dhingadu books and stories free download online pdf in Gujarati

ધીંગાણું

ધીંગાણું

“એલા... રાજીયા... આ તારા ફટફટિયામાં ઝાલવા હાટુ કોઈ ઈસ્ટેન્ડ જ નથી. ધીમું ચલાવજે, હાચવીને હો ભઈલા...નહી તો તારો બાપો આ શે’ર ની ધરતી માથે લાંબો થઇ જાહે.અને જો લાંબો થઇ જ્યો તો તો બહુ અઘરું થાહે હો રાજ બટા”
“અરે દાદા તમને નહી પડવા દઉં,તમે નિરાંતે બેસો ને મારા શે’ર ને જોવો. જોવો ને કેટલું સુંદર શે’ર છે.”
રાજ આજે એના દાદાને એનું શહેર હૈદરાબાદ બતાવવા માટે એની બાઈક પર લઈને નીકળ્યો છે. રાજ ને એનો પરિવાર વર્ષોથી હૈદરાબાદ રહે છે.રાજના પપ્પા વર્ષો પેહલા ધંધાર્થે અમરેલી પાસેના એક નાનકડા ગામથી હૈદરાબાદ આવેલા ને પછી અહી જ સ્થાયી થઇ ગયા.રાજનો તો જન્મ પણ અહિયાં જ થયો છે. રાજને પોતાના દાદા-દાદી સાથે બહુ જ લગાવ છે.શહેરી જીવનથી ટેવાયેલા રાજને ગામડાની રેહણી- કરણી ખાસ ગમતી ના હોવા છતાં એ દર વર્ષે વેકેશનમાં ગામડે અચૂક જતો. પણ આ વખતે એણે દાદાજીને જ અહિયાં બોલાવી લીધા.કેમકે બે મહિના પેહલા જ રાજના દાદીનું દેહાંત થયું ગયું હતું. ને એટલે રાજને લાગતું હતું કે આ વખતે દાદી વગર ગામડે એનું મન નહી લાગે ને દાદા ને પણ ત્યાંના વાતાવરણની બહાર નીકળવાની જરૂર છે એટલે એણે દાદાને અહિયાં આવવા માટે મનાવી લીધા.રાજના દાદા ભગવાનભાઈ બહુ મજાના માણસ છે.ઝીંદગીની દરેક પરિસ્થિતિને સહજતાથી સ્વીકારી લે છે.પણ દાદીની વિદાય એ નથી સ્વીકારી શકતા એવું રાજને લાગે છે.આજે રાજ એના દાદાજીને લઈને ફરવા નીકળ્યો છે. ને પછી એના થોડા નજીકના મિત્રોને પણ બોલાવ્યા છે દાદાને મળાવવા ને બીજું પણ એક નાનું કામ છે.એ બધાએ MTR ગાર્ડનમાં મળવાનું નક્કી કર્યું હતું.જયારે રાજ અને ભગવાનભાઈ MTR ગાર્ડન પહોચ્યા ત્યારે રાજના મિત્રો ત્યાં એમની જ રાહ જોતા હતા.રાજે એના દાદાની પોતાના મિત્રો સાથે ઓળખાણ કરાવી.. FRIENDS MEET MY GRANDPA MR. BHAGVANDAS MY STRENGTH, MY WEAKNESS MOST INSPIRING MAN OF MY LIFE. ( મિત્રો મારા દાદાને મળો આ છે મારા દાદા ભગવાનભાઈ મારી તાકાત મારી નબળાઈ ને મારી ઝીન્દગીનો સૌથી વધારે પ્રેરણાત્મક માણસ.) ને એના દાદાને એના મિત્રોની ઓળખાણ આપી.દાદા આ છે... ઉર્જિત... આ કરન, આ કાવ્યા – કરનની બહેન ને મારી દોસ્ત..આ વિશાખા.. ને આ લખન ને પેલી સામેથી આવે છે એ કેલીના. રાજના બધા મિત્રોએ દાદાજી ને નમસ્તે...જયશ્રીકૃષ્ણ. હેલ્લો...એવા અભિવાદનો કર્યા,હાથ મિલાવ્યા.એક કરન જ ક્યાંક બીજે ખોવાયેલો હતો. એનું ધ્યાન દુરથી ચાલી આવતી કેલીના તરફ જ હતું.
બ્લુ એન્ડ વ્હાઈટ સેન્ડલ,વ્હાઈટ પ્લાઝો નેવી બ્લુ કુર્તી, હાથમાં પેહરેલું મંગળસૂત્ર જેવું બ્રેસલેટ, લાંબા ખુલ્લા વાળ ને એની એ મસ્ત ચાલ..હાય....કેલીના ને જોતા જ કરનના દિલના ધબકાર વધી ગયા.પણ તેમ છતાય એને તરત જ મોઢું ફેરવી લીધું,ને બીજી બાજુ જોવા લાગ્યો.એને આજે તો નક્કી જ કર્યું છે કે આજે તો હું સામેથી વાત નહી જ કરું.એ જ હંમેશા મોઢું ચઢાવીને બેસી જાય છે..વાત વાતમાં નારાજ થઇ જાય છે...વાંક મારો હોય કે ના હોય મારે જ સોરી કેમ કેહવાનું.બસ બહુ થયું આજે તો નહી જ.
સામા પક્ષે કેલીના પણ આવું જ કઈક વિચારી રહી હતી.મને મેસેજ કરવાનો કે મારા મેસેજનો જવાબ આપવાનો સમય નથી ને અહિયાં આ રાજના દાદાને મળવા તો વહેલો વહેલો આવી ગયો.જો આજે તો એની સાથે વાત જ ના કરું. કરન ને કેલીના એમના વિચારોમાં વ્યસ્ત હતા ત્યારે રાજ એના દાદાને બાકીના મિત્રો આગળ ચાલવા લાગ્યા હતા.રાજ એના દાદાને MTR ગાર્ડન વિશે વાત કરી રહ્યો હતો. બધા મિત્રો એમાં સુર પુરાવી રહ્યા હતા.કે આ ગાર્ડન ક્યારે બન્યો,કોને બનાવ્યો,એની વિશેષતાઓ વિશે વાત કરી રહ્યા હતા.ને પછી રાજ અને કાવ્યાએ દાદાને કરન અને કેલીનાના ઝઘડાઓ વિષે વાત કરી. કરન ને કેલીના એ લોકોથી થોડા પાછળ રહી ગયા હતા.. એટલે બેય ની ઈચ્છા ના હોવા છતાં સાથે ચાલવું પડી રહ્યું હતું. બંને ચુપચાપ ચાલી રહ્યા હતા. “ "કેહવું ઘણું ઘણું છે...
બોલી શકાય નહી...
બોલાય વિના એ કહી દે શું એવું ના થાય કઈ...
હૈયા ને બોલવું છે હોઠો છે ચુપ શરમ માં ...."
શરમમાં નહી પણ અહમ માં... કરન ને કેલીના ના લગ્નને સાત મહિના જ થયા છે.પણ એમના પ્રેમને સાત વર્ષ. દસમાં ધોરણમાં ભણતા ત્યારથી બંને એકબીજાને પ્રેમ કરે છે.એકબીજાના ગળાડૂબ પ્રેમમાં છે એક દિવસ પણ એકબીજાને મળ્યા વગરનાચાલતું..સ્કુલમાં...કોલેજમાં..ટ્યુશનમાં બધે એ બંને સાથે ને સાથે જ હોય.કોલેજમાં બધા એમને કેકે ના હુલામણા નામથી બોલાવતા.લગ્ન પછી થોડો સમય તો બધું બરાબર ચાલ્યું...પણ પછી બંને વચ્ચે નાની નાની વાતમાં ઝઘડા થવા લાગ્યા.બે દિવસ પેહલા તો વાત એટલી બધી આગળ વધી ગઈ કે કેલીના ઘર છોડીને જતી રહી.
જયારે કાવ્યા એ આ બધી વાત રાજ અને બાકીના મિત્રોને કરી ત્યારે બધાને બહુ નવાઈ લાગી કે અચાનક આ બંને ને શું થયું.પેલા એકબીજા વગર નહોતા રહી શકતા ને હવે એકબીજા સાથે રહે છે તો કેમ આવું કરે છે. લગ્ન કરવા માટે બંને એ પોતપોતાના ઘરવાળાઓને મનાવવા કેટલી મેહનત કરી હતી.પૂરું એક વર્ષ લાગ્યું તું બંનેના મમ્મી-પપ્પા ને મનાવતા,બધા મિત્રો એ પણ બહુ મેહનત કરી હતી એના માટે ને હજુ લગ્નને એક વર્ષ પણ નથી થયું ત્યાં બંને અલગ થવાની વાતો કરે છે. કાવ્યા ને આ બધી વાતોની બહુ ચિંતા થતી હતી એટલે એણે બધા મિત્રો ને આ બંને ને સમજાવવાનું પણ કહ્યું હતું. એટલે રાજનો જ આઈડિયા હતો કે બધા કયાંક મળીએ એ બંનેને બોલાવીએ ને હું મારા દાદાને પણ લઇ આવીશ એ પણ સમજાવશે.રાજ એ એના દાદાને પેહલા જ કરન ને કેલીના વિષે વાત કરી દીધી હતી.કરન અને એના પરિવાર ને તો ભગવાનભાઈ વર્ષોથી ઓળખે છે. કરન અને રાજના પપ્પા મિત્રો છે ને વર્ષો પેહલા એમના ગામથી એ લોકો સાથે જ અહિયાં હૈદરાબાદ આવ્યા હતા. રાજને એના દાદા પર પૂરો વિશ્વાસ છે કે એ જરૂર કરન અને કેલીનાને સમજાવી શકશે. દાદા એ રાજ અને કાવ્યાને સમજાવ્યું હતું કે એ બંનેને થોડીવાર એકલા રેહવા દો. થોડીવાર લડી લેવા દો.ઝીન્દગીમાં અમુક ધીંગાણા રોકી નથી શકતા.રાજે બધાને ઈશારામાં સમજાવ્યા એટલે બધા ધીરે ધીરે કરન ને કેલીના ચાલ્યા આવતા હતા ત્યાંથી થોડા અંતર પર એ લોકો જોઈ ના શકે એમ ગોઠવાઈ ગયા.
આ તરફ કેલીના ને કરન ધીમે ધીમે ચાલી રહ્યા હતા..ચુપચાપ...કરનના બુટની દોરી ખુલેલી હતી એ જોઇને કેલીના બોલ્યા વગર રહી જ ના શકી... ખબર નહી ક્યારે શુઝ લેશ બાંધતા શીખશે..? બાંધવી જ ના હોય તો લેશ વગરના જ શુઝ લેતો હોય તો...કોઈ જ વસ્તુનું ભાન નથી કોઈ જ જવાબદારી લેવાની જ નહી..છ મહિનાથી જોવ છું..સવારે લાડ સાહેબની જેમ મોડું ઊઠવાનું...પછી જેમ તેમ નાસ્તો કરવાનો..નાહીને ટુવાલ ગમે ત્યાં ફેકી દેવાનો..કબાટમાંથી એક કપડું લેવા માટે બાકીના બધા આડા અવળા કરી નાખવાના..કેટલી વાર કેહવું પડે કે સન્ડે કોઈ કામ નહી...તો પણ તારે કોઈ ને કોઈ કામ હોય જ...આખું અઠવાડિયું તો કામ જ કરે છે એક સન્ડે મારી સાથે આવવનું હોય તો પણ મોડું કરવાનું...આજે કેવો સમયસર આવી ગયો..
કરનને પણ ગુસ્સો તો આવી રહ્યો હતો...પણ તોય એ શાંતિથી સાંભળી રહ્યો હતો.જેવી કેલીના ચુપ થઇ એવું એને પણ બોલવાનું ચાલુ કર્યું. મારા વાંક તો તરત દેખાઈ આવે છે પણ તારા વિષે પણ ક્યારેક વિચાર..નોકરી નહી કરીને ઘરમાં રહીને કામ કરવાનો નિર્ણય તારો હતો ને હવે તને જ ઘરથી...મમ્મીથી...કામથી રોજ રોજ ફરિયાદ જ હોય છે.મમ્મી આમ કરે છે ને મમ્મી તેમ કરે છે ને એવું બધું...કામથી થાકીને ઘરે આવ્યો હોય તો પ્રેમથી વાત કરવાને બદલે તારી ફરિયાદપોથી ખોલીને બેસી જાય છે.રાત્રે બહાર જવાનું કહું તો થાકી ગઈ છું એમ કહીને વાત તાળી દે છે.એટલે કંટાળીને હું સુવા જાવ તો કેહ્શે કે તને તો સુવાની જ પડી છે...એમ નહી કે થોડીવાર વાત કરે. હવે તું જ કે મારે શું કરવાનું...?
તારે જે કરવું હોય એ કર મને નથી ખબર...કેલીના એ ગુસ્સામાં જવાબ આપ્યો.
પણ મને ખબર સે તમારે બેયને ડખો કેમ થયો...?બોલો હું તમને બેયને હમજાવું ? આમ તો તમે શેરના માણસો બહુ સમજદાર હોય પણ ખબર કેમ નહી નાની નાની વાતો હમજતા જ નથી.જો કેલીના બટા તું મને એક વાતનો જવાબ આલ.
“બટા કેલીના, તું આ કરનને કેટલા વરહથી ઓળખે છે..?”
“સાત વર્ષ દાદા.”
“તો બીજી વાત એ કે શું એ પેલાથી જ આટલો બેજવાબદાર છે..?”
“હા દાદા એ પેલાથી આવો જ છે. બધા મિત્રોને પણ ખબર જ છે.પૂછો આ બધાને.”
ભગવાનભાઈએ બાકીના બધા સામે જોયું.બધા એ કેલીનાની વાતમાં હામી ભરી.
“તને આ વાતની પેહલાથી ખબર હતી તોય તે એને પ્રેમ કર્યો..? નવાઈ કે’વાય નહી..!!”
થોડીવાર તો કેલીના ને કરન વિચારમાં પડી ગયા.ને રાજ ને કાવ્યા તો ચિંતામાં પડી ગયા કે યાર આ દાદા કેમ આવું બોલે છે...!!પણ ભગવાનભાઈ તો એની વાતમાં મક્કમ હતા.
“જો બટા તે કરન ને પ્રેમ કર્યો મતલબ કે જયારથી તું એને પ્રેમ કરે છે ત્યથી એ આવો જ છે.તો હવે એના આ જ સ્વભાવથી કેમ તું અકળાય છે. જરાક વચાર કરી જો દીકરી, તું વચાર કર ત્યાં લગણ હું આ કરન સંગાથે જરાક વાત કરી લઉં.”
“જો કરનદીકરા આ દીકરી એના માં-બાપ એનું ઘર એનું હંધુય સોડીને તારા ઘરે આવી છે.તારી સાથે રેહવા માટે.તો એને તારા ઘરના હવા પાણી હાયરે ગોઠવાતા થોડા દી તો થાયને...?તો આવા ટેમમાં તારે એની સંગાથે તો રેવું જોઈએ.”
“હા દાદા તમારી વાત સાચી છે.પણ હું ધંધામાં નવો જોડાયું છું. પગભર થવાની કોશિશ કરું છું એટલે એમાં થોડું અટવાઈ જાવ છું.એટલે કેલીનાને પુરતો સમય નથી આપી શકતો.”
“જો છોકરાવ હું તમને સંધાયને એક વાત હમજાવું,આ ઝીન્દગીમાં પોબ્લેમ તો આવવાના પણ એવા ટાણે તમારો જોડીદાર તમારે હારે હશે ને તો પોબ્લેમ તો આમ સોલ થઇ જાહે.એને જ તો જીવનસાથી કેવાય..હાચું કહું અત્યારે તમે લોકો આ જે ધીંગાણા કરો છો પણ એકવાર વચાર કરી જોજો કોઈ દહાડો એ માણહ હારે નહી હોય તો શું કરશો..?મને ખબર સે એ બહુ અઘરું હોય સે એકલા જીવવાનું.કેહતા કેહતા ભગવાનભાઈ ની આંખો ભીની થઇ ગઈ પણ એ અટક્યા નહી.ને બોલવાનું ચાલુ રાખ્યું. આંખ બંધ કરીને એક વખત જોવો તો ખરા...તમારી એ બંધઆંખ્યું તમને ઘણું દેખાડશે.ઘર ગ્રહસ્થી લઈને બેઠા છીએ તો નાના નાના ધીંગાણાઓ તો ચાલ્યા કરે પણ જોજો આ બધામાં તમારો પ્રેમ ભુલાઈ ના જાય.
કેલીનાની બંધ આંખો માંથી વહી રહેલા આંસુનું ટીપું એના કરન પ્રત્યેના પ્રેમની ખાતરી આપી રહ્યું તું. કરને આંખો ખોલી ત્યારે કેલીનાના ગાલ પર વહી રહેલું આંસુ જોયું એટલે તરત એ લુછ્યું ને વ્હાલથી એને ગળે લગાડી.ને કહ્યું.- “શ્રીમતીજી માફ કરી દો ને હવે ધ્યાન રાખીશ ઘરે પાછા આવી જાવને.તમારા વગર નથી ગમતું.હવે ક્યારેય ગુસ્સો આવે તો ધીંગાણું કરી લેજે પણ ઘર છોડીને ના જઈશ.”
“મને પણ માફ કરી દે કરન હું તને સમજી ના શકી.હવે હું પણ ધ્યાન રાખીશ તારું અને તારા કામનું પણ.”
દાદા તમારો ખુબ ખુબ આભાર કાવ્યાએ દાદાને કહ્યું. તમને ખબર નથી આ કરન અને કેલીનાના ધીંગાણા ના લીધે તો બંને ઘરમાં ઉપાધી થઇ ગઈ તી. થેંક યુ રાજ તારો આઈડિયા કામ કરી ગયો.ભગવાનદાદાએ આ બંને ને સરસ સમજાવ્યું. કરન અને કેલીના એ પણ ભગવાનદાદાનો આભાર માન્યો.અને બધા ઘરે જવા નીકળ્યા.ત્યાં ભગવાનભાઈ બોલ્યા-અલ્યા છોકરાવ આ ધીંગાણું પૂરું થઇ ગીયું તે એની પાલટી તો કરવી જ પડે ને...?
“હા દાદા કરવી જ પડે ને..ચાલો આજે તમને બધાને મારા તરફથી પાર્ટી,ના પાલટી,ચાલો ક્યાં જઈશું..?”-કરને તરત જ જવાબ આપ્યો ને સવાલ પણ કર્યો.
“આજે દાદા કહે ત્યાં જ જઈએ..”—કેલીના
“તમતમારે તમે બધા જ્યાં લઇ ઝાવ ત્યાં..”
“ના દાદા તમે બોલો તમે શું જમશો.. પંજાબી.. ચાઇનીઝ...ઇટાલિયન..મેક્સિકન..?”-- વિશાખા.
“મને ખબર છે મારા દાદુ શું ખાશે.. રંગબેરંગી રોટલો...બરાબરને દાદા...?”—રાજ
“હા રાજીયા તારી વાત હાચી..આજ તો એ જ ખાઈ નાખીએ.”—ભગવાનભાઈ
“રંગબેરંગી રોટલો..!!!! એટલે શું...” બધાને થોડું આશ્ચર્ય થયું આ તે વડી કઈ ડીશનું નામ છે..?”
“મિત્રો મારા દાદા પિઝ્ઝા ની વાત કરે છે.તમને કદાચ નવાઈ લાગશે પણ આ ગામડિયાન લાગતા મારા દાદા બહુ મુક્ત વિચારોના છે ને નવા યુગની સાથે તાલમેલ બેસાડીને જીવવા વાળા માણસ છે. એમને ગાડું ચલાવતા પણ આવડે ને સ્માર્ટ ફોન પણ.ને રંગબેરંગી રોટલો મતલબ પિઝ્ઝા એમની ફેવરીટ ડીશ છે."
“ અલા રાજીયા હવે રંગબેરંગી રોટલાની બહુ ભૂખ લાગી સે.હવે ખાધા પીધા પસી બાકીની વાત નહી તો આપને ધીંગાણું થઇ જાહે.”--કાવ્યા એ અસલ કાઠયાવાડી ટોનમાં કહ્યું.
“હાચી વાત દીકરી રોટલા રાહ જોતા હશે હાલો બધા.” – ભગવાનભાઈ
બધા પેલા રંગબેરંગી રોટલાને ન્યાય આપવા આગળ વધ્યા.મિત્રો તમારા બધાના જીવનમાં પણ આવા ઘણા બધા ધીંગાણાઓ થતા રેહતા હશે,પણ જો મળીને રેહશો તથા એકબીજાને અને પરિસ્થિતિને સમજવાની કોશિશ કરશો તો જીવન સરળ બની જશે.અને હા જયારે ધીંગાણું પૂરું થાય ત્યારે રંગબેરંગી રોટલાની પાલટી કરવાનું ના ભૂલતા.આવજો..


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED