રેઈની રોમાન્સ - 10 Ravi virparia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રેઈની રોમાન્સ - 10

પ્રકરણ 10

29 જૂન, 2020

મારો લખવાનો મૂડ આજે પણ જળવાઇ રહ્યો હતો. દિવાલનો ટેકો લઇ પગ લાંબા કરીને બેઠો હતો. ખોળામાં ઓશીકા ઉપર રહેલા કી- બોર્ડ પર આંગળીઓ વિજળીવેગે ફરી રહી હતી. બાજુમાં પડેલાં કપમાં ભરેલી ચા ઠરીને ઠીકરું થઇ ગઇ હતી. હવા ન મળવાથી અડધી સીગારેટ ઓલવાઇને સુમસામ પડી હતી. દિવાલમાં ટીંગાયેલા ટીવીની વિશાળ સ્ક્રીન પર શબ્દો 'રેઇની રોમાન્સ' નો એકભાગ બની પોતાને નસીબદાર માનતાં હતા.
છેલ્લી ત્રણ રાતોથી હું સુતો નહોતો. ચાર દિવસમાં હું માંડ દસેક વખત ઉભો થયો હોઇશ. મને કામના સમયે ખાવા- પીવાનું કંઇ ભાન ના રહેતું. બે વખત ઓર્ડર કરેલા પીત્ઝા ઉપર ચાર દિવસ નીકળી ગયા હતા. મારો મોબાઇલ પણ સ્વીચઓફ કરીને ખાનામાં મુકી દીધો હતો. મારા કહેવાતા આઠ - દસ લોકો પાસે મારો બીજો એક ઇમરજન્સી નંબર રહેતો. તેમાં પણ લીઝા સિવાય હજુ કોઇનો ફોન નહોતો આવ્યો. કુલ ત્રીસ ભાગમાં લખવા ધારેલી ' રેઇની રોમાન્સ'નો આઠમો ભાગ આજે ધ એન્ડ થવાની તૈયારીમાં હતો.
બસ છેલ્લી થોડી લાઇનો બાકી હતી. સ્ટોરી મારા શબ્દો અને લાગણીઓને લઇને બરાબર આગળ વધી રહી હતી. મને સાંજ સુધીમાં વધુ એક ચેપ્ટર લખાય જવાની આશા હતી. એટલામાં લાઇટ ગઇ. મારા મોં માંથી ગાળો વરસવા માંડી. કી બોર્ડનો સીધો સોફા પર ઘા કર્યો. મારા મૂડની પથારી ફરી ગઇ હતી. થોડીવાર એમ જ બેઠો રહ્યો. ના છૂટકે બ્રેક લેવો પડ્યો.
હું ઉભો થયો. મોઢું ધોઇને ફ્રેશ થયો. રુમના પડદા દુર કર્યા અને બારીઓ ખોલી. ગેસ પર ચા બનાવવા મુકી. ફ્રીજમાં ખાંખાખોળા કર્યા પણ ટમેટાં સિવાય કશું હાથ ના લાગ્યું. હવે સખત ભુખ લાગી હતી. સુકો નાસ્તો હતો. પણ કશું ખાવાનું મૂડ નહોતું. ખાલી ચા થી ચલાવવાનું નક્કી કર્યું. ધીમા ગેસે ચા ઉકળી રહી હતી.
એટલીવારમાં હું ઝડપથી વાઇ- ફાઇ ઓન કરી આવ્યો. સાથે મોબાઇલને પણ જીવતો કર્યો. કોલ લોગમાં 100 પ્લસ મિસ કોલ બતાવતાં હતા. ચા બનાવતાં નેટ શરૂ કરી ફોન સાઈડમાં મુકી દીધો.હવે હું વાસ્તવીકતામાં હતો. પછી ચાનો કપ લઇ બેડરુમની ગેલેરીમાં ગયો. શ્વેત-શ્યામ ચાદરો જેવા વાદળોની રજાઇમાંથી નીકળેલો આથમતાં દી નો સૂરજ કુમળા કીરણો વડે મારું સ્વાગત કરી રહ્યો હતો. દીલ એકદમ ખુશ થઇ ગયુ. મનમાં સખત મહેનત પછી કશુંક અનોખું મળ્યાનો સંતોષ હતો. સાંજના છ વાગ્યા હતા.
ચાર દિવસે હું એ અંધકારમાંથી બહાર નિકળ્યો હતો. ચાની જેમ જ ધરતીની હરીયાળીને હું ઘુંટડે ઘુંટડે શ્વાસમાં ભરી રહ્યો હતો. સામે જ વિશાળ ગાર્ડન હતું. સાંજનો સમય હોવાથી ભીડ ખાસ્સી વધારે લાગતી હતી. ક્યારેક ગાર્ડનની લોનમાં કિલ્લોલ કરતાં ભુલકાંઓને જોઇને હું જીંદગીના બધા દર્દ ભુલી જતો. ક્યાંય સુધી બસ તેમને નિહાળ્યા જ કરતો. આ અવસ્થાને પણ કદાચ એક જાતની સમાધી જ કહી શકાય !!
ઘરનાં કામ કરવામાં નાનપ અનુભવતી પણ વોકિંગ કરતી લેડીઝને જોઇને હું હસ્યા કરતો. નાના બાળકો માટે પરાણે બાગમાં આવતાં માતા- પિતા, કિટીપાર્ટીનો આનંદ ઉઠાવતો વિમેન્સ પાવર, એકબીજાની હુંફમાં મૃત્યુની રાહ જોતાં વૃધ્ધો, ગમતી છોકરી માટે નસીબ અજમાવવા બાઇક પર જામેલા છોકરાઓના અડ્ડા, દુનિયાથી અળગા બની એકબીજામાં ગૂંથાઇને રોમાન્સ કરતાં કપલો, સંસારના દુખોથી થાકીને ભટકતી કેટલીક નિરાશ આત્માઓ, વડીલોની કેટલીક ગંભીર ચર્ચાઓ......કેટકેટલું... જ્યાં નજર પડતી ત્યાં શોધતાં આવડે એક નવી વાર્તા જરુર મળી રહે.
કદાચ જગતની શ્રેષ્ઠતમ બે વસ્તુઓ સિવાય અહીંયા બધું મળી જતું. એટલામાં એક ઘુંટ ખાલી જતા વિચારયાત્રા અટકી. ચા પુરી થઇ ગઇ હતી.
ત્યાં મારી નજર બાગમાં એકમેકની આંખોમાં આંખ અને હાથોમાં હાથ પરોવીને બેઠેલા કપલ પર સ્થીર થઇ. હું પાછો વિચારે ચડ્યો આને પ્રેમ કહેવાય કે બીજું કશું ? કારણ કે મોટાભાગના કિસ્સામાં તાજા છાટેલાં અત્તરની જેમ ખીલતી પ્રેમની વસંત સમય જતાં પરસેવાની ગંધ અનુભવી પાનખર બની જતી હોય છે. બહુ ઓછા લોકો આ બંન્ને ગંધનું મીશ્રણ કરી પાનખરમાં પણ પ્રેમની વસંત અકબંધ રાખી શકતાં હોય છે.
અત્યાર સુધી તો જરુર નહોતી પડી. પરન્તુ હવે વાર્તા આગળ વધારવા માટે મારે પણ પ્રેમ કરવો ફરજીયાત હતો. અત્યાર સુધી જીંદગીમાં પ્રેમ સિવાયના લગભગ બધા અનુભવોમાંથી પસાર થયો હતો. વરસાદ સાથે શરુ થઇ ચુકેલી 'રેઇની રોમાન્સ' હવે રેવા વગર કોઇપણ સંજોગોમાં પુરી થાય તેમ નહોતી. રેવાની અલ્લડ મસ્ત જવાની જોતાં મને મારી પ્રેમની વર્જીનિટી ખોઇ બેસવાનો ડર લાગતો. મન સખત મુંઝાતું હતું. કેટલુંય વિચાર્યા પછી પણ રેવા સાથે કઇ રીતે આગળ વધવું તેનો રસ્તો સુઝતો નહોતો. કદાચ આજ પ્રેમનું પહેલું પગથીયું હશે એવો વિચાર આવ્યો.
ત્યાં મારી નજર એક યુવાન પર પડી. તે ક્યારનો ફરતો ફરતો પોતાના કેમેરામાં કશુંક કેદ કરી રહ્યો હતો. તેની ફોટોગ્રાફીની સ્ટાઇલ મને સાવ અનોખી લાગી. અચાનક તેનો કેમેરો મારી સામે ફર્યો. આમ તો મારા માટે આ કંઇ નવું નહોતું. આવું ઘણીવાર બનતું. પણ આજે કંઇક અજુગતું લાગ્યું.
એટલામાં મારા ઇમરજન્સી કોલ પર રીંગ વાગી. કદાચ ગૌરવ હશે. એવું વિચારી મે ફોન ઉપાડ્યો. " હલ્લો "
"યાર બહુ રાહ જોવડાવી તે બાલ્કનીનો દરવાજો ખોલવામાં ... ચાર દિવસથી મને આંખનું મટકું મારવા નથી દીધું. એકવાર તો વિચાર આવ્યો કે સ્યુસાઇડ તો નથી કરી લીધું ને !" સામેથી અવાજ આવ્યો.
" કોણ બોલો છો તમે ?" મે કરાડીને કહ્યું.
" અરે ઉત્સવ પટેલ અત્યારથી બધું જાણીને શું કરશો. તારે જે લખવું હોય તે લખ ... પણ રેવાને છોડી દે...એ તારા માટે નથી.... નહીં તો પછી યુ નો ?? " તેને પોતાનું પોત પ્રકાશ્યું.
" તું મને ધમકી આપે છે?? "મને તેની વાત કરવાની રીત જરાય ના ગમી. હું સામો તાડુક્યો.
" ના ભઇ ના, પણ આને તું એક શુભચીંતક તરફથી કરેલી મદદ સમજી શકે. તારો ઇમરજન્સી નંબર મેળવી શકું તો યુ નો હું ગમે તે કરી શકું .... તારી નોવેલમાં રેવાનું સ્થાન તો કદાચ લીઝા પણ લઇ શકે નહી !! એન્ડ હમણાં જે વ્યક્તી તારા પર વોચ રાખી ફોટા પાડતી હતી તે હું નથી."
સામેથી ફોન મુકાઇ ગયો હતો. મારા મગજમાં ગુસ્સાની આગ ભભુકી રહી હતી. કોણ છે જેને મારા પર આટલી વોચ રાખવાની જરૂર પડે છે ?
વાર્તા ધાર્યા કરતાં પણ વધુ રોમેન્ટીક બની રહી હતી. ફુલગુલાબી રંગોથી શરુ થયેલા આ રોમાન્સમાં રક્તરંજીત લાલ રંગના શેડ પણ ભળવાના હતા. આ વાતથી બધા અજાણ હતા !

* * * * * * * * * * *

રાત્રીના ૯:૩૦ વાગ્યે....

મારા સ્વંયવરના ઉમેદવારોની ઓનલાઈન પસંદગી જોરશોરથી ચાલી રહી હતી. અત્યારે ચેટીંગમાં વધુ એકને રીજેક્ટ કરી હું નવરી પડી. એટલામાં મારી પર્સનલ મેસેજ ટોન વાગી. મે જોયું તો એક કેન્ડીડેટે ઇમેજ મોકલી હતી. તેને ડાઉનલોડ થયેલી જોઇ મને મારી આંખો પર વિશ્વાસ ના બેઠો.
મહિલા કોલેજ અંડરબ્રિજના મેઘરાજા સર્જીત સ્વિમિંગપુલમાં મન મુકીને કરેલી મસ્તી આ ફોટો જોઈ ફરીથી નજર સામે તરવરી ઉઠી. એ ખુબસુરત ક્ષણોને બહુ નજાકતથી કેમેરામાં કેદ કરી હતી. જાણે હું વરસાદને દિલ ફાડીને પ્રેમ કરી રહી હોય તેવું લાગતું હતું. અત્યાર સુધી તો કેમેરા માટે ફરજીયાત દર્શાવેલી ફિલીગ્સંવાળા ફોટાઓમાં જ હું કેદ થઇ હતી. પણ આજે મારું અસલી રુપ જોયું. કદાચ ઇશ્વરે મને બહું વિચારીને જ આ સ્વંયવર માટે ફુરસદે ઘડી હશે. એટલામાં એ નંબર પરથી કોલ આવ્યો.
મે ખબર હોવા છતાં પુછ્યું. " હેલ્લો કોણ ? "
" ઓળખી શકે હું તારો
નહીં તો તું મારી." તે બોલ્યો.
શબ્દો જુના હતાં. પણ તેની રજુઆત અને અંદાજે બયા અફલાતૂન હતો. મે કહ્યું." ફોટામાં રહેલી એ ખૂબસુરતીને રીયલ લાઇફમાં કેદ કરવી સહેલી નથી."
" અચ્છા,તો હું એટલું તો આશ્વાસન લઇ જ શકું કે મને એક ચાન્સ તો મળશે જ !! " તે ખરેખર રોમેન્ટીક હતો.
" પણ શા માટે કોઇ ખાસ કારણ ? " આ મારી સ્ત્રી સહજ વખાણ સાભળવાની નાદાની હતી.

" બસ એટલાં માટે જ કે....
બસ મને તું ગમે છે....
તારું એ વરસાદમા ભીજાવું મને ગમે છે
ફેલાયેલા તારા હાથમાં સમાવવું મને ગમે છે
પાણી નિતરતાં વાળમાં ભીંજાવું મને ગમે છે
ગાલ પરથી વહી જતાં બિદુંઓ પકડવાનું ગમે છે
બસ મને તું જ ગમે છે....
રોમ-રોમ પર રમતાં જલકણો પીવા મને ગમે છે
હોઠ પર બાઝેલા ટીંપા નિહાળવા મને ગમે છે
મન ભરીને નાચતું તારું રુપ મને ગમે છે
તારી આંખોની છુપાયેલી તરસ મને ગમે છે
બસ મને તું જ ગમે છે....
ખબર નહી તું ક્યારે સમજીશ એ ભેદને
કે કંઇ કારણ વગર મને તું જ ગમે છે
બસ મને તું જ ગમે છે....
કોઇ પણ કારણ વગર બસ મને તું જ ગમે છે.
કદાચ તેની ખામોશીમાં હજુ એ શબ્દો ગુંજી રહ્યા હતાં. ' બસ મને તું જ ગમે છે'.
" રેવા બેટા, નીચે આવી જાવ,દાદી તમારી રાહ જુએ છે." વંદનામાસીની મસ્ત સેક્સી બુમ સંભળાઇ.
" વાઉ, સુર્પબ એન્ડ સો રોમેન્ટિક. મને તમારી કવિતા અને તસવીરો ખૂબ ગમી. પણ તમને ગમાડવા કે નહી એ આપણે ગ્રાન્ડ દિવાન પાર્ટીમાં નક્કી કરીશું. તમને મળવું મને ગમશે. મી. કિશનદાન ગઢવી. યુ આર સિલેક્ટેડ. તમને ઇન્વીટેશન મળી જશે." કહી મેં ફોન મુક્યો.
દાદી પાસે જવા માટે પગ ઉપાડ્યા. તે ડીનર વાળી રાતનો ગુસ્સો હજુ હતો. ત્યારપછી પપ્પા મારી વ્યસ્તતાને લીધેે ભેગા નહોતાં થયા. દાદી પણ બહારગામ ગયા હતાં. દાદી પ્રત્યે મારો ગુસ્સો હજુ ઓસર્યો નહોતો. પરન્તુ દાદીના પ્રેમ આગળ તેનું લાંબો સમય ટકવું મુશ્કેલ હતું.
સોફા પર બેઠા બેઠા તે હળવું સંગીત સાંભળી રહ્યા હતાં. તેમને હસતાં ચહેરે મારું સ્વાગત કર્યુ. હું તેમની સામે જઇને ઉભી રહી. મે હજુ સુધી મોં પર ગુસ્સાના ભાવો ટકાવી રાખ્યા હતા.
" મારી વ્હાલી રેવુ હજુ સુધી નારાજ છે મારાથી. તને ખબર છે ગુસ્સામાં તું બહુ વહાલી લાગે છે. પરાણે વહાલ કરવાનું મન થાય એવી ! " ટીપાઇ પર રહેલી વાટકીમાં તે બોટલમાંથી તેલ રેડી રહ્યા હતા.
તે સાવ સહજ રીતે બોલ્યા. ખબર નહી કેમ મારો બધો ગુસ્સો ઓગળી ગયો. " દાદી યુ નોટી... તમે દર વખતે આવું કેમ કરી શકો ? "
મેં સાદા રબ્બર બેન્ડમાં બાંધેલાં મારા લાંબા વાળ ખુલ્લા કર્યા. આ કાળા ભમ્મર કેશ પર મને બહુ અભિમાન હતું. પછી પલોઠી વાળી સોફાના ટેકે બેસી ગઇ. મારા મમ્મીનું મોં તો હું ક્યારેય જોઇ શકી નહોતી. એટલે સમજણ આવી ત્યારથી દાદીની સાર-સંભાળમાં ઉછરી. દાદી વાળમાં તેલ ઘસી આપે એ મને બહુ જ ગમતું. તેમના હાથોમાં કશોક જાદુ હતો. એકવાર તેલ ઘસવાનું ચાલું થાય પછી તેમનોના હાથ દુખવા માંડે ત્યારે હું ઉભી થતી. આ તેલ દાદી જાતે જ અનેક વસ્તુઓ પસંદ કરી ખુબ કાળજીપુર્વક બનાવતાં. મને અમેરીકા પણ આજ તેલ મોકલવામાં આવતું. આ સુંગધી તેલ મગજને શાંત કરી અજબ નશો ચડાવતું.
દાદીના હળવા હાથ મારા ઘટાટોપ વાળમાં ગૂંથાય રહ્યા હતા. ખબર નહી પણ કેમ હું અત્યારે બધુ ભુલીને એક બાળક જેવી બની ગઇ હતી.એવું બાળક જેને વહાલની સતત ભુખ રહેતી. તે કશું જ બોલતાં નહોતાં. મને લાગ્યું તે જુની વાતો ઉખેળવાના મુડમાં જરાય નહોતાં. મને પણ સાગરિકાને સોંપેલાં કામ પર પૂરો વિશ્વાસ હતો એટલે એ વિશે વાત કરવાનું માંડી વાળ્યું.
મે શરુઆત કરતાં કહ્યું." દાદી એકવાત પુછું? "
"પૂછને રેવા ... એમા શું છે... આમ પણ હવે તારા સિવાય સવાલ પુછવાનો હક્ક ક્યાં કોઈને છે ?"
તેમનો આવો જવાબ મને બહુ ખટક્યો. મારા માટે શરૂઆત બહુ અગત્યની રહેતી.
" દાદી તમે પ્રેમ કર્યો છે કોઇ દિવસ ? " મેં સાવ નિર્દોષ બની સવાલ કર્યો.
" કદાચ હા અને ના પણ. સાચો પ્રેમ મોટેભાગે ખોટી વ્યક્તીઓ જોડે જ થતો હોય છે. એટલે જ કદાચ પ્રેમનું આકર્ષણ અકબંધ રહે છે. બાકી પ્રેમ તમારા સ્વાર્થ અને જરુરીયાતના બીઝનેસથી વિશેષ કંઇ નથી." તેમના જવાબો આજે મને બહુ વિચીત્ર લાગતાં હતા.
" તમને ખબર છે દાદી મને પ્રેમમાં પડવાની બહુ બીક લાગે છે ? " હું સહજપણે બોલી.
દાદી હસીને બોલ્યા." લવમેરેજ કરવાની મોટી મોટી હાંકતી રેવા આટલી ડરપોક ક્યારથી બની ગઇ ?"
" હું લવમેરેજ જ કરીશ. છેલ્લાં થોડા દિવસોમાં સતત અવનવી પર્સનાલિટી ધરાવતા બોયસ્ને મળી રહી છું. બધામાં કોઇક વાતો તો સારી હોય જ છે. પણ શું મને પ્રેમ થશે તેનામાં આ બધી ખૂબીઓ ભેગી થશે ?"કદાચ તેલની ઠંડક જ મારી મુઝંવણને થોડી રાહત આપી શકે તેમ હતી.
" કહેવાય છે સાચો પ્રેમ ક્યારેય આસાનીથી ના મળે. તે વિરહ માગે, લોહી માગે અને ક્યારેક જીવ પણ......કોઇ વ્યક્તી મી. પરફેક્ટ ના હોય. પ્રેમમાં આમપણ સામેના પાત્રની ખામીઓ 'ફાટેલા કપડાં પર મારેલું થીગડું ફેશન કહેવાય.' તેમ ઇગ્નોર થતી હોય છે." તેલની માલિશ સાથે દાદીના પ્રેમજ્ઞાનનો નશો વધુ ચડી રહ્યો હતો. હું તેમના શબ્દો પર વિચાર કરતી રહી.
" રેવા કોઇ છોકરો પસંદ પડ્યો તે નહી ?" તે બોલ્યા.
મારી નજર સામે સીધી ઉત્સવની છબી ગોઠવાઇ ગઇ. દાદીના આજે રેવુ ને બદલે સતત થતાં રેવાના સંબોધનથી મને બહુ લાગી આવ્યું. હવે તેમના હાથોમા લાગણીઓનો અતીરેક વર્તાવા લાગ્યો. મારા મુલાયમ વાળને પણ તેમની આ રુક્ષતા પસંદ ના પડતાં તે ખેચાંઇ રહ્યા હોય એવું લાગવા માંડ્યું.
" કોઇ ખાસ નહી ... હજુ સુધી 40 ને પહેલાં રાઉન્ડ માટે સિલેક્ટ કર્યા છે. કદાચ 1000 ની આસપાસ પસંદ કરીશ. પછી ધીમે ધીમે ઓછા થતાં જશે. પણ તેમાંથી એકાદ તો મળી જ જશે મારા સપનાઓનો રાજકુમાર." હું શરમથી લાલ થઇ ગઇ.
" અને બની શકે કોઇ છોકરો પસંદ ના પડ્યો તો મારી વ્હાલી.... રેવાને ...." તેમના શબ્દો અને લાગણીઓ આજે કાચીંડાની જેમ વારેઘડીએ રંગ બદલી રહ્યા હતા. મારો મૂડ ઓફ થઇ ગયો.
" તો પછી હું ગમે તેની સાથે લગ્ન કરી લઇશ. અને કોઇના ગમ્યું તો તમારી પસંદગીનો છોકરો તૈયાર જ છે ને મારા વહાલા દાદી !! " બોલતાં હું ખીજાઇને ઉભી થઇ ગઇ. વાળની મસાજ અધુરી રહી ગઇ.
" ખબર નહી પણ કેમ દાદી તમે ઘણા બદલાઇ ગયા છો.પહેલાં તો આવી રીતે ક્યારેય વાતો નહોતાં કરતાં. તમારું વર્તન બહુ વીચીત્ર બની રહ્યું છે. કદાચ મને અણગમો થવા માંડે તે હદ સુધી ...." મેં તેમનાંથી દુર જતાં કહ્યું.
મારા આ શબ્દો સાંભળી તેમને જાણે આઘાત લાગ્યો. આજે પહેલીવાર તેમના મોં પરનું હાસ્ય ગાયબ થઇ ગયું હતું. અચાનક તેઓ હતાં તેના કરતાં ક્યાંય વધારે વૃધ્ધ લાગતાં હતા. મને પહેલીવાર તેમનાથી ડર લાગ્યો. હું દાદીના ચહેરામાં બીજું જ કોઈ દેખાઈ રહ્યું હતું. જેને મારા માટે પ્રેમને બદલે નફરત વધુ હોય એવું દેખાય રહ્યું હતું. મારા માટે હવે અહીં ઉભું રહેવું અસહ્ય હતું. હું સડસડાટ કરતી દાદરા ચડવા માંડી. રુમમાં પહોંચીને સીધુ બેડ પર પડતું મુક્યું.
હું બધા પ્રયત્ન કરવાં છતાં પણ વાણી અને વર્તનથી સામાજીક પ્રાણી બની શકતી નહોતી. જેને જેવું હોય તેવું ચોખ્ખું મોઢેં જ સંભળાવી દેતી હતી. હું નેચરલ હતી. અંદરથી અને બહારથી પણ... એટલે જ હું વધુ ઇમોશનલ અને સેન્સેટિવ હતી. કદાચ મારી ખૂબસુરતી એટલે જ નિર્દોષ હતી.
ધીમે ધીમે આસુંઓથી ખરડાયેલું ઓશીકું મારી વેદનાનું સાક્ષી બની રહ્યું હતુ.....

To be continued........