Pratiksha 41 books and stories free download online pdf in Gujarati

પ્રતિક્ષા - ૪૧

કહાનના ગયા ને ૧૫ મિનીટ ઉપર થઇ ચુક્યું હતું. ટેબલ પર પડેલા પીઝા ત્યાંજ પડ્યા પડ્યા ઠંડા થઇ ચુક્યા હતા પણ રચિત કે ઉર્વા બન્ને માંથી કોઈ તે પીઝા અડી પણ નહોતું રહ્યું. એક બહુ જ વજનદાર મૌન પુરા માહોલમાં છવાઈ ચુક્યું હતું અને તે તોડવાની શરૂઆત કોણ કરશે તે બન્નેમાંથી કોઈ જ જાણતું નહોતું.
“તું કોલ્ડડ્રીંક લઈશ?” રચિતે થમ્સઅપની બોટલ હાથમાં લઇ પૂછ્યું
“હં...” ઉર્વા કંઈ સમજી ના શકી. આવા સમયે રચિત કોલ્ડડ્રીંકની વાત કરશે તે તેને નહોતું માનવામાં આવતું.
"થમ્સઅપ તું પીવાની છે? તો બીજી મંગાવું એટલે...” રચિતે પેપરના ગ્લાસમાં થમ્સઅપ ઠાલવતા કહ્યું
“તને અત્યારે થમ્સઅપ કઈ રીતે સુજી શકે છે!” ઉર્વાને સહેજ ગુસ્સો આવ્યો.
“લુક બેબ, પીઝા ઓલરેડી ઠંડા થઇ ગયા છે. આઈ રીયલી ડોન્ટ વોન્ટ કે થમ્સઅપ ગરમ થાય...” રચિતે ગ્લાસનો ઘૂંટ ભરતા કહ્યું. ઉર્વા ફક્ત તેની સામે કતરાઈને જોતી રહી. ને રચિત ધીમે ધીમે કરીને આખી થમ્સઅપની બોટલ પી ગયો.

“ગુસ્સો આવે છે મારા પર?” ટીશ્યુ પેપરથી હોઠ લૂછતાં રચિત મલકાઈને પૂછી રહ્યો.
“અફકોર્સ આવે છે.” ઉર્વા આંખો કાઢી રહી.
“મતલબ કહાન વાળી વાતની અસર થોડીક ઓછી થઇ ગઈ છે!” રચિતે ખુરશીને ટેકો દેતા પૂછ્યું અને ઉર્વા મલકાઈ રહી.
“હા, સારું એવું મગજને ડીસ્ટ્રેકશન મળી ગયું...” ઉર્વા હસી પડી.
“આમ ને આમ હસતી રહે ને યાર...” રચિત પણ સામે સ્મિત વેરી રહ્યો. ને પછી ઉમેર્યું, “ભૂખ લાગી છે?”
“યા... બહુ જ.”
“ચલ આ તો ખાવા લાયક રહ્યા નથી. હું ચીઝી લવર ઓર્ડર કરીને આવું છું...” રચિત કાઉન્ટર તરફ જતો રહ્યો.

***

ઉર્વિલ પોતાની પાસે રહેલી ચાવીથી રેવાના ફ્લેટનું તાળું ખોલી રહ્યો હતો. મયુરીબેનને હજુ સુધી નહોતું સમજાયું કે ઉર્વિલ તેમને કઈ જગ્યાએ લાવ્યો છે ને શા માટે? આખા રસ્તે મયુરીબેને ઉર્વિલ સાથે વાત કરવાની કોશિશ કરી પણ ઉર્વિલ તો જાણે કંઈ સાંભળવા જ નહોતો માંગતો. ઉર્વિલનો આટલો આક્રોશ મયુરીબેન પહેલીવાર જ જોઈ રહ્યા હતા.

“કઈ જગ્યા છે આ? ક્યાં લાવ્યો છે તું મને?” દરવાજાથી અંદર દાખલ થતા જ મયુરીબેન બોલી પડ્યા.
“રેવાનું ઘર છે આ... ધ્યાનથી જો આ ઘર ને... એક એક ખૂણે એની પ્રતિક્ષાના કિસ્સાઓ છે અહિયાં મમ્મી...” ઉર્વિલના અવાજમાં ક્રોધ અને ગ્લાની બન્ને વર્તાઈ રહ્યા હતા.
“રેવા... અહિયાં અમદાવાદમાં? એ તો બોમ્બેમાં જ તારો તો કિસ્સો પૂરો નહોતો થઇ ગયો?” મયુરીબેનનું મગજ સમજી જ નહોતું શકતું કે ૨૦ વરસ પહેલા સંકેલાઈ ગયેલી વાત અત્યારે કેમ ખુલી રહી છે!!
“નહોતો થયો કિસ્સો પૂરો મમ્મી. હું તો આવતો રહ્યો તો અમદાવાદ પાછો પણ એના માટે તો હું ત્યાંથી ગયો જ નહોતો ક્યારેય... એણે ૨૦ વરસ કાઢી નાંખ્યા મારી રાહમાં અને મારી રાહ જોતા જોતા જ ચાલી ગઈ એ... કોઈ બીજી જ દુનિયામાં.” ઉર્વિલ ત્યાં કાઉચ પર બેસી ગયો ને પછી ઉમેર્યું, “જો આ ઘરની દીવાલોને જો. બધી ફોટોઝથી સજાવેલી છે એણે પોતાના હાથે કે એકદિવસ હું અહીં આવીને જોઇશ. આ ઘર આખું એ સજાવીને ગઈ તી કે ક્યારેક હું અહીં આવી પહોંચું તો મને તકલીફ ના પડે. એ મારા માટે એનું આખું ભૂતકાળ સંઘરીને બેઠેલું લેપટોપ મુકતી ગઈ છે જેમાં ઉર્વાના આવવાના સમાચારથી લઈને ઉર્વાના ૧૯માં જન્મદિવસ સુધીના વિડીયો છે. ઢગલો એક ડાયરીઓ મુકતી ગઈ છે એ જેમાં એના ૨૦ વરસનો આખે આખો હિસાબ છે... એ તો મને એક મિનીટ પણ નહિ ભૂલી હોય મમ્મી...” ઉર્વિલ માથે હાથ દઈ બેસી રહ્યો. તેના આક્રોશ પર તેનો ગ્લાનીભાવ હાવી થઇ રહ્યો હતો.
“તો... તો... એમાં તારો શું વાંક છે? એ છોકરીને સમજવું જોઈએને કે તું પરણી ગયો છે. તારા પર એનો કોઈ જ હક નથી. એણે હાથે કરીને પોતાની ઝીંદગી બગાડી છે, તું ખોટું મન પર ના લે.” મયુરીબેન પણ તેની બાજુમાં બેસી ગયા.
“તને હજુ પણ નથી સમજાતું તે શું કર્યું છે એ?” ઉર્વિલ ધારદાર નજરે તેની સામે જોઈ રહ્યો
“શું કર્યું છે મેં? બોલ જોઈ...” મયુરીબેન પણ ઊંચા અવાજે બોલ્યા
“તારી એક જીદે કેટલી ઝીંદગીઓને આગ લગાડી છે એ દેખાતું નથી તને? હું આ ૨૪ વર્ષ કઈ રીતે જીવ્યો એ નથી ખબર તને? મનસ્વીને મેં સતત ધુત્કારી છે એ નથી જોયું છે. મેં હંમેશા રેવાને જ પ્રેમ કર્યો છે. મનસ્વી ક્યારેય રેવાની જગ્યા ન જ લઇ શકે. આ તરફ મારી ને મનસ્વીની ઝીંદગી પતાવી નાંખી તે. ત્યાં રેવા રાત દિવસ મરતી રહી મારા માટે. રોજેરોજ તરસતી રહી મારા એકાદા ફોનકોલ માટે. અને આ બધા પછી પણ ઉર્વા...” ઉર્વિલ આટલું બોલી અટક્યો. ત્યાં ટેબલ પર પડેલો રેવા ને ઉર્વાનો ફોટો ઉંચકી મયુરીબેનને બતાવતા ફરી બોલ્યો,
“૨૦ વરસ માંડ થયા હશે આ છોકરીને... નકરી નફરત ભરી છે એની અંદર... શું મળ્યું એને? બાપને તો ખબર જ નહોતી કે એ છે અને માં... માં તો રાતદિવસ બસ બાપના નામનું જ રટણ કરતી તી. પોતાની વેદનામાંથી બહાર આવે તો દીકરીને કંઇક અલગ રીતથી દુનિયા બતાવી શકે ને...! મમ્મી આ બધું તારા લીધે થયું. હું ક્યારેય માફ નહિ કરું તને.”
“અરે વાહ, એમાં મારા નામે કેમ ચડાવે છે બધું? મેં કીધું તું કે રેવાને પ્રેમ કર... અને તું કંઈ જોવા ગયો તો કે રેવા વગર ખરેખર આમ મારે છે કે નહિ! કદાચ ઉર્વા તારી દીકરી હોય પણ નહી. તું પરણેલો હતો તોય તારી સાથે સંબંધ રાખીને બેઠી તી એવી છોકરીના કોઈ ભરોસા હોય, અરે એના કંઈ ચરિત્રના ય ઠેકાણા હોય?” મયુરીબેન જે મનમાં આવ્યું તે પોતાના બચાવમાં બોલતા રહ્યા પણ ઉર્વિલની આંખો લાલ થઇ ગઈ. તે હાથ પકડી મયુરીબેનને ડાયરીઓ વાળા રૂમમાં લઇ ગયો.
“એણે આ રૂમનો રંગ સુધી નથી બદલ્યો જે રૂમમાં એ મારી સાથે હતી ૨૦ વરસ પહેલા... જો ડાયરીઓ, આના પાને પાના પર એનો મારા માટેનો પ્રેમ વિખરાયેલો પડ્યો છે. આ ઘર આખું એ સ્ત્રી મારા નામે કરીને ગઈ છે મમ્મી... તું એના પ્રેમ પર શક કરે છે!!” ઉર્વિલ પલંગ પર આટલું કહીને ફસડાઈ પડ્યો.
“જો ઉર્વિલ મેં જે કંઈ કર્યું તું તારા ભલા માટે કર્યું તું. તને આ બધામાં મારો વાંક લાગે તો તારી મરજી. ને એટલું જ બધું હતું તો ભાગી જવું તું ઘર મુકીને. વધી વધીને તારી બહેનના લગ્ન ના થાત બીજું શું...!” મયુરીબેન હજુ પોતાને જ સાચા ઠેરવી રહ્યા હતા.
“અરે મેં તો કીધું તું રેવાને કે ભાગી જઈએ પણ એને ના પાડી તી. અને આવા જ ઈમોશનલ ડ્રામા કરીને તે મારા લગ્ન પણ કરાવ્યા તા. ભૂલી ગઈ!!! તારે તો બસ તારા કઠપુતળા જોઈતા તા. તું કહે એમ કરે રાખે. કેટલી હદે નાટક કર્યા છે તે તારી વાત મનાવવા એ યાદ નથી તને?” ઉર્વિલના શબ્દે શબ્દમાં ધિક્કાર વણાયેલો હતો
“ઉર્વિલ મેં કંઈ ખોટા નાટક નથી કર્યા...” મયુરીબેનનો અવાજ વધુ ઊંચકાયો
“એમ? યાદ છે આપણે જયારે ભેગા રહેતા હતા ત્યારે... મનસ્વી પિયર ગઈ તી, ને રેવાનો ફોન આવ્યો તો...” ઉર્વિલ એકધારું મયુરીબેન સામે જોઈ રહ્યો પણ મયુરીબેન આડું જોઈ ગયા.
“એ તો... એ તો તારું ઘર બચાવવા માટે... એ છોકરી તારું ઘર ભંગાવી નાખત એટલે મેં તો...” મયુરીબેન થોથવાયા.
“મમ્મી તે સાહિલને ઉર્વિલ બનાવીને વાત કરાવી હતી ત્યારે... એ પણ પોણા ભાગની વાતો ખોટી કહીને... તે લીટરલી રેવાને એવું કહેવડાવ્યું તું કે રેવા જીવે કે મરે ઉર્વિલને ફરક નથી પડતો... આવું હોય સાવ??” ઉર્વિલ બરાડ્યો
“મને એમ કે એ રોજ ફોન કરશે કે કરાવશે. ૩ – ૪ દિવસથી એના ફોન આવતા તા. મારો અવાજ સાંભળી મૂકી દેતી તી. એટલે મેં તો. ને પોતાના છોકરાઓનું ભલું વિચારવાનો ય હક ના હોય માં બાપ ને...” મયુરીબેન હજુ પોતાનો કક્કો સાચો કરી રહ્યા હતા.
“તું તારું ભલું વિચારવા ગઈ એમાં જ તારો છોકરો ખોઈ બેઠી છો. આ તો ઠીક છે સાહિલે મને રેવા વિશેની હકીકત જાણ્યા પછી આ બનાવની વાત કરી. બાકી તું તો હજુ સુધી સાચું નથી બોલી...” ઉર્વિલ ઉભો થઇ ગયો ત્યાંથી.
“તો તને આ બધી ખબર પડી એટલે તે મને તારા ઘરમાંથી જવાનું કીધું હતું...” મયુરીબેનને હજુ વિશ્વાસ નહોતો આવી રહ્યો કે ઉર્વિલ બધું જ જાણી ગયો.
“હા એટલે જ કીધું હતું. અને હજુ કહું છું. મારા ઘર પર કે મારા પર તારો કોઈ હક નથી. અત્યારે અહીંથી જઈને સામાન ભર અને રાતની બસમાં ચાલી જા... હું તારું મોઢું જોવા પણ નથી માંગતો.” ઉર્વિલ લીવીંગ રૂમ તરફ આવતા બોલ્યો.
“હું માં છું તારી ઉર્વિલ...” મયુરીબેન છેલ્લી કોશિશ કરતા હોય તેમ મોટેથી બોલ્યા.
“અફસોસ એ જ છે...” ઉર્વિલ ધિક્કાર ભરી નજર એમના પર નાંખી ફ્લેટની બહાર નીકળી ગયો.
મયુરીબેન તેની પાછળ જ દોરવાતા હતા પણ તેમની નજર દિવાલના ફોટોઝ પર પડી ગઈ. એક એક ફોટો નીચે તારીખ અને વિગતો જોઈ મયુરીબેનનું દિલ પણ દ્રવી ઉઠ્યું. ખરેખર આ ઘર ઉર્વિલની પ્રતિક્ષામાં હતું. પણ ક્યાંક પોતાની જ જીદ...

મયુરીબેન પર તે વિચાર હાવી થાય તે પહેલા જ તેમણે તેને ખંખેરી નાંખ્યો અને ફ્લેટની બહાર નીકળી ગયા

***

“સો હવેતું ઠીક છે!!” પોણો પીઝા ખતમ કર્યા બાદ રચિતે ઉર્વાની સામે જોઈ પૂછ્યું.
“હા, હવે બિલકુલ ઠીક છું... ગુડ ફૂડ ઓલ્વેઝ વર્કસ...” પોતાના હાથમાં રેહેલું પીઝાનું છેલ્લું બાઈટ ખતમ કરતા ઉર્વા બોલી.
“યા દેખાય છે.” રચિત હસ્યો. ઉર્વા સામે રીએક્શન આપે તે પહેલા જ તેના મોબાઈલ પર દેવનો મેસેજ પોપઅપ થયો.
“કહાન એના ચાચુને ત્યાં ગયો છે, સ્ટોકહોમ.” ઉર્વા મેસેજ વાંચી બોલી રહી.
“ઓહ...” રચિત વિચારી રહ્યો હતો કે આગળ શું બોલવું
“યુ નો વોટ... જે થયું એ બધું બરાબર જ થયું. ઈનફેક્ટ સારું થયું. હું આમ પણ ઈચ્છતી હતી કે કહાન આ બધાથી દુર રહે. કહાન ઇન્ડિયાથી જ દુર રહેશે તો આ બધાથી પણ ઓટોમેટીક દુર થઇ જશે...” ઉર્વા પોતાનો દ્રષ્ટિકોણ કહી રહી.
“સોરી ટુ આસ્ક પણ યાર આ કેવો પ્રેમ છે તમારો? મને બિલકુલ નહિ સમજાતો...” રચિત હસીને પૂછી રહ્યો
“આ એ પ્રેમ છે જ્યાં શરીરની હયાતીની જરૂર નથી હોતી. એ વગર કહ્યે મને બધા જ બંધનોથી આઝાદ કરીને જાય છે જેથી હું મારા ગોલ પર ફોકસ કરી શકું. અને હું વગર પૂછ્યે એના નિર્ણયોનું સમર્થન કરી દઉં છું. આ એ પ્રેમ છે જે જ્યાં એકબીજાની ઈચ્છાઓ સર્વોપરી છે.” આટલું કહી ઉર્વા કંઇક યાદ કરવા અટકી ને પછી ઉમેર્યું,
“રેવાનું લખેલું છે,
तुम जान मांगो तो वो भी हस कर दे दे हम,
तो दूरियाँ मांगो तो एतराज़ कैसा??
અમે બન્ને આ સમજીને મોટા થયા છીએ...”
“વાઉ!!!” રચિત હજુ અડધું જ સમજ્યો હતો પણ તેને આ વાત પર ચર્ચા વધારવી નહોતી.
“સો હવે આગળ શું કરવાનું છે?” રચિત પોઈન્ટ પર આવ્યો.
“ઓકે આગળ ના કેસ માટે તું ડાયરીઓના બધા જ પાના વાંચ. પૂરું સ્ટડી કર અને પછી રઘુભાઈને જઈને મળ. અહીં એક નામ વારંવાર આવે છે કુમુદ... આ કુમુદ કોણ છે એનો જવાબ ડાયરીમાંથી ક્યાંય મળતો નથી. સો ધેટ સિમ્પલી મીન્સ કે તારે રઘુભાઈનો વિશ્વાસ જીતવો પડશે. આ કુમુદની ઇન્ફર્મેશન કાઢવી પડશે અને પછી નક્કી થશે કે શું કરવું એ...” ઉર્વા તરત જ બીજા મોડમાં સ્વીચ થઇ હોય તેમ પ્લાન સમજાવી રહી.
“બહુ અઘરું પડવાનું છે મેડમ...” રચિત સ્વગત જ બોલતો હોય તેમ બોલ્યો.
“એમાં જ તો મજા છે ને ડીયર. ચેસની રમત છે યાર આ તો. હું રમું છું રેવા સાથે જે કંઈપણ થયું તેના સત્યને પેલેપાર પહોંચવા અને તું રમે છે તારું નામ બનાવવા પ્લસ રોજ નવી ન્યુઝ બનાવવા પ્લસ તારી ચેનલનો સૌથી રિસોર્સફૂલ જર્નલીસ્ટનું લેબલ અકબંધ રાખવા. અફકોર્સ તું વધારે ફાયદામાં છે...” ઉર્વાએ આંખો નચાવી.
“લે, મેં ખોટું કીધું? અત્યાર સુધી થયેલા બધા જ કામમાં તને કેટલી ન્યુઝ મળી ગઈ એ કહે ને!!” ઉર્વાં મસ્તીના મૂડમાં હતી.
“યા આઈ અગ્રી. આ બધા સાથેના કનેક્શન ઘણીરીતે હેલ્પ કરી દે છે. અફકોર્સ ઇનડાયરેકલી... અત્યારે પણ હું ન્યુઝ સચિંગમાં જ છું.. રજા પર નહિ” રચિત આટલું કહી અટક્યો ને પછી ઉમેર્યું, “બટ અહિયા રિસ્ક પણ તો વધારે છે ને!!”
“કયુ રિસ્ક?”
“સ્વાતી મજુમદાર અમારી જ ચેનલની એ લીસ્ટ જર્નલીસ્ટ હતી. જો કંઈ ખોટું થઇ ગયું તો સીધી લાશ જ જોવાનો વારો આવશે... બોલવું પડશે ડાયરેક્ટ પછી રામ નામ સત્ય હે!” રચિત હસ્યો
“બહુ ખરાબ જોક હતો...” ઉર્વા કોઈજ રીએક્શન વગર બોલી. તે જાણતી હતી કે તેણે રચિતનું પોપટ કરી નાખ્યું. રચિત થોડું એમ્બેરેસ ફિલ કરી રહ્યો પછી તરત જ તેણે કામની વાત ઉપાડી
“ઓકે તો હું હમણાં જ રઘુભાઈને ફોન કરી મળવાનું પૂછી લઉં છું. કાલે મીટીંગ હશે એટલે આજે બધા પેજીઝ વાંચી લઈશ...”
“ગુડ જઈએ?” કહેતી ઉર્વા પોતાની ચેર પરથી ઉભી થઇ ને બહાર નીકળી ગઈ

***

મયુરીબેન અને ઉર્વિલ પાછા આવ્યા ત્યારથી જ ઘરમાં નકરો સન્નાટો છવાયેલો હતો. કોઈ કંઇજ નહોતું બોલી રહ્યું. ઉર્વિલે કહ્યું હતું મયુરીબેનને રાતની બસમાં જવાનું પણ ઉર્વિલને દેખાડવા ખાતર મયુરીબેન વહેલા જવાની તૈયારી કરી રહ્યા હતા. મનસ્વીએ એક બે વખત પૂછી પણ જોયું કે અચાનક કેમ જવું છે પણ મયુરીબેને કંઈ સરખો જવાબ ના આપ્યો.
જો કે મયુરીબેન અને ઉર્વિલને બનતું નહોતું તે મનસ્વી જાણતી હતી એટલે તે વધુ ધ્યાનમાં નહોતી લઇ રહી આ વાત ને.
હજુ સાંજ પડવાને પણ વાર હતી ત્યાં મયુરીબેન સામાન લઇ નીચે આવી રહ્યા હતા. તે જ સમયે ઉર્વા પણ ઘરે આવી પહોંચી. ઉર્વાને જોઈ મયુરીબેનને બધી જ વાતો યાદ આવી ગઈ પણ તે પોતાના પર કાબુ રાખી રહ્યા.
“ચાલો મારે નીકળવું છે.” ઉર્વિલને સંભળાવતા હોય તેમ મયુરીબેન બોલ્યા પણ ઉર્વિલે કંઈ પ્રતિક્રિયા આપી નહિ.
“ઉર્વિલ...” મયુરીબેન ફરી જોરથી બોલ્યા.
“વાંધો ના હોય તો હું મૂકી જાઉં તમને??” ઉર્વા સિફતથી પૂછી રહી

***

(ક્રમશઃ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED