ગ્લીસરીન બોટલ Dr Punita Hiren Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગ્લીસરીન બોટલ

ગ્લીસરીન બોટલ

ડો. પુનિતા સંઘાણી

સ્ટોર માં ગ્લીસરીન ની બોટલ જોતા જ ઘડીભર તો શ્લોક ના પગ ત્યાં જ થંભી ગયા.. એ ત્યાં થી આગળ જ ન વધી શક્યો.. ગ્લીસરીન ની બોટલ હાથ માં લેતા જ એ ક્યાંક દુર ખોવાઈ ગયો..

“મમ્મી હું બધો સામાન લઇ આવી છું.. તમે બરાબર જોઈ લેજો.. પણ ગ્લીસરીન ની બોટલ કેમ મંગાવી હશે.. મહારાજ એ... ગ્રહ શાંતિ ની બધી વસ્તુઓ માં ગ્લીસરીન નું શું કામ હોય?“

“એ સ્વરા ગ્લીસરીન નું કામ પંડિત ને નઈ, મારે હતું.. મતલબ કે છે... તું જઈશ ત્યારે મારે થોડું રડવું તો પડશે ને...આમ તો મને બહુ ખુશી થશે તું જઈશ એટલે.. પચીસ પચીસ વર્ષો થયા તોય હજી મારો પીછો નથી છોડતી.. આ દુનિયા માં આવ્યો ત્યારથી બધે પાછળ પાછળ જ આવે છે... હોસ્પિટલ, ઘર, સ્કૂલ, કોલેજ બધે જ... વિચાર્યું કે તને પરણાવી દઈશું એટલે મારો પીછો છૂટશે... એમાં પણ તે અંચાઈ કરી.. સુજલ ને પસંદ કરી ને... બે જ ગલી દુર તો એનું ઘર છે... કોલેજ ને હોસ્પિટલ માં પણ એ મારી સાથે છે... એટલે તું પણ એક રીતે મારી પાછળ પાછળ જ રેહવાની ને.....”

“મમ્મી આ શ્લોક ને કઈક કે ને....”

“શ્લોક તું સ્વરા હેરાન કરવાનું બંધ કર અને એને પાર્લર જવાનું છે તો તું મૂકી આવ... ને બાકી તો દીકરા એ ચાર દિવસ પછી જયારે એ જતી રેહશે ને ત્યારે તારી ખબર પડશે... અને હા.. રહી વાત પીછો કરવાની તો.. દીકરા તું જન્મ્યો ત્યાર થી એના લીધે જ તારું ગાડું ચાલે છે હો ભાઈ... શ્લોક તું જન્મી ને રડ્યો પણ નહોતો ને આંખો પણ નહોતો ખોલતો... ડોક્ટર પણ ટેન્શનમાં આવી ગયેલા.. પણ જયારે સ્વરાને તારી બાજુ માં સુવડાવી ત્યારે એના સ્પર્શથી માત્રથી આંખો ખોલી ને તું રડવા લાગ્યો... અને સ્કૂલ હોય કે કોલેજ બધે એને તારું કેટલું ધ્યાન રાખ્યું છે.. શ્લોક એ બધું તો સ્વરાં નહિ હોય ને ત્યારે તને બહુ યાદ આવશે...“

“સાચી વાત છે મમ્મી મારા ગયા પછી જ શ્લોક ને મારી વેલ્યુ સમજાશે...”

“જા ને હવે... તું ક્યાં બહુ દુર જવાની છે.. બે ગલી દુર તો તમારા સુજલ નું ઘર છે... રોજ તમે બંને અહી જ પડ્યા રેહવાના છો, મને ખબર છે....”

“જરાય નહિ હો શ્લોક... હું ગયા પછી પાછી નહિ આવું, તું બોલાવી બોલાવીને થાકીશ તો પણ નહિ આવું....”

“જોઈશું એ તો હવે.....” “અત્યારે મારી સાથે આવવું હોય તો જલ્દી ચાલ... મારે મોડું થાય છે... અને હા મમ્મી મારી ગ્લીસરીન બોટલ સાચવીને રાખજો.. આ સ્વરા ની વિદાય પેલા પેલા મને આપી દેજો એટલે મને રડવાની મજા આવશે...“ કહી ને શ્લોક મમ્મી સામે જોઇને હસવા લાગ્યો.. હા હા હા ...

“ચાલ હવે... એતો હું જતી રહીશ ને પછી ખબર પડશે તારી ને તારા રડવાની... જલ્દી કર મોડું થઇ ગયું છે.. પેલી મેહંદી વાળી મારી રાહ જોતી હશે....”

“ઓકે સ્વરા જી..”

“શ્લોક બસ હવે.. મસ્તી બહુ થઇ... થોડો તો સીરીયસ થા જિંદગી માં...”

“ભલે સ્વરાં દેવી જેવી આપની આજ્ઞા..”

“તું ક્યારેય નહિ સુધરે... ભઈલું પેલા મને પાર્લર મૂકી જા ને.. પછી તારે જ્યાં જવું હોય ત્યાં જજે ને..”

“ના હો જરાય નહિ... જો પેલા સિવિલ આવશે... મારે તારા સુજલનું થોડુક કામ છે.. ખાલી પાંચ મિનીટ થાશે.. પછી તને મુકવા આવીશ...”

“સારું જેવી તારી મરજી આમ પણ તું ક્યાં મારી વાત માનવાનો છે....”

“કુલ.. કુલ ડાઉન સ્વરા દેવી.. જો આપણે પહોંચી ગયા છીએ.. તું બે મિનીટ અહિયાં ટ્રોમાસેન્ટર પાસે ઉભી રે હું આમ ગયો ને આમ આવ્યો...”

સ્વરાને ત્યાં ઉભી રાખી ને શ્લોક ટ્રોમા સેન્ટરની સામે બોયઝ હોસ્ટેલમાં અંદર ગયો... હજુ તો શ્લોક હોસ્ટેલની લોબીમાં જઈને સુજ્લના રૂમનો દરવાજો ખખડાવે છે ત્યાં જ બહુ જોર થી ધડાકો થયો... બહુ પ્રચંડ ધમાકો હતો... ધૂળ ને ધુમાડા ના ગોટા ઉડવા લાગ્યા... બધા માણસો આમ તેમ દોડવા લાગ્યા... શ્લોકને સુજલ પણ આ ધડાકાથી ચોંકી ગયા...

“સુજલ... સુજલીયા હું સ્વરાને ત્યાં બહાર ઉભી રાખી ને આવ્યો છું...” બોલતા બોલતા શ્લોક ઝડપથી પગથીયા ઉતરતો ટ્રોમા સેન્ટર પાસે જ્યાં સ્વરાને ઉતારી હતી તે દિશામાં દોડ્યો... ને સુજલ પણ એની પાછળ દોડ્યો....

“સ્વરા.... સ્વરા...” શ્લોક બુમો પાડવા લાગ્યો..

ત્યાં જ સુજલને સ્વરા ત્યાં પડેલા બાઈક અને વિખરાયેલા કાટમાળની વચ્ચે પડેલી દેખાઈ... એને જલ્દી થી દોડીને પડેલી સ્વરાને ઉંચી કરીને પોતાના ખોળામાં માથું રાખીને સુવડાવી.... “શ્લોક... આ બાજુ.. જલ્દી સ્ટ્રેચર ને વોર્ડબોય ને લઈને આવ...” સુજલે બહુ જોર થી બુમ પાડી.. આટલું બોલીને સુજલ નો અવાજ ધીમો પડવા લાગ્યો.... હાથ પગમાં ધ્રુજારી છૂટવા લાગી... હૃદય બહુ જોરથી ધડકવા લાગ્યું... આજુ બાજુ બધે માણસો ચત્તાપાટ પડ્યા હતા... કોઈના હાથ તો કોઈના પગ કપાઈ ને ક્યાય દુર ઉડી ને પડ્યા હતા... ચેહરા પણ ઓળખી ના શકાય એવા થઇ ગયા હતા... લોહી નિતરતાં શરીર એમ જ પડ્યા હતા... કોઈના કપડા તો કોઈના શરીર બળીને ખાક થઇ ગયા હોય એવા લાગતા હતા... સદનસીબે સ્વરાંના ચેહરાને કઈ નહોતું થયું... પણ એના પેટમાંથી લોહી અવિરત વહી રહ્યું હતું.. એનું પિંક ટીશર્ટ લાલ થઇ ગયું હતું.... સુજલ સાવ હેબતાઈ ગયો હતો.. તેને પોતાની આંખો સામે દેખાતા દૃશ્ય પર વિશ્વાસ નહોતો આવતો... આજુ બાજુની પરિસ્થિતિ સમજતા તેને થોડી વાર લાગી.... કે આ એક બોમ્બ બ્લાસ્ટ હતો..

“સુજલ ....સુ....જ....લ... સ્વરા બહુ હળવેથી કઈ કેહવાનો પ્રયાસ કરી રહી હતી...”

“હા સ્વરા... હું અહિયાં જ છું.. તારી પાસે... MY LOVE...”

“શ્લોક ને બોલાવ...”

“શ્લોક શ્લોક.... શ્લોક...” સુજલે બુમ પડી અને આજુ બાજુ જોયું... પણ શ્લોક ક્યાય દેખાયો નહી...”

“હમણાં આવી જશે શ્લોક... સ્વરા તું ચિંતા ના કર... હિમત રાખ ડીઅર.. બધું ઠીક થઇ જશે... કેહતા કેહતા સુજલ ની આંખ માં આંસુ આવી ગયા...”

“સુજલ.... સુ..જ..લ..” સ્વરા ને બોલવા માં બહુ તકલીફ પડી રહી હતી...

“રડીશ નહિ... સ્વરા”

બહુ હિમત એકઠી કરીને એ બોલવાનો પ્રયત્ન કરી રહી હતી... “રડીશ નહિ સુજલ.. મને હસતા હસતા જવા દે... જતા વેળાએ તારો ખોળો નસીબ થાય એનાથી વધારે ખુશી ની વાત શું હોય..!!!! કિશનજી મને બોલાવે છે... મારો સમય થઇ ગયો છે.... પણ મને પ્રોમીસ કર કે તું રડીશ નહી... ને હંમેશા ખુશ રહીશ.... અને મારા શ્લોકનું, મારા ભઈલાનું ધ્યાન રાખજે.... અમે બંને જોડિયા છીએ... જન્મ્યા ત્યારથી અત્યાર સુધી દરેક સમયે... દરેક પરિસ્થિતિ માં સાથે જ હતા... જોડાયેલા હતા.. એ ભલે ક્યારેય મને ના કહે ...પણ મને ખબર છે કે એ મારા વગર નહિ રહી શકે.. એને સંભાળી લેજે... જિંદગીભર એની સાથે રહેજે.... મારા ભઈલુંનું ધ્યાન રાખજે...”

“સ્વરા.. શ્લોક ને તો હું સાંભળી લઈશ.. પણ મને કોણ સંભાળશે..?” બોલતા બોલતા સુજલ નો અવાજ રૂંધાવા લાગ્યો...

સ્વરા પોતાનું માથું ઊંચું કરવાની કોશિશ કરી રહી હતી...ને હાથ હલાવીને કઈક કેહવાની કોશિશ કરી રહી હતી... સુજલ પોતાનો ચેહરો સ્વરાના ચેહરાની નજીક લાવ્યોને એનો હાથ પોતાના હાથ માં લીધો...

“હું હમેશા તારી સાથે જ છું ને સુજલ... અહિયાં તારા દિલ માં... જ રેહવાની છું...” કહીને સ્વરાએ સુજલ ના ગાલ પર કિસ કરી..... બોલતા બોલતા સ્વરાનો સ્વર સ્થિર થઇ ગયો...

ત્યાં જ શ્લોક દોડતો દોડતો આવ્યો... “સુજલ બહુ ધમાલ થઇ ગઈ છે... માંડ કરીને એક સ્ટ્રેચરનો મેળ પડ્યો છે.... ચાલ ઝડપથી સ્વરા ને ઉચકી ને લઇ જઈએ...” આ બોલતા જ એની નજર સ્વરા પર પડી અને એની આંખોમાં આંસુનો ઉભરો આવી ગયો.

“એય શ્લોક.... રડ નહિ... સ્વરા ને કઈ નથી થયું... બધું ઠીક થઇ જશે... અહિયાં આવ... સ્વરા ની પાસે બેસ... જો સ્વરા તને બોલાવે છે...“

“I LOVE YOU SUJAL... THANK YOU...” આટલું બોલીને સ્વરા એ શ્લોક સામે જોયું.... આ સાથે જ સુજલે પકડેલો સ્વરાનો હાથ નીચે પડી ગયો અને સ્વરાનું માથું નમી પડ્યું...

ડો. શ્લોક અને ડો. સુજલ સમજી ગયા કે સ્વરા હવે એમને છોડી ને બહુ દુર ચાલી ગયી છે...

“સ્વરા.... સ્વરા..... I MISS YOU... હું નહિ રહી શકું તારા વિના... તું નહિ જા ને.... પાછી આવી જા... સ્વરા.....” શ્લોક જોર જોર થી બુમો પાડી ને આક્રંદ કરવા લાગ્યો, રડવા લાગ્યો...

“શ્લોક.... ભઈલા..... ભઈલા...” શબ્દ સાંભળી ને.. શ્લોક ઘડીભર માટે સ્વરા સામે જોયું ને સુજલ સામે જોયું..... શ્લોક ના આંસુઓ રોકાતા જ નહોતા...

“શ્લોક... હિંમત રાખ ભઈલા....” કહીને સુજલે એક હાથ શ્લોક ના ખંભા પર મુક્યો ને બીજા હાથે સ્વરાની આંખો બંધ કરી...

ત્યાં સ્વરાના મોબાઈલ ની રીંગ સંભળાઈ.... “આજ જાને કી જીદ ના કરો... કી દિલ અભી ભરા નહી...” કોઈ એક દિવસ સુજલે સ્વરા માટે આ ગીત ગાયેલું... જે સ્વરાં એ રેકોર્ડ કરી ને મોબાઈલની રીંગટોનમાં સેટ કર્યું તું...... ગીત સાંભળતા જ અત્યાર સુધી માંડ માંડ રોકી રાખેલા આંસુઓ સુજલ ની આંખો માંથી વહી જવા લાગ્યા..... એ સ્વરાં ને ગળે વળગીને રડવા લાગ્યો.....

શ્લોક એ ઉભા થઈને દુર પડેલો સ્વરાં નો ફોન લીધો ... “હેલો સ્વરા.....” સામે થી સ્વરા ની મમ્મી નો અવાજ હતો... “હા મમ્મી... હું ને સુજલ સ્વરા ને લઇ ને ઘરે આવીએ છીએ... તમે સ્વરા ની પેલી લગ્નના દિવસે પેહરવાની લાલ સાડી કાઢી ને રાખજો......”

“કેમ શું થયું બેટા...?” દીકરાના લાગણી ભીના અવાજ પાછળ નું રુદન સાંભળી ગયી હોય એમ... એટલું જ બોલી શકી..

“મમ્મી આજે હું સ્વરા થી આઝાદ થઇ ગયો...” આટલું બોલતા જ શ્લોકના ગળે ડૂમો ભરાઈ આવ્યો હોય એમ તે એક પણ શબ્દ આગળ બોલી ના શક્યો....

૨૦૦૮ નો એ બોમ્બ બ્લાસ્ટ નો દિવસ શ્લોક અને સુજલની જિંદગી માં ક્યારેય ના પુરાય એવી ખોટ આપી ને ગયો.... ઘણીવાર શ્લોક સુજલ ને કેહતો...કાશ એ દિવસે મેં સ્વરા ની વાત માની હોત...પેલા એને પાર્લર મૂકી આવ્યો હોત..... તો આજે જીંદગી અલગ હોત...

વર્ષો મનાવ્યા પછી હવે સુજલ કોઈને પરણવા તૈયાર થયો છે.. એના જ લગ્ન ની ખરીદી કરવા શ્લોક ડીપાર્ટમેન્ટ સ્ટોરમાં આવ્યો તો....

તને ખબર છે સ્વરા સુજલ ને સચી સાથે લગ્ન કરવા મેં જ મનાવ્યો છે... કાલે સચી ની વિદાય વખતે., મારી સ્વરાને જ વિદાય કરું છું, એમ માની ને મને ખુબ રડવું આવશે... ને એમાં મને આ ગ્લીસરીન બોટલની જરૂર પણ નહી પડે... હોં સ્વરા... તું સાચું જ કે’તી તી કે તું જતી રહીશ ત્યારે જ મને તારી વેલ્યુ સમજાશે.... તારા વગર બહુ સુનું સુનું લાગે છે...અધૂરું અધૂરું લાગે છે... Miss you dear...

-પુર્ણાંશનો પ્રથમ પ્રયત્ન