rainey romance - 1 books and stories free download online pdf in Gujarati

રેઈની રોમાન્સ - 1

પ્રકરણ 1

વરસાદ, પ્રેમ અને પ્રકૃતિ.

મને આ ત્રણેય સાથે અનહદ લગાવ. કારણ કે આ ત્રણેય મારી અને જિંદગીની જેમ કોઈના કહ્યામાં ના રહી શકે. ત્રણેય સાથે પ્રાર્થના કે માનતાનું શ્રદ્ધારૂપી તત્વ અનાયાસે જોડાયેલું હોય. તેનું ફળ મળે તો નસીબદાર…નહીં તો… તક રૂપી ‘સરપ્રાઈઝ’ઈશ્વર સતત આપતો રહે. અનિચ્છા કે જરૂરિયાત ના હોય તો પણ. હું અત્યાર સુધી બીજા માટે આવું માનતી હતી. જ્યારે ખુદને અનુભવ થયો ત્યારે બેફામ બનીને વિહરતી હું અચાનક સ્થિર બની વહેવા લાગી. આ માટેના કારણો વિચારવા લાગી.
હું રેવા…બ્રેઇનના સેલમાં વીજળી વેગે ગતિ કરતાં હૃદયની લાગણીઓ અને મનની માંગણીઓના કારણો શોધવા મે MIT ના ન્યુરો સાયન્સ & કાયનેમેટિક્સમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું. હાલ, હ્યુમન માઈન્ડના ફીલિંગ વેવ્સ વિશે સ્ટેનફોર્ડ યુનિ.માં Ph.D કરી રહી છું. આટલું સ્ટડી કરવા છતાં દાદીના કોલમાં રહેલી લગ્નની સરપ્રાઈઝનું રિઝન જાણી શકી નહોતી. એક દાદી જ હતાં જેમને હું મારાથી પણ વધુ પ્રેમ કરતી હતી. એટલે એમની આખરી ઈચ્છા પુરી કરવા આટલું તો કરવું રહ્યું.
ચાર વર્ષ પછી ઇન્ડિયા આવી હતી.ઘરની બાલ્કનીમાં ઉભી ઉભી વરસાદ સાથે મારા વિચારોને પણ વરસાવી રહી હતી. મેં બન્ને હાથ લાંબા કરી ખોબા જેવડા ખાબોચિયામાં પાણી જીલવનો પ્રયત્ન કર્યો. વાદળોના ગડગડાટ વચ્ચે વીજળી પણ ક્યારેક પોતાનો ચમકારો બતાવતી હતી. સામેની નાનકડી ટેકરી પર મેઘધનુષની આછી આભા ઉપસી રહી હતી. પારદર્શક નાઇટી જેવું કામ કરતો વરસાદ પ્રકૃતિને વધુ સુંદર, ગહન અને માદક બનાવતો હતો. લગ્નની માવઠારૂપી સરપ્રાઇઝને ખોબામાં ઝીલવી કે મેઘધનુષમાં જીવવી….!આ વિચારોમાં મારી ફીલિંગ્સ સ્ટેચ્યુ થઈ ગઈ હતી.સાથે પવનના સુસવાટા જેવા સવાલો વિચારોની આંધીમાં મને આમતેમ ફંગોળતાં હતા.આમ છતાં આ વરસાદી સાંજ મારી સફરનો થાક ઉતારી મને તન અને મનની તાજગી બક્ષી રહી હતી.
" આવી ગઇ મારી લાડકી, હું ડોક્ટરને કહેતી જ હતી રેવાને મારી પાસે રહેવા દો મારે દવાની કોઇ જરુર નથી." મધુર રણકતો અવાજ મારા કાને પડ્યો.
હુ તેમને જોઇ ખુશીથી ઉછળી પડી. " ઓહ માય ડીયર દાદી, આઇ લવ યુ ,આઇ લવ યુ સો મચ, લોટ્સ ઓફ…. ક્યારેય ધરાઇશ નહી એટલો બધો ...." કહેતી દોડીને તેમને વહાલથી વળગી પડી.
તેમને ગળે વળગેલી હું સમય અહીયાં જ રોકાય જાય તેવું ઇચ્છતી હતી. હું ઘણો સમય તેમને વળગેલી રહી. પછી હરખનાં આંસું સાથે તેમના કપાળે ચુંબન કરતાં કહ્યું " ઓ દાદી, તમને ઉપર જવાની આટલી બધી શું ઉતાવળ છે ?"
તે માથે હેતભરી હળવી ટાપલી મારતાં બોલ્યાં " તું ક્યારેય નહી સુધરે !! ડોક્ટર તો હજું દવા ઉપર લાબું ખેચાશે એમ કહેતાં હતાં પણ મે જીવવા જેવું બધું જીવી લીધું છે. હવે, તને લાલ પાનેતરમાં જોવા સિવાય બીજી કોઇ ઇચ્છા બાકી નથી."
" પણ દાદી તમારે મને તો પુછવું જોઇએ ને ?" મે રીસાતાં કહ્યું
" કેમ મારી વહાલીને અમેરીકામાં કોઇ બોયફ્રેન્ડ છે કે પછી કોઈ સપનાનો રાજકુમાર મળી ગયો છે?" તે આંખો નચાવતાં બોલ્યાં.
" દાદી એવું કશું નથી. અમેરીકામાં પ્રેમ મોટેભાગે સેક્સ કર્યા પછી જ શરુ થતો હોય છે. એમાંય બોયફ્રેન્ડની તો કપડાની જેમ રોજ બદલાવું તેટલાં મળી રહે તેમ છે. બટ, હજુ સુધી દીલ ખોલીને પ્રેમ કરી શકાય તેવું કોઇ મળ્યું નથી. હું પણ રાહ જોઈ રહી છું સપનાના રાજકુમારની. તમને કહી દઉં છુ જો મને પ્રેમ નહી થાય તો હું લગ્ન નહી કરું. આ વાત તમારે સ્વીકારવી પડશે." મે કહ્યું.
તે સહેજ મલકાતાં બોલ્યાં " આ દાદી તને તારા કરતાં વધુ સારી રીતે ઓળખે છે. તારા ભારતીય સંસ્કારોમાં અમેરીકાની આધુનીકતાનો સાગર ઘુઘવે છે. માટે એવો છોકરો મળવો થોડો મુશકેલ છે પણ અશક્ય નથી જ. બાય ધ વે, આ વરસાદી મોસમમાં રોમાન્સ કરવાની મજા જ કંઇ ઓર હોય છે. મારો અનુભવ બોલે છે."
“દાદી યુ નોટી.” મે તેમનાં ગાલ ખેચતાં કહ્યું " આમ કહીને તમે મને લગ્ન માટે પાનો ના ચડાવો. મે હજુ જેના વિશે વિચાર્યું પણ નથી તેના વિશે આટલો ઝડપથી નિર્ણય કેમ લેવો !અને લગ્ન શા માટે કરવાં જોઇએ આટલા વહેલાં..? જ્યારે કેટલાંક સપના હજુ જીવવાના બાકી હોય ત્યારે ?"
“એક સ્ઞી મનથી અને પહેરવેશથી ગમે તેટલી આધુનીક દેખાવાનો પ્રયત્ન કરે પણ હૃદયથી તો તે હંમેશાં એક સ્ઞી જ રહે છે. લવીગં એન્ડ કેરીંગનું નેચર તેના લાગણીના રંગસુઞનું મુખ્ય ડી.એન.એ. છે. કુદરતે એ માટે જ તેને સર્જી છે. માટે તે બાળકને જન્મ આપી શકે છે. સ્ત્રી તરીકે નવો જન્મ લે છે. રેવા જિન્દગીમાં ઉમરના એક પડાવ અને અમુક અનુભવો પછી એ રંગસુઞોના કલરમાં ફેરફાર થવા માંડે છે. મારા અનુભવો કહે છે માતૃત્વ ઉપર મહત્વકાંક્ષા હાવી થવાના આ ફેરફારની શરુઆત થાય એ પહેલા છોકરીએ લગ્ન કરી લેવા જોઇએ." પોતાના અનુભવોનું જ્ઞાન આપતાં તે બોલ્યાં.
તેમની વાતો સાચી હતી. મારી પાસે વિરોધ કરવા માટે કશું નહોતું. હું શંકા સાથે બોલી " દાદી તમે મારા માટે ક્યાંક છોકરો શોધી તો નથી લીધોને ?"
" ના મારી વ્હાલી, એ બાબતમાં હું જરાય માથું નહી મારું, તારા પપ્પાએ છોકરાઓના બાયોડેટાનું એક આલ્બમ બનાવ્યું છે. જોઇ લે જે કદાચ કઇ મદદ મળે. બાકી તું તારી રીતે છોકરો પસંદ કરવા આઝાદ છે. ચાલ હવે આરામ કર, તું પણ થાકી ગઇ હોઇશ. હજુ તારી પાસે લગ્ન કરી મારી પાસે હાજર થવા ચાર મહીનાનો સમય છે.
