પ્રકરણ 8
સોશ્યલ મીડિયમાં મારા સ્વંયવર અને આજની એક્ઝામને લઈને કેટલાય હેશટેગના ટ્રેન્ડમાં હતા. સવારે 10 થી 12 સુધીની આ ઓનલાઈન એક્ઝામના અમુક સવાલોએ ભારે વિવાદ પેદા કર્યો હતો. સ્વંયવર ઉમેદવારો પોતાના પેપરો સબમિટ કરી રહ્યા હતા. હું આરવની ઓફિસમાં બેઠી બેઠી સિલેકટેડ જવાબોને મોટી સ્ક્રિન પર નિહાળી રહી હતી. મોટાભાગના ઉમેદવારોએ તો મસ્તીમાં અમસ્તા જ ભાગ લીધો હોય એવું લાગતું હતું. તેમના જવાબ રુપે રજૂ થતાં વિચારોમાં સ્ત્રીની પોતાનાથી વધારે બુદ્ધિ, સમજદારી અને જ્ઞાન તેમનો ઇગો હર્ટ કરતી હોય તેવું દ્રશ્ય ઉપસતું હતું. અમુક જવાબો વાંચીને ખરેખર દુઃખ થતું હતું. એકવાર તો વિચારનું લખલખું સ્વયંવરના નિર્ણયની યોગ્યતાને ડગમગાવી ગયું.
મોટાભાગના પુરુષોની માનસિકતા સ્ત્રી લગ્ન પછી તેના કહ્યામાં રાખવાની હતી. સ્ત્રીના સવાલો તેમના પુરુષાતનના આધિપત્યને લલકારતાં હતા. તેની સુંદરતા, સહજતા કે લાગણીના નસીબમાં હવે કુટુંબ કે સમાજની મર્યાદાની અદ્રશ્ય દિવાલમાં કેદ થઈ આજીવન કારાવાસ ભોગવવાનું લખાયેલું હતું. અને સપનાંઓઓ ઓઓઓ.....ઘર અને પરિવારની જવાબદારીમાંથી આના માટે સમય મળવો એ પણ સ્ત્રી માટે એક સપનું બનીને રહી જાય છે ! ભારતની કુટુંબ વ્યવસ્થા બદલાતાં જમાના સાથે સ્ત્રી માટે ખરેખર બંધનરૂપ છે ? સવાલો અટકવાનું નામ નહોતાં લેતાં ......
"મેમ, જવાબોને આધારે કેન્ડીડેટ્સને શોર્ટલિસ્ટ કરવામાં સમય લાગશે. કારણ કે અમુક જવાબ બહુ સ્માર્ટલી લખાયેલાં છે.પરન્તુ એ કેન્ડીડેટ્સની પર્સનાલિટી સાથે મિસમેચ થાય છે." આરવ બોલ્યો.
"એટલે ?" મારે એનો જવાબ વિસ્તારથી જાણવો હતો. હું વિચારોની વાસ્તવિકતામાં આવતાં બોલી.
"મિન્સ, પેપરના અમુક સવાલો આપણે બહુ ટ્રીકી રીતે સેટ કર્યા છે. જેનો જવાબ કોઈ જીનિયસ, ચાલાક કે શાર્પ ઓબ્ઝર્વર જ આપી શકે. એજ્યુકેશન ક્વોલિફિકેશન ઇગ્નોર કરો તો પણ એના બાયોડેટાની ઇન્ફોર્મેશનમાં 'કુછ તો ગડબડ હે.' ક્લીઅર જોઇ શકાય છે. મને લાગે છે આપણે આ કેન્ડીડેટ્સ માટે અલગ કેટેગરી ક્રિએટ કરવી પડશે." આરવ મુંઝાતા સ્વરે બોલ્યો.
"ઓકે, આ ઉમેદવારોને અલગ કેટેગરીમાં રાખજો. મને નથી લાગતું આમાં કોઈ પ્રોબ્લેમ હોય. ઘણીવાર સામાન્ય લાગતો વ્યક્તિ પોતાના ગમતાં કામ કે ફિલ્ડમાં ના વિચાર્યું હોય એવું રિઝલ્ટ આપે. કોઈકની પ્રેઝન્ટેશન સ્કિલ સારી ના પણ થીંકીંગ કે ઇમોશનલ સ્કિલ સારી હોય એવું પણ બની શકે. આ કામ ક્યાં સુધીમાં પૂરું થશે ?" મેં આતુરતાથી પૂછ્યું.
" તમને ફાઇનલ રિઝલ્ટની ફાઈલ મળતાં મિનિમમ એક વીક થશે. વધુ ઉમેદવારોને લીધે લક બાય ચાન્સ કોઈને તક ના મળે એવું ના બનવું જોઈએ." આરવે કહ્યું.
આરવની વાત સાચી હતી. ઉતાવળ કરવાનો કોઈ અર્થ નહોતો. હું પણ ગ્રાન્ડ દિવાન પાર્ટીની તૈયારીમાંથી ત્યારે માંડ ફ્રી થઈશ એવું લાગતું હતું. આમપણ હું બધાને ક્યાં મળી શકવાની હતી. કેટલાંક સાથે મેસેજ, ફોન ને વિવિધ પાત્રો તરીકે કોન્ટેક કરી સિલેક્ટ કરવાનું નક્કી કર્યું હતું. મારું ઓબ્ઝર્વેશન અને સિક્સ સેન્સ બહુ પાવરફૂલ હતાં. એટલે કામ સાવ આસાન બની જવાનું હતું. મેં કંઈક વિચારીને કહ્યું. "આરવ જે જે કેન્ડીડેટ્સનું સિલેક્શન ફાઇનલ થઇ ચૂક્યું હોય તેની અપડેટ્સ મને આપતો રહેજે. હું મારું પાર્ટી માટેનું સિલેક્શન સ્ટાર્ટ કરી દવ."
" જી. મેમ. જેમની એન્ટ્રી શ્યોર છે. એ લિસ્ટ ડેઇલી સાંજે તમને મળી જશે. બીજું કાલે સાંજે 5 વાગ્યે તમારું શૂટિંગનું શેડયુઅલ છે. એક ફોરન મેગેઝીનની જર્નાલિસ્ટ તમારો નાનકડો ઇન્ટરવ્યૂ લેવા માંગે છે. સો એમને શું જવાબ આપું ?"
"ઓહો નો.કાલે સાંજે તો પેલા રાઇટર ઉત્સવને ટાઇમ આપ્યો છે. ચાલ હું કંઈક કરું. એન્ડ મેગેઝીનવાળાને થોડી રાહ જોવડાવ. હું સાગરિકાની સલાહ લઈને જવાબ આપીશ." મને મારા પર ગુસ્સો આવતો હતો.
મોબાઈલની સ્ક્રિન પર સાગરિકાનો મેસેજ ફ્લેશ થયો." ઝડપથી t.v. ચાલુ કર."
* * * * * * * * * * * * * * * *
રેવાના સ્વંયવરની એક્ઝામ અને તેમાં પૂછાયેલા કેટલાંક સવાલોને લઈને દેશભરમાં હોબાળો મચ્યો હતો. ખાસ કરીને ધર્મ, પીરિયડ્સ, સેક્સ અને કુટુંબ વ્યવસ્થાના સવાલો મુદ્દે ખાસ્સો હોબાળો મચ્યો હતો?
એક વકીલે તો કોર્ટમાં કેસ દાખલ કરી સ્વંયવર રદ્દ કરવાની માંગ કરી હતી. કેટલાંક શહેરોમાં દેખાવો શરૂ થઈ ચૂક્યા હતા. કેટલાક રાજકીય આગેવાનોએ પણ લોકોની સહાનુભૂતિ મેળવવા નિવેદનબાજી શરૂ કરી હતી. કારણ કે આમાં ગુમાવવાનું કશું નહોતું.
'એક સ્ત્રી થઈને ખુલ્લેઆમ આવા સવાલો પૂછવાના ?'
'પૈસા હે તો આપ ક્યાં કુછ ભી મતલબ કુછ ભી....કર સકતે હો? સંસ્કાર નામ કી કોઈ ચીજ હે કે નઈ? યે ઇન્ડિયા હે યહાં યે સબ નહીં ચલેગા.....રેવાજી યે શાદી કી નૌટકી આપ છોટે કપડે ઔર છોટી સોચ વાલે વેસ્ટર્ન કન્ટ્રી મેં જાકે કિજીએ. હમારે દેશ કે લડકો કો બીગાડને પે કયું તુલી હુઈ હો."
"જોયું તમે પૈસા અને રૂપનો ઘમન્ડ.....! આ છે આજની ભારતીય નારી ! લગ્ન પહેલાં આવા સવાલો પૂછે છે તો લગ્ન પછી શું શું નહીં કરે ! આ લગ્ન માટેની જાહેરાત છે કે કોઈ ગુલામ પસંદ કરવાની ?"
"હમને તો પહેલે હી કહા થા ...લડકીયા ઘર સે બહાર ના નિકલે. યહી હમારે પૂર્વજો કી મર્યાદા ઓર સંસ્કૃતિ કી દી ગઈ વિરાસત હે.... લો અબ દેખ લો... બહોત હો ગયા 'બેટી બચાઓ....બેટી પઢાઓ' ...જીસકે બારે મેં આજ ભી ઔરતે ખુલ કે બાત કરને મેં હીંચકીચાતી હે.... યે લોન્ડિયને વિદેશ સે દો બાતેં ક્યાં પઢકે શીખ લી.... ખુલ્લે મેં સવાલ કરતી હે... ઇસ પિઢીને તો પુરી સન્સક્રીતી કો ભ્રષ્ટ કરકે રખ દિયા હે."
"આઝાદી, પાવર અને પૈસાનો નશો....શું લગ્ન માટે આવા સવાલો પૂછવા જરૂરી છે. સ્ત્રી સમાનતા, આઝાદી ના નામે આવી સ્વચ્છદતાં ?
" મોરલ વેલ્યુ, એથીક્સ કે સંસ્કૃતિનું ચીરહરણ. છોકરીને વિદેશ ભણવા મોકલનાર મા-બાપ ચેતે. કાલ સવારે તમારી છોકરી રેવાની જેમ સ્વંયવરની માંગણી કરશે તો ?
"રેવા, હમ તુમ્હારે સાથ હે, ડરના મત, સાલો યે સવાલો સે આપ મર્દો કી ઇતની ફટતી કયું હે....! ઇસમે ક્યાં ગલત પુછા હે ! અપને હોનેવાલે પતિ સે પૂછે હે ના ? કોઈ ગેર સે થોડી પૂછે હે ! આપ મર્દો કે લિયે યે સબ ખીલોના સમજને વાલી બાત યા ચૂપ કર સાલી ઝબાન બહોત લડાતી હે વાલી ગંદી સોચ હે.' પર યે સવાલ હર છોરી કે લિયે બહુત સેન્સેટિવ હે. ઔર હોનેવાલા પતિ ઇસકે બારે મેં ક્યાં સોચ રખતાં હે યે જાનના ઉસકા હક્ક હે.બ્રેવો સિસ્ટર. યુ આર માય આઇકોન. બસ યુહી જલતી ઔર બરસતી રહેના."
દેશના વિવિધ ભાગોમાંથી વિવિધ લોકોના મંતવ્યો આવી રહ્યા હતા. મોટેભાગે વિરોધ વચ્ચે સપોર્ટની સરપ્રાઈઝ જેવી સહાનુભૂતિ પણ મળી જતી હતી.દેશની તમામ ન્યૂઝ ચેનલ આ ગરમાગરમ અને સેન્સેટિવ ટોપિક પર પોતાના રોટલાં શેકી રહી હતી. વિવિધ લોકો અને હસ્તીઓના મત જેવા 'સિલિક્ટેડ ત્રુથ' દર્શાવી પોતાની માનસિકતા છતી કરી રહી હતી. જાહેરમાં કે ઘરમાં કહી ના શકનારા લોકો અહીં શબ્દો, મીમ, પોસ્ટર ,વીડિયો બનાવી મનમાંથી વિચારોનો કાદવ ઉલેચી રહ્યા હતા. એક જ પળમાં આખું ચિત્ર બદલાય ગયું હતું.
યુથ આઇકોન બની રહેલી રેવા હીરોમાંથી ઝીરો બની ગઈ હતી. 'બોયકોટ સ્વંયવર' નો હેશટેગ વાયરલ થઈ રહ્યો હતો. કદાચ દેશને આઝાદીની વાતો જ ગમતી હતી. સાચા સવાલો સહન કરવાની આદત નહોતી. એ વિશેના કારણોની ચર્ચા તો દૂરની વાત હતી. દેશ હજુ વિચારોની માનસિક ગુલામીમાં કેદ હતો. જે પરંપરા હતી. કારણ કે આઝાદી સંઘર્ષ માંગે. લોહી માંગે. સમાધાન, સલામતી અને સ્વાર્થના અનેક વાડાઓમાં વહેંચાયેલા દેશને લડવાની આદત નથી.
પોતાના બેડરૂમની t. v. સ્ક્રિન પરના દ્રશ્યો જોઈ રેવાનું વહેણ સ્ટેચ્યુ થઈ ગયું હતું. સાગરિકાએ તેને ચેતવી હતી. તેથી તે માનસિક તૈયાર હતી. પણ લોકોની આ હદની વિચાર્યા વગરની નફરત જોઈને થોડી હર્ટ જરૂર થઈ હતી.
તેણે એક ટ્વિટ કર્યું. " મારા માટે સ્વંયવર એ સ્વંય ના વિચારોની આઝાદીને વરવાનો ઉત્સવ છે. તમારી નફરત માટે થેંક્યું. હવે હું ખરેખર સાચા રસ્તે છું."