ભુરી આંખોનું ક્ષિતિજ Dr Punita Hiren Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

ભુરી આંખોનું ક્ષિતિજ

ભૂરી આંખોનું ક્ષિતિજ
10.૦૦ AM
25-7-2019
કોન્ફરન્સ રૂમ
હેડ ઓફીસ, સનહાર્ટ ફાર્મા.
મુંબઈ
કોન્ફરન્સ રૂમમાં બધા જ પોતપોતાની જગ્યા એ ગોઠવાઈ ગયા હતા, ફક્ત ટેબલના બંને છેડાની આગળની બે ત્રણ ખુરસીઓ ખાલી હતી. ટેબલની આગળ એક યુવાન ઉભો હતો. આકાશ શર્મા – ૩૫ વર્ષનો યુવાન, છ ફુટ ઊંચાઈને મધ્યમ બાંધો, રૂપાળો વાન વ્યવસ્થિત ટ્રીમ કરેલી દાઢી ને જેલ નાખીને બરાબર ઓળેલા એના વાળ ને ઘેરા કાળા રંગની એની આંખો, કોઈને પણ મોહિત કરી દે એવું વ્યક્તિત્વ. કોઈની નજર આકાશ પર પડે તો પળવાર તો એની નજર આકાશ પર જ અટકી જાય. આજે એને બ્લેક રંગનું શર્ટ ને ક્રીમ રંગનું પેન્ટ પેહરેલા હતા જેમાં એ રોજ કરતા પણ વધારે રૂપાળો ને મોહક લાગતો હતો. આજના પ્રોગ્રામ ને લઈને બહુ જ ઉત્સાહિત હતો ને એને વિશ્વાસ હતો કે આ વખતે તો ડીલ ફાઈનલ જ થઇ જશે. છેલ્લા ઘણા વર્ષોથી એ એક નવી દવા પર રીસર્ચ કરી રહ્યો હતો. આજે જર્મનીથી કોઈ કંપનીના ચેરપર્સન અને એમની ટીમ આકાશનું રિસર્ચ વર્ક જોવા આવવાના છે.
વર્ષોની મેહનત પછી આજે આખરે આ દિવસ આવ્યો. આકાશ આજે સવારે વેહલો જ ઓફીસ આવી ગયો હતો. આકાશે આવીને આજની બધી જ તૈયારીઓ જોઈ લીધી. એના બોસ મિસ્ટર મહાદેવન સાથે પણ એને બધી જ વાતો ડિસ્કસ કરી લીધી. એના બોસ એ પણ આજે આવનારી કંપની વિષે અમુક વાતો આકશને કહી. આ ચોથી કંપની હતી જે આ દવાના કોપી રાઇટ્સ માટે આકાશને અને એની કંપનીને મળવા આવી રહી છે અને એ પણ પાછી ઇન્ટરનેશનલ, એટલે આકાશ માટે આજનો દિવસ બહુ જ મહત્વનો છે. કોન્ફરન્સ રૂમની ઘડિયાળ દસ ને દસ નો સમય બતાવી રહી છે. આકાશે એની ટીમના દરેક મેમ્બરને એમનુ કામ ફરી એક વખત યાદ અપાવ્યું. દસ ને પંદર મીનીટે આક્શના બોસ મિસ્ટર મહાદેવન જર્મનીની કંપનીના ત્રણ માણસો સાથે કોન્ફરન્સ રૂમમાં દાખલ થયા. એમને રૂમમાં બેઠેલા દરેક ને આવેલા મેહમાનો નો પરિચય આપ્યો.
“Good Morning Friends.... Meet Mr. John Methew, Mr. Devid Daniel, And A Beautiful Lady Alvina D’souza. They Are From Welos Pharma Ltd., Germany.

પછી એમને જર્મન મેહમાનો ને પોતાની ટીમનો પરિચય આપ્યો.
Mr. Akash Sharma – Senior Research Scientist. He Will Lead Today’s Session.
Mr. Vishal Soni – He Is Also A Research Scientist
Mr. Aasutosh Ghosh and Mr. Binoy Verma

N You All Know Me… I Am N. Mahadevan A Chief Marketing Executive Of Sunheart Pharma.
ALVINA D’SOUZA જયારે કોન્ફરન્સ રૂમમાં એન્ટર થઇ ત્યારથી આકાશની નજર એના પર જ મંડાયેલી હતી. લાઈટ બ્લ્યુ રંગનું શર્ટ ને ડાર્ક બ્લ્યુ રંગના પેન્સિલ સ્કર્ટમાં એનું ફીગર એકદમ પરફેક્ટ લાગી રહ્યું હતું. મીડીયમ લેન્થના એના વાળ ઉંચી પોની વાળીને બરાબર બાંધેલા હતા. ચેહરા પર હળવો મેક અપ કરેલો હતો. બ્રાઉન રંગની લીપસ્ટીક એના ચેહરાના રંગ સાથે બરાબર મેચ થઇ રહી હતી. જયારે આકાશ અને અલ્વીનાની નજરો એકબીજા સથે મળી ત્યારે બંનેની નજર એકબીજા પર જ અટકી ગઈ. જાણે એ ચાર આંખો વર્ષોથી એકબીજાને જોવા તરસી રહી હોય એમ. પળવાર માટે જાણે સમય ત્યાં જ થંભી ગયો ને એ બંને અતીતની સફરે ઉપડી ગયા.
મિસ્ટર મહાદેવને જયારે આકાશની સાવ નજીક જઈને કહ્યું કે- ‘આકાશ ચાલુ કરશું...?’ ત્યારે આકાશ અચાનક કોઈ સપનામાંથી બહાર આવ્યો હોય એમ જબકી ગયો. પણ પછી તરત એને પરિસ્થિતિને સંભાળી લીધી. પોતાનું પ્રઝનટેશનચાલુ કર્યું. એક કલાકનું એનું સેશન પૂરું થયા પછી એના કલીગ આસુતોષએ પોતાનું સેશન ચાલુ કર્યું. આમ વારાફરતી આકશની પૂરી ટીમનું પ્રઝનટેશન લગભગ બે-અઢી કલાક ચાલ્યું. આખા સેશન દરમ્યાન આકાશ અને અલ્વીના ક્યારેક ક્યારેક એક બીજા સામે જોઈ લેતા હતા. અલબત, એકબીજા સાથે નજરો મળી જાય તો નજર ફેરવી લેતા હતા. કંઈ કેટલાય સવાલો હતા બંને ની આંખોમાં.
આકાશના મગજમાં કેટલા બધા સવાલો ફરી રહ્યા હતા. અલ્વીના અવની જેવી જ કેમ દેખાય છે..? ચેહરો તો એના જેવો જ છે.. પણ એનો લુક્સ સાવ અલગ છે અવની કરતા.. અવની એકદમ અલ્લડ, નાદાન અને નિખાલસ હતી ને આ અલ્વીના તો એકદમ અલ્ટ્રા મોર્ડન, સ્માર્ટ બીઝનેસ વુમન છે. ને જર્મની માં રહે છે. ના ના આ અવની નથી એ કેવી રીતે હોય, અવની તો..!! આકાશનું મગજ વિચાર કરતા અટકી ગયું. ખબર નહી અવની ક્યાં હશે..? આ વાત પર આકાશનું મન ને મગજ સાવ શાંત થઇ ગયા. અવની અને અલ્વીનાની સામ્યતા ને વિભિન્નતાની બધી જ દલીલો અટકી ગઈ. ને સામે પક્ષે અલ્વીના તો આકાશને જોતા જ ઓળખી ગઈ. અરે એમ કહોને કે એને જોતાવેત જ એણે જયારે આકાશને પેહલી વાર કોલેજ કેન્ટીનમાં જોયો હતો ત્યારથી અત્યાર સુધીની દરેક પળ એની આંખોની સામે થી ફાસ્ટ ફોરવર્ડની જેમ પસાર થઇ ગઈ. જયારે અવનીએ આકાશને પેહલીવાર જોયો હતો ત્યારથી જ એને એ ગમવા લાગ્યો હતો. પેહલીવાર જોયા પછી છેક અઠવાડિયા પછી એની સાથે વાત કરવાનો મોકો મળ્યો હતો. પણ પછી તો અવારનવાર મુલાકાતો થતી રેહતી ને પછી એ બંને મિત્રો બની ગયા. અવનીને હંમેશા એવું લાગતું કે આકાશ એને પસંદ કરે છે પણ આકાશે ક્યારેય અવનીને એવું કઈ કહ્યું જ નહોતું. એક દિવસ આકાશના જ એક મિત્રે અવનીને જઈને કહી દીધું કે આકાશ એને બહુ જ પસંદ કરે છે પણ એ ડફોળની હિંમત જ નથી તને કેહવાની. એક કામ કરને તું જ એને કહી દે ને તારા દિલનો હાલ... આ વાત સંભાળીને અવની બહુ જ ખુશ થઇ ગઈ. અવનીએ આકાશના બર્થ ડે ના દિવસે જ એને પ્રપોઝ કર્યું. ત્યારે આકાશે પણ અવનીને I LOVE YOU કહી જ દીધું. બસ પછી તો એમના પ્રેમની ગાડી પુરઝડપે દોડવા લાગી. M. Pharm ના લાસ્ટ યરના કેમ્પસ સિલેકશનમાં જ જોબ મળી ગઈ. અવની આકાશની જુનીયર હતી એટલે હજુ એને એક વર્ષ ભણવાનું બાકી હતું. ને અવનીને તો Ph. D પણ કરવું હતું. એ બહુ મહત્વાકાંક્ષી હતી. એના સપનાઓ બહુ મોટા મોટા હતા. ને આકાશ સંતોષી જીવ હતો. એ અવનીને હંમેશા સમજાવતો બસ યાર રેહવા દે ને હજુ કેટલું ભણીશ. તને સરસ જોબ મળી જાય એટલે લઇ લેવાની ને શાંતિની ઝીંદગી જીવવાની. પણ અવનીના વિચારો ને સપનાઓ સામે હંમેશા એ હારી જતો. આકાશની જોબ બીજા શહેરમાં હતી એટલે આકાશને અવની શરૂઆતમાં દર શનિ-રવિ મળતા. પછી મહિનામાં બે વાર તો ક્યારેક એક વાર... અવનીને ધીરે ધીરે એવું લાગી રહ્યું હતું કે બે શહેરો વચ્ચેના અંતર જેવું બીજું કોઈ અંતર એમની વચ્ચે પણ વધી રહ્યું હતું.
છેલ્લી વાર જયારે એ બંને મળ્યા ત્યારે આકાશ બહુ જ ઉદાસ લાગી રહ્યો હતો. પણ તેમ છતાય બહારથી બધું સામાન્ય હોય એવો દેખાવ કરી રહ્યો હતો. અવની કહી રહી હતી એ વાતો એ સાંભળી તો રહ્યો હતો પણ એનું ધ્યાન બીજે જ કયાંક હતું. આકાશ જો આ દરિયો કેટલો બધો અવાજ કરે છે પણ એને જોઇને, એની પાસે બેસીને આપનું મન કેટલું શાંત થઇ જાય છે. કેવું અજીબ કેવાય નહી..!!! તને ખબર છે એક વાત,- નાનપણથી જ મને દરિયો બહુ ગમે છે.. જયારે પણ મારું મન બહુ અશાંત હોય, હું બહુ ઉદાસ હોય ત્યારે હું દરિયા પાસે બેસવું પસંદ કરું.. ને આ દરિયો મારી બધી જ પરેશાનીઓ ભુલાવી દે.... અવની બોલ્યે જ જતી’તી પણ એના શબ્દો આકાશના કાન સુધી જ પહોચી રહ્યા હતા. આકાશ એની વાતનો કોઈ જ જવાબ નહોતો આપી રહ્યો. એ સાવ ગુમશુમ બેસી રહયો હતો. અવની એ એને હસાવવાની બહુ કોશિશ કરી પણ એની દરેક કોશિશ નાકામયાબ રહી. છેલ્લે કંટાળીને અવની એ કહ્યું આકાશ હવે આપણે જવું જોઈએ. તારે કાલે સવારે જલ્દી નીકળવાનું હશે. આકાશ ઉભો થયો ને પછી અવની ઉભી થઇ. આકાશે અવનીને પોતાના આલીંગનમાં જકડી લીધી. ને અત્યાર સુધી મહામેહનતે દિલમાં સંઘરી રાખેલી આકાશની બધી જ પીડા અશ્રુઓ બની વેહવા લાગી. અવનીને ઘડીભર સમજી ના શકી કે આ શું થઇ રહ્યું છે. એને લાગ્યું કે જરૂર કોઈક તો વાત છે જે આકાશને પરેશાન કરી રહી છે. એટલે જ કદાચ આજે એ આટલો બધો ચુપ ચુપ છે. એ પ્રેમથી આકાશની પીઠ પર હાથ ફેરવવા લાગી. એને થોડીવાર આકાશને રડવા દીધો, પછી ધીરે રહીને એને પોતાનાથી અળગો કર્યો ને કહ્યું- આકાશ શું થયું..? કેમ રડે છે..? આજે કેમ આટલો બધો ઉદાસ છે..? તારા આ આંસુઓનું કારણ શું છે..? મને નહી કે..?
“હું...તું...તને...” આકાશ આંખોમાં આંસુઓ સાથે બસ આટલું જ બોલી શક્યો.
“અરે ગાંડા.. તારે જવાનું છે એટલે રડે છે..? આપણે બહુ જલ્દી ફરી મળીશું.. તું આમ રડ નહી આકાશ. રડતો આકાશ જરાય સારો ના લાગે.. ચલ હસ જોઈએ.. ને મને પ્રોમીસ કર કે ફરી આમ ક્યારેય નહી રડે.”
“ભલે નહી રડું. પણ તું પણ મને એક પ્રોમીસ કરીશ..?”
“અરે ગાંડા તારે માટે તો જાન પણ હાજીર છે.. ને તું ખાલી એક પ્રોમીસ માંગે છે. ચલ તું જે કે એ પ્રોમીસ તને આપ્યું.” હસતા હસતા અવનીએ કહ્યું.
“જો હંમેશા આમ જ હસતી રહેજે, ખુબ મેહનત કરજે, તારા બધા જ સપનાઓ પુરા કરવા માટે. હું તારી સાથે હોવ કે ના હોવ હંમેશા ખુશ રહેજે. ને એક છેલ્લી વાત અવની પ્લીઝ તું મને જતા રોકીશ નહી. મારા માટે આ બધું બહુ અઘરું છે એને વધારે અઘરું ના બનાવીશ. I Love You Forever.” આકાશ ધીરેથી અવનીનો હાથ છોડીને ચાલતો થયો.
અવની દિગ્મૂઢ બનીને આકાશને જતા જોઈ રહી. એને ખ્યાલ નહોતો આવતો કે અચાનક આ શું થઇ ગયું. આકાશ કેમ આવી વાત કરીને ગયો. એ ત્યાં દરિયાની રેતીમાં જ બેસી ગઈ ને આકાશ અંધારામાં અંતર્ધ્યાન થયો ત્યાં સુધી એને જતા જોઈ રહી.
એ દિવસે અનુભવેલી પીડા અત્યારે પણ અલ્વીનાના દિલમાં શુળ બનીને ભોકાઈ રહી હતી. વર્ષો પછી આજે આકાશ સામે આવતા ફરી એના મનમાં એ જ સવાલોનું વંટોળ ચાલવા લાગ્યું’તું... કેમ.... શું કામ આકાશ એ આવું કર્યું..? એવું તું શું કારણ હશે કે આકાશ ને આમ કરવું પડ્યું..?
આજનું પ્રઝન્ટેશન પૂરું થયા પછી બંને ટીમના સભ્યોએ એકબીજા સાથે હાથ મિલાવ્યા. અલ્વીનાના હાથના સ્પર્શથી આકાશના આખા શરીરમાં એક આછી ઝણઝણાટી ફરી વળી ને એનું દિલ એક ધબકાર ચુકી ગયું હોય એવું આકાશને લાગ્યું. અલ્વીનાની ભૂરી આંખોને નજીક થી જોયા પછી આકાશને ખાતરી થઇ ગઈ કે મારી અવની જ છે..? તારી અવની..!! આકાશનું મન એના મગજ સાથે દલીલો કરવા લાગ્યું..? ને એને પણ વર્ષો પેહલાની એ સાંજ યાદ આવી ગઈ. પછીના બે દિવસ સુધી જર્મનીની ટીમે આકાશની ટીમની સાથે રહીને એમનું બધું રીસર્ચ વર્ક સ્ટડી કર્યું, એમના મેનુફેકચરીંગ પ્લાન્ટનું સર્વે કર્યું. આકાશ અલ્વીના સાથે એકલામાં વાત કરવા માંગતો હતો, પણ એને હિંમત જ નહોતી થતી ને એવો કોઈ ખાસ મોકો પણ નહોતો મળતો. ત્રીજા દિવસે આકાશે નક્કી કર્યું હતું કે આજે તો ગમે તે થાય એ અલ્વીના સાથે વાત કરીને જ રહેશે. પણ આકાશ આજે પણ ના વાત કરી શક્યો. આજે અલ્વીના એકલી જ આવી હતી એના બીજા સાથીમિત્રો બીજા કોઈ કામ ને લીધે નહોતા આવી શક્યા. બપોરે જતી વખતે અલ્વીના એ કહ્યું- “Mr. Mahadevan, Mr. Aakash it was nice to see your research and your team work. Tomorrow I am leaving for Germany. I will inform you about the project within a week or so. Nice to meet you guys. .bbye..
આકાશ અત્યારે પણ કઈ જ ના કહી શક્યો. બસ એને જતા જોઈ રહ્યો. સાંજ સુધી આકાશ અવનીના વિચારોમાં ગુમશુમ બેસી રહયો. અવનીની અકળામણ, એનો ગુસ્સો, એની નારાજગી બધું જ એ અનુભવી રહ્યો હતો પણ એને ખબર નહોતી પડતી કે એ શું કરે..? જ્યાં સુધીએ અવનીની માફી નહી માંગે એને બધી જ હકીકત નહી જણાવે ત્યાં સુધી એને ચેન નહોતું પડવાનું, પણ કેવી રીતે..? એ તો જતી રહી... ને કાલે તો ઇન્ડિયા છોડીને જર્મની જતી રહેશે. કેટલા બધા વિચારો એકસાથે આકાશના મગજમાં ચાલી રહ્યા હતા. અચાનક કઈ યાદ આવ્યું ને આકાશની આંખોમાં એક અલગ જ ચમક આવી ગઈ. એ ફટાફટ ગાડીની ચાવી લઈને ક્યાંક જવા નીકળ્યો.
આકાશનું અનુમાન સાચું જ હતું, અવની જે હોટલમાં રોકાઈ હતી એની નજીકના દરિયા કિનારે જ બેઠી હતી. હજુ પણ એણે એ જ કપડા પેહર્યા હતા. ડાર્ક બ્રાઉન પેન્ટ ને વ્હાઈટ શર્ટ અને બ્લેઝર એને કાઢીને બાજુ પર મુકેલું હતું. ખબર નહી ક્યારથી અહિયાં બેઠી હશે. કદાચ બપોર થી...!! આકાશ એ બેઠી હતી ત્યાં નજીક જઈને પૂછ્યું...-
“May I seat here, mam?”
“Yes, Mr. Aakash.”
આકાશ અલ્વીનાની પાસે બેસી ગયો. પછી થોડીવાર એ બંને વચ્ચે ચુપકીદી છવાયેલી રહી. પછી આકાશે જ મૌનનો ભંગ કરતા કહ્યું – “આ દરિયો પણ બહુ અજીબ હોય છે નહી...!! એ પોતે કેટલો અવાજ કરે છે, પણ એની પાસે બેસીને આપણા મનના કેટલા બધા અવાજો, સવાલો શાંત થઇ જાય છે. આપનું મન ગમે તેટલી મુંજવણોમાં અટવાયેલું હોય તો પણ શાંત થઇ જાય. તમામ સવાલો ને જવાબો માં અટવાયેલું મન...” આકાશે આગળનું વાકય એમ જ અધૂરું છોડી દીધું..
“મિસ્ટર આકાશ ઝીંદગીમાં અમુક સવાલો એવા હોય છે ને કે એ તમારા મનમાં સતત ઘુમરાયા કરે.. એનાથી દુનિયાનો કોઈ દરિયો તમારો પીછો ના છોડાવી શકે.”
“સાચી વાત છે અવની.. આજે તારા દરેક સવાલનો જવાબ આપીશ. તારા બધા જ સવાલોના જવાબ આપવા આવ્યો છું. સૌથી પેહલી વાત એ કહીશ કે હું તને પ્રેમ કરું છું, કરતો હતો ને કરતો રહીશ. યાદ છે અવની તે મને એકવાર પૂછેલું કે આકાશ કેમ તારું કોઈ સપનું નથી..? અવની મારું તો એક જ સપનું હતું. હંમેશા તારી સાથે રહેવાનું, તારી પાસે રહેવાનું. ને તારા સપનાઓ, હું તારા સપનાઓ થી વાકેફ હતો. તારા સપનાઓ બહુ મોટા હતા. તારે દેશ-દુનિયા ફરવા હતા. ઇન્ટરનેશનલ કંપનીમા જોબ કરવી હતી. તારી કાબેલિયત ને મેહનત પર મને પૂરો ભરોસો હતો મને કે તું તારા સપનાઓ જરૂર પુરા કરીશ. આ બધામાં જો હું મારું સપનું પૂરું કરું તો, મતલબ જો આપણા લગ્ન થઇ જાત તો તારા બધા સપનાઓ અધુરા રહી જાત. મારી પેરેલાઈઝ માંની સેવા કરવામાં, મારા ઘરનેને મને સાચવવા માટે કદાચ તું તારા બધા જ સપનાઓ હસતા હસતા કુરબાન કરી દેત. પણ તું ક્યારેય અંદરથી ખુશ ના રહી શકેત. એ વાત મને મંજુર નહોતી. એટલે જ હું તને કઈ જ કહ્યા વગર તારાથી દુર જતો રહ્યો. પ્રેમ તો આજે પણ હું તને એટલો જ કરું છું. અને મને ખબર છે કે તું પણ મને બહુ પ્રેમ કરે છે. એટલે જ મેં ત્યારે તને કઈ જ નહોતું કહ્યું કેમકે હું તને એવી કોઈ જ પરિસ્થિતિમાં નહોતો મુકવા માંગતો કે તારે નિર્ણય લેવો અઘરો થઈ પડે ને એ નિર્ણય માટે તું આખી ઝીંદગી તારી જાતને કોશે. જો અવની મારે જે પણ કેહવું હતું એ બધું જ મેં તને કહી દીધું. હવે તારે મને જે પણ સજા આપવી હોય એ આપી શકે છે, તારો જે પણ નિર્ણય હશે એ મને મંજુર હશે.”
અવનીની આંખોમાંથી આંસુઓ વહી રહ્યા હતા. રડતા રડતા એ એટલું જ બોલી, ઉભો થા આકાશ. અને એ પણ ઉભી થઇને આકાશને ભેટી પડી. એના આંસુઓ આકાશનો આલિંગનમાં અવિરત વેહતા રહ્યા ને વર્ષોથી સંઘરી રાખેલી પીડા પણ એની સાથે વહી નીકળી. આકાશ પ્રેમથી અવનીની પીઠ પસવારતો રહ્યો. થોડીવાર પછી જયારે અવનીનું મન ને રુદન શાંત થયા ત્યારે એને આકાશને પોતાની ઝીંદગી વિશે બધું કહ્યું – કેવી રીતે એને કોલેજ પૂરી કરી, ક્યારે જર્મની ગઈ, ત્યાં આલબર્ટને કયારે મળી, એની સાથે લગ્ન કરીને અલ્વીના આલ્બર્ટ ડિસોઝા થઈ ગઈ એ, પછી એની જોબ એની કંપની... એવી બહુ બધી વાતો કરી. છેલ્લે અવની એ બીજી એક સરસ વાત આકાશને કહી. આકાશ જો દુર પેલી ક્ષિતીજ દેખાય છે તને...? તને ખબર છે અવની અને આકાશ પણ એના જેવા જ છે.. એક હોવા છતાં પણ અલગ. ક્ષિતિજ કે જ્યાં અવની ને આકાશ મળતા હોય એવો આભાસ.. આપણું પણ એવું જ છે ને કોલેજ માં હતા ત્યારે આપણને એવું હતું કે આપને બંને એક જ છીએ.. બધી વાતમાં સરખા જ છીએ. પણ હકીકત એ છે કે આપને બંને અલગ છીએ વર્તનમાં ને વિચારોમાં... તારો નિર્ણય સાચો જ હતો આકાશ. એના માટે તારો જેટલો આભાર માનું એટલો ઓછો છે.
અરે અવની એમાં આભાર શાનો... આપણે બંને પોતપોતાની લાઈફમાં ખુશ છીએ.. દિલ પર એક બોજ હતો વર્ષો જુનો એ પણ આજે ઉતરી ગયો. ને તું તો ભૂરી આંખોનું ક્ષિતિજ છે મારું.. હંમેશા મારી સાથે જ હોય છતાં મારી પાસે ના હોય એવું. ચલ હવે બહુ મોડું થઇ ગયું છે તને હોટલ પર મૂકી જાવ. કાલે સવારે તારે જલ્દી નીકળવાનું હશે.
ભલે આકાશ... Love You Dear
Love you, too. મારી ભૂરી આંખોનું ક્ષિતિજ.