તું ખરેખર સુંદર છે બીલકુલ તારી મમ્મી જેવી. " તેમણે મારા માથે હેતથી હાથ ફેરવ્યો. અને વ્હાલભર્યું વિદાય સ્મિત આપ્યું.
હું તેમને જતાં જોઇ રહી. તેમનામાં કશોક જાદુ હતો કે પછી તેમનો અઢળક પ્રેમ. હું તેમને કોઇ વાતની ના કહી શકતી નહોતી. કદાચ, આગલા જન્મોનું કોઈ ઋણાનુંબંધ પણ હોઇ શકે. જે હોય તે…. પણ દાદી તમારે લગ્ન પહેલાં એ તમામ સવાલોના જવાબ આપવા પડશે જે તમે અત્યાર સુધી બહાના બનાવી ટાળતાં આવ્યા છો.
ચાર મહીનામાં કોઇ છોકરાને પ્રેમ કરી તેની સાથે લગ્ન કરવાં !! નસીબ સિવાય કોઇની તાકાત નથી કે તે શક્ય કરી બતાવે ??
હું પાછી ગેલેરીમાં ગઇ. વરસાદ વરસી ચુક્યો હતો. મેઘધનુષના રંગો આથમતી સંધ્યાએ પુરબહારમાં ખીલી ઉઠ્યા હતાં..આવનારા ચાર મહીનામાં લાગણીના કેટલા રંગે રંગાઇશ તેની કલ્પના માઞથી હું સોળે કળાએ ખીલી ઉઠી.

* * * * * * * * * * * * *

એ બધા નાલાયક હતાં. હું કહું ચાલો દિવ જવું છે તો એક જ કલાકમાં બેન્ડબાજા સાથે આખી પલટન હાજર થઇ જતી. જ્યારે આજે ગીરનાર ચડવાનું નામ લીધું કે બધાને જાણે અચાનક ઇમરજન્સી આવી ગઇ હોય છટકવા માંડ્યાં. આખરે હું મારી બાઇક લઇને ગીરનારના સૌંદર્યને કેમેરામાં કેદ કરવા માટે નીકળી પડ્યો .
પણ આ શું….! વસરતા વરસાદે જાણે ગીરનાર ઉપર ૧૪૪ ની કલમ લાદી દિધી હતી. મારા જેવા પાગલ સિવાય કોઇ દેખાતું નહોતું. પવન સાથે વરસાદનું જોર પણ વધતું જતું હતું. હું અને કેમેરો ગીરનાર ચડતાં ચડતાં બીન્દાસ બનીને કુદરતના આ સ્વરુપને પણ પોતાની અંગત પળોમાં કેદ કરી રહ્યા હતાં.
મે ચાતકની જેમ મારું મો ખુલ્લું કર્યું. ચણીયા બોર જેવા પડતાં વરસાદી છાંટાનો સ્વાદ દિવના દારું કરતાં ક્યાય વધુ આહલાદક હતો. મને આવું કુદરતી એકાંત ખુબ ગમતું. જ્યાં હું જાત સાથે સંવાદ સાધી શકતો. આખરે હું એક લેખક હતો. દરેક ઘટનાને જોવાનો મારો દષ્ટીકોણ અલગ હતો. જ્યારે મને કશું લખવાનું ના સુઝતું ત્યારે હું બસ કોઇ પણ આયોજન વિના રખડવા નીકળી પડતો. હરહંમેશ મને કંઈક એવું મળી જતું જે મને અંદરથી ખળભળાવી નાખતું. કશુંક નવું લખવા માટે મજબુર કરી દેતું.
ઞણ કલાકથી સતત વરસાદી ઠંડીનો સામનો કર્યા પછી મારું શરીર આરામ માગતું હતું. મે આજુબાજુ નજર ફેરવી. વિજળીના કડાકાઓમાં સો એક પગથીયા પછી મને કુટીર જેવું કંઇક દેખાયું. મને જાણે મંઝીલ મળી ગઇ હોય તેમ થાક્યો હોવા છતાં બમણાં જોરથી ચડાઇ કરવા લાગ્યો.
આખરે, પાંચેક મિનિટ પછી તેના ખુલ્લાં દરવાજા આગળ હું ધડામ દઇને બેસી પડ્યો. થોડીવારે, થાક ઉતરતાં આંખો ખોલી.અંદર એક મહાત્મા ચલમ જેવું કંઇક પીતાં પીતાં પોતાની ધુનમાં મસ્તથી કૈક લલકારી રહ્યા હતાં. કેસરીયા વસ્ઞો, માથે જોગી જેવી જટા, તેમના અડધા લંબાયેલા શરીર ફરતે તેજની અનોખી આભા રચાતી હતી. ગળામાં લટકતી વિવિધ માળાઓનું ઝુંડ અને તેમની લાંબી કાળી દાઢી તેમના વ્યક્તીત્વને વધુ રહસ્યમય બનાવતાં હતાં.
હું પહેલીવાર વાતની શરુઆત કરવામાં મુઝાંયો. આટલું તો ગમે તેવી સુંદર છોકરી સાથે વાત કરવામાં વિચારવું પડતું નહોતું. મે કહ્યું " મારું નામ ઉત્સવ પટેલ છે અને તમે ?"
તેમની મોજ અટકી. મને બંધ આંખે સામો સવાલ કર્યો "સાધુને કોઇ નામ હોય ? તું આવા વરસાદમાં અહીંયા કેમ ભુલો પડ્યો ? આ વખતે તો તારી વાર્તા સરસ રીતે આગળ વધી રહી છે."
હું સ્તબ્ધ બની ગયો આમને મારા લેખક હોવાની કેવી રીતે ખબર પડી.
"બચ્ચા ભુખ લાગી છે તને ?" તેમણે પુછ્યું
મે અસંમજમાં યંઞવત ડોકું હલાવી દીધું.
તે બોલ્યા " નિરાંતે બેસી જા,આમેય આ ચલમ પુરી કરી હું અહીંથી નીકળી જવાનો છું માટે અહીયાં શાંતિથી આરામ કરજે. બહુ ભુખ લાગે તો ૫૦૦ પગથીયા નીચે કમળકુંડમાં જઇ પ્રસાદી લઇ લેજે. અત્યારે આ સફરજન ખાઇ લે."
હું તેમના અદ્ભુત વશીકરણમાં ખોવાતો જતો હોય તેવું લાગતું હતું. મે ઉભા થઇ સફરજન લઇ હીમંત કરતાં પુંછ્યું " તમે સાધુ કેમ બન્યાં? "
હવે તે ઉભા થઇ મારી સામે જોતાં બોલ્યાં " તું તો ભણવામાં બહુ હોશીયાર હતો છતાં અધૂરું છોડી લેખક કેમ બન્યો ? "
હું તેમનાં સવાલોથી મુંઝાઇ ગયો હતો. તે આછું હસતાં બોલ્યાં " તમે કશું જ નક્કી નથી કરી શકતાં સિવાય કે લાગણીઓ સાથે કેમ રમવું. તું જેમ શબ્દોની દુનીયાને સમજવા નિકળ્યો છે તેમ હું પણ ભગવાનને શોધવા નીકળ્યો હતો પણ…. ...."
"તો શું તમને ભગવાન મળ્યા?" મારી જીજ્ઞાશા અચાનક વધી ગઇ.
તે થોડીવાર રહીને બોલ્યા " હા, મળ્યા તો ખરા પરન્તુ તેમણે કહ્યું. તારે આટલી બધી મહેનત કરવાની શું જરુર હતી . હું તો તારી અંદર જ હતો.
"
હું લેખક હોવા છતાં તેમની વાતો સમજી શકતો નહોતો. "તો પછી તમે શું કર્યું ? ભગવાન પાસે કશું માગ્યું કે નહી ?" મે કહ્યું.
"તેમણે મને બધું જ આપ્યું હતું એટલે તો હું તેમને શોધવા નીકળ્યો હતો. મારે વગર માગ્યે આપવાનું કારણ જાણવું હતું.અમુક સવાલો મુઝવત હતાં.તેમને મળતાં જ તેના જવાબો અંગેની બધી ગેરસમજ દુર થઇ ગઇ." તેમણે હવે જવાની તૈયારી કરવા માંડી.
"તમને કેમ એમ ખબર પડી કે હું લેખક છું " હવે હું સ્વસ્થ થઇ ગયો હતો.
" હા તને એ કહેતા તો ભુલી ગયો કે ભગવાને મને ખુશ થઇને ભવિષ્ય જોઇ શકવાનું એક વરદાન આપ્યું હતું. હું તારું ભવિષ્ય પણ જોઇ શકું છું "
તેમણે બહાર નિકળતાં કહ્યું.
મને હવે હસવું આવ્યું. મારે હવે ઘણું પુછવું હતું. પણ શરુઆત ક્યાંથી કરવી કે નક્કી નહોતો કરી શકતો.
"કદાચ, દિવાળી સુધીમાં તારા લગ્ન થઇ જશે." તે બોલ્યાં
મે આઠ રીક્ટર સ્કેલનો ધરતીકંપનો આંચકો અનુભવ્યો હોય તેવું લાગ્યું " લગ્ન અને તે પણ ચાર મહીનામાં ? મને તેમને ગાળ દેવાનું મન આવ્યું. પ્લીઝ તમે મારી સાથે આવી મજાક મસ્તીના કરો. હજુ મારી કેરીયર માંડ સેટ થઇ રહી છે. ઘરબારનું કંઇ ઠેકાણું નથી ને લગ્નનું કેવી રીતે વીચારવું ?"
"તને એક તક મળશે કદાચ ઇચ્છા ના હોય તો અટકી જજે. પણ ત્યાંથી આગળ વધી ગયો એટલે પતી ગયું સમજજે. અને બીજું એ કે જો તારે પ્રેમ કરવો હોય તો જીંદગીમાં આવી બીજી છોકરી ક્યારેય નહી મળે,હંમમ એમ નહીં….પણ આ છોકરીના પ્રેમના જાદુથી તું બચી નહીં શકે. માટે જાગતો રે જે.જય ગીરનારી" કહેતાં તેમને ચાલવા માડ્યું
હું ફાટી આંખે તેમને જતાં જોઇ રહ્યો. આમ અચાનક તમે ક્યા ચાલ્યાં ? તમારું નામ ને મોબાઇલ નંબર તો આપતા જાવ જેથી મારે કંઇ જરુર પડે તો તમારી મદદ માંગી શકું !!" મે તેમને અટકાવતાં કહ્યું.
" બચ્ચા હું કોઇ સંસારી સાધુ નથી. અમારું કોઇ સરનામું કે ઠેકાણું ના હોય. જ્યારે જરુર પડે ત્યારે ગમતું નામ લઇ દીલથી યાદ કરજે તને મદદ મળી જશે."આટલું બોલી તે ચાલવા માડ્યાં.
ડેમ ઇટ, મને યાદગીરી રુપે તેમની સાથે એક સેલ્ફી લેવાનું પણ યાદ ના આવ્યું. બહાર વાતાવરણ ખુલ્લુ થઇ ચુક્યું હતું. ત્યાં કુટીરમાં મારી નજર એક માળા પર પડી. હું આ બધામાં વિશ્વાસ ન કરતો હોવાં છતાં કુતુહલવશ તે હાથમાં લીધી. કદાચ પેલા મહાત્માથી ભુલાય ગઇ હશે.બહાર તેમને આપવા માટે દોડયો. પણ આ શું ? તેઓ ગાયબ થઇ ગયા હતા. મે રઘવાયા બનીને આમતેમ શોધવા માડયું. પરન્તુ બધું વ્યર્થ હતું.
અચાનક આવેલા મહાત્માના આ વાવાઝોડાએ મને અંદરથી હચમચાવી મુક્યો હતો. કેટલીય વાર સુધી હું સુનમુન બેસી બેસી રહ્યો ૧૦૦૦ પગથીયા દુર રહેલા દતાઞેય ભગવાનના શીખર તરફ નજર કરી. હવે ચડવાની જરાય ઇચ્છા નહોતી.રાતોના ઉજાગરા તથા વરસાદની ઠંડીને કારણે થાકેલું શરીર અંદરથી તુટતું હતું. આખરે મે હારીને સફરજન ખાતાં ખાતાં કુટીરમાં લંબાવ્યું. ખરેખર એ મહાત્મા હતાં કે મારો ચિત્તભ્રમ હતો ? આ સફરજન અને માળા ?
અડધા સરફજને જ હું લગ્ન અને મહાત્મા વિશે વિચારતાં વિચારતાં ગાઢ નિદ્રામાં સરી પડ્યો. કોણ હશે એ છોકરી .........અને મહાત્મા એ કહ્યું એ ખરેખર સાચું હશે ????
કોને ખબર હતી……અત્યાર સુધી બીજાની વાર્તા લખતો ઉત્સવ પટેલ હવે ખુદ એક વાર્તા બનવા જઇ રહ્યો હતો.......
ક્રમશ......

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED