લવ રિવેન્જ - 15 S I D D H A R T H દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

  • આકર્ષણ બન્યુ જીવનસાથી - 1

    મહિનાનો પહેલો દિવસ અને ઍ પણ સોમવાર. અમારી ઓફિસ મા કોઇ જોબ મા...

શ્રેણી
શેયર કરો

લવ રિવેન્જ - 15

લવ રિવેન્જ

પ્રકરણ-15

"સિદ્ધાર્થ....! પ્લીઝ...!" 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે આવી પહોંચતાંજ સિદ્ધાર્થને તાત્કાલિક સ્ટ્રેચરમાં સૂવાડી એમ્બ્યુલન્સમાંજ પ્રાઇમરી હેલ્થ ટ્રીટમેન્ટ આપવાનું શરૂ કરી દેવાયું હતું. લાવણ્યા પણ એમ્બ્યુલન્સમાં ચડી ગઈ હતી અને સિદ્ધાર્થનો હાથ પકડી તેની જોડેજ ઊભી હતી. એમ્બ્યુલન્સમાં તેણે રડારડ કરી મૂકી હતી.

"અરે બે'ન તમે બંધ થાઓ....! અમે આ ભાઈનો ઈલાજ કરીએ કે તમારું રડવાનું બંધ કરાવીએ...!" એમ્બ્યુલન્સમાં સિદ્ધાર્થની સારવાર કરી રહેલો એક સ્ટાફનો માણસ બોલ્યો.

એમ્બ્યુલન્સની આજુબાજુ હજીપણ ભીડ જમાં થયેલી હતી. કેટલાંક સમજુ નાગરિકો ભીડ ઓછી કરવાં માટેનો પ્રયત્ન કરી રહ્યાં હતાં. કોલેજનાં ગેટ આગળજ એક્સિડેંન્ટ થયો હોવાથી ગેટની જોડેજ ભીડ જમાં થઈ ગઈ હતી.

"સિડ...! પ્લીઝ...! એ....એ....આંખો કેમ નથી ખોલતો...!?" લાવણ્યાએ સિદ્ધાર્થનાં માથાં ઉપર લોહી સાફ કરી રહેલી નર્સને પૂછ્યું.

"અરે બે'ન....! જોડે કોઈ એક માણસ બીજું હોય તો જલ્દી બોલાવી લો...! તમે ચૂપ થતાં નથી અને અમારે આગળની પ્રોસેસ માટે કોઈક મજબૂત માણસની જરૂર છે...! આ ભાઈને તાત્કાલિક દાખલ કરવાં પડશે ....! તમે બંધ થશો અને કોઈકને બોલાવશો પ્લીઝ....!" તે નર્સ બોલી.

"હાં....! હાં...! બ....બોલાવું...!" લાવણ્યા પોતાનાં આંસુ લૂંછતાં માંડ બોલી.

"ફ......ફોન....! મારો ફોન....!" લાવણ્યા આમતેમ ડાફોળિયાં મારવાં લાગી. આઘાતને લીધે લાવણ્યા બઘાઈ ગઈ હતી. માંડ માંડ તેને યાદ આવ્યું કે કેન્ટીનમાંથી સિદ્ધાર્થની પાછળ ભાગતી વખતે તે પોતાની બેગ ટેબલ નીચે અને મોબાઇલ ટેબલ ઉપર ભૂલી ગઈ હતી.

"અરે બે'ન તમે તો....!" ઓલી નર્સ અકળાઈ "આ ભાઇનાં ખીસ્સાંમાં જુઓ...! એમનો ફોન હોય તો....!"

એટલું કહીને એ નર્સ સિદ્ધાર્થનાં જમણાં હાથમાં નીડલ ભરાવવા લાગી. લાવણ્યાએ સિદ્ધાર્થનાં જીન્સનું ખિસ્સું ફંફોસવાં માંડ્યુ. ડાબાં પોકેટમાંથી તેણે સિદ્ધાર્થનો આઈફોન કાઢ્યો.

"આ તો લોક છે....!" લાવણ્યા બોલી. તે હજીપણ રડી રહી હતી "મ....મને પાસવર્ડ નથી ખબર...!"

"અરે એ ભાઈ જે હાથે લખતાં હોય એ હાથની આંગળીઓ ટ્રાય કરો....! ફિંગરપ્રિન્ટ લોક હશે તો ખૂલી જશે..!" એ નર્સ બોલી. તેણીએ સિદ્ધાર્થનાં ફોરઆર્મ ઉપર લગાવેલી નીડલમાં બોટલની પાઇપ ભરાવી અને બાટલો એમ્યુલન્સની છત ઉપર લાગેલાં હૂકમાં ભરાવી દીધો.

લાવણ્યાએ સહેજ ઉઠીને સિદ્ધાર્થના જમણા હાથનો અંગુઠો આઈફોનના હોમ બટન ઉપર મૂક્યો કે તરતજ લોક ખૂલી ગયું. લાવણ્યાએ ફટાફટ તેમાંથી પ્રેમનો નંબર શોધ્યો અને ડાયલ કરી દીધો.

કેન્ટીન કોલેજનાં પાછળનાં ભાગમાં હોવાથી કોલેજનાં ગેટની સામે જે થયું એનાં વિષે પ્રેમ અને ગ્રૂપનાં અન્ય કોઈને કશું ખબર નહોતી. નેહા હજીપણ તેનો મોબાઇલ મંતરી રહી હતી.

"સિદ્ધાર્થ.....!?" પોતાનાં ફોનની સ્ક્રીનમાં સિદ્ધાર્થનો નંબર જોઈને પ્રેમ બબડ્યો. તેણે ત્રિશા અને કામ્યા તરફ જોઈને ફોન ઉપડયો. નેહા સહિત બધાંએ તેની તરફ કાન માંડ્યાં.

"હાં બોલ સિદ્ધાર્થ...!" પ્રેમ ફોન ઉપાડીને બોલ્યો.

"પ..પ્રેમ....!" લાવણ્યા રઘવાયાં સ્વરમાં બોલી "સિદ્ધાર્થ...સ....સિદ્ધાર્થનો એક્સિડેંન્ટ થઈ ગયો...! તું તું...જ...જલ્દી .....આવને પ્લીઝ..!"

"ઓહ ગોડ....!" પ્રેમ સફાળો ઊભો થઈને ભગવા લાગ્યો "ક્યાં....!?"

"ગેટ આગળ...!" લાવણ્યા બોલી.

"અરે પ્રેમ....!" કામ્યાએ ઊભા થઈને બૂમ પાડી "શું થયું...!?"

નેહા અને અંકિતા પણ ઊભાં થઈ ગયાં.

"કોલેજના ગેટ આગળ સિદ્ધાર્થનો એક્સિડેંન્ટ થઈ ગયો....!" પ્રેમે પાછળ ફરી સહેજ અટકીને કહ્યું અને ફરી કેન્ટીનની બહાર દોડી ગયો.

"માય ગોડ...!" કામ્યાએ એક નજર નેહા ઉપર નાંખી અને એ પણ પોતાની બેગ ઉઠાવીને દોડવા લાગી. અંકિતાએ પણ એજ કર્યું. જતાં-જતાં અંકિતાની નજર ટેબલ ઉપર પડેલાં લાવણ્યાના ફોન ઉપર પડી. લાવણ્યાની ચેયર પાસે આવીને તેણે લાવણ્યાનો ફોન લઈ લીધો. તેણે નીચે ઝુકીને જોયું તો લાવણ્યાની બેગ પણ ત્યાંજ પડી હતી. અંકિતાએ વાંકાંવળીને બેગ પણ ઉઠાવી લીધી.

"આ તારાં લીધેજ થયું છે....!" અંકિતાએ વેધક સ્વરમાં નેહાની સામે કતરાઈને જોયું અને ત્યાંથી ચાલવાં લાગી.

નેહાને આઘાત લાગી ગયો અને તે ખુરશીમાં ફસડાઈ પડી. તેની પાંપણો ભીંજાઇ ગઈ. આખી કેન્ટીનમાં હોહા મચી ગઈ. ઘણાંબધાં સ્ટુડન્ટ્સ પણ હવે પોત-પોતાનાં બેગ વગેરે લઈને બહાર જવાં લાગ્યાં.

----

"અરે ભાઈ.... તમે આ બે'નને ચૂપ કરાવોને....!" સિદ્ધાર્થની સારવાર કરી રહેલી નર્સ પ્રેમને કહી રહી હતી. સ્ટાફનો બીજો માણસ સિદ્ધાર્થનાં છોલાયેલાં ઢીંચણનાં ઘાંને સાફ કરી રહ્યો હતો.

લાવણ્યાએ પ્રેમને ફોન કર્યાબાદ સૌથી પહેલાં પ્રેમ એમ્બ્યુલન્સમાં આવી ગયો હતો. ગ્રૂપનાં બાકીનાં મિત્રો ત્યાં પહોંચે એ પહેલાં પ્રેમે એમ્યુલન્સને દવાખાને લઈ લેવાં કહી દીધું હતું. તીવ્ર સાઇરન વગાડતી એમ્બ્યુલન્સ હવે પાલડી સ્થિત વી.એસ. હોસ્પિટલ તરફ પૂરઝડપે ભાગી રહી હતી. પ્રેમ અને લાવણ્યા બંને જોડેજ હતાં. સિદ્ધાર્થનો હાથ પકડીને ભયંકર આક્રંદ કરી રહેલી લાવણ્યાને પ્રેમ શાંત કરવા મથી રહ્યો હતો. સિદ્ધાર્થ અને લાવણ્યાની હાલત જોઈને પ્રેમ પણ ઢીલો થઈ ગયો હતો.

"મેં...! મેં કીધું'તું ને ....કીધું'તુંને ....! એ નઇ સારી છોકરી....!" લાવણ્યા હીબકાં લેતી-લેતી પ્રેમને વળગી પડી. પ્રેમની છાતી ઉપર માથું ઢાળી તે સિદ્ધાર્થનાં ચેહરાં સામે જોઈને રડી રહી હતી. રડીરડીને લાવણ્યાની આંખોનાં આઈલાઇનરનાં કાળાં કલરનાં ડાઘથી તેનો ચેહરો ખરડાઇ ગયો હતો.

"તું....તું ચિંતા નાકર....! એને કઈં નહીં થાય....!" પ્રેમે લાવણ્યાનાં વાળમાં હાથ ફેરવતાં-ફેરવતાં ગળગળાં સ્વરમાં બોલ્યો.

"ક....કેટલું ...જોરથી અથ...અથડાયો...એ" લાવણ્યા હવે ભાન ભૂલીને બબડાટ કરવાં લાગી.

"લાવણ્યા....!" પ્રેમને હવે લાવણ્યાની ચિંતા થવાં લાગી "આમ જો મારી સામે....!" તેણે લાવણ્યાનો ચેહરો પોતાનાં બંને હાથમાં લીધો.

"મેં....મેં....બૂમ પાડી તોય ઊભો નાં રહ્યો...!" લાવણ્યા કઈંપણ સાંભળ્યા વગર બબડાટ કરે જતી હતી "કેટલો ...કેટલો ..ટોર્ચર કર્યો બિચારાંને....કેટલો....!" હીબકાંને લીધે લાવણ્યાનો સ્વર રૂંધવાં લાગ્યો.

"લાવણ્યા ...આમ જો મારી સામે....શું થાય છે તને..." પ્રેમ હવે ડરી ગયો.

"તને ખબર છે.....! આજે...આજેજ એણે મને હગ કરી હતી...! મને...મને...કીધું'તું પણ ખરાં...!" લાવણ્યા હજીપણ એજરીતે બબડાટ કરી રહી હતી "કે...કે..એ મને હગ કરે છે તો એને...એને બહુ ગમે છે...!"

"લાવણ્યા...મારી સામું જો...!" પ્રેમે લાવણ્યાને હચમચાવી નાંખી. છતાંપણ લાવણ્યા બબડાટ કરે જતી હતી.

"અરે મેડમ...!" પ્રેમે હવે સિદ્ધાર્થની સારવાર કરી રહેલી નર્સની સામે જોઈને કહ્યું "આને શું થાય છે....!?જોવોને પ્લીઝ...!"

"અરે ભાઈ...!" સિદ્ધાર્થને ઑક્સીજન માસ્ક ચડાવી રહેલો છોકરો બોલ્યો "અમે આ ભાઈને બચાવીએ કે એ બેન'ને....!"

પ્રેમે ફરી લાવણ્યા સામે જોયું. તે હજીપણ બબડાટ કરે જતી હતી.

"અરે ઓ બે'ન....!" ઓલી નર્સ થોડાં ઊંચાં સ્વરમાં બોલી લાવણ્યાએ અને પ્રેમે તેની સામે જોયું. તે નર્સ હવે સિદ્ધાર્થની બાજુ હાથ કરીને બોલી "આ ભાઈને તમારી જરૂર છે....! તમે આ રીતે રડરડ કરશો તો આ ભાઈને કોણ સાચવશે....!?"

એટલું બોલીને એ નર્સ ફરીવાર પોતાનાં કામે લાગી ગઈ. પણ તેણે અજાણતાં કહેલી વાતની અસર લાવણ્યા ઉપર તરતજ થઈ.

"સિદ્ધાર્થને મારી જરૂર છે....!" ડૂસકાં લેતી-લેતી લાવણ્યા સિદ્ધાર્થની સામે જોઈ મનમાં વિચારી રહી. તેણે ફટાફટ તેનો ચેહરો જેમ-તેમ લૂંછવાં માંડ્યો. પોતાનાં ધબકારાં શાંત થાય એ માટે તેણે આંખો બંધ કરીને ઉંડા-ઉંડા શ્વાસ લેવાં લાગ્યાં. કેટલીક ક્ષણોમાંજ લાવણ્યા તદ્દન નોર્મલ થઈ ગઈ.

"પ્રેમ....!" લાવણ્યાએ શાંત અને સ્થિર સ્વરમાં પ્રેમ સામે જોયું "મને પાણી આપને...!"

પ્રેમ લાવણ્યાને આશ્ચર્યથી જોઈ રહ્યો. તે હવે તદ્દન શાંત થઈ ગઈ હતી.

"તમારી પાછળ.....! સીટની બાજુમાં જોવો....!" તે નર્સ બોલી "બોટલ પડી હશે...!"

નર્સની વાત સાંભળીને લાવણ્યાએ તરતજ તેની જમણી તરફ સીટની બાજુમાં જોયું. ત્યાં પડેલી પ્લાસ્ટિકની બોટલ તેણે ઉઠાવી અને ઢાંકણું ખોલી ગટાગટ થોડું પાણી પીધું. ઢાંકણું વાશી બોટલ પાછી તેની જગ્યાએ મૂકી લાવણ્યા હવે સિદ્ધાર્થનો હાથ તેનાં બંને હાથમાં દબાવીને શાંતિથી બેસી ગઈ.

પ્રેમ કઈંપણ બોલ્યાં વગર તેની સામે જોઈ રહ્યો. કેટલીક ક્ષણો પહેલાં જે લાવણ્યા સાવ પડી ભાંગી હતી અને બઘાઈ ગઈ હતી તે હવે તદ્દન શાંત અને સ્વસ્થ લાગતી હતી. પ્રેમ કેટલીક ક્ષણો સુધી લાવણ્યા સામે જોઈને વિચારી રહ્યો. લાવણ્યા શાંત થઈ ગઈ હતી, છતાંપણ સિદ્ધાર્થની હાલત જોઈને ક્યારેક ક્યારે તેની આંખોમાંથી આંસુની ધાર નીકળી જતી હતી. લાવણ્યા તરતજ તેનાં વહી રહેલાં આંસુઓને રોકી લૂંછી લેતી હતી.

"પ્રેમ....!" સિદ્ધાર્થનો હાથ પોતાનાં હાથોમાં પકડી રાખી લાવણ્યાએ શાંત સ્વરમાં કહ્યું "કામ્યા, ત્રિશા....! એ બધાંને કીધું...!?"

"હં....! અ...! હાં....!" પ્રેમ જાણે તંદ્રામાંથી બહાર આવ્યો હોય એમ બોલ્યો "બીજાં બધાંને ખબર છે...! રોનક અને ત્રિશા લેકચરમાં હતાં.....!"

લાવણ્યા કઈંપણ બોલ્યાં વગર સિદ્ધાર્થ સામે જોઈ રહી.

"હું એ બંનેને મેસેજ કરી દઉં છું....!" થોડીવાર પછી પ્રેમ બોલ્યો અને પોતાનો ફોન કાઢીને મેસેજ કરવાં લાગ્યો.

વી.એસ હોસ્પિટલ લગભગ પહોંચવાં આવેલી એમ્બ્યુલન્સ હવે આશ્રમ રોડ ઉપર પુરપાટ દોડી રહી હતી. લાવણ્યા સિદ્ધાર્થ સામે જોઈને બેસી રહી હતી. તેણે ભલે પોતાની આંખમાં આવતાં આંસુઓ રોકી લીધાં હતાં પણ તેની અંતરઆત્મા સિદ્ધાર્થની એ હાલત ઉપર રડી રહી હતી.

----

"આઘાં ખાસો જલ્દી.....!" સિદ્ધાર્થને એમ્બ્યુલન્સમાં પાલડી વી.એસ હોસ્પિટલ ખસેડવાંમાં આવ્યો હતો. હોસ્પિટલનાં કોરિડોરમાં સિદ્ધાર્થને સ્ટ્રેચરમાં સૂવાડીને ICU વૉર્ડમાં લઈ જવાઈ રહ્યો હતો. ICU વૉર્ડનાં રૂમ નંબર 11નો દરવાજો ખોલી હોસ્પિટલનાં સ્ટાફ દ્વારાં સિદ્ધાર્થને અંદર દાખલ કરાયો.

"ICU....!?" લાવણ્યા પ્રેમ સામે ભયથી જોઈને બબડી.

સિદ્ધાર્થની ચિંતામાં તેનાં સ્ટ્રેચરની જોડે દોડી રહેલી લાવણ્યાને અત્યારસુધી એ નહોતી ખબર કે સિદ્ધાર્થને ICUમાં દાખલ કરવાનો છે.

"પ્રેમ....! પ્રેમ...! ICU સ...સિદ્ધાર્થને ICUમાં કેમ....!?" લાવણ્યા માંડ-માંડ બોલી રહી હતી.

પ્રેમે જોયું કે લાવણ્યા ફરીવાર સ્ટ્રેસમાં આવી રહી હતી. તેનાં ધબકારાં વધવાં લાગ્યાં હતાં અને માથે પરસેવો વળવાં માંડ્યો હતો.

"લાવણ્યા....!" પ્રેમ બોલ્યો ત્યાંજ લાવણ્યા સીધી અંદર ICU રૂમમાં જવા લાગી.

"અરે...બે'ન તમે બા'ર ઊભાં રો'.....!" ICUનો દરવાજો બંધ કરી રહેલી નર્સ બોલી.

"લાવણ્યા ....! આમ આવ....!" પ્રેમે લાવણ્યાનો હાથ પકડીને તેને પાછી ખેંચી.

"પ્રેમ.....!" લાવણ્યા ફરી ભાંગી પડી અને રડવાં લાગી "એને ....એને કઈં નઈ થાયને....!"

"ના....! એને કઈં નઈ થાય....! લાવણ્યા ....! તું ચિંતાના કર...!" પ્રેમે લાવણ્યાને શાંત કરવા કહ્યું "આમ...જો....! મારી સામે જો....!" પ્રેમે લાવણ્યાનો ચેહરો તેનાં બંને હાથમાં પકડ્યો. લાવણ્યાએ આંસુ નીતરતી આંખે તેની સામે જોયું. તે ફરી હીબકે ચઢી.

"ICUમાં....! એને ICUમાં ..!"

"એને તારી જરૂર છે લાવણ્યા...! પ્લીઝ....! પ્લીઝ ....! જો તું શાંત નહીં થાઉં ....તો એને કોણ સાચવશે.....! નેહાતો એને ટોર્ચરજ કરે છે....! તો એ કોની જોડે જશે...બોલ...!?"

પ્રેમની વાત સાંભળી લાવણ્યાએ ધીરે-ધીરે રડવાનું બંધ કર્યું અને પોતાનો ચેહરો લૂંછવાં માંડી. એમ કરવાં જતાં પેહલેથી આઈલાઇનરનાં કાળાં કલરથી ખરડાયેલો તેનો ચેહરો હવે વધુ ખરડાઇ ગયો. લાવણ્યાએ લગાવેલી લિપસ્ટિકનો કલર પણ ચેહરો લૂંછતી વખતે થોડો ફેલાયો. લાવણ્યાએ જોકે એ બધી વાતની કોઈ પરવાં નાં કરી. પંદરેક મિનીટ પછી લાવણ્યા સંપૂર્ણપણે સ્વસ્થ થઈ. આમછતાંય તેનું મન હજીપણ સિદ્ધાર્થની ચિંતામાં રઘવાટ કરે જતું હતું.

"પ્રેમ.....! લાવણ્યા....!" વધુ દસેક મિનિટ વિત્યા પછી ICUનાં રૂમ તરફ ઉતાવળાં પગલે આવતી કામ્યા બોલી.

રૂમની સામે લાકડાંની બેઠક ઉપર બેઠેલો પ્રેમ ઊભો થઈ ગયો. લાવણ્યા ઊભી-ઊભી આંટા મારી રહી હતી. બંનેએ કામ્યા સામે જોયું. કામ્યાની પાછળ-પાછળ રોનક, ત્રિશા, અંકિતા પણ આવી રહ્યાં હતાં.

બધાં ટોળું વળીને લાવણ્યા અને પ્રેમની જોડે ઊભાં રહ્યાં.

"લાવણ્યા....!" ત્રિશાએ લાવણ્યાનાં હાથ તેનાં બંને હાથમાં લઈ લીધા. અંકિતા પણ તરતજ લાવણ્યાને વળગી પડી. મિત્રોની હાજરીનાં લાવણ્યા ફરીવાર ભાંગી પડી અને રડવાં લાગી. કામ્યા અને ત્રિશા પણ તેની જોડે-જોડે રડી પડ્યાં. પ્રેમ અને રોનકે બધાંને માંડ શાંત કરાવ્યાં. લાવણ્યાને શાંત કરાવવામાં વધુ સમય લાગી ગયો.

ત્રિશા અને અંકિતા લાકડાંની બેઠક ઉપર બેસ્યાં તો પ્રેમ અને રોનક બેઠકની જોડે દીવાલનાં ટેકે ઊભાં રહ્યાં. કામ્યા લાવણ્યાની જોડે તેનો હાથ પકડીને ઊભી રહી.

"સિદ્ધાર્થ....!" થોડીવાર પછી કોરિડોરમાં લિફ્ટ બાજુથી બૂમ સંભળાઈ. બધાંએ તે તરફ જોયું.

એ સિદ્ધાર્થનાં મામા અને કોલેજનાં ટ્રસ્ટી સુરેશસિંઘ હતાં જેઓ ઉતાવળાં પગલે તેમની તરફ આવી રહ્યાં હતાં. તેનો સિદ્ધાર્થની જેમ ઊંચા અને પ્રભાવશાળી હતાં. તેઓ કાયમ સફારીજ પહેરતાં. લાવણ્યા સહિત બધાં ત્યારે ચોંકી ઊઠ્યાં જ્યારે સુરેશસિંઘની પાછળ-પાછળ નેહા પણ ઉતાવળાં પગલે આવી રહી હતી.

પ્રેમ સહિત બધાંએ લાવણ્યા તરફ જોયું. લાવણ્યા ગભરાઈ ગઈ.

"ક્યાંછે....! સિદ્ધાર્થ ક્યાં છે...!?" સુરેશસિંઘ બધાંની જોડે આવીને ઊભાં રહ્યાં અને વારાફરતી બધાંની તરફ નજર નાંખીને પૂછવાં લાગ્યાં. નેહા સુરેશસિંઘની લગોલગ આવીને ઊભી રહી ગઈ.

"અ...અંદર છે...!" લાવણ્યાએ સહેજ આગળ આવીને હિમ્મત કરતાં કહ્યું "ICUમાં....!"

સુરેશસિંઘે કઈંપણ બોલ્યાં વગર પહેલાં નેહા તરફ જોયું. બંનેએ એકસાથે લાવણ્યા તરફ ભવાં સંકોચિ અતિશય તુચ્છ નજરે જોયું. લાવણ્યા સહિત બધાંને આંચકો લાગી ગયો. કઈંપણ બોલ્યાં વગર તે બંનેએ લાવણ્યાનું જે રીતે અપમાન કર્યું તે જોઈને બધાંજ ડઘાઈ ગયાં.

લાવણ્યા ડરી ગઈ અને બે ડગલાં પાછી ખસી પ્રેમની પાછળ તેનો હાથ પકડી અડધી સંતાઈ ગઈ. તે રડુંરડું થઈ ગઈ. તેની આંખો ભીની થઈ ગઈ. એમાંય સુરેશસિંઘેતો એટલાં તુચ્છકારથી અને એટલી વેધક નજરે લાવણ્યાની સામે જોયું કે લાવણ્યાને સિદ્ધાર્થને પ્રેમ કરવાં બદલ પોતાની ઉપરજ ઘૃણાં ઊપજી.

સુરેશસિંઘ હજીપણ એજરીતે લાવણ્યા સામે જોઈ રહ્યાં.

લાવણ્યાનું માથું શરમથી નીચું ઝૂકી ગયું. તેમની વેધક નજરથી બચવાં લાવણ્યાને જીવન ટૂંકાવી દેવાની ઈચ્છા સુદ્ધાં થઈ ગઈ. જો ધરતી ફાટી જાય તો અત્યારેજ એમાં સમાઈ જાઉં એવું તેનાં મનમાં આવી ગયું. લાવણ્યા ધ્રુજી ઉઠી અને પ્રેમનો હાથ દબાવવાં લાગી. લાવણ્યાનું અપમાન પ્રેમથી સહન નાં થયું. તેની આંખ પણ ભીની થઈ ગઈ.

"નેહા....!" સુરેશસિંઘે લાવણ્યા તરફથી આખરે નજર હટાવી "તું અંહિયાં રે'...! હું અહીંનાં સિનિયર ડોક્ટરને મળીને આવું....!"

નેહાએ ફક્ત માથું ધૂણાવી દીધું. સુરેશસિંઘ પાછાં લિફ્ટની દિશામાં ચાલતાં જવાં લાગ્યાં. નેહાએ હવે ICUનાં દરવાજા સામે જોયે રાખ્યું. તેણે બીજાં કોઇની જોડે વાત કરવાનું ટાળ્યું.

સુરેશસિંઘનાં ગયાં પછી પણ લાવણ્યા તેમની વેધક નજરને યાદ કરી ફફડી રહી હતી. તે પોક મૂકીને રડી પડવાં માંગતી હતી પણ નેહાની હાજરીમાં તેની હિમ્મતજ ના ચાલી.

કોરિડોરમાં સહેજ કોલાહલ થતાંજ બધાંએ અવાજની દિશામાં જોયું. અડધો કલ્લાક પછી સુરેશસિંઘ પાછાં આવ્યાં હતાં અને તેમની જોડે એક પોલીસ ઇન્સ્પેક્ટર અને બે હવાલદાર પણ હતાં. નેહાની હાજરીમાં ગભરાયેલી લાવણ્યા હજીપણ પ્રેમની પાછળજ અડધી સંતાઈને ઊભી રહી હતી.

"એક્સિડેન્ટ કોણે સૌથી પહેલાં જોયો હતો...!?" સુરેશસિંઘે નજીક આવીને બધાંને ઉદ્ધેશીને કહ્યું. તેમણે લાવણ્યા તરફ નજર નાંખવાનું ટાળ્યું. નેહા હવે બધાંની વચ્ચે ઊભી હતી. લાવણ્યાની કોઈજ હિમ્મત ના થઈ સુરેશસિંઘનો સામનો કરવાની.

"લ...લાવણ્યાએ....!" પ્રેમ માંડ બોલ્યો અને તેની પાછળ અડધી સંતાઈને ફફડી રહેલી લાવણ્યાની સામે જોયું. લાવણ્યાએ પ્રેમનાં બાવડાં ઉપર મજબૂતીથી તેનો હાથ મૂક્યો. પ્રેમે તેનો ડાબો હાથ લાવણ્યાનાં હાથ ઉપર મૂકી તેને હિમ્મત આપવાં પ્રયત્ન કર્યો.

"ક...ક..કારવાળાંએ ટ...ટ..ટક્કર મારી હતી....!" લાવણ્યા પ્રેમની પાછળજ સંતાયેલી રહીને માંડ બોલી.

સુરેશસિંઘે ફરીવાર એજ તુચ્છકારભરી વેધક નજર લાવણ્યા તરફ નાંખી. લાવણ્યા ડરી ગઈ અને ફરી પ્રેમની પાછળ લપાઈ ગઈ.

"એવું તો શું થયું હતું કે સિદ્ધાર્થ એટલી બધી સ્પીડમાં બાઇક લઈને નીકળી ગયો...!?" સુરેશસિંઘે લાવણ્યા સિવાય અન્ય મિત્રો તરફ જોઈને પૂછ્યું.

"કઈં નઈ અંકલ....!" કોઈ કશું બોલે એ પહેલાંજ નેહા વચ્ચે બોલી પડી "એનું ડ્રાઇવિંગ પે'લ્લેથી રફ છે...! નઈ લાવણ્યા...!?"

નેહાએ લાવણ્યા સામે ઘુરકીને જોયું. બધાંએ નેહાની એ નજર જોઈ.

"હં...! હાં...!" ફફડી ગયેલી લાવણ્યા માંડ એટલું બોલી.

"કાર ચાલક સ્ટેશનમાં હાજર થઈ ગયો છે સાહેબ...!" ઇન્સ્પેક્ટરે સુરેશસિંઘને ઉદ્દેશીને કહ્યું.

પબ્લિકનાં મારથી બચવાં કાર ચાલકે કાર ઊભી રાખવાની જગ્યાએ ભગાડી મૂકી હતી અને ત્યારબાદ તે સ્થાનિક પોલીસસ્ટેશનમાં હાજર થઈ ગયો હતો.

"હું FIR નોંધી લઉં છું....!" ઈન્સ્પેકટર બોલ્યો. તેની જોડે રહેલો હવાલદર કયારનો તેનાં નોટપેડમાં કઇંક લખી રહ્યો હતો. થોડી વધુ પૂછતાછ પછી તેમણે લાવણ્યાની સ્ટેટમેન્ટ ઉપર સહી કરાવી અને ત્યાંથી રવાના થયાં.

"હવે તમારે બધાએ જાવું હોય તો જાવ...!" પોલીસનાં ગયાં પછી સુરેશસિંઘે પ્રેમ સામે જોઈને કહ્યું "હવે અમે સંભાળી લઈશું...! સિદ્ધાર્થનાં મમ્મી-પપ્પા પણ બરોડાથી નીકળી ગયાં છે...!" તેમણે ફરીવાર લાવણ્યા સામે જોવાનું ટાળ્યું.

"જી સર...!" એટલું કહીને પ્રેમે પહેલાં ત્રિશા, કામ્યા અને અંકિતા તરફ જોયું. રોનક હવે આગળ ચાલતો થયો. પ્રેમે તેની પાછળ લાપાઈ રહેલી લાવણ્યાની સામે જોયું.

"નઇ...નઈ નઈ નઈ...!" લાવણ્યા અત્યંત ધીમાં સ્વરમાં ફફડતી-ફફડતી નકારમાં ઝડપથી માથું ધૂણવવાં લાગી "સ.... Sid....સિદ્ધાર્થ....!" લાવણ્યાએ ICUનાં દરવાજા તરફ ઈશારો કર્યો. પ્રેમ ભીની આંખે બાળકની જેમ ફફડી રહેલી લાવણ્યા સામે જોઈ રહ્યો. લાવણ્યાને ફરીવાર શ્વાસ ચડવાનો ચાલુ થઈ ગયો અને તેનું કપાળ ફરીવાર પરસેવાથી ભીનું થવાં લાગ્યું.

"લાવણ્યા લેટ્સ ગો....! એની ફેમિલી છે અંહિયાં....!" કામ્યા પણ ભીની આંખે લાવણ્યાનાં ખભાં ઉપર હાથ મૂકતાં બોલી.

"મ...મારે..મારે એને જોવો છે....!" લાવણ્યાની આંખમાંથી આંસુ સરવાં લાગ્યાં.

કામ્યાએ દયાથી લાવણ્યા સામે જોયું અને પછી પ્રેમ સામે જોયું.

"લાવણ્યા....! નેહા અંહિયા છે....!" પ્રેમે લાવણ્યા તરફ ફરીને ધીમાં સ્વરમાં નેહાને નાં સંભળાય એરીતે કહ્યું "તને તો ખબરજ છેને એ કેવી છે.....! આપણે નહીં જઈએ તો એ અહીંયા પણ ઝઘડવાં બેસી જશે...!"

લાવણ્યા ફફડી ગઈ અને પ્રેમ સામે જોઈ રહી. તેણે ફટાફટ તેની આંખો લૂંછવાં માંડી.

"તો ...તો આપણે બપોરે પાછાં આવશું...!?" લાવણ્યાએ નેહા કે સુરેશસિંઘને સંભળાય નહીં એરીતે ધીમાં સ્વરમાં કહ્યું.

લાવણ્યા જીદ્દે ચઢે એનાં કરતાં પ્રેમે હકારમાં માથું ધૂણાવી દેવાનું ઠીક માન્યું.

"તો...! ચલ....!" લાવણ્યાએ એટલું કહ્યું.

કામ્યા અને અંકિતા આગળ ચાલવાં લાગ્યાં ત્યારબાદ પ્રેમ ચાલ્યો. તેણે ટ્રસ્ટી સાહેબ સામે ડોકી હલાવી દીધી. લાવણ્યા સુરેશસિંઘની નજરથી બચવાં પ્રેમની પાછળ લપાઈને ચાલવાં લાગી. ત્રિશા સૌથી છેલ્લે ચાલી રહી.

છેક લિફ્ટ પાસે પહોંચ્યાં પછી લાવણ્યાએ રાહતનો શ્વાસ લીધો. બધાંથી પહેલાં પહોંચી ગયેલાં રોનકે લિફ્ટ રોકી રાખી હતી. બધાં વારાફરતી લિફ્ટમાં દાખલ થયાં. રોનકે ગ્રાઉંડ ફ્લોરનો બટન દબાવી દીધું.

લિફ્ટ ગ્રાઉંડ ફ્લોર ઉપર આવી. બધાં લિફ્ટમાંથી બહાર નીકળી હોસ્પિટલની બિલ્ડિંગમાંથી બહાર નીકળ્યાં. થોડું આગળ ચાલી બધાં એક જગ્યાએ ટોળુંવળીને ઊભાં રહ્યાં.

"અરે હા....! લાવણ્યા આ તારો ફોન...!" અંકિતાએ તેનાં જીન્સનાં ખીસ્સાંમાંથી લાવણ્યાનો ફોન કાઢીને આપ્યો "પણ આમાં વિશાલનો ફોન કેમ આય-આય કરતો'તો....!?"

"વિશાલ.....!?" પ્રેમ અને કામ્યા બંને આશ્ચર્યથી લગભગ સાથેજ બોલ્યાં.

"એણે તો તારી છેડતી નહોતી કરી...!?" ત્રિશા પણ આશ્ચર્ય સાથે બોલી. રોનક પણ હવે આંખો મોટી કરીને લાવણ્યા સામે જોઈ રહ્યો.

લાવણ્યા શરમથી નીચું જોઈ ગઈ. બધાં હવે લાવણ્યાની સામે પ્રશ્નાર્થ નજરે જોઈ રહ્યાં. થોડીવાર સુધી કઈંપણ બોલ્યાં વગર લાવણ્યા વિચારી રહી.

"હવે સાચું કે'વુજ પડશે..!" લાવણ્યા નીચે તાકી રહેતાં મનમાં બબડી.

"લાવણ્યા...! શું વાત છે....! કહીશ તું..!?" કામ્યાએ લાવણ્યાને તેનો ખભો પકડીને સહેજ ઢંઢોળી.

પ્રેમ પણ તેની સામે અધિર્યા જીવે જોઈ રહ્યો.

"એણે....મ....મારી છેડતી નહોતી કરી....!" લાવણ્યા ડરતાં-ડરતાં બધાંની સામે જોતાં-જોતાં બોલી "મેં જ એને અને રાકેશને એવું કરવાંનું કહ્યું હતું...!"

"What....!?" પ્રેમ સહિત બધાં ચોંકી પડ્યાં.

"હ....હ....!" લાવણ્યાને ડૂસકાં આવી ગયાં "I'm sorry....! I'm sorry....!"

"લાવણ્યા તું શું બોલે છે...!?" કામ્યા બોલી "તે જાતેજ તારી છેડતી કરાવી....!?"

"હં....! હા.....! હા....!" લાવણ્યા રડતાં-રડતાં માંડ બોલી.

"પણ શું કરવાં આવું કરવાની જરૂર પડી તારે...!?" પ્રેમ બોલ્યો.

"સ....સ.. સિદ્ધાર્થનું એટેન્શન ગેઈન કરવાં.....!" લાવણ્યા બોલી.

"અરે....! તું ગાંડી થઈ ગઈ છે છોકરી....!?" ત્રિશા હતપ્રભ સ્વરમાં બોલી "આવું કોઈ કરે...!?"

"I was so desperate for him...!" લાવણ્યા રડતાં-રડતાં માંડ બોલી "એતો મારી સામે પણ નહોતો જોતો....! મારાંથી એ સહન ના થયું તો મેં ...મેં વિશાલની મદદથી એ બધુ પ્લાન કર્યું....!"

"ઓહ ગોડ લાવણ્યા....!" હતપ્રભ થઈ ગયેલી કામ્યા બોલી "એ છોકરાંનાં પ્રેમમાં ને પ્રેમમાં તું ક્યાંથી ક્યાં પહોંચી ગઈ...!"

"I'm so sorry...!" લાવણ્યાએ બધાં તરફ નજર ફેરવીને કહ્યું અને રડવાં લાગી. પ્રેમે તેને ગળે વળગાળી દીધી અને રડવાં દીધી. કામ્યા અને ત્રિશા લાવણ્યાની પીઠ પસવારવાં લાગ્યાં અને તેને શાંત કરવાનો પ્રયન્ત કરવાં લાગ્યાં.

ખાસ્સું રડ્યા પછી લાવણ્યા છેવટે શાંત થઈ. લાવણ્યા હજીપણ પ્રેમનો હાથ પકડીને ઊભી રહી હતી. જોકે તે હવે નોર્મલ થઈ ગઈ હતી. હવે તેનાં મગજમાં સતત સિદ્ધાર્થની સલામતીના વિચારો ઘૂમરાયાં કરતાં હતાં.

"અંકિતા...!" કામ્યાએ અંકિતા સામે જોઈને કહ્યું "તું લાવણ્યાને લઈને એનાં ઘરેજાં....!" કામ્યા સહિત બધાંએ લાવણ્યા સામે જોયું.

"લાવણ્યા....! તું ઘરે જઈને ફ્રેશ થઈજાં...! જો તારો ચેહરો આઈલાઇનરથી ખરાબ થઈ ગયો છે...!" કામ્યા બોલી "તું ફ્રેશ થઈને અંકિતા સાથેજ પાછી આવજે....! પછી આપણે સાંજે ફરીવાર સિદ્ધાર્થને મળવાં જઈશું..! OK...!"

"હાં...હાં....! OK OK....!" સિદ્ધાર્થને મળવાની વાત સાંભળીને લાવણ્યા ખુશ થઈ ગઈ અને કોઈપણ જાતની આનાકાની વગર ઘરે જવાં તૈયાર થઈ ગઈ "હું એનાં ફેવરિટ બ્લેક કલરનો ડ્રેસ પે'રી લઇશ....! એ જોશે તો....તો ખુશ થઈ જશે....!" લાવણ્યા બાળકની જેમ બોલી.

"લાવણ્યા...!?" લાવણ્યાની સ્થિતિથી અજાણ અંકિતાને લાવણ્યાના વિચિત્ર વર્તન ઉપર નવાઈ લાગી "તું કેમ આમ...!"

"અંકિતા....!" કામ્યા વચ્ચે બોલી અને નકારમાં માથું ધૂણવવાં લાગી. અંકિતાને કઈં સમજાયું તો નહીં પણ તે કઈં બોલી નહીં.

"લાવણ્યા....! ચાલ...! હું એક્ટિવા લઈને આવી છું...!" અંકિતા બોલી. લાવણ્યાએ ડોકી ધૂણાવી અને અંકિતા જોડે ચાલવાં લાગી. બંને હોસ્પિટલનાં પાર્કિંગ તરફ જવાં લાગ્યાં.

"રોનક...!તું પણ ત્રિશા જોડે નિકળ....! અંકિતા લાવણ્યાને એનાં ઘરે લઈ જશે...!" કામ્યાએ એ બંને તરફ જોઈને કહ્યું "હું અને પ્રેમ મારાં એક્ટિવા ઉપર આવી જઈશું...!"

"મારું તો મૂડજ મરી ગયું છે...! કોલેજ પાછાં જવાનું...!" ત્રિશા ઢીલાં સ્વરમાં બોલી "એ કેટલો સરસ છોકરો છે યાર....!" એટલું કહેતાંજ ત્રિશા ભાંગી પડી અને કામ્યાનાં ખભે માથું મૂકી રડવાં લાગી.

"ઓલી એને ઝપવાંજ નથી દેતી...!" રડતાં રડતાં ત્રિશા બોલી "સાવ મૂંઝાયેલો-મૂંઝાયેલો ફર્યા કરે છે બિચારો....! શું નું શું થઈ ગયું.....!"

કામ્યાએ માંડ-માંડ ત્રિશાને શાંત કરાવી.

"અમે ઘરેજ જતાં રહીએ છે....!" રોનક પ્રેમ અને કામ્યા તરફ જોઈને બોલ્યો "મારું પણ મૂડ નથી ....! કઈં કામ હોયતો ફોન કરજો...!"

બંનેએ હકારમાં માથું ધૂણાવી દીધું. રોનક અને ત્રિશા પાર્કિંગ તરફ જવાં લાગ્યાં.

"પ્રેમ....!" રોનક અને ત્રિશા જતાં જોઈ રહેલી કામ્યા શાંત સ્વરમાં બોલી "તું કોઈ સારાં સાઇકોલોજીસ્ટને ઓળખે છે...!?"

"કામ્યા....!" પ્રેમ ભીની આંખે કામ્યા સામે જોઈ રહ્યો અને ધ્રૂજતાં સ્વરમાં બોલ્યો "લાવણ્યા...! લાવણ્યા ગાંડી નથી...!"

"પ્રેમ....!" કામ્યાની આંખો પણ ભીની થઈ ગઈ "એણે જાતે પોતાની છેડતી કરાવી...! તું એનું વર્તન તો જો ....! સાવ બાળક જેવી થઈ ગઈ છે....!પ્રેમ પ્લીઝ....! કમસે કમ આપણે સલાહ તો લેવીજ જોઈએ...! હું એનાં માટેજ કહું છું...!"

"I love her ....! I love her કામ્યા...!" પ્રેમ રડી પડ્યો અને કામ્યાને વળગી પડ્યો.

"I know પ્રેમ....! I know....! પણ એનાં માટે આપણે આ કરવુંજ પડશે..! પ્લીઝ...!" કામ્યાએ તેની સામે જોતાં કહ્યું.

થોડીવાર પછી પ્રેમ શાંત થયો.

"આપણે ક્યાંક શાંતિથી બેસીને વાત કરીએ....!" કામ્યા બોલી "હું એક્ટિવા લેતી આવું ...!"

"હમ્મ....!" પ્રેમ બોલ્યો.

"એક કામ કર....!" જતાં-જતાં કામ્યા પાછું ફરીને બોલી "વિશાલને ફોન કરીને બોલાવી લે...!"

"હેં....!?" પ્રેમે નવાઈ પામીને તેની સામે જોયું.

"હાં....! એની જરૂર પડશે...!" કામ્યા શાંતિથી બોલી "તું એને NIDની પાછળનાં રિવરફ્રંટ ઉપર બોલાવી લે...!"

એટલું કહીને કામ્યા પાર્કિંગ બાજુ જવાં લાગી. પ્રેમ તેને જતી જોઈ રહ્યો અને વિચારી રહ્યો. થોડીવાર પછી તેણે પોતાનો ફોન કાઢી વિશાલનો નંબર ડાયલ કર્યો.

----

"અરે....!? તું અત્યારે ઘરે આવી ગઈ.....!?" લાવણ્યાનાં મમ્મી સુભદ્રાબેને ઉતાવળાં પગલે સીડીઓ ચઢી રહેલી લાવણ્યાને પૂછ્યું. અંકિતા એક્ટિવા ઉપર લાવણ્યાને ફ્રેશ થવાં માટે તેનાં ઘરે લઈને આવી હતી.

"અંકિતા...!" લાવણ્યાએ નીચે ડ્રૉઇંગરૂમમાં ઊભેલી અંકિતાને કહ્યું "તું મમ્મીને બધુ કે'ને....! હું ત્યાંસુધી ફ્રેશ થઈને તૈયાર થાઉં...!"

એટલું કહીને લાવણ્યા બાકીની સીડીઓ ચડીને પોતાનાં બેડરૂમમાં ચાલી ગઈ.

"આવ અંકિતા...! બેસ...!" સુભદ્રાબેને અંકિતાને સોફાંમાં બેસવાં કહ્યું "શું પીશ તું...!?ચ્હા...કોફી..!?"

"આંટી...! માથું બહુ સખત દુખે છે...ચ્હા પીવડાવોજો...!" અંકિતા સોફાંમાં બેસતાં બોલી.

"અરે ....! કેમ શું થયું....!?"

"આંટી .....! સિદ્ધાર્થ ICUમાં છે....! એનો એક્સિડેંન્ટ થયો છે....!"

"બાપરે બાપ...! ક્યારે ...!? કેવીરીતે...!?"

અંકિતાએ ત્યારબાદ લાવણ્યાનાં મમ્મીને સિદ્ધાર્થનાં એક્સિડેંન્ટની વાત કહી સંભળાવી. જોકે તેણે જરૂરિયાત પૂરતીજ વાત કહી.

----

"લાવણ્યા હદ ઓળંગી ગઈ છે પ્રેમ....!" કામ્યા તેની સામે ઊભેલાં પ્રેમને કહી રહી હતી. બંને NIDની પાછળ રિવરફ્રંટનાં ઉપરનાં ભાગમાં ઊભાં હતાં.

"સિદ્ધાર્થનાં પ્રેમમાં તે પોતાનું અસ્તિત્વ ગુમાવી ચૂકી છે...!" કામ્યા ગળગળાં સ્વરમાં બોલી.

"મને પહેલાં હતું કે સિદ્ધાર્થ માટે તે ખૂબ પઝેસિવ અને પ્રોટેક્ટિવ છે એટ્લે એવું બાળકો જેવુ બિહેવ કરતી હશે...!" પ્રેમ ધીમા સ્વરમાં શૂન્યમનસ્ક તાકતો બોલ્યો "પણ વાત ખાલી એટલીજ નથી....! એ કદાચ....! કદાચ....!"

"ડરી ગઈ છે....!" બંનેની પાછળથી કોઈકનો આવ્યો. કામ્યા અને પ્રેમે પાછળ ફરીને જોયું. પાછળ વિશાલ ઊભો હતો જે ક્યારની બંનેની વાત સાંભળી રહ્યો હતો.

વિશાલ ફરીને બનેની આગળ આવીને ઊભો રહ્યો.

"એ ડરી ગઈ છે....! કે નેહા સિદ્ધાર્થને એનાથી છીનવી લેશે...!" વિશાલ બોલ્યો "સિદ્ધાર્થને કેવું છે હવે...!?" પ્રેમે વિશાલને ફોન ઉપર સિદ્ધાર્થનાં એક્સિડેંન્ટની વાત કહી હતી.

"આઇસીયુમાં છે....!" કામ્યા બોલી.

"લાવણ્યાએ તમને બધુ કીધું...!? મારાં વિષે...!?" વિશાલે બંને સામે જોઈને પૂછ્યું.

"હાં....! એ બધી વાત છોડને....!" કામ્યા બોલી "તું શું કે'તોતો .....! એનું બિહેવિયર જોયું છે તે...!?"

"હાં....! જોયું છે....! તું સાચું કે'છે....! એ સાવ બાળકો જેવું વર્તન કરે છે....!"

"તો પછી તે કઈં કર્યું કેમ નહીં...!?" પ્રેમે પૂછ્યું.

વિશાલે એક ઊંડો શ્વાસ લીધો અને કહ્યું "મેં મારાં ફેમિલી ડોક્ટર જોડે વાત કરી'તી....! તો એમણે મને એક સાઇકોલોજીસ્ટને બતાવવાં કહ્યું..!"

"તું કોઈને ઓળખે છે....! જે ફ્રેન્ડલી સલાહ આપી શકે...!?" કામ્યાએ પૂછ્યું.

"નાં....! પણ મારાં ફેમિલી ડોક્ટરે મને એક સાઇકોલોજીસ્ટનું એડ્રેસ આપ્યું છે...!" વિશાલ બોલ્યો "સેટેલાઈટમાંજ છે...ડોક્ટર સુધીર નાયક...!"

"આજે મેળ પડશે....!?" પ્રેમે પૂછ્યું.

"ફ્રેન્ડલી સલાહ માટે એમણે મને સોમથી શુક્રમાં બપોરે એકથી બે આવવાંનું કહેલુંજ છે...!" વિશાલ બોલ્યો "પણ લાવણ્યાને આપણે શું કહીશું કે આપણે એને શેનાં માટે સાઇકોલોજીસ્ટ જોડે લઈ જઈએ છે...!?"

ત્રણેય મૌન થઈ ગયાં અને વિચારવાં લાગ્યાં.

"ક્યારેય નહોતું વિચાર્યું કે લાવણ્યા જેવી છોકરી કોઈ છોકરાંને આટલો પ્રેમ કરશે...કે ...કે ..!" પ્રેમ આગળનું વાક્ય બોલી શકે એ પહેલાંજ એનો સ્વર રુંધાઇ ગયો.

ફરી ત્રણેય વચ્ચે મૌન પથરાઈ ગયું.

"એક આઇડિયા છે....!" થોડીવાર પછી કામ્યા બોલી "આપણે લાવણ્યાને કહીએ કે નેહા સિદ્ધાર્થને ટોર્ચર કરે છે...! એટ્લે એ ડિપ્રેશનમાં આવી ગયો છે...! તો એનાં માટે આપણે કોઈ સારાં સાઇકોલોજીસ્ટને મળવાં જઈએ...!"

"પણ સિદ્ધાર્થતો ICUમાં છેને....!" પ્રેમ બોલ્યો. તે અદબવાળીને એક્ટિવાની સીટને અડીને ઊભો રહ્યો.

"હાં...! પણ આપણે ખાલી સલાહ લેવાં જવું છે એમ કઇશું ....! તો એ નહીં માને...!?" કામ્યાએ પૂછ્યું.

પ્રેમ અને વિશાલ વિચારવાં લાગ્યાં.

"શું વિચારો છો...!?" કામ્યાએ બંને તરફ જોઈને પૂછ્યું.

"મને થોડો ડાઉટ છે...! આ આઇડિયા કામ નઇ કરે...!" વિશાલ બોલ્યો.

"હમ્મ...!" પ્રેમે હકારો ભણ્યો.

"તો તમે બેય કોઈ આઇડિયા કો'...!" કામ્યા બોલી "કઇંકતો કરવુંજ પડશેને....!"

બધાં ફરી મૌન થઈને વિચારવાં લાગ્યાં.

"સિદ્ધાર્થનું નામ સાંભળીને એ તરત હા પાડી દેશે...!" થોડીવાર પછી કામ્યા બોલી "બહુ ઝાઝું વિચાર્યા વિના...!"

"તો પછી એક કામ કરીએ....!" હવે વિશાલ બોલ્યો "તું અંકિતાને ફોન કરીને કઈદે કે એ લાવણ્યાને લઈને સીધી ડોક્ટર સુધીર નાયકની ક્લિનિક આવી જાય .....! લાવણ્યાને કશું કીધાં વગર...! એમપણ વીએસ જવાં માટે બંને સેટેલાઈટ રોડથીજ જશે....! ડોક્ટર સુધીર નાયકની ક્લિનિક સેટેલાઈટ રોડથી થોડીજ અંદર છે....!"

"હમ્મ...!" કામ્યા વિચારવાં લાગી "પછી એ ક્લિનિક ઉપર આવે કે તરતજ આપણે એને સિદ્ધાર્થ માટે સલાહનું કહી દઇશું...!"

"હાં....!" વિશાલે હકારો ભર્યો "એક વાગવાં આવ્યો છે....! લંચ બ્રેકનો ટાઈમપણ થઈ ગયો છે...!"

"હું અંકિતાને ફોન કરી દઉં છું...!" કામ્યા બોલી અને પોતાનાં જીન્સના પોકેટમાંથી મોબાઇલ કાઢ્યો અને અંકિતાનો નંબર ડાયલ કર્યો.

-----

"આંટી ચ્હા સરસ હતી...!" અંકિતાએ ચ્હાનો કપ સુભદ્રાબેનને આપતાં કહ્યું.

"મે જમવાનું બનાવી દીધું છે...!" સુભદ્રાબેન કપ લઈને ઊભાં રહ્યાં "તું અને લાવણ્યા જમીનેજ જજો..."

"હાં આંટી...!" અંકિતા બોલી. સુભદ્રાબેન ચ્હાનો કપ લઈને કિચનમાં જતાં રહ્યાં.

ત્યાંજ સોફાની આગળ કાંચનાં કોફી ટેબલ ઉપર પડેલો અંકિતાનો મોબાઇલ રણકી ઉઠ્યો. અંકિતાએ જોયું કે ફોન કામ્યાનો હતો.

"હા બોલ કામ્યા....!" અંકિતાએ ફોન ઉપાડીને કહ્યું.

"તારી આજુબાજુમાં લાવણ્યાનો નથીને...!?" કામ્યાએ સામેથી પૂછ્યું.

"નાં....!"

"હાં તો મારી વાત ધ્યાનથી સાંભળ...!" કામ્યાએ કહ્યું અને વિશાલ અને પ્રેમ સાથે મળીને તેમણે લાવણ્યા માટે સાઇકોલોજીસ્ટને મળવાં જે પ્લાન બનાવ્યો હતો તે કહી સંભળાવ્યો.

"તને લાગે છે કે આ આઇડિયા કામ કરશે...!?" આખી વાત સાંભળ્યા પછી અંકિતાએ પૂછ્યું.

"બીજો કોઈ રસ્તો નથી યાર...!" કામ્યા બોલી "તું એને લઈને આવ...! અમે ક્લિનિક પહોંચીએ છે..!"

"સારું...! મને ક્લિનિકનું લોકેશન મોકલ...!" અંકિતા બોલી "એ તૈયાર થાય છે...! એની મમ્મીએ જમીને જવાનું કીધું છે...!"

"હાં સારું....! પણ થોડી ઉતાવળ રાખજે...!" કામ્યા બોલી "ચલ બાય...!"

"બાય....!" બંનેએ ફોન કટ કર્યો.

"કેટલીવાર લાવણ્યા...!" કામ્યા જોડે વાત કરીને અંકિતાએ સીડી જોડે ઊભાં રહીને બૂમ પાડી.

"હાં બસ ...! પાંચ મિનીટ....!" લાવણ્યાએ તેનાં બેડરૂમમાંથી બૂમ પાડીને કહ્યું.

થોડીવાર બાદ લાવણ્યા તૈયાર થઈને સીડીઓ ઉતરીને નીચે આવી.

"Wow...!" સીડીનાં છેલ્લાં પગથિયે ઊભી રહેલી લાવણ્યાને જોઈને અંકિતા બોલી "સરસ લાગે છે યાર....!"

લાવણ્યાએ સિદ્ધાર્થનો ફેવરિટ બ્લેક કલરનો ડ્રેસ પહેર્યો હતો. ડ્રેસમાં ગોલ્ડન કલરની ફ્રીહેન્ડ ડિઝાઇનનું વર્ક કરેલું હતું. જોકે લાવણ્યાએ તૈયાર થવાંમાં બહુ વધુ ભપકો નહોતો કર્યો. શક્ય એટલી સાદગી જાળવી હતી.

"થેંક્સ...! ચાલ હવે જલ્દી જઈએ..!" લાવણ્યા છેલ્લું પગથિયું ઉતરીને ચાલવાં લાગી.

"અરે દીકરાં...!" લાવણ્યાનાં મમ્મીએ કિચનમાંથી બહાર આવીને કીધું "જમીને જા....!"

"અરે મમ્મી Sid રાહ જોતો હશે ....!" લાવણ્યા મોઢું બગાડતાં બોલી.

"જમવાનું નામ પડ્યું છે તો જમી લઈએ....!" જોડે ઊભેલી અંકિતા બોલી "અપશુકન થઈ ગયું તો..!? ક્યાંક સિદ્ધાર્થને તું આ બ્લેક ડ્રેસમાં નાં ગમી તો....!?" અંકિતાએ લાવણ્યાને ચીડવી.

"એવું નાં બોલ....!" લાવણ્યા ચિડાઇ પણ ખરી "ચાલ હવે....! ફટાફટ જમી લઈએ....!"

"અરે હાં...!આ લે" અંકિતાએ સોફાંમાંથી એક બેગ ઉઠાવીને લાવણ્યાને આપ્યું "તારું બેગ ....! તું કોલેજમાં ભૂલી ગઈ'તી ....! મારી એક્ટિવાની ડેકીમાં હતું....! હું ભૂલી ગઈ'તી તને આપવાનું...!"

"ઓહ તેરી...!" લાવણ્યાએ ઝડપથી બેગ તેનાં હાથમાં લઈને ખોલીને ચેક કર્યું "હાશ....!"

સિદ્ધાર્થ માટે લીધેલી વૉચનું ગિફ્ટ બોક્સ તેમાં હતું.

"હું બેગ ઉપર મૂકીને આવું...! તું ડાઈનિંગ ટેબલ ઉપર બેસ...!" એટલું કહીને લાવણ્યા પાછી સીડીઓ ચઢીને તેનાં બેડરૂમમાં જતી રહી.

બેગ મૂકીને આવ્યાં પછી લાવણ્યા અને અંકિતા જમવાં બેસી ગયાં. સિદ્ધાર્થની લ્હાયમાં ને લ્હાયમાં લાવણ્યા ઉતાવળે જેમ-તેમ જમી. ખાધું નખાધું કરીને બંને છેવટે ઘરેથી નીકળી ગયાં.

----

"અરે યાર આ લોકોએતો બહુવાર કરી ...!" કામ્યા બોલી "લાવણ્યાનાં ઘરથી દસ મિનિટનો રસ્તો છે...! તો પણ અડધો કલ્લાક કરી નાંખ્યો...!?"

પ્રેમ, કામ્યા અને વિશાલ સેટેલાઈટ રોડ ઉપર આવેલી ડો.સુધીર નાયકની ક્લિનિકનાં પાર્કિંગ શેડમાં ઊભાં હતાં. કામ્યાએ અંકિતા જોડે વાત કર્યા પછી ત્રણેય ક્લિનિક આવી ગયાં હતાં. કાંચનાં મોટાં બિલ્ડિંગની આગળ કમ્પાઉન્ડ હતું. કમ્પાઉન્ડમાં એકબાજુ પાર્કિંગ શેડ બનેલો હતો. સાયકોલોજીસ્ટની ક્લિનિક હોવાથી ડિપ્રેશનથી પીડાતાં લોકોની ભીડ સારી એવી હતી. થોડી વધુવાર વીતી ગઈ છતાંપણ લાવણ્યા અને અંકિતાનું એક્ટિવા આવ્યું નહીં.

"હું ફોન કરી જોઉ...!?" પ્રેમ બોલ્યો.

"નાં....! એ લોકો એક્ટિવા ઉપર હશે...! " વિશાલ બોલ્યો "ખોટું ઊભું રે'વું પડે તો વધારે મોડું થાય..."

કામ્યા બેન્ચેનીપૂર્વક આંટા મારી રહી હતી.

"બીપ....બીપ...!" છેવટે કમ્પાઉન્ડનાં ગેટમાંથી અંકિતા અને લાવણ્યાની એક્ટિવા સવારી દાખલ થઈ. બધાએ તરતજ એ તરફ જોયું.

"અરે તું મને અંહિયાં કેમ લાવી છે...!" એક્ટિવાની પાછળ બેઠેલી લાવણ્યા અંકિતાને ક્યારની પૂછી રહી હતી "અને આ શું...!?" તેણે પાર્કિંગ શેડમાં ઉભેલાં પ્રેમ, વિશાલ અને કામ્યાને જોયા "આ બધાં અહિયાં શું કરે છે...!?"

અંકિતાએ જવાબ આપ્યા વિના એક્ટિવા પાર્કિંગ શેડમાં પાર્ક કર્યું. લાવણ્યા તરતજ ઉતરીને કામ્યા તરફ જવાં ઉતાવળાં પગલે જવાં લાગી.

"વિશાલને કોણે બોલાવ્યો...!?" લાવણ્યાએ ત્રણેયની જોડે ઊભાં રહેતાંજ પૂછ્યું.

"મેં....!" કામ્યાએ ટૂંકો જવાબ આપ્યો.

"પણ કેમ....!?" લાવણ્યાએ આશ્ચર્ય સાથે પૂછ્યું.

"અરે તને ખબર તો છે કે નેહા સિદ્ધાર્થને બહુ ટોર્ચર કરે છે....! અને સિદ્ધાર્થ કેવો ડિપ્રેશનમાં આવી જાય છે....! આજે પણ એટ્લેજ બિચારો અથડાઇ ગયો..." કામ્યા બોલી.

"તો..!?" લાવણ્યા હજીપણ મૂંઝાયેલી હતી.

"તો એનાં માટે આપણે ડિપ્રેશનનાં ડોક્ટરની સલાહ લેવી છે...!" કામ્યા આગળ બોલી "આ ડોક્ટર વિશાલને ઓળખે છે...!" કામ્યાએ ક્લિનિક બાજુ એક નજર નાંખીને પાછું લાવણ્યા બાજુ જોયું.

લાવણ્યાએ આશ્ચર્યથી ક્લિનિકનાં બોર્ડ સામે જોયું.

"ડો.સુધીર નાયક....!" બોર્ડ ઉપર લખેલું લખાણ તે મનમાં વાંચવાં લાગી "સાયકોલોજીસ્ટ ....! ગોલ્ડ મેડલિસ્ટ..! બોસ્ટન યુનિવર્સિટી...!"

"સાયકોલોજીસ્ટ" શબ્દ વાંચતાંજ લાવણ્યાની પાંપણો ભીની થઈ ગઈ. તેણે ધડકતાં હ્રદયે ત્રણેયની સામે જોયું.

"ક...કોનો આઇડિયા હતો....!?" લાવણ્યાએ ધ્રૂજતાં સ્વરમાં પૂછ્યું.

"લાવણ્યા....! Sid માટે...!.." કામ્યા બોલી રહી હતી ત્યાંજ લાવણ્યાએ તેને વચ્ચે ટોકી દીધી.

"તને એવું લાગે છે કે મારો સિદ્ધાર્થ....! સિદ્ધાર્થ પાગલ થઈ ગયો છે...એમ..?" લાવણ્યા રડી પડી અને ઊંચાં સ્વરમાં બોલી ગઈ "એ ...એ...માનસિક રોગી થઈ ગયો છે એવું કે'વાં માંગે છે તું...!?"

"નાં...લાવણ્યા...મારી.."

"શું નાં....!" લાવણ્યા હવે વધુ ગુસ્સે થઈ ગઈ. "અને વિશાલ તું....!" તેણે વિશાલ સામે જોયું "તું તો બધુંજ જાણેછેને....! તને પણે સિદ્ધાર્થ માનસિક રોગી લાગે છે...!?"

"નાં લાવણ્યા ....!" વિશાલ તેનાં ખભાં ઉપર હાથ મૂકીને તેને મનાવવાં લાગ્યો "અરે તું પૂરી વાતતો સાંભળ...!"

"શું સાંભળું....!?" લાવણ્યાએ ઝાટકાંથી વિશાલનો હાથ હટાવ્યો. તે હજીપણ રડી રહી હતી "તમે બધાં કેમ એની પાછળ પડ્યાં છો...!? ઓલી એકતો ટોર્ચર કરેજ છે....! હવે તમે બધાં એને માનસિક રોગી બતાવીને શું સાબિત કરવાં માંગો છો...!?"

"અરે ... લાવણ્યા એવું નથી યાર ....!" હવે અંકિતા બોલી "આપણે ખાલી સલાહ લેવાની છે...!"

"મારે કોઈની સલાહ નથી લેવી OK...!" લાવણ્યાએ તેની તરફ હાથ કર્યો.

"અને હાં....!" લાવણ્યાએ હવે કામ્યા અને વિશાલ તરફ જોયું "સિદ્ધાર્થનાં સ્ટ્રેસ અને ડિપ્રેશનની દવાં હુંજ છું....! એણે... એણે જાતેજ મને કીધું છે.....! કે મારી જોડે એનો બધો સ્ટ્રેસ દૂર થઈ જાય છે...! તો તમે લોકો એનાં ડિપ્રેશનની કે સ્ટ્રેસની દવાની ચિંતા નાં કરશો...!"

થોડીવાર સુધી લાવણ્યા રડતી રહી. બધાંજ દયામણા નજરે એની સામે જોઈ રહ્યાં.

"મારો સિદ્ધાર્થ માનસિક રોગી નથી....!" થોડીવાર પછી ફરીવાર તે રડતાં-રડતાં બોલી.

બધાં ફરીવાર મૌન થઈ ગયાં. થોડીવાર રડ્યા પછી લાવણ્યાએ તેની આંખો લૂંછી.

"હવે મારી જોડે કોને આવવું છે ....! દવાખાને...!?" લાવણ્યાએ બધાંની સામે જોયું "હું રઘવાઈ થઈ ગઈ છું.....! એને જોયાંવિના.....! મારો જીવ અદ્ધર થઈ ગયો છે....! અને ...અને ....એ પણ મારાં વિના મૂંઝાતો હશે....! એ કોઈને કે'તો નથી...! પણ ...પણ મને ખબર છે....!"

"ચાલ...! હું આવું છું...!" લાવણ્યા વધુ ઈમોશનલ થાય એ પહેલાં પ્રેમ આગળ આવતાં બોલ્યો.

"હું પણ...!" કામ્યા બોલી.

વિશાલ કઈંપણ બોલ્યાં વગર ઊભો રહ્યો અને લાવણ્યા સામે જોઈ રહ્યો. લાવણ્યા પણ તેની સામે દયામણું મોઢું કરીને જોઈ રહી.

"એ પાગલ નથી....!" લાવણ્યા વિશાલની સામે જોઈને બોલી "તમે બધાયે આજે મને બહુ....બહુ હર્ટ કરી....!" લાવણ્યા ભાંગી પડી અને ફરી રડવાં લાગી "મને પાગલ કીધી હોત તો ....તો મને કોઈ દુખ ના થાત....પણ તમે મારાં સિદ્ધાર્થને પાગલ કીધો....! માનસિક રોગી કીધો....! હું ...હું કોઈ દિવસ નઈ ભૂલું...!"

બધાંએ હવે લાવણ્યાને ઘેરી લીધી અને તેને ચૂપ કરાવાં લાગ્યાં. ઘણી મહેનતે લાવણ્યા ચૂપ થઈ. છેવટે અંકિતાનાં એક્ટિવાની પાછળ લાવણ્યા અને કામ્યાનાં એક્ટિવાની પાછળ પ્રેમ બેઠો અને બધાં વી.એસ હોસ્પિટલ જવાં નીકળી ગયાં. વિશાલ પાછો ઘરે જતો રહ્યો.

----

"અરે લાવણ્યા ધીરે....!" વીએસ હોસ્પિટલનાં ICU વૉર્ડનાં કોરિડોરમાં લાવણ્યા ઉતાવળાં પગલે દોડી રહી હતી.

"અરે તું પડી જઈશ લાવણ્યા તે હિલ પે'રી છે....!" કામ્યાએ ફરીવાર આગળ દોડી રહેલી લાવણ્યાને બૂમ પાડી. સાંભળ્યાં છતાંય કોરિડોરમાં દોડતી રહી. છેવટે સિદ્ધાર્થને જે રૂમમાં એડમીટ કરાયો હતો એ રૂમ આવી જતાં તે ધીમી થઈ.

"બા'ર કેમ કોઈ નથી બેઠું...!?" ICUનાં રૂમની બહારની બેઠકો ખાલી હોવાને લીધે લાવણ્યાને નવાઈ લાગી.

"અંદર ટ્રસ્ટી સાહેબ હશે તો..!?" રૂમનાં દરવાજાનું હેન્ડલ પકડીને લાવણ્યા બે ક્ષણ અટકી અને ગભરાઈ.

છેવટે હિમ્મત કરીને તેણે દરવાજો ખોલ્યો.

"સ....Sid....સિદ્ધાર્થ....!?" લાવણ્યા સહેજ ડોકી અંદર કરીને જોયું અને બોલી.

"સિદ્ધાર્થ....! ઓહ ગોડ...! સિદ્ધાર્થ....!" અંદરનું દ્રશ્ય જોઈ લાવણ્યા ગભરાઈ ગઈ અને હાંફળી-ફાંફળી થઈ રડવાં લાગી.

------

NOTE: With some "Literature Freedom", Love Revenge is a true story. I was there.