સમય : સવારના ૧૧ વાગ્યા
સ્થળ : શેઠ આર્ટસ કોમર્સ એન્ડ સાયન્સ કોલેજ, વીરપુર
સરલા મેડમ આજે રીટાયર થવાના છે. સરલા મેડમ, એક પ્રભાવશાળી સ્ત્રી જે છેલ્લા દસ વર્ષથી આ કોલેજના પ્રિન્સીપાલના પદને શોભાવતા હતા. પેહલા એ આ કોલેજમાં લેકચરર હતા ને એ પેહલા એક હાઇસ્કુલમાં ટીચર હતા. એમની નોકરીના ચાલીસ વર્ષોમાં એમને ક્યારેય કોઈને ફરિયાદનો મોકો નહોતો આપ્યો. આટલા વર્ષોમાં એ પૈસાની સાથે સાથે માન સન્માન પણ બહુ કમાયા હતા. વિદ્યાર્થીઓ ની સાથે સાથે સ્ટાફ મેમ્બર્સના પણ એટલા જ માનીતા હતા. આજે બધા એમના વિદાય સમારંભની તૈયારીઓમાં વ્યસ્ત હતા. સરલા મેડમ હવે કોલેજ નહી આવે એ વાત આમ તો કોઈ સ્વીકારવા તૈયાર જ નહોતું. બધા ને એવું લાગતું હતું કે એમના વગર કોલેજ અધુરી લાગશે. અમુક વસ્તુઓ પર કોઈનો કંટ્રોલ નથી હોતો. હવે એમને જવાનું નક્કી જ હતું એટલે બધા એમના વિદાયના આમ તો સન્માન સમારોહ કેહવું વધારે યોગ્ય રેહશે. હા, તો વિદ્યાર્થીઓ અને લેક્ચરર્સ બધા પુર જોશમાં તૈયારીઓ કરી રહ્યા હતા. સન્માન સમારોહ કાલે છે. પણ જયારે આજે સરલા મેડમ કોલેજ આવ્યા ને એમને કાગળ પર કાયદેસર પોતાનું પદ છોડ્યું ત્યારે અમુક લોકો તો રડી પડ્યા. સ્ટાફ રૂમમાં પણ બધા ઉતારેલા ચેહરે બેઠા હતા ત્યારે જ સરલા મેડમ ત્યાં આવ્યા તેમને આજે સાંજે બધાને પોતાના ઘરે જમવાનું આમંત્રણ આપ્યું.
સમય: સાંજના પાંચ વાગ્યા
સ્થળ : સરલા સદન (સરલા મેડમનું ઘર)
સાંજે સરલા મેડમ ને એમના સાસુમા એમના ઘરના બગીચામાં બેસીને ચા પી રહ્યા હતા. ત્યાં જ પંડ્યા સાહેબ, મંજુ મેડમ, વ્યાસ સાહેબ, તન્વી મેડમ એ બધા હંમેશની જેમ સમયથી વેહલા આવી ગયા. સરલા મેડમે બધાને પ્રેમથી આવકાર્યા ને બગીચામાં બેસવા કહ્યું ને કહ્યું ચાલો આજે બધા નિરાંતે બગીચામાં બેસીને જ ચા નાસ્તો કરીએ. બગીચો જોઇને વ્યાસ સાહેબે કહ્યું- “વાહ મેડમ તમે તો બહુ સરસ બગીચો બનાવ્યો છે.”
તન્વી મેડમ – “બગીચો બનાવવા કરતા જાળવવો વધારે અઘરો છે. શું કેહવું છે મજુબેન..?”
મંજુબેન – “સાવ સાચી વાત તમારી... આ બધા ફૂલ છોડની માવજત બહુ કરવી પડે. એ બહુ અઘરું કામ છે હો. ભાઈ મારાથી તો આ બધું ના થાય..”
સરલા મેડમના સાસુ – “અરે બેન એ તો અમારી સરલાને બગીચાનો બહુ શોખ છે. બધા ફૂલ છોડની બહુ માવજત કરે એ બાળકો ની જેમ જ સાચવે..”
ત્યાં સરલા મેડમ અને એમની દીકરી બધા માટે ચા નાસ્તો લઈને આવ્યા. બધા મેહમાનો ચા નાસ્તા ને ન્યાય આપવા લાગ્યા. આમ તો આ કોઈને મેહમાન ના કહી શકાય આટલા વર્ષો સાથે નોકરી કર્યા પછી બધા ઘરના સભ્યો જેટલા જ ચિરપરિચિત થઇ ગયા’તા. બધા નાસ્તો કરીને નિરાંતે વાતો કરી રહ્યા હતા ત્યાં રમ્યા-રવીશ, નિયતિ-નૈમિષ આવ્યા. આ બંને નવયુવાન, નવપરિણીત જોડાઓ હમણાં જ શેઠ કોલેજમાં જોડાયા હતા. એમના માટે સરલા મેડમ હંમેશા એક અચંબિત વ્યક્તિત્વના માનુની ગણાતા. એ લોકો માટે સરલા મેડમ એક ચર્ચાનો વિષય બની રેહતા કે કેવી રીતે મેડમ આટલા COOL રેહતા હશે. આવડી ઉમર આટલી બધી જવાબદારીઓ તેમ છતાય ક્યારેય મેડમને થાકેલા કે અકળાયેલા નથી જોયા. સરલા મેડમ બહુ જ મિલનસાર સ્વભાવના છે. બહુજ પ્રેમાળ શિક્ષક, શિસ્ત અને વ્યવસ્થાના આગ્રહી કડક પ્રિન્સીપાલ, ઘરરખું ગૃહિણી, પ્રેમાળ માં, પત્ની વહુ.. એમની જિંદગીના આ બધા જ કિરદાર એ બખૂબી નિભાવી જાણતા હતા. આટલું બધું સરલા મેડમ કેવી રીતે સંભાળી શકે છે એ વાતની હંમેશા આ લોકોને નવાઈ લાગતી. રમ્યા, રવીશ, નિયતિ, નૈમિષ ને બીજા નવા લેક્ચરર્સ એ બધા પેહલીવાર સરલા મેડમના ઘરે આવ્યા હતા. એમનું સુંદર ઘર ને વ્યવસ્થિત જાણવણી કરેલો બગીચો, બગીચાના દરેક ઝાડને કાપીને કોઈ ચોક્કસ આકાર આપેલો હતો. લોન પણ બરાબર કાપેલી હતી. બગીચામાં પંદર-વીસ માણસો આરામથી બેસી શકે એવી વ્યવસ્થા કરવામાં આવી હતી. નિયતિ ને આ બધી વ્યવસ્થા ને એની ચોક્કસાઈ જોઇને સરલા મેડમ માટેનું માન વધી ગયું.
આજે ચર્ચાનો મુખ્ય વિષય સરલા મેડમ જ હતા. બધા એમની સાથેના પેહલા અનુભવની, તો કોઈ પોતે જોયેલા એમના અંગત જીવન અને કારકિર્દીના સંઘર્ષોની ને સફળતાઓની વાતો કરી રહ્યા હતા. તો અમુક સ્ત્રીમિત્રો એમને જાળવી રાખેલા સુંદર શરીર સૌષ્ટવની વાતો કરી રહ્યા હતા. તો કોઈ એમના સુખી લગ્નજીવન ને એમના સંતાનો, એમના ભણતરની વાતો કરી રહ્યા હતા. આ બધી વાતો સાંભળીને રમ્યા, રવીશ, નૈમિષ બધા યુવાનો બહુ ઉત્સાહિત લાગી રહ્યા હતા. પણ ખબર નહી નિયતિ બહુ ગુમશુમ બેઠી હતી. અચાનક સરલામેડમ અને મંજુ મેડમનું ધ્યાન એકસાથે નિયતિ તરફ ગયું.
મંજુ મેડમ – “નિયતિ શું થયું..? કેમ આટલી બધી ગુમશુમ છે..?”
નિયતિ – “ના કશું નહી મેડમ એમ જ..”
મંજુ મેડમ – “અરે બેન તને કોઈ તકલીફ હોય, પ્રોબ્લેમ હોય તો કહી દે ને આપને બધા ઘરના જ છીએ.”
નિયતિ – “ના મેડમ એવું કઈ નથી.”
સરલા મેડમે ફરી એવું જ પૂછ્યું ત્યારે પણ શરૂઆતમાં તો નિયતિ એ આનાકાની કરી પણ આખરે નિયતિ એ કહી જ દીધું. મેડમ મને એક વાત સમજાતી નથી કે તમે ઘર, કોલેજ, તમારા બાળકો, તમારા પતિ, સાસુ-સસરા, તમારા શોખ આ બધું જ કેવી રીતે સંભાળી શકો છો...? બધું જ આટલી સરસ કઈ રીતે થઇ શકે..? મેં ક્યારેય તમને ગુસ્સે થતા કે અકળામણ અનુભવતા નથી જોયા. કેવી રીતે આટલું સુંદર જીવન જીવી શકાય..?
અરે નિયતિ આ બધાની પાછળ એક સાવ નાનકડું લોજીક છે. ચાલ મારી સાથે હું તને સમજાવું.. નિયતિ કઈ જવાબ આપે એ પેહલા જ રવીશ બોલ્યો- “મેમ અમારે પણ એ લોજીક જાણવું છે, અમે પણ આવીએ..?”
“અરે એમાં પૂછવાનું થોડી હોય ચાલો બધા મારી સાથે. આજે કઈક નવું જાણવા મળશે એમ વિચારીને રમ્યા રવીશ તો બહુ ઉત્સાહિત થઇ ગયા’તા. એ જલ્દી જલ્દી મેડમની સાથે ચાલવા લાગ્યા. એમની પાછળ નિયતિ નૈમિષ ને બીજા લોકો પણ જવા માટે ઉઠયા. સીનીયર લેક્ચરર્સ હજુ પણ ત્યાં જ બેઠા હતા કદાચ એ લોકો કોઈ બીજી વાતોમાં વ્યસ્ત હતા. સરલા મેડમ બગીચામાંથી ઘરના મુખ્ય દરવાજા પાસે આવ્યા. એમની પાછળ બીજા બધા પણ આવ્યા. સરલા મેડમે બોલવાનું ચાલુ કર્યું..- “જુઓ ત્યાં લગાવેલી પેલી નામની તખ્તી પાસે લગાવેલી એક ચેઈનવાળી થેલી દેખાય છે તમને બધાને..?”
“ના મેડમ બધા બોલ્યા...”
“ધ્યાનથી જુઓ ત્યાં એક ચેઈનવાળી થેલી લટકે છે.”
“મને તો કઈ જ નથી દેખાતું.” – નૈમિષ
“અરે નૈમિષ એમ નહી મેડમ કદાચ પેલું X ફેક્ટર વાળું કેહતા લાગે છે. હાઇસ્કુલમાં હતા ત્યારે આપણે લોકો ગણિતમાં ભણતા ને ધારો કે X એટલે ચેઈનવાળી થેલી એવું, બરાબર ને સરલા મેડમ..?”
“હા રવીશ એવું જ કઈક.”
“હા મેડમ ત્યાં એક ચેઈનવાળી થેલી લટકેલી છે પણ પછી આગળ શું..?” રમ્યાને આગળની વાત સાંભળવાની ઉતાવળ હોય એમ એ બોલી.
બહુ વાર સુધી સરલા મેડમને બાકી બધા લોકો પાછા ના આવ્યા એટલે મંજુ મેડમ જોવા આવ્યા કે આ બધા શું કરે છે. એમને પણ સરલા મેડમની વાતમાં રસ પડ્યો એટલે એ અહી જ રોકાઈ ગયા. ત્યારબાદ ધીરે ધીરે બગીચામાં બેઠેલા બધા જ સર ને મેડમ પણ ત્યાં આવી ગયા. હવે બધાને સરલા મેડમના સફળ ને સુખી જીવનનું રહસ્ય જાણવાની ઉત્સુકતા વધી રહી હતી.
સરલા મેડમે ફરી બોલવાનું ચાલુ કર્યું— “હું જયારે ઘરથી બાહર કામ પર જવા નીકળું છું ત્યારે ઘરની બધી જ ઉપાધિઓ, કોઈ નાનું મોટું ઘરનું ટેન્શન એ બધું જ આ થેલીમાં બંધ કરીને નીકળું છું. કામ પર હું આ બધું ક્યારેય સાથે લઈને નથી જતી. એવી જ રીતે જયારે નોકરીથી ઘરે પાછા આવું ત્યારે કામનો બધો ભાર, ઉપાધિઓ એ બધું જ આ થેલીમાં મુકીને ચેઈન બંધ કરી દઉં. ને સવારે મુકેલી બધી ઉપાધિઓ ને જવાબદારીઓ પાછી લઇ ને જ ઘરમાં જાવ. આવી રીતે હું નોકરીના સમય પર મારું પૂરેપૂરું ધ્યાન એના પર જ આપું છું, ને ઘરના સમયે ઘરમાં જ ધ્યાન કેન્દ્રિત કરું છું. આવી રીતે હું મારું ઘર ને નોકરી બંને ને પુરતો ન્યાય આપી શકું છું. ને આખો દિવસ પ્રફુલ્લિત રહી શકું છું. મિત્રો તમે લોકોને એક વાત પુછુ.. તમે બહારથી ઘરે આવો ત્યારે કેટલી બધી ઉપાધિઓ અને અકળામણ સાથે આવ્યા હોય ને એવા જ વિચારો સાથે ઘરમાં જાવ. જ્યાં તમારું બાળક તમારી રાહ જોતું બેઠું હોય, એ બિચારું તમને કઈક કેહવા માટે કે બતાવવા માટે કે તમારી સાથે રમવા માટે અધીરું હોય ને તમે તમારા પોતાના ટેન્શનમાં એની વાત પણ ના સાંભળો ને એને વઢવા લાગો કે આ શું છે બધું..? તે લેશન કર્યું.. આવું કેવું કરે છે... એમ કરીને તમારો ગુસ્સો તમે એના પર ઉતારો છો. તમારા મમ્મી પપ્પા હોય ને એ તમે ઘરમાં આવો એટલે બિચારા પ્રેમથી પૂછે કે કેવું છે..? કેમ આજે તો બહુ મોડું થયું ને તારે..? અને તમે લોકો શું કરશો.. તમારે તો કેહવું છે બસ... એમ કઈ થોડી બધું કામ થઇ જાય... બહાર નીકળીને જોવો તો ખબર પડે કેટલો ટ્રાફિક છે. માણસોને કોઈ સેન્સ જ નથી વાહન ચલાવવાની... ને એવું બીજું ઘણુ બધું. હવે એક ક્ષણ માટે ઉભા રહીને વિચારો તમારા કામ પરના ટેન્શન કે રસ્તામાં મળેલા ટ્રાફિક કે બીજા કોઈ પ્રોબ્લેમ માં તમારા બાળકનો કે માતાપિતા નો કોઈ વાંક ખરો..? તો પછી તમે આ શું કરી રહ્યા છો.. તમે જાતે જ તમારા ઘરમાં તણાવ વધારી રહ્યા છો. એવી જ રીતે તમે જયારે ઘરની ઉપાધિઓ જેમ કે સવારમાં ના આવેલી કામવાળીની અકળામણ કે ગુસ્સો સાથે લઈને નોકરી પર જાવ છો ત્યારે તમારા કામને પૂરો ન્યાય નથી આપી શકતા. ઘરના કામ કે જવાબદારીઓનો બોજ લઈને કામ પર નહી જવાનું ને કામનો બોજ ઘરની અંદર લઈને નહી જવાનું. એ આ ચેઈનવાળી થેલીમાં મુકીને જ જવાનું. દરેક કામનો એક સમય હોય ત્યારે એને પુરતો સમય આપવાનો તમારું બેસ્ટમાં બેસ્ટ આપવાની કોશિશ કરવાની. પછી બધું ઠાકોરજીના હવાલે કરી દેવાનું. એ બધું સંભાળી લેશે.
સરલા મેડમની વાત સાંભળી બધા ખુશ ખુશ થઇ ગયા. રવીશે વધુ જાણવાની ઈચ્છા સાથે પૂછ્યું,- “મેડમ તમારી વાત સાંભળવી બહુ ગમી પણ મને થોડું હજુ વધારે જાણવું હોય તો..?”
જો રવીશ તને તારી જ ભાષામાં કહું તો દા.ત. – દાખલા તરીકે રમ્યા ઘરમાં રસોઈ બનાવતા બનાવતા બીજા કોઈ વિચારોમાં હોય કે કોલેજના કોઈ કામને લઈને ટેન્શનમાં હોય અને ભૂલથી શાકમાં બે વાર મીઠું નાખી દે. ને એમજ તું પણ બાહરથી કોઈ ટેન્શન સાથે લઈને ઘરમાં આવ્યો છે ને જમવા બેસે છે તો ડબલ મીઠા વાળું શાક ખાતા જ ગુસ્સે થઇ જાય છે કે રમ્યા તને રસોઈ બનાવતા આવડે છે ખરી, શાક કેટલું ખારું છે. એવું બધું બોલવા લાગે ને સામા પક્ષે રમ્યા પોતાના ટેન્શનમાં હોય એટલે એ વાતને સમજવાના બદલે એ પણ દલીલબાજી કરે કે કેમ લગ્ન પેહલા તો મારા હાથની રસોઈ બહુ ભાવતી’તી ને હવે શું થયું... એમ કરતા કરતા માહોલ તનાવયુક્ત થઇ જાય એના કરતા જો તમે બંને પોતાના કામની અને બહારની બધી ઉપાધિઓ ને અકળામણ ઘરની બહાર રાખેલી પેલી ચેઈનવાળી થેલીમાં મુકીને આવ્યા હોત તો ખારા શાકનો બીજો કોઈ ઉપાય શોધીને પ્રેમથી એક થાળીમાં જમતા હોતને.
રમ્યા તરત જ બોલી. -“સાવ સાચી વાત તમારી મેડમ મારે ને રવીશને આવા જ ઝઘડાઓ બહુ થાય છે તમે બહુ સરસ ઉપાય બતાવ્યો. તમારો ખુબ ખુબ આભાર. ”
આમ ગણિતના તજજ્ઞ સરલા મેડમે પોતાની સફળ જિંદગીનું ગણિત બહુ સરળ શબ્દોમાં બધાને સમજાવી દીધું. આ વાત બધાને બહુ ગમી, એના માટે બધા એ મેડમનો આભાર પણ માન્યો. ત્યાં સરલા મેડમના સાસુ આવ્યા ને કહ્યું આજે તો તમે બધા માસ્તરો વાતોથી જ પેટ ભરી લેવાના લાગો છો. કોઈને ભૂખ નથી લાગી. ચાલો બધા જમવા. પછી નૈમિષ હસતા હસતા બોલ્યો ચાલો બધા ચેઈનવાળી થેલીમાં પોતાની પરેશાનીઓ મુકીને અંદર જમવા જઈએ. ને બીજા બધા પણ એની વાત પર હસી પડ્યા. મિત્રો તમે પણ ક્યારેક આ ચેઈનવાળી થેલીનો ઉપયોગ કરી જોજો. મજા આવશે.
-પુર્ણાંશની ડાયરીમાંથી