આત્માની અંતિમ ઇચ્છા - ૨ Rakesh Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આત્માની અંતિમ ઇચ્છા - ૨

આત્માની અંતિમ ઇચ્છા

-રાકેશ ઠક્કર

પ્રકરણ-૨

કાવેરીને આજે થયું કે સપનું હવે પૂરું થવું જોઇએ. એ અજાણી મહિલા કે મોરાઇ મા સતત આગળ વધી રહ્યા છે. એ ઉડતા ઉડતા એક ઉજ્જડ જેવા ગામ પછી આગળ વધી રહ્યા છે. કાવેરી છેલ્લા ઘણા દિવસથી વહેલી સવારે આવતા સપના પર વધુ ધ્યાન આપી રહી હતી. એ મહિલા દરરોજ એક રોડ પર આગળને આગળ વધી રહી હતી. અને તેને રસ્તામાં આવતી નિશાનીઓ બતાવી રહી હતી. એ મહિલા કઇ મંઝિલ પર જવાની હતી અને તેને કયો ઇશારો કરવાની હતી એ કાવેરીને સમજાતું ન હતું. સપનું દર વખતે અધુરું રહેતું હતું એટલે કાવેરી બેચેન રહેતી હતી. એક તરફ સંતાનની ઇચ્છા બળવત્તર બનતી જતી હતી તો બીજી તરફ આ સપનું પરેશાન કરી રહ્યું હતું. પોતાને એક જ મહિલાનું સપનું આવતું હતું એનો મતલબ એના જીવન સાથે પોતે કોઇ રીતે સંકળાયેલી હોવી જોઇએ. તે મહિલા કંઇ બોલતી ન હતી અને ઉડતી જ રહેતી હતી. જો એ મહિલા સદેહે પોતાની સામે આવીને ઊભી રહે તો એ કંઇક પૂછી શકે એમ હતી. સપનાનું રહસ્ય વધુ ઘેરું બનતું જતું હતું અને બાળક રાખવાનું સપનું દૂર થતું જતું હતું.

કાવેરીના આગ્રહથી લોકેશે ઘણા ડોક્ટરો અને વૈદ્યોને બતાવી સલાહ અને દવા લીધા હતા. એમની દવાઓ અને પ્રયોગોથી કોઇ ફાયદો થઇ રહ્યો ન હતો. કાવેરીએ હવે ભૂવા અને બાવાનો સહારો લેવાનું શરૂ કર્યું હતું. લોકેશને એ બધા પર વિશ્વાસ ન હતો. તે કાવેરીનું મન મનાવવા બે-ત્રણ ભૂવા-બાવા પાસે જઇ આવ્યો હતો. એક ભૂવાએ શરીરમાં ભૂતનો વળગાડ હોવાનું કારણ આપી વિધિ કરાવવા મોટી રકમ માગી હતી. અને એક બાવાએ શરીરની અનુચિત તપાસ કરવાની વાત કર્યા પછી લોકેશે ખીજવાઇને આ બધું બંધ કરાવી દીધું. કાવેરીને થયું કે હવે મોરાઇ મા જ મારો સહારો બનશે. તે રાત-દિવસ મોરાઇ માની આરાધના કરવા લાગી. મા પ્રત્યેની શ્રધ્ધા કે પછી તેની તપસ્યા હજુ સુધી કોઇ પરિણામ લાવી શકી ન હતી. લગ્નના બે વર્ષ પછી તેનો ખોળો સૂનો હતો. તે મોરાઇ માને ખોળાના ખૂંદનાર માટે ઇચ્છા કરતી રહેતી હતી.

આજે સવારે તેનું સપનું લાંબું ચાલ્યું. પેલી મહિલા ઉડતી ઉડતી ઉજ્જડ ગામ પછી એક મોટા મેદાન નજીક ગઇ અને એક જંગલ જેવી ઝાડી પાસેના અવાવરુ મકાન પાસે પહોંચી. તેણે મકાનનો લોખંડનો કટાયેલો દરવાજો ખોલ્યો. લાંબા વાળવાળી એ મહિલાએ અંદર પ્રવેશ કરતા પહેલાં એકવાર પાછળ જોયું અને તેનો ચહેરો સ્પષ્ટ દેખાયો. તેના લંબગોળ ચહેરા પર એક અજીબ આભા હતી. માથા પર લાંબું તિલક હતું. ગળામાં મોતીઓની માળા હતી. તેની આંખોમાં માયાળુ ભાવ હતા. તેના હોઠ ખૂલ્યા અને બોલી:"બેન, મને મળવા આવજે. મા મોરાઇના તને સોગંદ છે..."

કાવેરી સવારે ઊઠી ત્યારે ખુશ હતી. સપનામાં આવતી મહિલાનો વેશ મોરાઇ મા જેવો જ હતો. અને તેણે મોરાઇ માના સોગંદ આપીને મળવા બોલાવી હતી. તો શું આ મોરાઇ માનો કોઇ સંકેત હશે? એ મહિલા મારા સપનામાં એટલે જ આવતી હશે? મને એના ઘરનો માર્ગ બતાવીને મળવા બોલાવી છે. હવે લોકેશને વાત કરવી જ પડશે. કાવેરીએ જોયું તો લોકેશ હજુ ઘસઘસાટ ઊંઘતો હતો. ગઇકાલ રાતનો તેનો નશો હજુ ઉતર્યો ન હતો. તે બિંદાસ થઇને ઊંઘતો હતો. પોતાની બાળકની ઇચ્છા ઘટી ન હતી પણ હવે એ વાત લોકેશ માટે મહત્વની રહી ન હતી. તેનો ઉત્સાહ ઘટયો હતો. કુદરતની ઇચ્છા પર એણે બધું છોડી દીધું હતું. કાવેરીને થતું હતું કે શું પોતાનામાં કોઇ ખામી હશે? ડૉકટરોના રીપોર્ટ કાવેરીને બહુ સમજાતા ન હતા. લોકેશની જ પહેલાં તો ઇચ્છા ન હતી. તે ઉતાવળ કરવાની ના પાડતો હતો. અને એવું જ થયું હતું. કાવેરીનું ધ્યાન હવે સપના તરફ ફંટાયું હતું. તે ઊઠીને ફટાફટ પરવારી ગઇ. એકાદ કલાક પછી તે લોકેશ પાસે આવી અને તેને સપનાની વાત કહેવા ઊઠાડવા લાગી. લોકેશે ઊંઘમાં જ તેને પકડીને ફરી સૂવડાવી દીધી. લોકેશની ભીંસ મજબૂત હતી. તે આનાકાની કરતી તેની પકડમાંથી છૂટી અને એક સપનું આજે પૂરું થયું હોવાથી કંઇક કહેવા માગે છે એમ બોલી એટલે લોકેશની આંખ ખૂલી ગઇ. તેની ઊંઘ ઊડી ગઇ. તેણે નવાઇથી કાવેરી સામે જોયું અને પાસે જઇ બંને હાથ મૂકી કહ્યું:"કયું સપનું અને શેનું સપનું?"

"છેલ્લા ઘણાં દિવસોથી મને સપનામાં એક મહિલા ઉડતી દેખાતી હતી. તેનો ચહેરો સ્પષ્ટ દેખાતો ન હતો. રોજ તે થોડું અંતર કાપતી હતી. આજે એક જગ્યાએ પહોંચ્યા પછી મને ચહેરો દેખાયો. કોઇ પરી જેવી સુંદર હતી અને તેનો વેશ મોરાઇ મા જેવો હતો. એણે મને ત્યાં બોલાવી છે. આપણે જઇશું?" કાવેરીના સ્વરમાં આજીજી હતી.

લોકેશને કાવેરીની બધી વાતો અજીબ લાગી:"આટલા દિવસથી તું એક સપનું જોઇ રહી છે અને મને આજે કહે છે?"

"શું કરું? સપનું પૂરું થાય તો કંઇક કહું ને? એણે મોરાઇ માના સોગંદ આપ્યા છે..." કાવેરી કહેવા લાગી.

"કાવેરી, સપના એ સપના છે. કોઇ સપનામાં આવીને શું કામ તને બોલાવે? જે કંઇ કામ હોય એ રૂબરૂ આવે ને? અને આ તારી વધારે પડતી ધાર્મિકતાનું પરિણામ છે. આખો દિવસ તું મોરાઇ માની પૂજા-અર્ચના કરે છે એટલે તને આવું સપનું આવ્યું હશે. એમાં કંઇ ખોટું નથી. આખો દિવસ માની તસવીર તારી સામે રહેતી હોય એટલે એવો ચહેરો દેખાય. અને તું શું કહે છે? પરી જેવી દેખાતી હતી ને? તો એ આ તારા પુસ્તકોના વાંચનને કારણે હોય શકે. ઉડતી પરીઓની ઘણી વાર્તાઓ તેં વાંચી હશે. હજુ તારા શરીરમાં બાળકનો અંશ આવ્યો નથી અને તું બાળકને સંસ્કારી બનાવવા બાળવાર્તાના પુસ્તકો વાંચવા લાગી છે. એમાં આવતી કોઇ પરીની વાર્તાનું જ આ સપનું હશે. એ બધું ભૂલી જા...પરીકથાઓ માત્ર મનોરંજન માટે હોય છે." લોકેશે કાવેરીને ના તો પાડી દીધી પણ તેના દિલમાં ટીસ ઊઠી. કાવેરીને બાળકની ખુશી તે આપી શક્યો નથી. તેને ફરી ભૂતકાળનો એક પ્રસંગ આંખ સામે દેખાવા લાગ્યો. કાવેરી તેની આંખમાં રહેલી વિવશતા પકડી ના લે એટલે ઊભો થઇને જતો રહ્યો.

લોકેશની વાત સાંભળી કાવેરી ચૂપ થઇ ગઇ હતી. એની વાતમાં દમ લાગતો હતો. પોતાનું પરીઓની વાર્તાઓ વાંચવાનું અને મોરાઇ માની આરાધના કરવાનું પરિણામ આવું સપનું હોય શકે છે. લોકેશનો તે આદર કરતી હતી. તેને ખબર જ હતી કે લોકેશ આવી વાતોનો વિશ્વાસ કરવાનો નથી. તેને થયું કે મમ્મી સાથે આ વાત કરવી જોઇએ. ભલે મમ્મી વાતને હસી કાઢે. એની સાથે વાત કરીને તેની સત્યતા તપાસી જોઉં.

લોકેશ નોકરી પર ગયો એટલે કાવેરીએ થોડા કામ પતાવી નિરાંતે મમ્મીને ફોન લગાવ્યો. દીનાબેન કાવેરીનો ફોન આવ્યો એટલે ખુશ થતા બોલ્યા:"બેટા, સુખી તો છે ને? કંઇ તકલીફ તો નથી ને? બાળક માટે પ્રયત્ન ચાલુ જ છે ને? અહીં શારદાકાકી કહેતા હતા કે એક વૈદ્યની દવા અક્સીર છે. તું આવી શકે તો...?"

"મા-મા, કેટલા બધા સવાલ? હું મારા સવાલનો જવાબ મેળવવા તને ફોન કરી રહી છું ને તું સવાલ પર સવાલ જ કરી રહી છે..."

"હા-હા, બોલ બેટા, મને તારી ચિંતા થાય ને?"

"મા, હું જે વાત કરીશ તેનાથી તારી ચિંતા વધી જશે.."

"શું થયું? જમાઇએ કંઇ આકરી વાત કરી?"

"અરે મા! તારા સવાલ હવે રહેવા દઇશ. જો સાંભળ..." કહી કાવેરીએ પોતાને છેલ્લા થોડા દિવસથી આવતા સપનાની વાત અથથી ઇતિ સુધી કરી દીધી.

કાવેરીની વાત સાંભળી દીનાબેન ખુશ થતા બોલ્યા"બેટા, મોરાઇ માની આ તો મહેર કહેવાય. નક્કી એ મહિલા મોરાઇ મા જ હશે. તને કોઇ કામ માટે બોલાવી રહ્યા છે. મારું માન તો લોકેશકુમારને લઇને ત્યાં જઇ આવ. એવું બને કે મોરાઇ મા કોઇ કૃપા કરવાના હોય..."

"મને પણ એવું જ લાગે છે. લોકેશ માનતા નથી..."

"તું એમને શાંતિથી સમજાવ. તારા બાપા પણ આવી વાતોમાં બહુ માથું મારતા નથી. હું ભલી ને મારી મોરાઇ મા ભલી..."

"ઠીક છે મા. હું એક-બે દિવસમાં તક જોઇને એમને મનાવું છું..."

ફોન મૂક્યા પછી કાવેરી ક્યાંય સુધી વિચારતી રહી. તેણે નક્કી કર્યું કે આ રવિવારે લોકેશને ગમે તેમ કરીને મનાવીને લઇ જશે. હજુ ચાર દિવસ બાકી છે.

બે દિવસ પછી લોકેશ સારા સ્વભાવમાં હતો ત્યારે કાવેરીએ ફરી એ સપનાની વાત મૂકી. લોકેશે ફરી એની વાતને ટાળી દીધી. કાવેરી નિરાશ થઇ.

શનિવારે રાત્રે લોકેશ તેની સાથે બહુ મસ્તી કરતો. રવિવારે રજા હોય એટલે લોકેશ અડધી રાત સુધી તેની સાથે વાતો કરતો રહેતો અને પ્રેમમાં ડૂબી જતો. ત્યારે સપનાની વાત કરી ત્યાં જવાનું નક્કી કરાવી શકે એમ હતી. પછી કાવેરીને થયું કે માના કામ માટે આ સમયનો લાભ લેવાનું યોગ્ય નથી. તે મૂંઝાતી રહી. લોકેશ તેનો સાથ માણીને થાકીને ઊંઘી ગયા પછી કાવેરીને ઊંઘ આવતી ન હતી. રાત્રે કેટલા વાગે તેને ઊંઘ આવી એનો ખ્યાલ ના રહ્યો. અચાનક ઊંઘમાં તેણે ફરી એ સપનું આગળ વધતું જોયું. એ મહિલા તેને દરવાજા પાસે ઊભી રહી આવવા માટે ઇશારો કરી રહી હતી. આ વખતે તેના હાથમાં ત્રિશૂળ હતું. તેના ચહેરા સાથે વારંવાર મોરાઇ માનો ચહેરો ભળી જતો હતો. થોડીવાર પછી એ મહિલા મકાનમાં ગઇ અને એક જગ્યાએ બાંધેલું પારણું ઝુલાવવા લાગી. તેણે જોયું તો પારણામાં એક બાળકી સૂતી હતી. અચાનક એનો ચહેરો જોયો અને તે નવાઇમાં ડૂબી ગઇ. પારણામાં તેના જેવા જ ચહેરાવાળી બાળકી નિરાંતે ઊંઘતી હતી! અદ્દલ કાવેરી જ જોઇ લો! સવારે આંખ ખૂલી ત્યારે કાવેરીના મનમાં સવાલો ઘૂમરાવા લાગ્યા. કોણ છે આ સ્ત્રી? તે કેમ હાથ હલાવીને બોલાવી રહી છે? કેટલાય દિવસથી પોતાની પાછળ કેમ પડી છે? તેની પાસેની બાળકીનો ચહેરો પોતાના જેવો કેમ છે? તેની સાથે મારો શું સંબંધ છે?

*વધુ હવે પછીના પ્રકરણમાં*