Pratiksha 40 books and stories free download online pdf in Gujarati

પ્રતિક્ષા - ૪૦

“તને આટલું શું બળે છે!!” મયુરીબેનને આવા રીએક્શનની કલ્પના પણ નહોતી. તે પણ ઉર્વિલને આટલો ગુસ્સામાં જોઈ ડઘાઈ ગયા.
“મારી પોતાની દીકરી છે એ. મારી અને રેવાની દીકરી છે એ...” ઉર્વિલ રીતસરનો પલંગ પરથી ઉભો થઇ ગયો.
“ક..કોણ રેવા?? શું કંઈપણ બોલે રાખે છે તું?!” મયુરીબેનને આંચકો લાગ્યો. તે માની જ નહોતા શકતા કે ઉર્વિલની વાતમાં કંઈ તથ્ય પણ હોય!
“રેવા દીક્ષિત!! ભૂલી તો નહિ જ હોય તું એને. યાદ કર!” ઉર્વિલનો ઉદ્વેગ પ્રત્યેક ક્ષણે વધી રહ્યો હતો.
“મને કંઈ યાદ નથી આવતું. અને જે કંઈ પણ હોય તે એ બધું મુક અને અત્યારે જે કંઈ છે એના પર ધ્યાન આપ...” મયુરીબેનને રેવા યાદ તો આવી ગઈ પણ તે હજુ પણ કંઈ માનવા તૈયાર નહોતા આ બધું. તે વાત બદલી નાખવા માંગતા હતા.
“ચાલ યાદ કરાવું તને...” ઉર્વિલ મયુરીબેનની પાસેથી નીકળી દરવાજાની બહાર નીકળી મનસ્વીને શોધી રહ્યો.
“મનસ્વી...? ક્યાં છે?” ઉર્વિલે હોલમાં આવી બુમ પાડી, મયુરીબેન હજુ ઉર્વિલના દરવાજા પાસે લગભગ ડઘાયેલી હાલતમાં જ ઉભા હતા. તે કલ્પના પણ નહોતા કરી શકતા કે આવનારી ક્ષણે ઉર્વિલ શું કહેશે કે કરશે!!
“હા, શું થયું? હું અંદર પર્સ શોધતી હતી...” મનસ્વી ભાગતી રસોડામાંથી આવી.
“અરે કંઈ નહિ. હું અને મમ્મી જરા બહાર જઈએ છીએ. કંઈ તારે મંગાવવું છે તો બોલ!” ઉર્વિલ બહુ જ સહજતાથી બોલ્યો પણ મયુરીબેનની હાલત વધુ ખરાબ થઇ ગઈ.
“અચાનક બહાર!” મનસ્વીને બહુ અજુગતું લાગ્યું પણ તેને વધારે પૂછવું યોગ્ય ના લાગ્યું.
“હા, વૃંદાએ થોડી વસ્તુ મંગાવી છે. લેવા જઈએ છીએ. મોડું થશે” કહેતો ઉર્વિલ દરવાજા તરફ જવા લાગ્યો ને અટકીને પાછળ ફરી વેધક નજર મયુરીબેન સામે નાખી બોલ્યો, “ચાલો મમ્મી...”
મયુરીબેન પાસે ઉર્વિલ સાથે જવા સિવાય કોઈજ છુટકો નહોતો હવે. તે ચુપચાપ ઉર્વિલ પાછળ દોરવાયા અને કારમાં બેસી ગયા.

***

આશ્રમ રોડ પર મધ્યમ ગતિએ ચાલતી કારમાં ઉર્વા, કહાન ને રચિત ત્રણેય ચુપચાપ બેઠા હતા. મનમાં તો દરેકને કંઈ કેટલુય ઘૂંટાતું હતું પણ તે વિચારોને વાચા આપવાની ત્રણેયમાંથી કોઈની ઈચ્છા નહોતી. ડ્રાઈવ કરતા કરતા લા’પીનોઝ પર નજર પડતા જ રચિતે કાર રોકી દીધી. પીઝા ઉર્વા અને કહાનના પણ ફેવરીટ હતા અને ભૂખ પણ કકડીને લાગી હતી એટલે બીજું કંઈ વિચારવાનો પ્રશ્ન જ નહોતો.
કાર સાઈડમાં મૂકી ત્રણેય ઉતર્યા કે તરત જ કહાન રચિતને એકતરફ લઇ ગયો.
“ભાઈ તું ને ઉર્વા પીઝા ઓર્ડર કરો, હું હમણાં થોડી વારમાં આવું. ચાવી આપને!” ઉર્વાને ના સંભળાય તેમ કહાન ધીમેથી બોલ્યો.
“અત્યારે ક્યાં ચાલ્યો?” રચિતને પણ નવાઈ લાગી.
“અરે પાછળ જ મેં બહુ સારી કેક શોપ જોઈ. ઉર્વા લવ્સ કેક. એના માટે મસ્ત ચોકલેટ કેક લઇ આવું...” કહાન લાલ લાલ થતા બોલ્યો. રચિતને પણ કહાનની આ માસુમિયત અડી ગઈ. તેણે તરત જ કહાનને ચાવી આપી ને કહાન નીકળી.

“આ ક્યાં ગયો?” કહાનના જતા જ ઉર્વાએ પૂછ્યું.
“આવે છે, આવે છે...!” રચિતે હસીને કહ્યું અને ઉર્વા સાથે ચાલવા લાગ્યો પણ ઉર્વા ત્યાં જ ઉભી રહી ગઈ. તે પાછળ ફરીને કહાનને જતા જોઈ રહી.
“કહાન ગયો! બોલ હવે જે કહેવું કે પૂછવું હોય તે...! ટાઈમ બહુ ઓછો છે.” કાર આંખ સામેથી નીકળી જતા ઉર્વા રચિત સામે જોઈ પૂછી બેઠી.
“શું પુછુ યાર! વોટ્સ ગોઇંગ ઓન?” રચિત હસી રહ્યો.
“પથ્થરનું તો પથ્થરનું યાર, એક દિલના માલિક તો અમે પણ છીએ ને!” ઉર્વા કહી રહી.
“એટલે?” રચિતે તેના ખભે હાથ મુક્યો. તે જાણતો હતો કે ઉર્વા પર અત્યારે લાગણીના અનેક પડો ચડેલા છે.
“કહાનને પ્રેમ કરતા નથી રોકી શકતી હું મારી જાતને. હજારો વાર લોહી વહાવતાં જોયા છે મેં બધાને તો ય આ જ રસ્તે મને ફરી ફરીને આવવું ગમે છે! મારા હોવા છતાં એની આંખો મારા માટે તરસે એ તો કેમ ચાલે?”
“તો શું કામ રોકતી હતી અત્યાર સુધી તારી જાતને? મુકને ઉર્વા આ બધું... તેલ લેવા ગયો ઉર્વિલ ને ચૂલામાં ગયા રઘુભાઈ... ચાલ પાછી મુંબઈ, એક નવી લાઈફ ચાલુ કર કહાન સાથે. બધું જ ભૂલી જા. એક દિલ છે જે તારા માટે ધડકે છે. બે આંખો છે જે તને જોવા તરસે છે અને થોડા વાયદાઓ છે જેને નિભાવવાની એ ક્ષમતા ધરાવે છે... તારે આ સિવાય જોઈએ છે શું? મુક યાર બધું.” રચિત ઉર્વાના બન્ને ખભે હાથ મૂકી સમજાવી રહ્યો.
“કાશ આ થઇ શકતું હોત રચિત!! આવું જ તો કંઇક સપનું હતું અમારું. હું, દેવ અંકલ ને કહાન. એ જ તો હતું મારું હેપીલી એવર આફ્ટર... પણ એ નથી પોસીબલ... હું જે રસ્તે નીકળી પડી છું ત્યાંથી યુ ટર્ન છે જ નહી.” ઉર્વા થોડું અટકી ને પછી હસીને ઉમેર્યું, “આ તો જુમાનજી વાળી ગેમ છે. પૂરી કરવી જ પડશે.”
“વોટ??” રચિત કંઇજ ના સમજ્યો.
“કંઈ નહિ. આપણી ગેમના શિકારીને પાંજરામાં પૂરવાનો ટાઈમ થઇ ગયો છે. તે ડાયરીના પાનાઓ વાંચ્યા?” ઉર્વાનો વાત કરવાનો ટોન પુરેપુરો બદલી ગયો.
“ના યાર મેં મોબાઈલમાં વોટ્સેપ તો મંગાવ્યું છે હજુ જોયું નથી. બે મિનીટ જોઈ લઉં.” કહી રચિતે પેન્ટના પોકેટમાં હાથ નાંખ્યો પણ તેને મોબાઈલ જડ્યો નહિ. તેણે વારાફરતી બધા જ ખિસ્સાઓ ચેક કર્યા પણ એકપણમાં મોબાઈલ હતો નહિ.
“ઓહ ડેમ!!!” રચિત માથું પકડી બોલી રહ્યો.
“શું થયું?”
“મોબાઈલ કારમાં રહી ગયો!!” રચિત ટેન્શનમાં આવી ગયો

***

કેકશોપની બહાર કહાન પાર્ક કરવાની જગ્યા જ શોધતો હતો કે સતત ફોનના વાઈબ્રેશનનો અવાજ આવવા લાગ્યો. તેણે જોયું તો કારની સીટ નીચે રચિતનો ફોન વાઈબ્રેટ થઇ રહ્યો હતો. તેણે ફોન ઉપાડી પાવર બટન દબાવ્યું અને તેની સામે ફોનની અંદરનો ફોટો બ્લીંક થઇ રહ્યો. તે ફરીથી ફોન બંધ જ કરવા જતો હતો કે તેનાથી લેફ્ટ સ્વાઇપ થઇ ગયું ને ગેલેરીનો ફોટો ઓપન થઇ ગયો. તેણે તરત જ નજરઅંદાજ કર્યો હોત આ ફોટો પણ તેમાં સાફ દેખાતા રેવાના અક્ષરોને જોઇને તે પોતાની જાતને ફોટો જોવાથી રોકી ના શક્યો.

“ડીયર ઉર્વિલ,

સ્વાતિની બધી ઉત્તર્ક્રિયાઓખતમ થયે અઠવાડિયું થઇ ચુક્યું છે પણ હજુ આ ઘરના દરેક ખૂણે એનો જ આભાસ થાય છે. કહાન દોઢ-બે વરસનો માંડ હશે જયારે દેવ સાથે ઝઘડો કરી સ્વાતિ આ ઘરે આવી હતી. એની જે મહત્વકાંક્ષાઓએ એને ઘર છોડાવ્યું હતું એ જ એને દુનિયા છોડાવશે એ મેં નહોતું વિચાર્યું... દેવને સંભાળવો બહુ જ અઘરો પડી રહ્યો છે. કાશ, તું હોત!
કહાન તો વારેઘડીએ સ્વાતીનું જ નામ લીધે રાખે છે. અરે, ઉર્વાને પણ આદત પડી ગઈ છે સ્વાતીની. આટલી નાની છે તો ય સ્વાતી વગર ચાલતું નથી તેને. કોણ કહે છે કે પરિવાર હોવા માટે લોહીના સંબંધો હોવા જોઈએ? દેવ અને સ્વાતિ ભલે કોઈ બંધનમાં નહોતા છતાંય સાથે તો હતા જ. અલગ ઘરમાં રહીને એકમેક પ્રત્યે જવાબદાર તો હતા જ...

સૌથી વધારે ચિંતા તો મને કહાનની થાય છે. કેમ સંભાળીશું એને? સ્વાતિની મૃત્યુ માટે હું મારી જાતને ક્યારેય માફ નહિ કરી શકું... હું ખોટી હતી કે સાચી એ મને નથી ખબર પણ તારા માટેના પાગલપનની કિંમત, રઘુ સાથે અનાયસે જ લેવાઈ ગયેલી દુશ્મનીની કિંમત સ્વાતિના લોહીથી ચૂકવાઈ છે. પૂરી દુનિયા એ જ સમજે છે કે આ એક્સીડન્ટ હતું. પણ મને ખબર છે આ કુમુદનું જ કામ છે. આ મારી ભૂલનું પરિણામ છે.
દેવ ને તો આ બધામાં મારી કંઇજ ભૂલ નથી લાગતી પણ મને લાગે છે. બસ એટલો વાયદો આપ્યો છે દેવને કે કહાનને આ બધાથી દુર રાખીશ. એના માથે ક્યારેય આ કોઈનો પડછાયો પણ નહિ પડવા દઉં. બસ જો ખાલી આ વાયદો પણ નિભાવી લઉં તો સ્વાતિ સાથે ઉપર જઈને આંખો મેળવી શકીશ કદાચ...
આવી જા ને ઉર્વિલ. બહુ જરૂર છે તારી અત્યારે. ફરીથી છોડીને ચાલ્યો જજે પણ અત્યારે તારા ખભા સિવાય મને રાહત નહિ મળે....
આઈ લવ યુ ઉર્વિલ”

કહાનનું મગજ સુન્ન થઇ ગયું. તે જે કંઈપણ વાંચી રહ્યો હતો તેના પર તેને ભરોસો જ નહોતો આવતો. તેણે સીધો જ દેવને ફોન જોડ્યો.
“પપ્પા, મમ્મી સાથે શું થયું તું?” કોઈજ પ્રાસ્તાવના વિના કહાને ધડાકો કર્યો.
“શું? શું બોલે છે?” દેવ કંઇજ સમજી નહોતો રહ્યો
“સ્વાતિ મજુમદારની મૃત્યુ કઈ રીતે થઇ?” કહાને એકએક શબ્દ પર ભાર મુક્યો
“કહાન... શું... કેમ... અચાનક....” દેવ થોથવાઈ રહ્યો હતો.
“પપ્પા છેલ્લી વાર પુછુ છું...” કહાનના અવાજમાં ખાલીપો હતો
“એક્સીડન્ટ... એક્સીડન્ટ... તને ખબર તો છે.”
“મમ્મીનું મર્ડર થયું તું... આઈ નો ધેટ.”
“કહાન... તું દુર રહે ને યાર આ બધાથી... તને કેમ ખબર પડી...” દેવ એકદમ ડરી ગયો ને પછી ઉમેર્યું, “તને આટલા વરસ મેં કંઇજ નથી કહ્યું તો એના કારણો છે કહાન. હું સ્વાતિને ખોઈ ચુક્યો છું. તને ખોવા નથી માંગતો અને સૌથી મહત્વની વાત એ છે કે રેવા ક્યારેય નહોતી ઈચ્છતી કે તું એકપણ વસ્તુ જાણે... પ્લીઝ તું આમાં ઊંડો ના ઉતર...” દેવના શબ્દે શબ્દમાં આજીજી હતી.
કહાને કોઈ જ જવાબ આપ્યા વિના ફોન કાપી નાંખ્યો ને ફરીથી લા’પીનોઝ તરફ નીકળી ગયો.

***

કાર પાર્ક કરી કહાને જોયું કે ઉર્વા અને રચિત અંદર ટેબલ પર બેઠા છે. તેને એક વખત ઈચ્છા થઇ કે બાકીના પાનાંઓ પર શું લખ્યું છે તે પણ વાંચી જોવે પણ તે તેમ ના કરી શક્યો. રેવાનું બોલેલું ઉથાપવું તે શીખ્યો જ નહોતો ક્યારેય. રેવાની ખ્વાહિશો તેના માટે સર્વોપરી જ હતી. અત્યારે રેવા હયાત નહોતી તો પણ હાલત તો એ જ હતી. તે એકક્ષણ થોભ્યો ને પછી તરત જ કંઇક વિચારી લા’પીનોઝનો દરવાજો ખોલી અંદર ઉર્વાની બાજુમાં જઈ બેસી ગયો.

“ક્યાં ગયો હતો?” ઉર્વા થોડુક ખીજવાઈને પૂછી રહી.
“પ્રેમ કરે છે મને?” કહાને ઉર્વાનો ચેહરો પોતાની બિલકુલ લગોલગ લાવી પૂછ્યું
“શું?” ઉર્વા સહેજ ખચકાઈ
“મને પ્રેમ કરે છે ઉર્વા?”
“બહુ...” ઉર્વા શ્રદ્ધાથી બોલી.
“પ્રેમમાં અવિશ્વાસ ચાલે? જુઠ્ઠું બોલવું ચાલે?” કહાનનો અવાજ વધુ ને વધુ ખાલી થઇ રહ્યો હતો. તેને પડેલો આઘાત તેના શબ્દોમાં વર્તાઈ રહ્યો હતો.
“કહાન આ બધું શું બોલે છે?” ઉર્વાએ તેના ગાલ પર હાથ મૂકી દીધા.
“મારી જાન, જે રસ્તે તું નીકળી ગઈ છે એ રસ્તે તું મને લઇ નથી જવાની. એક જુઠ છુપાવવા તું સો જુઠ બોલીશ ને પછી રોજના ઝઘડા... હું તારા પર બર્ડન બની જઈશ...”
“કહાન...!” ઉર્વાના હાથ હવે ધ્રુજ્યા.
“બેબ, લઇ લે તું તારું વેર. ઉર્વિલથી બદલો લઇ લે. રઘુનો હિસાબ ચૂકવી દે. આ કુમુદ જે કોઈ xyz વ્યક્તિ છે એનું જે કરવું છે એ કરી લે. હું ક્યાંય આડો નહિ આવું તને. બધું ખતમ થઇ જાય ને, પછી ફરીથી તારી આંખોમાં આ જ લાગણીઓ લઈને આવજે. હું અહીંથી જ વાર્તા આગળ વધારીશ. હ્મ્મ્મ!” કહાન તેની એકદમ નજીક આવી કહી રહ્યો.
“કહાન તું વિચારે છે એવું નથી!” ઉર્વાના હોઠ સુકાઈ ગયા આટલું બોલતા
“જો, રેવા, તું કે ડેડ ઈચ્છતા નથી હું આ જે કંઈપણ પ્રવૃતિઓ ચાલે છે એનો ભાગ બનું એ. એટલે તમે બધા જે કરવું છે એ કરી લો. આપણે પછી મળીશું...” કહાન ફિક્કું હસ્યો.
“ક્યાં જાય છે તું?” ઉર્વા ડરી ગઈ.
“તું કંઈ મારી ચિંતા ના કર. હું જ્યાં રહીશ સેફ રહીશ. તું તારા ટાર્ગેટ પુરા કર.” આટલું કહી કહાન તેનું કપાળ ચૂમી ઉભો થઇ ગયો. રચિતને તો આ બધામાં શું કહેવું એ જ નહોતું સમજાતું. તે પણ કહાન સાથે ઉભો થઇ ગયો
“ધ્યાન રાખજે તારું.” કહાન આછું હસ્યો
“કહાન...!” ઉર્વા પાસે શબ્દો જ નહોતા. કહાનને રોકે કે જવા દે. તે નક્કી જ નહોતી કરી શકતી. તે બીજી તરફ ચેહરો ફેરવી ગઈ.
“ઉર્વા... રીંગ!” કહાને હાથ લંબાવ્યો
ઉર્વા કંઇજ બોલ્યા વિના વીંટી કાઢી કહાનની હથેળી પર મૂકી રહી.
“આઈ હોપ, ફરીથી પહેરાવી શકીશ!” આટલું કહી કહાન સીધો જ બહાર નીકળી રીક્ષા પકડી તેમાં બેસી ગયો. ઉર્વા જોઈ રહી કહાનને જોતા ફક્ત...

“ડેડ, હું પહેલી ફ્લાઈટ પકડી મુંબઈ આવું છું. પ્લીઝ મારા માટે એક ફેવર કરશો?” કહાન હતો તો પૂરો આઘાતમાં પણ હવે તેને ખબર હતી કે તેને શું કરવાનું છે.
“હા બોલ ને.” દેવના જીવમાં ફાઈનલી જીવ આવ્યો.
“મારું બેગ પેક કરી એરપોર્ટ આવી જશો!”
“બેગ, કેમ? શું? હાલી શું નીકળો છે?” દેવ બરાડ્યો.
“મારા વિઝા હજુ ૫ વરસ સુધી વેલીડ છે. મેં હમણાં જ ઓનલાઈન જોયું રાતની ફ્લાઈટ છે અને ટીકીટ અવેલેબલ છે. ૩ કલાક પેલા એરપોર્ટ પહોંચવું પડે એટલે તમને કહ્યું... ચાચુને ત્યાં જવું છે...!” કહાનના અવાજમાં એક સ્થિરતા હવે દેખાઈ રહી હતી.
“કહાન...! આમ ના હોય સાવ!! યાર મારું તો વિચાર...” દેવ ચિડાઈ રહ્યો હતો. તેને બહુ જ ગુસ્સો આવી રહ્યો હતો એ વાતથી કે કહાન બધું જાણી ગયો.
“ડેડ, અહિયાં રહીશ તો આ બધાથી દુર નહિ રહું ને જો એમ થયું તો એ રેવાની ઉપરવટ જવું થશે. સો બેટર આઈ લીવ.” કહાન આટલું બોલી અટક્યો ને પછી ઉમેર્યું, “આમ પણ લાસ્ટ ટાઇમ ચાચુને ત્યાંથી ૨૦ દિવસમાં પાછો આવ્યો તો. આ વખતે થોડું સરભર કરી આપું ને એમને...” કહી કહાન હસ્યો.
દેવને અત્યારે કહાનને કંઈપણ કહી રોકવું યોગ્ય નહોતું લાગી રહ્યું તેણે તેની વાત માની ફોન મૂકી દીધો.

***

કહાન મુંબઈ એરપોર્ટ પર ઇન્ટરનેશનલ તરફ જતો હતો કે ત્યાંજ દેવ તેને સામે મળ્યો. કહાનના ચેકઇન કરવા સુધી બન્ને બાપ દીકરા વચ્ચે શબ્દોની એકપણ આપ લે નહોતી થઇ. બન્ને હાથે કરીને જ સંવાદ ટાળવા માંગતા હતા.
“આઈ હોપ જલ્દી મળીશું...!” કહાનને વળાવતી વખતે દેવ બોલ્યો
“આઈ હોપ ટુ...” કહાન આછું સ્મિત વેરી નીકળી પડ્યો.

“હેલ્લો ચાચુ!!” કહાને ફોન જોડ્યો.
“હેય હેન્ડસમ. બોલને!” સામેથી અવાજ આવ્યો
“ચાચુ હું તમારી પાસે આવું છું. અત્યારે ફ્લાઈટમાં નીકળું છું.” અત્યાર સુધી સ્વસ્થતાના આવરણમાં રહેલો કહાન હવે ગૂંગળાઈ રહ્યો હતો. તેના અશ્રુઓ બહાર આવવા મથી રહ્યા હતા.
“આવી જ જા. તારું જ ઘર છે.”
“થેન્ક્સ ચાચુ...” આટલું કહી એરપોર્ટને છેલ્લે વાર જોતો કહાન અહીં ક્યારેય પાછા ના આવવાના સંકલ્પ સાથે પ્લેન તરફ નીકળી પડ્યો

***

(મધ્યાંતર)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED