*સમાધાન*
"જેન્તીભાઈ આ તમારા દીકરા નું કાયમ નું થયું, હવે મારે છૂટું જ લેવાનું છે. કોઈપણ સંજોગોમાં હું હવે કીર્તિ ને મોકલવાનો નથી." ગળગળા અવાજે કિશોરભાઈએ આટલુંતો બોલીજ નાખ્યું.
"તે તમારી છોરી ય કઈ ઓછી નથી ભાઈ! વાતવાતમાં મારા છોરા ને ઉતારી પાડે, વડીલો ની કોઈ આમન્યા નહીં, હવે તો અમેય થાક્યા. ભલે છૂટું લેવું હોય તો આજે બધું પતાવી જ નાખીએ. ઘર મૉડયે ચાર વર્ષ થયાં હજી મારા છોકરાએ સુખ નો દાડો નથી જોયો. એના પસી પેણેલા ફળીયા ના ચાર સોરા વસ્તારી થઈ જ્યાં. હવે અમારેય તમારી છોકરી ની જોઈએ આજે આલ્યું મેલ્યું પુરૂ કરો." ગુસ્સાથી રાતાચોળ થતા જેન્તીભાઈએ જવાબ વાળ્યો.
"ભાઈ તમે બૅય જપી જાવ આ હું મારા ઠેહાનું કાયમની આજ ભોજગડ તમારી. તમે એકલોજ નવાઈ નૉ છોરો પરણાયાઑય એમ સ." આવી પરિસ્થિતિમાં બાજી સંભળીલેનાર અને સારી પરિસ્થિતિ હોય તો આવી પરિસ્થિતિ ઉભી કરી આપવામાં પણ હોશિયાર વડીલ એવા શોમાભૂરા એ વાતચીત નો દોર હાથ માં લીધો.
કિર્તી અને પ્રકાશ ને લગ્ન કર્યે ચાર વર્ષ થયાં હતાં, અને ચાર વર્ષ માં આ છઠ્ઠી વખત સમાધાન માટે ઘરોવાળા ભેગા થયા હતા. એરેન્જ મેરેજ ના બુનિયાદ પર ઉભું થયેલું લગ્નજીવન ભંગાણ ના આરે ઉભું હતું, આ જોડું જો છૂટું થાય તો એનો અપજશ વડીલોને મળવાનો હતો. એટલે છેલ્લા પાંચ પાંચ વખત થી રિસાઈને પિયર આવી જતી કીર્તિ ને સમજાવી ને પાછી મોકલવામાં વડીલો સફળ રહ્યા હતા. પણ આજે પરિસ્થિતિ વધુ વણસી હતી.
પ્રકાશ અને કીર્તિ વચ્ચે છુટ્ટા હાથ ની મારામારી અને ખુલ્લા મોઢાની ગાળાગાળી થઈ હતી. માર ખાધો ત્યાં સુધી તો કીર્તિએ સહન કર્યું હતું પણ જ્યારે પ્રકાશે એને ખરાબ ગાળો આપી. બજારૂ સ્ત્રી માટે વપરાતા શબ્દો પ્રકાશે કીર્તિ માટે વાપર્યા હતા, અને એજ એને લાગી આવ્યું હતું.
આ વખતે કીર્તિએ ઘરે આવી એના પપ્પા ને ચોખ્ખું સંભળાવી દીધું હતું કે જો હવે મને સમાધાન કરી ને ત્યાં મોકલવાની વાત કરી છે તો પછી આપડો ઝાલાવાળો કૂવો પુરીશ, પણ એના ઘરે પાછી નહીં જાઉં.
તો કિશોરભાઈ એ પણ એને કહ્યું "બેટા હું તને ઓળખું છું. તારી ભૂલ હોઈ શકે નહીં, અને તું મને ભારે નથી પડવાની."
વાત ને પંદરેક દિવસ થયા હશે ને ગામમાં બેસવા ગયેલા જેન્તી ને એની ઉંમર ના મિત્રો એ ઉશ્કેર્યો, "તારે એકલી નવાઈ ની વહુ છે ભાઈ, અમેય છોરા પેણાયા છે, અમારી વહુઓ તો આવું નથી કરતી, તારે જ કેમ આમ છે? હજી પ્રકાશ ની ઉંમર ક્યાંય જતી નથી રહી, બીજી ઘણી છોકરીઓ મળી જશે આમાંથી તું છૂટી જ જા ભાઈ." બસ આ ભૂસુ મગજ માં ભરી ને જેન્તી એના કુટુંબ ના ચાર માણસો લઈ ને કિશોરભાઈ ને ત્યાં ઉપડી ગયો હતો.
દર વખતે શોમાભૂરા મધ્યસ્થી કરી ને સમજાવી પટાવી ને કીર્તિ નું સમાધાન કરાવી આપતા. તો વળી સાસરે જતી કીર્તિ ને શિખામણ પણ આપતા કે "દીકરી તો સાસરી માં જ શોભે, બાપના ઘરે થી દીકરી ની ડોલી જાય પણ અર્થી તો સાસરી માંથી જ જાય." અને કીર્તિ પણ કિશોરભાઈ નું વિચારી ને ચાલી જતી.
મહિનો દિવસ વ્યવસ્થિત ચાલે ને વળી જગડો શરૂ. કીર્તિ અને પ્રકાશ ના જગડાનું જડ કીર્તિ નો ભૂતકાળ હતું. કૉલેજ ના દિવસો માં કીર્તિ રોનક ને ચાહતી હતી, એની સાથે ફરતી હતી અને રોનક સાથે જીવવા મરવાના કૉલ લીધા હતા. રોનક અને પ્રકાશ એકબીજા ના જીગરી દોસ્ત હતા. અને ત્યારે પ્રકાશ પણ કીર્તિ ને ભાભી કહીને બોલાવતો હતો.
રોનક ની પરિસ્થિતિ સારી નોહતી, બાપ વગર નો દીકરો, ભણતર ની સાથે સાથે મા ની પણ જવાબદારી, એને ત્યાંથી કિશોરભાઈ ને ત્યાં વાત લઈ ને જાય એવું કોઈ હતું નહીં. અને આ બાજુ શોમાંભૂરા અને જેન્તી ની બેઠક સારી, અને જેન્તીએ સામેથી કહ્યું કે કિશોરભાઈ ને ત્યાં મારા પ્રકાશ નું ગોઠવાડી દ્યો. અને શોમભાઈએ બીડુ ઝડપી લીધું અને બીજા જ દિવસે કિશોરભાઈ સાથે મળી ને વાત પાકી કરી લીધી. કીર્તિ હવે ઘરમાં રોનક વિશે જણાવી શકે એમ નોહતી, તેણીએ આ સંબંધ કુદરત ની મરજી કે વિધિના લેખ સમજી ને સ્વીકારી લીધો.
કીર્તિએ રોનક ને ચિઠ્ઠી લખી પોતાને ભૂલી જવા જણાવ્યું, અને કહ્યું કે મારૂ સગપણ પ્રકાશ સાથે થઈ રહ્યું છે, એટલે હવે મારી જિંદગી માં હું તને એક મિત્ર તરીકે પણ સ્વીકારી શકીશ નહીં. મને માફ કરજે. તો વળી રોનક પણ દિલ નો ચોખ્ખો માણસ હતો, એણે સહજતા થી વાસ્તવિકતા સ્વીકારી લીધી હતી કે મારા ઘર કરતા પ્રકાશ ની સ્થિતિ સારી છે, એણે પણ વચન આપ્યું કે એના જીવન માં ફરી ક્યારે પાછો નહીં આવે.
આ બધા માં પ્રકાશ બધું જાણતો હોવા છતાં એણે કીર્તિ સાથે લગ્ન કરી લીધા. થોડો સમય બધુ બરાબર ચાલ્યું પણ પછી ઝગડા શરૂ થવા લાગ્યા.
આજે પણ શોમાંભૂરા કીર્તિ ને સમજાવી રહ્યા હતા ત્યારે તે ચૂપચાપ સાંભળી રહી હતી.
પરંતુ એના સસરા જેન્તી એ જ્યારે છોકરા નું ઉપરવાડું લઈ ને વાત મૂકી ત્યારે સમસમી ગઈ.
અરે સાક્ષાત રણચંડી બની ગઈ.
"પેહલા એ સાલા કૂતરા ને અહીંયા બોલાવો, વારેવારે સુ ધમકી આપો છો? લગ્ન કર્યા પછી કોઈ દિવસ એવો નથી ગયો કે એણે મને રોનક ના નામ થી ચિડાવી ન હોય!! લગ્ન પહેલા તો સાલો ભાભી ભાભી કરતો હતો, બધું જાણવા છતાં એણે લગ્ન કેમ કર્યા, એની સાથે ફેરા લીધા પછી, તન,મન,ધન થી એને ચાહ્યો છે, ને એ સાલો કૂતરા ની જેમ જ્યાં ને ત્યાં મોઢું મારતો ફરે છે, અરે ઘરે આવતી કામવાળી સાથે પણ કામલીલા કરે છે, નથી જાણતા તમે આ બધું? અને વડીલો ની આમન્યા ની વાત કરો છો? શરમ તો તમને આવવી જોઈએ, સાલો મારી નાની બહેન હોય કે મારી કોઈ ફ્રેન્ડ હોય, ગામની કોઈપણ છોકરી રસ્તે જતી હોય. એની નજર જ નીચ છે, અને તમે એનું ઉપરાણું લઈ ને આવ્યા છો???
મને કહો છો ચાર વર્ષ થી સુખનો દાડો નથી જોયો!! હે!! મને! અરે પૂછો એને મારે બીજો મહિનો હતો ને વહેમ રાખી સાલા એ મને ગોળી ખવડાવી દીધેલી.
શોમાં કાકા તમારી છોકરી સાથે આવું થશે તોયે તમે આમ સમજાવશો? હું તમારા બધાના નામ લખી ને મરી જઈશ પણ એ નાલાયક વેરે પાછી નઈ જાઉં."
ભેગા થયેલા બધા કીર્તિ સામે નજર પણ મિલાવી શકતા નોહતા.
કંઈક મોટા વિચાર માં પડ્યો હોય એમ શોમાંભૂરા દાઢી ખંજવાળતો હતો, આ કોકડું હવે ઉકેલાવું મુશ્કેલ જ નહીં પરંતુ અસંભવ જેવું લાગતું હતું. કીર્તિએ આ બધું કહ્યા પછી જેન્તી નું મોઢું પણ પડી ગયું હતું, એ કઈ બોલવા લાયક રહ્યો જ નોહતો.
હવે શોમાંભૂરા એ બાર નીકળી એમના ભત્રીજા મુકેશ ને કંઈક સમજાવી ને ગામ માં મોકલ્યો. થોડીવાર માં મુકેશ ગામના બીજા ચાર માણસો સાથે હાજર થયો, સાથે રોનક અને એની મમ્મી પણ હતા. તો મુકેશ ના હાથ માં વિસ રૂપિયા વાળો સ્ટેમ્પ નો કાગળ હતો. લખાણ થઈ ગયું પ્રકાશ ને બોલાવી સહીઓ પણ કરાવી લીધી, અને બીજાજ દિવસે ગામના મંદિરે કીર્તિ ના લગ્ન રોનક સાથે કરાવીશું એવું નક્કી કર્યું.
અલબત્ત આ વખતે પણ કીર્તિ ની ઈચ્છા પૂછવામાં આવી ન હતી, પૂછ્યું તો ફક્ત રોનક ને, અને રોનક પણ તૈયાર જ હતો.
સોમા ભૂરા સમાધાન સ્પેશિયાલિસ્ટ આજે પહેલી વાર સુખદ સમાધાન કરાવ્યા નું વળ ખાતો હતો.
(સમાપ્ત)
લેખક :- મેહુલ જોષી
બોરવાઈ, મહીસાગર
(9979935101)