મહેંદી ના રંગ જુદા જુદા Mehul Joshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મહેંદી ના રંગ જુદા જુદા

કેતકી કૉલેજ થી આવીને સીધી બેડરૂમમાં ગઈ, અને ડુસકા ભરવા લાગી. આજે ક્યાંય મન લાગતું ન હતું. કૉલેજ માં આજે સાગર જોડે જગડો થઈ ગયો હતો, અને ગુસ્સામાં ને ગુસ્સામાં ત્યાંથી ચાલી આવી હતી.
કૉલેજના પ્રથમ વર્ષથી કેતકી સાગરના ગળાડૂબ પ્રેમમાં હતી. બંને એ એકબીજાને સાથે જીવવા મરવાના કૉલ આપ્યા હતા. રડતા રડતા વિચારતી હતી કે આ એજ સાગર હતો? જેને એ જીવથી પણ વધુ પ્રેમ કરતી હતી? સાગર આટલો ખુદગર્જ હોઈ જ ન શકે. ડ્રોવરમાં મુકેલ મોબાઈલના વાઈબ્રેશને તેનું ધ્યાન ખેંચ્યું. સાગરનો કૉલ આવતો હતો. ગુસ્સામાં ને ગુસ્સામાં કેતકીએ ફોન સ્વીચઓફ કરી મૂકી દીધો. ત્યાં વળી નાના ભાઈએ બૂમ પાડી "દીદી જમવા ચાલ, બધા રાહ જોઈ રહ્યા છે!" અને કેતકી ફ્રેશ થઈ બેડરૂમમાંથી બહાર આવી.
મમ્મીએ આજે જમવામાં પરવરનું શાક અને રોટલી બનાવી હતી, એટલેજ કેતકી મારે પરવર નથી ખાવા એમ કહી ને પાછી રૂમમાં ચાલી ગઈ. મમ્મીને પણ ખબર હતી કે કેતકીને પરવરનું શાક નથી ભાવતું એટલે જોડે મગ, કે ચણા કર્યાજ હોય, પણ આજે ઉતાવળમાં મમ્મીએ ફક્ત રોટલી શાક જ બનાવ્યા હતા.
નિમેશભાઈ સમજી ગયા હતા કે વાત માત્ર પરવરની નથી એટલે એ જાતે કેતકી પાસે ગયા. પ્રેમથી કહ્યું "ચાલ બેટા જમી લે!" અને કેતકી પણ કોઈ આનાકાની કર્યા વગર પપ્પા સાથે જમવા બેસી ગઈ. કોઈ દિવસ પરવર ન ખાનારી દીકરી પરિવાર સાથે પરવરનું શાક જમી રહી હતી. નાનપણથી કેતકીને જે કાંઈ જોઈતું એ દરેક વસ્તુ નિમેશભાઈએ એને લઈઆપી હતી, દીકરીને રાજકુમારી જેવી રાખી હતી. કેતકીની કોઈપણ ડિમાન્ડ હોય એ હંમેશા નિમેશભાઈ આગળજ રજૂ થતી ક્યારેક શીતલ નિમેશભાઈ ને સમજાવે પણ ખરી કે છોકરીની જાત છે આમ માથે ન ચડાવાય, પણ તોયે નિમેશભાઈ માટે તો એ વ્હાલ નો દરિયો હતી. પણ કેતકી જ્યારથી સમજદાર થઈ ત્યારથી એની માંગણીઓમાં ઘટાડો થતો આવ્યો. પિતાની પરિસ્થિતિ સમજતા તેને વાર લાગી ન હતી, તે ઘણી સમજદાર દીકરી બની ગઈ હતી.
પણ આજે એના મનમાં ચિંતાના વાદળો ઉમટ્યા હતા. એ ચિંતાનું કારણ પણ સાગર હતો. સાગરનો પ્રેમ પામીને સાગર સાથે એનું મનડું અને હૈયું હિલોળા ખાતું હતું. પણ આજે સાગર ના પ્રેમ માં ઓટ આવી ગઈ. આજે સવારે કૉલેજ આવતાંવેંત સાગર એની સાથે ઝઘડો કરી બેઠો હતો. મિત્રોના ટોળામાં એ ખાસીયાણી પડી ગઈ હતી, ગઈ સાંજે સાગરે એને એક છોકરા સાથે જોઈ હતી, અને સાગર આજે બધાની વચ્ચે એની પાસે ખુલાસો માંગી રહ્યો હતો.
કેતકીએ એને કેટલોય સમજાવ્યો કે આપણે પછી નિરાંતે વાત કરીએ પણ સાગર સમજવા તૈયાર ન હતો. અને આવેશમાં આવીને સાગરે એને થપ્પડ મારી દીધી હતી.
કેતકી સાગરના આ વર્તન ને યાદ કરી વિચારતી હતી કે, સાગરને મારી વાત તો સાંભળવી જોઈતી હતી? એણે બધા વચ્ચે આવો સવાલ કરી મારા ચારિત્ર પર આંગળી કરી, એને હવે હું ક્યારે માફ નહીં કરુ. તો બીજી બાજુ એનું દિમાગ કહેતું હતું કે સાગરે જે જોયું એ જોયા પછી કોઈપણ હોય આવુજ રીએક્ટ કરેને??? આમાં સાગર ની કોઈ ભૂલ નથી, "હા ભૂલ તારી જ છે! કેતકી ભૂલ તારી જ છે,"
દિલ અને દિમાગ ની લડાઈ માં ઉભી થયેલી દુવિધા દૂર કરવા કેતકીએ ફોન ઑન કર્યો. જોયું તો સાગર નો મૅસેજ હતો "મને ભૂલી જજે, આપણી વચ્ચે હવે કોઈ સંબંધ નથી." અરે સબંધ કેમ નથી? સાડી સત્તર વાર સબંધ છે આવું વિચારી સાગરને ફોન જોડ્યો. બે ત્રણ કૉલ પછી સાગરે ફોન ઉપાડ્યો, સાગરે કેતકીને મળવા બોલાવી, કેતકીએ સાગરને કહ્યું કાલે કૉલેજમાં મળીએ.
બીજા દિવસે કેતકી કૉલેજમાં સાગરને મળી, બન્ને જણા કૉલેજ બંક મારીને સાગર ની બાઇક પર નજીકના જંગલમાં ઉપડી ગયા. આ એક એવી જગ્યા હતી જ્યાં મોટેભાગે પ્રેમીપંખીડા આવતા જતા હોય છે. પ્રકૃતિના ખોળે વિહરતા પંખીઓ અને જમીન પર હરતા ફરતા કીડા મકોડા સિવાય અહીં ડિસ્ટર્બ કરવાવાળુ બીજુ કોઇ ન હોય.
સાગરના ખોળામાં માથું ઢાળી ને કેતકી બેઠી હતી, સાગર ની આંગળીઓ કેતકી ના વાળ માં ફરતી હતી, વાતની શરૂઆત કેતકીએ જ કરી, સાગર એ તે મારી સાથે જોયો એ છોકરો સમીર છે, મારા પપ્પાએ મારી સગાઈ એની સાથે નક્કી કરી દીધી છે, હું મારા પપ્પાની ઈચ્છા વિરુદ્ધ જઈ શકુ એમ નોહતી, અને સમીરને પણ હું પસંદ આવી ગઈ એટલે એણે પણ સબંધ માટે હા કહી પણ મારા દિલ દિમાગમાં તુજ છવાયેલો હતો, હું જ્યારે તારી સાથે ફોન પર વાત કરતી હોઉં તો ઘરમાં બધાને એવુંજ લાગે કે હું સમીર સાથે વાત કરું છું. એટલે તો છેલ્લા એક મહિનાથી હું તારી સાથે બિન્દાસ્ત વાત કરતી હતી, પણ આ વાત હું તને કહી ને હર્ટ કરવા માંગતી નોહતી.
સાગર પણ મળવા આવેલી સરીતા ને પોતાની અંદર સમાવી લેતો હોય એમ કેતકીને બાહુપાશ માં જકડી લીધી અને બોલ્યો. હું તને એમ બીજાની નહીં થવા દવ, તું મારી નહીં તો કોઈની નહીં, આવા આક્રમક પ્રેમીઓ જેવો સમજે છે મને તું?? અરે ગાંડી પામવું એને જ પ્રેમ કહેવાય? લોકો દૂર રહીને પણ એકબીજાને ચાહતા હોય છે. તું ભલે મારી સાથે લગ્ન નહીં કરી શકીશ પણ મારા મનમાં તો તું જ રહેવાની છે. એને કોણ બહાર કાઢી શકવાનું છે? કૉલેજ ના ઘણા પ્રેમ અધૂરા જ રહેતા હોય છે, થોડો સમય એવું લાગે કે પસંદગીના પાત્ર સાથે લગ્ન થયું હોત તો સારૂ, પછી તો જે પાત્ર સાથે થાય એનાથી બધા ખુશ જ રહે છે. રાધા પણ ક્યાં કૃષ્ણ ની થઈ હતી? મારો પ્રેમ બિલકુલ નિઃસ્વાર્થ છે.
સાગરની આવી વાતો સાંભળી ને અત્યાર સુધી સાચવી રાખેલી મર્યાદા તૂટી ગઈ, ઓહ સાગર! તું મને આટલો બધો પ્રેમ કરે છે? હું તારા વિના નહીં રહી શકું, ઓ મારા સાગર!!!! ઘણી વખત સાગરે છૂટછાટ લેવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ મર્યાદા અને સંસ્કાર સામે એના પ્રયત્નો સફળ થયા નોહતા, જ્યારે આજે એ સંસ્કારની તમામ સીમાઓ નું ઉલ્લંઘન થઈ રહ્યું હતું, મન ની સાથોસાથ તનથી પણ કેતકી સાગરમાં ભળી ગઈ હતી.
સાંજે ઘરે પોહચતા મોડું થયું, એના ચેહરાની રેખાઓ જોતા શીતલ સમજી ગઈ હતી, પણ એણે વિચાર્યું કે સગાઈ પછી આ બધું નોર્મલ કહેવાય, જમાઈ સાથે દીકરી ફરી ને આવી તો કઈ ખોટું નથી. હવે મહિનામાં તો બંને ના લગ્ન કરવાના જ છે, એટલે તેણીએ દીકરી સાથે કોઈ સવાલ જવાબ ન કર્યા, અલબત્ત નિમેષ ને રાત્રે કહ્યું હવે કેતુ ની પરીક્ષાઓ પુરી થાય છે, અને આપણી લગભગ તૈયારીઓ પણ છેજ એટલે વેવાઈની સાથે બેસીને લગ્નની તારીખ પાકી કરી જ નાખો.
એક વાર મર્યાદા ઓળંગ્યા પછી સાગર ને કેતકી વારંવાર મળતા હતા, સમીર ને એનો ખ્યાલ સુદ્ધા પણ ન હતો. અને એના મિત્ર વર્તુળમાં સબંધીઓમાં કેતકીના રીવ્યુ ખૂબ સારા મળ્યા હતા, એટલે કેતકી વાતો ઓછી કરે તોયે એ એના સંસ્કાર છે, કેતકી શરમાળ છે એવું માનતો. લગ્નની તારીખ જોવાઇ ગઈ સાગરે કેતકીને કહ્યું ચાલ આપણે ભાગી જઈએ, પણ કેતકી એના માટે તૈયાર ન હતી, એના બાપની ઈજ્જતના જાહેરમાં ધજાઘરા થાય એ એને મંજુર નોહતું. તેણીએ સાગરને વચન આપ્યું, કે એ લગ્નના ફેરા ભલે સમીર સાથે ફરશે પણ મેંહદી તો સાગરના નામની જ લગાવશે, દુલ્હન મહેંદી મુકાવવા માટે પાર્લરમાં ગઈ ત્યારે કેતકીએ ભરચક ડિજાઇન વાળી મહેંદી પસંદ કરી, એમાં બંને હથેળીઓમાં અંગ્રેજીમાં એસ પડાવ્યો, જે સમીર માટે સમીરનો એસ પરંતુ કેતકી માટે સાગરનો એસ હતો.
લગ્નનો દિવસ નજીક આવી પોહચ્યો, એક પ્રેમીને પ્રેમિકાના લગ્ન દરમિયાન થવું જોઈએ એવું બિલકુલ દુઃખ સાગરના ચેહરા પર નોહતું, કૉલેજના આવેલા બધા મિત્રોમાં બેઠેલા સાગર ના ચેહરા પર કેતકી સ્પષ્ટ જોઈ શકતી હતી. તે મનમાં સમસમી રહી હતી. કેતકી ની વિદાય થઈ નિમેષ અને શીતલ ખૂબ રડ્યા, તો દાદીએ સાસરું દીપવવાના આશીર્વાદ અને સમજણ આપી. સમીર સાથે પરણીને નવી નવેલી આવેલી કેતકી સાગરના વિચારોમાં ડૂબેલી હતી અને સમીર એના હાથને હાથમાં લઈ મહેંદીના વખાણ કરી રહ્યો હતો. હથેળીમાંથી એસ ખોળી કાઢ્યો, સમીર આગળ વધવા જતો ત્યાંજ દાદીમાની શિખામણ દૂર રાખીને કેતકી તાડુકી, " આ એસ તારો નથી! મારા સાગર નો છે, તું ભલે પરણ્યો મારી સાથે પણ આ મહેંદી તો સાગરના નામની છે,".
સમીર અવાચક બની ગયો એ માની જ નોહતો શકતો કે કેતકી જેવી સંસ્કારી છોકરીનું આવું પણ રૂપ હોઈ શકે. વર્ષોથી સપના જોયેલી, અને પસંદ કરેલી પ્રિય પત્ની સાથેના પ્રથમ મિલન ની પ્રથમ રાત આવી હશે એની સમીરને કલ્પના પણ નોહતી. એ કેતકી ને સમજાવવા ગયો કે "કેતકી ભલે જે હોય તે હું તને કાઢી મુકીશ કે એવું તેવું કરીશ એ ચિંતા ના કરીશ, તારા પપ્પા ને ઈજ્જત છે એમ મારા પપ્પા ને પણ છે,
મેં તને પસંદ કરીને હા કહી છે, મારી પહેલી અને આખરી પસંદ તું જ રહીશ." સમય પસાર થશે એમ બધું સારૂ થઈ જશે એવું વિચારતો સમીર કેતકીથી અલગ રહ્યો. ધીરે ધીરે દિવસો પસાર થતા રહ્યા, કેતકી સાગર સાથે સાસરીમાંથી પણ ફોન કરતી હતી. સમીર આંખ આડા કાન કરી સમય એને સુધારી દેશે એવું માનતો રહ્યો. ત્યાંજ બન્યું એવું કે કેતકીના પિરિયડ મિસ થયા, એને એવું લાગતું હતું કે એ માં બનવા જઈ રહી છે. અને એનું અનુમાન સાચું પણ પડ્યું, હવે એ સમીર સાથે નજર મિલાવી શકતી નોહતી, સાગર ને એણે ફોન કરી આ વાત કરી તો સાગરે એને મેડીકલમાંથી ગોળી લેવાની સલાહ આપી. પણ કેતકી ને આ મંજુર નોહતું, તે સાગરના પ્રેમની નિશાની ખોવા માંગતી નોહતી, તો બીજાના બાળકની જવાબદારી સમીર પર ઢોળવા પણ માંગતી નોહતી. એ સાગર ને મળવા એના ઘરે પોહચી, એની બેનપણી નિશાએ સાગરના ફ્લેટ નો દરવાજો ખોલ્યો, નિશા અને સાગર ફ્લેટમાં એકલાજ હતા. કેતકીને પરિસ્થિતિ સમજાતા વાર ન લાગી. એણે સાગર ને કહ્યું કે "મેં તારા માટે મારા પતિને આજદિન સુધી પાસે આવવા દીધો નથી, ને તું મને આમ દગો કરી રહ્યો છે?? ને નિશા તું? તું તો બધું જાણે છે, નિશા કહે "લગન બગન આપણ ને ન ફાવે, ઉંમર છે તો મસ્તી કરી લેવાની, તું વહેલી પરણી ગઈ તો ભોગવ તારો સંસાર!" સાગર બોલ્યો કેતકી હવે તું તારૂ સાંભળી લે મારી લાઈફમાં તારા જેવી ચાર છે, તો ચારેય ના બચ્ચા સાંભળવા હું શું અનાથઆશ્રમ ખોલું?"
કેતકીએ પહેલીવાર સાગરનું આ રૂપ જોયું, સાગર ને એક થપ્પડ મારીને કેતકી ત્યાંથી નીકળી ગઈ.
કેતકી વિચારતી હતી કે "મેં આવા માણસ માટે સમીર જેવા સારા છોકરાને તરછોડ્યો? એ બિચારો તો મારૂ જાણ્યા પછી પણ મને અપનાવવા તૈયાર હતો! આવા પ્રેમાળ પતિને હું કેમ ન ઓળખી શકી? જેના નામની મહેંદી હાથોમાં મુકાવી એણે તો રંગ જ જુદો બતાવ્યો." સાગરને મળ્યા બાદ હવે કેતકી પાસે કોઈ વિકલ્પ બચ્યો નોહતો, એ આત્મહત્યા કરવા શહેરની મધ્યે વહેતી નદીના બ્રિજ પાસે પોહચી, આવી જીંદગી જીવવી, એના કરતાં જિંદગીનો અંત લાવી દેવો એને યોગ્ય લાગ્યો. વિચારો નું વંટોળ મગજમાં લઈ નદીમાં જંપલાવવા જતી હતી ત્યાં, સમીરે એનો હાથ જાલ્યો.
"કેતકી મેં પેહલા જ કહ્યું હતું કે આ હાથ છોડવા માટે નથી પકડ્યો, હું તને આમ થોડી જવા દવ??" સમીર ની નજરમાં આજે પણ પ્રેમ જ છલકાતો હતો. કેતકી કઈક કેહવા જતી, સમીરે કહ્યું ઘરે જઈ વાત કરીએ, બંને ઘરે આવ્યા, કેતકી બોલી "સમીર હું તારા લાયક નથી,". "અરે કેતકી એ બધું છોડ, આજે ફરીથી કહું છું, ચાલ નવી જિંદગીની શરૂઆત કરીએ, અને હા! એ બાળક તારૂ નહીં મારૂ પણ છે, મેં બધું સાંભળ્યું છે, હું તારો પીછો કરતો સાગર ના ઘર સુધી અને પછી નદી સુધી આવ્યો હતો."
કેતકીને ખરેખર આજે પપ્પાની પસંદગી પર ગર્વ હતો અને પોતાની પસંદગીનો રંજ હતો. આજે સમીર ઓફીસ ગયો ત્યારથી દુલ્હન મહેંદી મુકાવી આવી હતી, આજે એ સમીરની કેતકી બનવાની હતી, આતુરતાથી સમીરની રાહ જોતી હતી. સાગર ને પોતાના જીવનમાંથી ખૂબ દૂર કરી દેવા માંગતી હતી અને એટલેજ સાગર ની છેલ્લી સલાહ માની ને તેણીએ ગોળી પણ લઈ લીધી હતી. વારંવાર હાથોમાં આવેલા મહેંદીના રંગ ને જોતી હતી.
લેખક - મેહુલજોષી (બોરવાઈ) મહીસાગર
280620200950 (9979935101)