર્ની. આ અનુભવોની વાતો મારી પાસે ક્યારેય ખૂટતી નહીં. દર વખતની જેમ આજે પણ નાસ્તાની મહેફીલ જામી હતી. રાત્રીના અગિયાર વાગી રહ્યા હતા.
"તો ગિરનારમાં તારે કોઇ જગ્યાનો મેળ પડ્યો કે નહી?" આરવે નવી વાત માંડી. જેની મને ઇન્તેઝરી હતી.
"આરવ **** હું કંઇ ત્યાં બાવો બનવા ગયો હતો ? બસ મારી સ્ટોરી શોધવા માટે, રોજની રૂટિન લાઈફથી કંટાળીને ફ્રેશ થવા માટે ગયો હતો. ત્યાં મને એક મહાત્મા મળ્યા." મે કહ્યું
" લ્યો બોલો આપણા આ નંગને જ આવા બધા મહાપુરુષો મળે છે.મને તો એમ કે વળી પાછું તું કોઇ ભુરીને પટાવી લાવ્યો હોઇશ !! તારે કંઇ વરદાન માંગી લેવું તું ને ભુરા" સૌમ્ય વેફરનું પેકેટ ખોલતાં બોલ્યો.
"એ ખાધોડકાં, ચશ્મીશ તું કમ્પ્યુટર હારે લગન કરી લે. તને આમા કંઇ ખબર ના પડે. તે મહાત્મા ખરેખર જક્કાસ હતા. થોડીવાર તો હું પણ તેમની પર્સનાલિટીના જાદુમાં ખોવાઇ ગયો.તેમણે મારા માટે એક ભવિષ્યવાણી કરી." મારી અંદરનો લેખક ધીરે ધીરે ખીલી રહ્યો હતો.
"'વ્હોટ?' ભવિષ્યવાણી અને એ પણ તારા માટે !" બધા એકી અવાજે બોલી ઉઠ્યા.
તથાગતે મારા હાથમાંથી ચાનો પ્યાલો લઇ મને બચકારતાં કહ્યું " બોલ બકા, મહાત્માને તારા ફ્યુચરમાં એવું તે વળી શું દેખાયું?"
બધાની નજર મારા તરફ હતી. મે કહ્યું" એ કંઇ કહેવા જેવું નથી મને શરમ આવે છે."
મારા આવા એક્સપ્રેશન જોઇ બધા ખુબ હસ્યા. "શરમ અને તને! સાલા એ સામી મળે તો તને જોઇને ભાગી જાય. ઉત્સવ હવે ખોટા નખરાં નહીં, બોલ શું કીધું મહાત્માએ ?" આરવ બોલ્યો.
બધાના હાથમાં ચાના પ્યાલા સ્થિર થઇ ગયા હતા. જાણે મે કોઇ ગુનો કર્યો હોય તેમ બધા મારી સામે એકટીશે જોઇ રહ્યા હતા. હું માથું નીચે કરી બોલ્યો " ચાર મહિનામાં મારા લગ્ન થઇ જશે !"
બધા મારી સામે ફાટી આંખે જોઇ રહ્યા. "એલા આ કંઇ ..... "તથાગતે કશુંક બોલવા પ્રયત્ન કર્યો. પણ તેને આગળ શું બોલવું એ સૂઝ્યું નહી.
"એવું કંઇ ના હોય ઉત્સવયા. લગન કંઇ એમ થોડા કરી લેવાના હોય. ગલફ્રેન્ડનું કીધું હોત તો વાત વાજબી હતી.તે ક્યાંક ગાજાંનો નશો કરીને તો નહોતાં આવ્યા ને ?" આરવ બોલ્યો.
"ના યાર એવુ કશું નહોતું. મને પણ ખબર નથી પડતી યાર, તેમણે આવું કેમ કીધું. પણ સાચું પડશે તો" મે વાતને વધુ રહસ્યમય બનાવતાં કહ્યું.
"ચાલ એ હવે જવા દેને એ મહાત્માને. બાકી સોશ્યલ મીડિયામાં તારી બૂક્સનું પ્રમોશન જોરદાર ચાલે છે . મને મેઇલમાં બૂક્સ મોકલી દેજે. મારે પણ વાંચવી છે. હવે જોવાનું એ છે કે બૂકસ પહેલાં લોન્ચ થશે કે તારા લગન ?" સૌમ્યએ કહ્યું.
"યાર એની જ માથાકુટ છે.હજુ કંઇ લખ્યુ નથી.આજે જ પરફેક્ટ સબજેક્ટ મળ્યો છે.અને ગુગલ ( હું સૌમ્યને પ્રેમથી ગૂગલ કહેતો) હું તને જ કોલ કરવાનો હતો.તું રેવા દિવાનને ઓળખે છે." મે કહ્યું.
"કેમ તારે પણ સ્વંયવરમાં ભાગ લેવો છે?" તથાગત ચા પીતાં બોલ્યો.
"ના એલા, એ રેવા જ મારી બુક્સની મેઇન હીરો છે. મિન્સ મેઈન કેરેકટર. તેને જાણ્યા વગર તેના વિશે કેમ લખવું ? ગૂગલ બને એટલી જલદી મને તેનો બધો લાઇફ ડેટા જોઇએ." હું બોલ્યો.
"તારે બીજી કંઇ હેલ્પ જોઇતી હોય તો કહેજે. ગ્રાન્ડ દિવાનની ચારેય પાર્ટી અને મેરેજ ફંક્શનનો કોન્ટ્રાક મારી પાસે છે." આરવ ચા પુરી કરતાં બોલ્યો.
"અરે શેની પાર્ટી ? શું તેની મેરેજની તારીખ પણ ફીક્સ થઇ છે." મે આશ્ચાર્યથી પુછ્યું.
"તને કંઇ ખબર નથી ! ગજબ કહેવાય.તેના સ્વંયવરમાંથી પસંદગી પામેલા ઉમેદવારોને આ પાર્ટીમાં ઇન્વાઇટ કરવામાં આવશે.એક પછી એક રાઉન્ડમાં કેન્ડીડેટ સીલેક્ટ થતાં જશે. ફાઇનલી, રેવાને જે ગમશે તેની સાથે તે લગ્ન કરશે. હવે પાર્ટીમાં શું હશે એવું કંઇ ના પુછતો. આપણી ફ્રેન્ડશીપ સાચી પણ કસ્ટમર સર્વિસની પ્રાઇવેસીના કારણે હું તને એક શબ્દ પણ નહી કહું" તે પોતાનો ઉત્સાહ અને આ કોન્ટ્રાક્ટ મળવા પર ગર્વ જતાવતાં બોલ્યો.
"મારે એ કંઇ જાણવું પણ નથી. એના મેરેજ ક્યારે છે?"હું બોલ્યો.
"28 ઓક્ટોબર, શરદપૂનમની ચાંદની રાતમાં હસ્ત મેળાપ છે. તારા માટે બીજા એક કામ લાગે તેવા ન્યુઝ. રેવા બે દિવસ પછી તારા ફેવરીટ કોફીહાઉસમાં તેની ફ્રેન્ડ અને પેલી ફેમસ જર્નાલિસ્ટ સાગરિકાને મળવાની છે. ત્યાંથી એ પાર્ટીની થીમ વિશે ડિસ્કશન કરવા મારી ઓફીસે આવશે. તારી ઇચ્છા હોય તો ઓફીસે આવી જજે. હું તારો ઇન્ટ્રો કરાવી દઇશ." આરવ દોસ્તીભાવે બોલ્યો.
"સાગરિકા મારી ફ્રેન્ડ છે. હું તેની સાથે વાત કરી લઈશ. સાગરિકા તેની ફ્રેન્ડ હોય તો ફ્રીડમ ન્યુઝ આ ઇવેન્ટને કવર કરવાનું કામ તેને જ સોંપશે. ક્યારેક દોસ્તી અમુક કામ પૈસા કરતાં વધુ વહેલાં અને સહેલાં કરી આપે છે. એ ગૂગલ તું રેવાની કુંડળી કેટલા સમયમાં કાઢી આપીશ ?"હું ઝડપથી લેખક મટી ઉત્સવ બની રહ્યો હતો..
"હું તને કાલ બપોર સુધીમાં એની ફાઇલ પહોચાડી દઇશ." સૌમ્ય એ નાસ્તામાંથી હાથ ખંખેરતાં કહ્યું.
એટલામાં મારા મોબાઇલની સ્ક્રિન પર મેસેજ ટપકયો. વાંચીને હું થોડું હસ્યો."તો ફ્રેન્ડ થોડું કામ આવી ગયું છે. મારે જવું પડશે. પાછા આવતાં રવિવારે મળીએ."કહેતા હું ઉભો થયો.
"આજની ખુશનસીબ રાત કઇ મહેબૂબાના નામે લખાયેલી છે?" તથાગત હળવેકથી બોલ્યો.
"એ સન્નારીના ના નામનું તમારે શું કામ ? અને જો કહી દીધું તો આખી રાત ઓશીકાને બથમાં નાખી પડખાં ઘસવા પડશે એ નોખું" મે કહ્યું.
ત્યાં સૌમ્ય બોલ્યો " યાદ રાખજે ઉત્સવ તારી આ આદત એક દિવસ તને ક્યાંયનો નહી રાખે.સાલો ચહેરાથી તો કેટલો ઇનોસન્ટ લાગે. પણ, અંદર ઉતરીને જોવો તો તારા જેટલો નાલાયક કોઇ નથી. ***** ચાલ ભાગ અહીંથી"
"જીવનબાપા આજની પાર્ટી મારા ખાતામાં ઉધારી દેજો. ચિલ યાર, લાઈફ છે થોડી મોજીલી અને નશીલી તો હોવી જોઈ ને ! આજની રાત જેવી..... એન્ડ લાઈફમાં હંમેશાં જલસા કરો જેલસી નહીં" એ ઞિપુટી સામે આંખ મારી અને હું એ રાતને રંગીન કરવા નિકળી પડ્યો.
* * * * * * * * * *
મારા રૂમમાં જઇને હું ખુબ રડી હતી. મારું મગજ બહેર મારી ગયું હતું. પપ્પા અને દાદીનું આવું રૂપ મેં પહેલીવાર જોયું હતું. તે શા માટે પોતાનો ભુતકાળ કહેવાનું ટાળે છે? શું થયું હશે તેમની લાઇફમાં ? તેમને પ્રેમના નામથી આટલી બધી નફરત કેમ છે?
આવા વિચારોના વમળમાં અટવાયેલી હું એક પછી એક કામ પતાવી રહી હતી. મેં સ્વંયવરની આજની અપડેટ પર નજર કરી. જે થોડા ઇન્ટરેસ્ટિંગ લાગતાં લાઇફ ડેટા ચેક કરવાનાં હતા તે પુરા કર્યા. બાકી જરુરી ફાઈલિંગનું કામ પતાવ્યું. આખું ટેબલ વ્યવસ્થીત ગોઠવ્યું. અધધધધ કહી શકાય તેવી ટોટલ ૪,૫૬,૭૯૪ એન્ટ્રી આવી ચૂકી હતી. હજુ પ્રવાહ ચાલુ જ હતો. જો એન્ટ્રી ફી ના રાખી હોત તો આ બધું કંઇ રીતે મેનેજ થાત. એનો વિચાર માત્ર ધ્રુજાવી દે તેવો હતો. સ્વંયવરનું કામ આરવની એજન્સી 'લાઈફ વેવ્સ' સંભાળતી હતી. મને અઘરું લાગતું કામ તેની ટીમના કાબીલેદાદ મેનેજમેન્ટ અને ક્લીઅર વિઝનને લીધે બહુ સરળતાથી આગળ વધી રહ્યું હતું.
આ એન્ટ્રીમાંથી કેટલીક તો પરણેલા પુરુષોની પણ હતી. મારા માટે તેઓ પોતાની હયાત પત્નીને છોડવા માટે તૈયાર હતા. એકવાર તો, તેમનું આ એન્ટ્રી ફોર્મ તેની પત્નીઓને મોકલી દેવાનું મન થઇ આવ્યું. દસેક એન્ટ્રી તો છોકરીઓની પણ આવી હતી. આ જોઈએ મને મનોમન હસવું આવ્યું. લગ્નની ઉંમર ના થઇ હોય તેવા ટીનએજ બોય પણ મારી સાથે લગ્ન કરવા આતુર હતાં. અમુક એન્ટ્રી તો ફક્ત મને મળવા કે ગ્રાન્ડ દિવાન પાર્ટીમાં સામેલ થવા માટે પૈસા ખર્ચી રહયા હતાં. કેટલીક એન્ટ્રી જોઈને હું મનોમન હરખાઈ ગઈ હતી. જેમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીના હીરો, ફેમસ સ્પોર્ટ્સ પર્સન, સુપર રિચ ફેમિલીના ગોલ્ડન સ્પૂન બોય સાથે કેટલાંક બહુ લાઈમલાઈટમાં ના હોય એવા જીનિયસ પર્સન પણ હતાં. હું બધું પતાવી પથારીમાં પડી ત્યાં મોબાઇલની રીંગ વાગી.
મને અચરજ થયું. અત્યારે કોણ હોય શકે ? કોઇ અજાણ્યો નબંર હતો. મે ફોન ઉપાડ્યો.."હલ્લો".
"મિસ રેવા દિવાન, સોરી હું થોડો મોડો જાગ્યો. પણ આ સ્વંયવર માટે કોઇ સ્પેશ્યલ વાઇલ્ડ કાર્ડ એન્ટ્રીની વ્યવસ્થા છે કે નહી?" તેના અવાજમાં ગજબનાક સંમોહન હતું.
"ના એવી કોઇ સીસ્ટમ નથી." મે વાત પુરી કરવાના ઇરાદે કહ્યું
" સ્વંયવરની એન્ટ્રી હજુ ચાલુ છે કે મારે વેબસાઇટ હેક કરીને કે અન્ય કોઈ રીતે મેળવવી પડશે ? બિકોઝ અસામાન્ય કે સ્પેશ્યલ પર્સનને આવી રીતે રજિસ્ટ્રેશન કરાવવું થોડું ગમે. મને લાગે છે મારે આની જરુર નહીં પડે. અને તમે આ સ્વંયવર નહી કરો તો પણ ચાલશે કારણ કે તમારા લગ્ન આમ અંતે તો મારી સાથે જ થવાના છે." તેની ખામોશી હજુ પણ કંઇક બોલતી હતી.
"કોણ છો તમે ? અને કોની સાથે વાત કરો છો એ ખબર છે ? આ શું બકવાસ કરો છો" મારો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો.
"મને તું ગમે વર્ષોથી. કદાચ તને જેટલી નફરત કરતો હતો હવે એટલો જ પ્રેમ કરવા લાગ્યો છું. એન્ડ હું જોકર જેવો બહુરુપીયો છું તારી સામે દરેક વખતે નવા રંગરુપ સાથે હાજર થઇશ. હું તારામાં એ હદે દિવાનગી પેદા કરી દઇશ કે તું મારા સિવાય અન્ય કોઈ જોડે લગ્નનું વિચારી પણ નહીં શકે. તને ખ્યાલ છે વર્ષો પહેલાં તારી મમ્મીએ આવા જ રૂપ અને અદાકારીના કામણ વડે તારા પપ્પાને ઘાયલ કર્યા હતાં..હજુ સુધી મારા રોમાન્સના જાદુથી કોઇ બચી શક્યું નથી. તું તો હજુ પ્રેમના સ્પર્શ વગરની છો. સાવ કોરી...એટલે મારું કામ સાવ આસાન છે." સામે છેડે અચાનક ખામોશી છવાઈ ગઈ હતી..
હું જાણે તેના સંમોહનમાં ખોવાઈ ગઈ ગતી. હું અચાનક ભાનમાં આવી હોય તેમ આવેલ નંબર પર કોલ કર્યો પણ ફોન સ્વીચ ઓફ થઇ ગયો હતો.
"કોણ હશે એ ? શું ખરેખર એ મારા મમ્મી વિશે જાણતો હશે ? તું જે કોઇ પણ હોય ખરેખર જીનીયસ છો. તારા અવાજમાં આટલો જાદુ હોય તો તારા વ્યક્તીત્વથી બચવું સો ટકા મુશકેલ હશે. પણ યાદ રાખજે હું જ્યારે હું મારા ખરા સ્વરૂપમાં મેદાનમા આવીશ ત્યારે તારી કલાકારીના બધા રંગોનો મેકઅપ ઉતરી જશે....." હું રેવા છું. સતત વહેતી રહું છું. ક્યારેક શાંત, ક્યારેક, સૌમ્ય, ક્યારેક રોદ્ર. મને કોઈ બંધ બાંધી રોકી ના શકે... હા સાગર બની ખુદમાં સમાવી જરૂર શકે.
ક્રમશ.......