દ્રઢ આત્મવિશ્વાસ Bindu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

દ્રઢ આત્મવિશ્વાસ

"દ્રઢ આત્મવિશ્વાસ"

જામનગર ની બાજુ નું એક નાનકડું ગામ ગુલાબનગર.. શહેરથી થોડું નજીક એટલે સામાન્ય પરિવારના લોકોનો વસવાટ વધારે એકાદ-બે થોડા શ્રીમંત પરિવાર બાકી મોટાભાગના મૂળ જમીનદાર લોકો તો ગામ છોડ્યું એને વર્ષો થયા ઘણા ખરા તો પછી ક્યારેય અહીં આવ્યા પણ નહીં હોય.
મોટાભાગના પરિવારમાંથી તો પુરુષો જામનગરમાં આવેલી ઉદ્યોગ કંપનીઓમાં મજૂરી કરે તો ઘણા ખરા ગામમાં રહેલી જમીન ની દેખરેખ રાખે ગામથી થોડે દુર નાનકડા વાસમાં તૂટેલા-જર્જરિત મકાનમાં થોડા પરિવારો રહે તેમાંથી થોડા પરિવાર નાપુરુષો અને સ્ત્રીઓ જામનગરમાં ચાલી રહેલા બાંધકામના કાર્યમાં નોકરી કરતા. એટલે ગામમાંથી જે લોકો જામનગર નોકરી કરવા જતા તે સવારે જ પોતાનું ટીફીન લઇ ને નીકળી જતા તો છેક સાંજે પાછા ઘરે પરત ફરે આવાસ માં જ એક હસતો પરિવાર એટલે માંકડ પરિવાર અને આ પરિવારના મોભી કનુભાઈ. પરિવારમાં તેમના પત્ની બે પુત્રો અને એક પુત્રી... પત્ની શીલા, અને પુત્રી મનોરમા.. આમ તો મનોરમા ને બધા મનુ કહીને જ બોલાવે.
કનુભાઈ અને તેમનાં પત્ની શીલાબહેન ખૂબ જ મહેનતુ રોજ પોતાના શ્રમ કાર્યમાં જાય અને પોતાના બંને પુત્રોને પણ સાથે લેતા જાય ત્યારે નાની મનોરમા વાસ માં જ બધાના ઘરે રહે અને શાળાએ જાય શાળાએથી સાંજે જ્યારે પરત ફરે ત્યારે જાણે તેના સૂરજ ઊગ્યા જેવું અનુભૂતિ થાય કારણ કે સાંજે કનુભાઈ તેના પત્ની અને બંને ભાઈઓ ને જોઈ ને તે રાજી થઈ જતી કનુભાઈ ખૂબ જ ધાર્મિક એટલે સવારે જ્યારે કામ પર જાય તે પહેલા ભગવાનનું સ્મરણ કરવાનું ક્યારેય ન ચૂકતા રોજ સવાર-સાંજ પૂજાપાઠ કરી ભગવાનનું સ્મરણ કરવું તેમનો નિત્યક્રમ મનુ રમા પિતાની ખૂબ જ લાડકી દીકરી તેના પિતા જ્યારે આવી રીતે આંખો બંધ કરીને ભગવાનનું સ્મરણ કરીને પ્રાર્થના કરતા હોય ત્યારે મનોરમા પણ મનોમન ભગવાનને પ્રાર્થના કરે કે, હે ભગવાન! મારા પપ્પાને બધી ઈચ્છાઓ તું પૂર્ણ કરજે...
મનોરમા ના પિતા દિલના પણ ખુબ જ ઉદાર અને એકદમ નરમ સ્વભાવના આથી તે પણ ઘણીવાર સંકળામણ હોય પણ ક્યારેય મોઢા પર એ ભાવ ના આવા દે... તેમની ઇચ્છા હતી કે બંને પુત્રો ધર્મેશ અને મહેન્દ્ર બંને ખૂબ જ ભણીને સારી નોકરી કરે પણ બંને પુત્રો પણ પિતાને મજૂરી કરવામાં જ જોડાઈ ગયા એક સાત ફેલ તો એક નવ ફેલ... પછી કોઈ દિવસ શાળાનું પગથિયું જ તેઓએ ચડ્યું નહીં...
પણ મનોરમા ને તો ભણવું ખૂબ જ ગમે. નાનકડા ગામમાં સરકારી શાળા માટે હોંશે હોંશે શાળાએ જાય. કોઈ બોલાવે કે ન બોલાવે તેની મનોરમા ના મન પર કોઈ અસર ન થાય બસ આનંદથી શાળાએ દરેક પ્રવૃત્તિમાં જોડાય અને રોજ પોતાના શિક્ષિકા બહેન ને જોઈ ખૂબ જ આનંદીત થાય કારણ કે તેના શિક્ષિકા બહેન તેમને રોજ નવી નવી રમતો શીખવે ક્યારેક ચોકલેટ લઈ આવે તો ક્યારેક બાળકોને પ્રોત્સાહન પણ આપે અને હંમેશા પ્રેરણાત્મક વાર્તાઓ કહે આ દરેક વાર્તાઓ મનોરમા ખૂબ જ ધ્યાનથી સાંભળે"કે જો બાળકો તમારે કંઈક બનવું હોય તો પહેલા ભણવું પડશે ભણસો તો જ કંઈક બનશો."બસ મનોરમા ને તો
આ વાત મગજના એટલાં ઉંડાણ સુધી પહોંચી ગઈ કે દ્રઢ નિશ્ચય કરી લીધો કે હું ખૂબ જ ભણીશ અને કંઈક બનીશ જ અને એના આ આત્મવિશ્વાસના બીજ એના બાળપણમાં જ રોપાઈ ગયા મનોરમા એ હવે ખૂબ જ ધ્યાન દઈને ભણવા માંડ્યું. મનોરમા ખૂબ હોશિયાર તો નહીં
પણ સાવ ઠોઠ પણ નહીં. મનોરમા મોટી થતા ઘરમાં પોતાની માતાને પણ મદદ કરવા માંડી પણ જ્યારે નવરી પડતી ત્યારે ચોપડીઓ લઈને બેસી જતી અને તેને જોઈને તેના પિતાને થતું કે જો મનોરમા આગળ ભણી ગણીને જોબ કરવા ઈચ્છા ધરાવતી હશે તો હું એને કરવા દઈશ. હું ખૂબ જ મહેનત કરીશ પણ તેને ભણાવવા માટે કોઈ કસર બાકી નહીં રાખું.
નાનકડા ગામમાં તો માત્ર પ્રાઇમરી સુધીનો જ અભ્યાસ હતો હવે આગળના અભ્યાસ માટે શહેરમાં જવું પડે મનોરમાને ચિંતા હતી કે હવે શું થશે હું હવે આગળની ભણી શકું તો મારા સ્વપ્ન નું શું થશે મારે કંઈક બનવું છે... મનોરમા ને ક્યાં ખબર હતી કે તેના કરતા પણ તેની ચિંતા તેના માતા-પિતા વધારે કરતાં. અને એક દિવસ બંને પતિ-પત્ની નક્કી કરે છે કે મનોરમા ના આગળના અભ્યાસ માટે આપણે હવે શહેરમાં સ્થાયી થવું પડશે ભલે ગમે તે થાય પણ આપણે મનોરમા ને આગળ ભણાવશુ જ.... ભલે આપણે ગમે તેવો ભોગ આપવો પડે પણ મનોરમા ને આપણે ભણાવશુ.....
અને આમ જ માકડ પરિવાર નક્કી કરેલા નિશ્ચિય મુજબ જામનગરમાં રહેવા જાય છે મનોરમા પણ ઘરની પરિસ્થિતિ થી સારી રીતે વાકેફ હોય છે માટે એ પણ હવે ભણવામાં ખૂબ જ મહેનત કરે છે અને દ્રઢ નિશ્ચય કરે છે કે અથાગ મહેનત કરીને કંઈક બનવું જ છે
જામનગર રહેવા જતા આ પરિવારને ઘણી અગવડતા પણ પડે છે પણ બધા એકબીજા સાથે પોતાની જવાબદારીઓ ઉપાડી લે છે બન્ને ભાઈઓ ફેક્ટરીમાં કામ કરવા માંડે છે અને માતા-પિતા ના કામમાં પણ ક્યારેક મદદરૂપ થાય છે એકાદ-બે વર્ષમાં તો બધું ઠીક થઈ જાય છે અને મનોરમા ને ધોરણ 10માં 75% આવે છે અને આખો પરિવાર ખુબ જ ખુશ થાય છે કોઈપણ જાતના ટ્યુશન વગર મનોરમા પોતાની મહેનતથી પોતાની શાળામાં ખૂબ સારા ગુણ મેળવીને પ્રથમ આવે છે મનોરમા ના પિતા ને જ્યારે આ વાતની જાણ થાય છે ત્યારે તે ગદ્ગદિત થઈ જાય છે કારણ કે અત્યાર સુધી કુટુંબ મા આટલું ભણતર કોઈએ નથી કર્યું માટે તે
મનોરમા માટે ખુશી અને અભિમાન ની લાગણી અનુભવે છે
હવે આગળના અભ્યાસ માટે તેના શિક્ષકો મિત્રો પાડોશીઓ બધા જ મનોરમા ને સાયન્સ સાથે આગળ ભણવા માટે સૂચન કરે છે પણ મનોરમા પોતાના કુટુંબની આર્થિક પરિસ્થિતિને જાણતી હોય છે માટે તે સંકલ્પ કરે છે કે આર્ટ્સ વિષય પસંદગી કરી જેથી કોઈ ટ્યુશન નો એક્સ્ટ્રા ખર્ચ થાય નહીં અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરીશ અને મારા મુકામ સુધી પહોંચીશ મનોરમા ના પિતા અને ભાઈઓ પણ તેને સાયન્સ રાખવા માટે આગ્રહ કરે છે પરંતુ મનોરમા પોતાના સંકલ્પ થી જ આગળ વધે છે તે પોતાના ઘરની આર્થિક પરિસ્થિતિ સારી રીતે જાણતી હોય છે માટે કોઈપણ ને પોતાના થકી વધારે હેરાન ન થવું પડે એ વિચારીને આર્ટ્સ વિષયોની પસંદગી કરે છે
મનોરમા નું તો બસ એક જ સ્વપ્ન હતું કે ખુબજ ડિગ્રીઓ પ્રાપ્ત કરવી અને કોઈક સારી પોસ્ટ પોતાની મહેનતથી નોકરી મેળવવી અને પોતાના પરિવારનું નામ રોશન કરવું.
મનોરમા આર્ટસ વિષયની પસંદગી કરીને પોતાના અભ્યાસમાં મશગુલ થઇ જાય છે અને ધોરણ-12માં મનોરમા આખા જિલ્લામાં પ્રથમ આવે છે અને તેના પિતાનો તથા ભાઈઓ હરખ ક્યાંય સમાતો નથી... ત્યારબાદ કોલેજમાં તેને સ્કોલરશિપ મળે છે અને આગળ અભ્યાસમાં તે ખૂબ જ મહેનત થી ગોલ્ડ મેડલ પણ મેળવે છે તો સાથે સાથે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ પણ કરે છે
કહેવાય છે ને કે અથાગ મહેનતનું પરિણામ તો આવે જ છે... મનોરમા જીપીએસસીની પરીક્ષાઓની તૈયારીઓ માં ઉત્તીર્ણ થાય છે અને ક્લાસ વન અધિકારી ની પોસ્ટ પર જોબ મેળવે છે પરિવારનો તથા સ્નેહીજનો ખૂબ જ ખુશ થાય છે મનોરમાં ના આ પદ મેળવવાથી... અને ખરેખર મનોરમા પોતાની તથા પોતાના પિતાની ઈચ્છાઓની પૂર્ણ કરે છે
"નાનપણમાં આત્મવિશ્વાસનું બીજ રોપાયું એ અથાગ મહેનત દ્વારા મનોરમા એ ઉજ્જવળ બનાવ્યું."
(ઘણા સમય પહેલા ની લખેલી વાર્તા છે પણ આ સમય મળતા પોસ્ટ કરું છું કોઈ ક્ષતિ હોય તો યોગ્ય માર્ગદર્શન આપશો...🙏જય દ્વારકાધીશ 🙏