પ્રતિબિંબ
પ્રકરણ - ૨૭
આરવ : " એનો મતલબ કે એ કોઈને પણ ઇતિની નજીક એનાં જીવનમાં નહીં આવવાં દે એમને ?? પરંતુ પ્રયાગ તો યુએસએ છે તો એની અસર અહીં વિશાલ સુધી પહોંચી શકે ?? આવું કેવી રીતે શક્ય બને ?? "
મહારાજે કહ્યું, " હું જવાબ આપું..."એ પહેલાં જ આખાં રુમમાં ધુમાડો ધુમાડો છવાઈ ગયો...ને ઈતિ ત્યાં જ આરવનાં ખોળામાં જ ઢળી પડી...!!
અન્વય : " શું થયું બેટા ?? અચાનક શું થયું ?? "
ઈતિ તો બેહોશ થઈને ઢળી પડી. એને કંઈ જ ભાન નથી. ઈતિએ આરવનો હાથ કસીને પકડી દીધો છે....મહારાજે કોઈને પણ વાત પુરી થયાં વિના ઉભાં થવાની ના કહી છે છતાં ઈતિ સાથે આવું થતાં બધાં જ અનાયાસે ઉભાં થઈ ગયાં.
બધાં ઈતિને પકડીને બહાર લઈ આવ્યાં... થોડી ખુલ્લી હવામાં લઈ જતાં એને સારું લાગશે...પણ ત્યાં જ અર્ણવનું ધ્યાન ગયું કે એ જગ્યાએથી મહારાજ ગાયબ...પણ બધી વસ્તુઓ અકબંધ દેખાઈ રહી છે.
અર્ણવ : " પપ્પા, આ મહારાજજી ક્યાં ગયાં ?? અહીંથી તો નીકળ્યાં નથી કેવી રીતે અહીંથી અદ્રશ્ય થઈ ગયા ?? "
અન્વય : " બેટા જોઈએ પછી એ પણ. પહેલાં ઇતિને બહાર લઈ જઈએ. "
બહાર આવ્યાં તો એ લોકો સિવાય કોઈ જ નથી. સામેની સાઈડે લોકો મંદિરમાં દર્શન કરવાં આવતાં દેખાય છે. લીપી કે બાકીનાં કોઈ દેખાયાં નહીં. એટલામાં જ છોટુ સ્કુલની બેગ લગાવીને દોડતો દોડતો આવ્યો ને બોલ્યો, " શું થયું કેમ બધાં બહાર આવી ગયાં ?? કંઈ થયું ?? "
ત્યાં જ એણે ત્યાં વચ્ચે બેભાન પડેલી ઇતિને જોઈ.
છોટુ : " અરેરે !! અંદર કંઈ થયું હતું અને બાબા ક્યાં છે ?? "
અર્ણવ : " ખબર નહીં દીધી બેભાન થઈને ઢળી પડ્યાં ત્યાં જ મેં બહાર નીકળતાં જોયું તો એ ગાયબ..."
છોટુ : " મતલબ કોઈ એવી શક્તિ છે જે એમને આ બધી વાત કરતાં અટકાવી રહી છે...આથી જ આવું થયું છે. હવે કદાચ આગળની વાત બાબા પાસેથી જાણવી શક્ય નહીં બને કદી પણ. અને જો એ એ શક્તિની વિરુદ્ધમાં જશે તો એમનાં પર સંકટ આવી પડશે..."
અપૂર્વ : " તું ચિંતા ન કર...હવે અમે એમને હેરાન નહીં કરીએ. અમને જેટલી ખબર પડી છે એ બહું છે અમારાં માટે...બાકી અમે કંઈ કરી લઈશું..."
છોટુ : " દીદીને તમે જલ્દીથી અહીંથી લઈ જાઓ... અત્યારે કોઈ બુરી શક્તિ અહીં આસપાસ ફરી રહી છે માટે તમે બંને એટલી ઝડપી અહીંથી નીકળી જાવ." કહીને છોટુ સ્કુલમાં જવાં નીકળી ગયો.
ઈતિ ભાનમાં ન આવી પણ એનો શ્વાસ રૂંધાવા લાગ્યો હોય એવું લાગી રહ્યું છે એ જોરજોરથી ઉછાળા મારવા લાગી...જાણે કોઈ એને શોક આપી રહ્યું હોય એમ કરી રહી છે એટલામાં જ એનાં આંખમાંથી લોહી વહેવા લાગ્યું...!!
આરવ : " અંકલ પહેલાં જ ઇતિને લઈને આપણે અહીંથી નીકળી જઈએ. અર્ણવ તું ગાડી શરું કર...!!
અન્વય કહેવા જાય છે કે ઇતિને બધાં સાથે મળીને ઉપાડી લઈએ એટલામાં તો આરવે ઇતિને પોતાનાં બે મજબૂત હાથમાં ઉપાડી લીધી અને ચાલવા માંડ્યો... બધાં એકબીજાંની સામે જોઈને ફટાફટ આગળ ચાલવા લાગ્યાં.
બધાંને થયું આરવ સાથે હજું તો બધાંની સરખી ઓળખાણ પણ નથી થઈ પણ એને બધાંનાં નામ સંબંધ બધું જ ખબર છે. આરવને ઇતિને આ રીતે લઈને જતો જોઈને અન્વયને એ દિવસો યાદ આવી ગયાં જ્યારે લીપીમાં રાશિની આત્મા હતી ત્યારે એ આટલી ચિંતા સાથે જ લીપીને ઉપાડીને લઈ ગયો હતો...ફરક એટલો હતો કે એ બંને પતિ પત્ની હતાં...!!
*****
નિયતિ : " લીપી તમે લોકો આવી ગયાં બેટા ?? કંઈ ખબર પડી ?? "
લીપીએ ત્યાંની બધી વાત જણાવી. પછી બોલી ,"આન્ટી અમને થયું કે કેટલીકવાર લાગશે કંઈ જ ખબર નહોતી આથી અમે બધાં બીજી ગાડી લઈને ઘરે આવી ગયાં...!!
નિયતિ : " હમમમ... સારું... હું હમણાં નાહીને બસ દીવા કરવાની તૈયારી જ કરી રહીં છું તમે બધાં પણ હવે તૈયાર થઈ જાવ..."
એટલાં સમયમાં હિયા અને અક્ષી એકબીજાનાં દોસ્ત બની ગયાં હોય એમ એકબીજાં સાથે વાતોમાં મશગૂલ છે.
દીપાબેન : " તમે બે તો બહેનપણીઓ બની ગઈ બરાબર. ચાલો પહેલાં નહાવાનું ને નાસ્તો પતાવો."
અક્ષી : " તારો સામાન ક્યાં છે હેયા?? "
હેયા : " અહીં બાજુનાં રૂમમાં છે.. તું પણ આવી જાને મારી સાથે..."
અક્ષી : " સારું ચાલ આપણે એક રૂમમાં રહીશું મજા આવશે.."
બંને ખુશ થઈને રૂમમાં ગયાં. ત્યાં જ લીપી બોલી, " સંવેગ ક્યાં છે મમ્મી ?? "
દીપાબેન : " એ તો હું રાઉન્ડ મારીને આવું છું કહીને બહાર ગયો... લગભગ પંદરેક મિનિટ પહેલાં. "
લીપી : " એને બહાર કેમ મોકલ્યો ?? કંઈ થશે તો ફરી ?? "
નિમેષભાઈ : " બેટા અમે બધાંએ એને રોકવાની કોશિષ કરી તો કહે આ તો મારો મોર્નિંગ વોકનો સમય છે હું જઈશ જ..." એમ ગુસ્સામાં કહીને જતો રહ્યો.
લીપી : " સંવેગ તો હંમેશાં કહે છે કે મારે તો ચાલવાની કંઈ જરૂર નથી હું તો ફીટ છું...અને રોજ તો કદી એ ચાલવા જતો નથી.."
નિયતિ : " આવશે બેટા...એને અત્યારે આપણે કાબુમાં રાખી શકીએ એમ નથી જ્યાં સુધી કંઈ જાણકારી ન મળે.."
લીપી નિસાસા સાથે સોફા પર બેસી ગઈને બોલી, " બિચારો છોકરો ક્યાં ફસાઈ ગયો !! બસ હવે અનુને લોકોને કંઈ માહિતી મળે...અમને તો એ પુસ્તક મળતાં બધું કામ પાર પડી ગયું હતું હવે ખબર નહીં આ વખતે શું થશે..."
દીપાબેન : " તું ચિંતા ન કરીશ બેટા બધાં સાથે છીએ કંઈને કંઈ ઉપાય તો નીકળશે જ...ભગવાને કોઈ એવી સમસ્યા નથી બનાવી જેનો કોઈ ઉકેલ ન હોય...હા મુશ્કેલ જરૂર હોય પણ મળે તો ખરાં જ.."
લીપી : " હમમમ" કહીને બેસી વાતો કરી રહી છે ત્યાં જ અર્ણવ એટલામાં જ દોડતો દોડતો આવ્યો...
નિયતિ : " શું થયું બેટા ?? કંઈ પ્રોબ્લેમ થયો છે ??
અર્ણવ કંઈ બોલે એ પહેલાં તો પાછળ આરવ ઈતિને ઉપાડીને હવેલીમાં પ્રવેશ્યો. એને બહારનાં એક બેડ પર સુવાડી. એની આંખોમાંથી બહાર નીકળતું લોહી તો બંધ થયું છે પણ હજું તે ઉછાળા મારી રહી છે... ગુંગળામણ અનુભવી રહી છે.
પાછળ અપૂર્વ, આરાધ્યા અને અન્વય પણ પ્રવેશ્યાં. ઈતિનું આખું શરીર ઠંડું પડી ગયું છે...એ કડક લાકડાં જેવી બની ગઈ. બધાંને ખબર જ છે કે આ આત્માનો જ કોઈ પ્રકોપ છે છતાં અત્યારે કોઈ કરી શકે એમ નથી આથી નિયતિએ એક ડૉક્ટરને ફોન કરીને બોલાવ્યાં.
થોડી જ વારમાં ડૉક્ટર આવ્યાં ને એને તપાસી. એમને એવું કોઈ ખાસ કારણ ન જણાયું. એમણે કહ્યું વધારે સારવાર માટે કોઈ મોટી હોસ્પિટલમાં દાખલ કરવી પડશે... તાત્કાલિક લઈ જાઓ એને. એક બે ઇન્જેક્શન આપીને એ નીકળી ગયાં.
બધાં મૂંઝવણમાં મુકાઈ ગયાં કે શું કરવું હવે... અચાનક નિયતિને કંઈ યાદ આવ્યું એ બોલી, " એક મિનિટ ઊભા રહો... હું આવું છું " કહીને એ ઉતાવળે પગલે એક છેલ્લાં રૂમમાં ગઈ.
ઘણીવાર થઈ પણ નિયતિ બહાર ન આવી આથી ફરી બધાં ચિંતામાં આવી ગયાં.
આરવ : " નાનીને કેમ આટલીવાર લાગી ?? એ તો છેલ્લાં રૂમમાં ગયાં હતાં ?? "
અન્વય : " એ રૂમ કયો છે તને ખબર છે બેટા ?? "
આરવ : " એ રૂમ હંમેશાં બંધ હોય છે મેં નાનીને ઘણીવાર રૂમ ખોલવા કહ્યું છે પણ એમને કદી અમને એ રૂમ વિશે કહ્યું નથી.."
અપૂર્વ : " પણ આટલીવાર લાગી તો આપણે જોવું તો જોઈએ ને ?? આ બાજું ઇતિની તબિયત ખરાબ થઈ રહી છે.."
આરવ : " હું જ જાઉં છું..." કહીને આરવ ઉભો થવા જાય છે ત્યાં જ બંધ આંખોએ હાંફતા હાંફતા તુટક તુટક શબ્દોમાં ઇતિએ આરવનો હાથ પકડી દીધો..
એ સાથે જ આરવ ઉભો રહી ગયો. બધાનું ધ્યાન એ તરફ ગયું. ઈતિ હાંફતા હાંફતા બોલી, " આરવ તું જઈશ નહીં...એ મને લઈ જશે !! મને બચાવી લે... પ્લીઝ..."
બધાં અવાક્ થઈને આ સાંભળી રહ્યાં. પણ અત્યારે પરિસ્થિતિ જ એવી છે કે કોઈ કંઈ જ બોલ્યું નહીં. બધાંને ઘણું બધું સમજાવા લાગ્યું.
અન્વયે સામેથી કહ્યું, " બેટા તું અહીં બેસ... હું અને લીપી અમે લોકો જઈએ છીએ. "
પછી અપૂર્વ, આરાધ્યા, અન્વય અને લીપી ચારેય એ તરફ ગયાં. નિયતિ જ્યાં ગઈ હતી એ તરફ ગયાં...એ રૂમનો દરવાજો આડો કરેલો હોય એવું લાગ્યું.
અન્વય જેવો દરવાજાને અડ્યો એવો જ એ દરવાજો જાણે અડાડીને ઉભો રાખેલો હોય એમ પડી ગયો...અંદર જોયું તો દિવસનાં અજવાળામાં પણ એકલો અંધકાર દેખાઈ રહ્યો છે...
અપૂર્વએ ટોર્ચ ચાલું કરીને જોયું તો હોય પર નિયતિ પડેલી હોય છે... આજુબાજુ ઘણાં બધાં ફોટાઓ લગાડેલા છે એ ફોટાં જોઈને લાગી રહ્યું છે આ તો રાજા રજવાડાનાં એમનાં પરિવારનાં જ ફોટાં છે આખાં રૂમમાં વ્યવસ્થિત રીતે ગોઠવાયેલા છે.
લીપીને ચારેય જણાં અંદર પહોંચ્યાં...નિયતિની આંખોમાં આંસું છે...પણ એ બેભાન થઈને પડેલી છે... એનાં હાથમાં એક પડીકું છે... અર્ધબેભાન અવસ્થામાં હોય એવું લાગી રહ્યું છે.
આરાધ્યાએ ફરી આજુબાજુ નજર કરી તો એનું ધ્યાન ગયું કે એક ફોટો છે એ વ્યક્તિની આંખોમાંથી કંકુ જેવું કંઈક નહીં રહ્યું છે....
આરાધ્યા : " જુઓ આ ફોટો... કોણ હશે આ ?? "
બધાંએ એકપછી એક આ લગાડેલા ફોટા જોયાં એ પરથી અનુમાન લગાવવા લાગ્યાં...રાશિનો ફોટો એ લોકો પહેલાં જોયો હોવાથી એને ઓળખી ગયાં.
પણ આ ફોટો સમજાતો નથી. અપૂર્વ : " મને તો આ વ્યક્તિ સૌમ્યકુમાર હોય એવું લાગી રહ્યું છે ?? "
અપૂર્વ એ થોડી ચહેરાઓની ઓળખ અને થોડું લોજીક લગાવ્યું...
લીપી : " હા એવું જ લાગે છે."
અપૂર્વ : " પણ બધી ગણતરી મુજબ આ એક વધારાનો ફોટો છે એ વ્યક્તિ કોણ હોઈ શકે ?? સરખું દેખાઈ પણ નથી રહ્યું એનાં પર એકલી ધૂળ બાઝી ગઈ છે જ્યારે બાકીનાં બધાં એકદમ સાફ કરેલાં હોય એવું લાગી રહ્યું છે..."
આરાધ્યા : એ ફોટાને નજીકથી જોવાં ગઈ ત્યાં જ નિયતિને થોડી કળ વળતાં એ બોલી, " બેટા ત્યાં નજીક પણ જઈશ નહીં..એ તો મર્યા બાદ પણ એનું ઝનૂન એટલું જ કાયમ છે...બસ અત્યારે મને પકડીને બહાર લઈ જાઓ.."
અન્વયે અત્યારે બીજું કંઈ પણ પુછવાનું ટાળીને એમને ઉભાં કર્યાં અને બધાં પકડીને રૂમની બહાર લઈ આવ્યાં એ સાથે જ દરવાજો જાતે જ ફરી એની મેળે જોડાઈ ગયો અને ધડામ કરીને બંધ થઈ ગયો !!
એ બંધ રૂમમાં કોનો ફોટો હશે ?? નિયતિ સાથે શું થયું હશે ?? ઇતિને સારું થશે કે નહીં ?? સંવેગ ક્યાં ગયો હશે ??
નિયતિનાં હાથમાં શેનું પડીકું છે ?? જાણવા માટે વાંચતા રહો, પ્રતિબિંબ - ૨૮
બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે....