ખાટલાનો ખાલીપો
ટીંબડી, મોરબીની નજીકમાં જ આવેલુ એક નાનકડું ગામ.ગામના ચોકમાં, ગામની મધ્યમાં આવેલું એક મોટું ઘર.અંગ્રેજીના C આકારના એ ઘરને બે ભાગર(દરવાજા) છે. એક ગામના ચોકમાં ને બીજી ગામના પાછળના બીજા રસ્તા પર આવે છે. આ મોટી ભાગર ની અંદર બે ઘર આવેલા છે. બંને ઘરને જોડતો સિમેન્ટનું બનાવેલું પાક્કું આંગણું. ભરબપોરે એક વૃધ્ધ માણસ એક ઘરથી બીજા ઘર સુધી ખુલ્લા પગે આમ થી તેમ આંટા મારી રહ્યા છે.ચેહરા પર અજીબ બેચેની, અપાર વેદના ને લાચારી ના મિશ્ર ભાવો દેખાઈ રહ્યા છે.આમ થી તેમ બેચેન બની ચાલતા ચાલતા ક્યારેક અચાનક પરસાળમાં મુકેલા પેલા ફોટા પાસે જઈને અટકી જાય છે.બે હાથ જોડીને ઊભા રહી જાય છે અને આંખોમાંથી ટપ ટપ આંસુઓ વહી જાય છે.
ધનગૌરીબેન કાનજીભાઈ ભોરણીયા
ધનીબા, ધનીબા દેવ થઇ ગયા, એને આજે ત્રણ દિવસ થયા. પણ કાનજી બાપા ને જીવને ક્યાંય જપ નથી વળતો. સતત આમ થી તેમ ફર્યા કરે છે, ક્યારેક શૂન્યમાં તાકી રહે છે. ૮૪ વર્ષના ધનીબા છેલ્લા ઘણા વર્ષોથી બીમાર હતા. દેવ થયાના બે દિવસ પેહલા એમને જમવાનું, બોલવાનું, સાંભળવાનું છોડી દીધું તું. આંખો પણ ભાગ્યે જ ખોલતા.પરિવારજનોને લાગતું હતું કે કદાચ એમનો આત્મા દેહ છોડવાની તૈયારી કરી રહ્યો છે. બસ ત્યારથી જ કાનજીબાપા ગુમસુમ થઇ ગયેલા.ત્રીજા દિવસે ધનીબા ના આત્મા એ દેહ છોડી દીધો. પરિવારજનોએ એમની વિદાય સહજતાથી સ્વીકારી લીધી. ૧૨-૧૩ વર્ષ પેહલા ૪૨ વર્ષના ભાઈની વસમી વિદાય જીરવી ગયેલા ભાઈઓ તથા બેહન એ વૃધ્ધ માં ની વિદાય સ્વીકારી લીધી. વહુઓ, પૌત્રો અને એમની વહુઓ તથા પૌત્રીઓ અને જમાઈઓ એ પણ આ વાત બહુ સરળતાથી સ્વીકારી. પણ કાનાજીબાપા માટે આ એટલું સહેલું નથી.વર્ષોના સંગાથ અને સહવાસ પછીનો આ વિયોગ એમનાથી નથી જીરવાતો.
અંદાજીત ૬૦ વર્ષ પેહલા કાનજીબાપા પોતાનું ગામ હમીરપર અને પરિવાર છોડીને ટીંબડી, ધનીબા ના ગામ આવેલા. અને પછી અહિયાં જ પોતાની અલગ દુનિયા વસાવેલી. કાનજી પટેલ અને ધની ફઈને આખું ગામ ઓળખે.ધનીબા અને કાનજીબાપા ની જિંદગી કઈ એટલી આસન નહોતી પણ જિંદગીના કઈ કેટલાય તડકા છાયડાઓ સાથે જોઈ અને જીવી ચુકેલા. પારિવારિક જવાબદારીઓ માંથી નિવૃત થવાની ઉમર હતી ત્યારે યુવાન દીકરો પોતાના ૪ બાળકો અને પત્નીને રડતા મુકીને સ્વર્ગે સીધાવ્યો. એ આઘાત પણ બા અને બાપા જીરવી ગયા. પણ આજે જયારે ધનીબા ની વિદાય એમનાથી નથી જીરવાતી. પોતાના ખાટલાની બાજુમાં પડેલા ખાલી ખાટલાનો ખાલીપો એમને બેચેન કરી મુકે છે. લગ્નજીવનના ૬૦ વર્ષ માં ભાગ્યે જ કોઈ દિવસ બંને એકબીજા વગર રહ્યા હશે. એમાં પણ છેલ્લા છ-સાત વર્ષથી, જ્યારથી બા બીમાર પડ્યા ત્યારથી સતત એમના પડછાયાની જેમ બાપા એમની સાથે રહેલા. સતત એમના ખાટલાની બાજુના ખાટલા માં કે પછી બા ના ખાટલા પાસે જ બેસી રેહતા. એમની દરેક જરૂરિયાતનું ધ્યાન રાખતા.કોઈ દિવસ એમને છોડીને થોડી વાર માટે પણ ક્યાય ના જતા. પોતાની તબિયત ખરાબ હોય તો પણ કોઈને કહે નહિ. કેમકે બા ને મુકીને ડોકટર પાસે પોતાની તબિયત બતાવવા જવું પણ એમને ના ગમતું. આજે એ પડછાયાને દેહ છૂટવાની પીડા સેહવાતી નથી.કદાચ આને જ તો પ્રેમની પરાકાષ્ઠા કેહતા હશે.
આજે દુનિયામાં ઘણા પતિ-પત્નીઓ એવા છે જે નાની નાની વાતમાં ઝઘડી પડે છે.એમને હું એવું કેહવા માંગીશ કે મિત્રો સાથે જીવી લેજો, જિંદગીને મન ભરીને માંણી લેજો.એકબીજા ને અઢળક અને અનહદ પ્રેમ કરજો અને એની અભિવ્યક્તિ કરવાનું ભૂલતા નહી.કેમકે વર્ષો બાદ બાજુમાં પડેલા ખાલી ખાટલાનો ખાલીપો બહુ પીડાદાયક હશે.ત્યારે મનભરીને માણેલી જિંદગીની યાદો મલમ બનીને તમારી પીડા ઓછી કરી શકશે.
ભગવાનને, એ પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરજો કે એ ધનીબા ના આત્માને શાંતિ આપે અને કાનજીબાપા ને એમની વિદાયની વેદના માંથી બહાર આવવાની શક્તિ આપે. ઓમ શાંતિ.