યે દિન ભી બીત જાયેંગે Dr Punita Hiren Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

યે દિન ભી બીત જાયેંગે

યે દિન ભી બીત જાયેંગે...
રાતના અગિયાર વાગી ગયા છે. મોરબી કોવીડ હોસ્પિટલના પેહલા માળે જનરલ વોર્ડમાં ડોક્ટર જાનકી દરેક દર્દીના પલંગ પાસે જઈને એમનું ઓક્સીજન લેવલ તપાસે છે. એમની તબિયત અને તકલીફ વિષે પૂછે છે. બહુ પ્રેમથી દરેક દર્દીની નાનામાં નાની વાત સાંભળે છે. એમના ખાન પાન વિષે પૂછે છે. દરેક દર્દીને આરામ કરવા અને ધીરજ રાખવા સમજાવે છે. બધા દર્દીઓ ને મળીને પોતાના ટેબલ પાસે આવી ત્યારે રાતના બાર વાગવા આવ્યા હતા. થોડી વાર ટેબલ પર માથું રાખીને સુવાની કોશિશ કરે છે. માંડ માંડ થોડી આંખ લાગી હશે ત્યાં એને કોઈના રડવાનો ધીમો ધીમો અવાજ સંભળાયો. એણે જાગીને જોયું તો વોર્ડમાં એક પલંગ પર એક ઘરડી સ્ત્રી રડી રહી હતી. નર્સિંગ સ્ટાફએ ડોક્ટર જાનકીને જણાવ્યું કે એ શારદાબેન છે, શારદાબેન અને મનહરભાઈ બંને પતિ-પત્ની અઠવાડિયા પહેલા અહિયાં એડમીટ થયા હતા. કાલે સાંજે એમના પતિનું ઓક્સીજન લેવલ ડાઉન થતા એમને સ્પેશિયલ વોર્ડમાં લઇ ગયા છે. બસ ત્યારથી એ સુનમુન બેઠા રહે છે અને મેં બે ત્રણ વાર એમને રડતા પણ જોયા છે. પણ ડોકટર કેવી પરિસ્થિતિ છે નહી...!! આપણે ચાહવા છતાં કઈ જ નથી કરી શકતા. મોરબીમાં કેટલા બધા કેસ વધી રહ્યા છે. ખબર નહી શું થવા બેઠું છે..? આ બધું ક્યારે અટકશે...? ડોકટર જાનકી ચુપચાપ પોતાની જગ્યાએથી ઉઠીને શારદાબેન પાસે ગયા.
“બા, શું થયું ..? કેમ હજુ જાગો છો..?” બહુ પ્રેમથી જાનકીએ વાતની શરૂઆત કરી.
“બેટા, તારા બાપાની બહુ ચિંતા થાય છે. ખબર નહી એ કેમ હશે...? એમને ક્યારે સારું થશે...? એ કોઈ દિવસ એકલા નથી રહ્યા ત્યાં એ નવા દવાખાનામાં એકલા કેમ રહેશે..? પાછા મગજના પણ આકરા ખરા ને જટ દઈને કઈ બોલશે પણ નહી..” બોલતા બોલતા શર્દાબેનથી ફરી એક ડૂસકું મુકાઇ ગયું.
“અરે બા, એમ ઢીલા પડવાથી થોડી ચાલશે...? તમારે વડીલોએ તો અમને હિંમત આપવાની હોય ને તમે જ આમ ઢીલા પડો એ કેમ ચાલે બા..? તમે લોકો એ તો જિંદગીના કેટલા બધા તડકા- છાયા જોયા હશે. બા, તમે છપ્પનીયો દુષ્કાળ જોયો હશે ને...? “
“હા હો બેન, બહુ કપરા દિવસો હતા એ ખાવા અનાજ અહીં ને પીવા પાણી પણ નહોતું મળતું.. એ વખતે હું કદાચ આઠ-દસ વર્ષની હતી.” શારદાબેન પોતાના આંસુ લુછતા બોલ્યા.
“શારદાબા ૧૯૭૯ નું પુર જોયું હતું..?”
“હા બેટા એ કેમ ભૂલાય... બહુ ભયાનક હતું એ.. મચ્છુ નદી ગાંડીતુર થઇ હતી એ દિવસે ૧૧ ઓગસ્ટ ૧૯૭૯ નો એ દિવસ મોરબી વાસી કયારેય નહી ભૂલી શકે. બહુ અઘરો દિવસ હતો એ.”
“શારદાબા, તમને ૨૬ જાન્યુઆરી ૨૦૦૧ ના દિવસે શું થયું હતું એ યાદ છે..?”
“હા બેન એ દિવસે ધરતીકંપ આવેલો. ધરતી ફાટી હતી કેટલું બધું નુકશાન થયેલું.. કેટલા બધા લોકોના ઘર પડી ભાંગેલા એ દિવસે...” બોલતા બોલતા શારદાબેન છત તરફ તાકી રહે છે.
“બા તમને એક વાત કહું..? આ દુષ્કાળ, પુર, ભૂકંપ અને આ કોરોનામાં ઘણી બધું સરખું છે પણ અલગ શું છે ખબર છે...? હું કહું તમને...આ બધી જ મુશ્કેલીઓ એ આપણા મોરબીને તબાહ કર્યું હતું અને કરે છે. અને તોય મોરબી અને મોરબીના લોકોએ હિંમતથી બધી જ મુશ્કેલીઓનો સામનો કર્યો છે. અને દરેક વખતે એક નવું અને વધારે મજબુત મોરબી દુનિયાની સામે આવ્યું છે. અને શારદાબા આ વખતે તો મોરબીના માંધાતાઓ એ પોતાનો જીવ રેડી દીધો છે આ મુસીબત સામે લડવા માટે. રાતોરાત ૧૫૦૦ થી ૨૦૦૦ બેડ ની હોસ્પિટલ્સ ને કોરનટાઈન સેન્ટર ઉભા કરી દીધા છે. ઓક્સીજનના બાટલા દરેક કારખાના વાળાઓએ આપ્યા છે. દવાઓ, ડોકટરો, નર્સિંગ સ્ટાફ બધું જ તાત્કાલિક ધોરણે તૈયાર કરી દીધું છે. મોરબીએ સાબિત કર્યું છે કે મોરબી કોઈની મદદનું મોહતાજ નથી.કેટલા બધા લોકો નિસ્વાર્થ ભાવે પોતાના સમય અને પૈસા ને પાણીની જેમ વાપરીને આપણા બધાની મદદ કરી રહ્યા છે. ડોકટરો તથા એમની ટીમ અને આ બધા સમાજસેવી લોકો સતત પ્રયત્ન કરી રહ્યા છે કે દરેક મોરબીવાસીની મદદ કરી શકાય. તો પછી તમે લોકો હિંમત કેમ હારો છો..!! પ્રભુ આપણા બધાની પ્રાર્થના સાંભળી રહ્યા છે. આપણા બધાની મહેનત જોઈ રહ્યા છે.એ તો ખાલી આપણી ધીરજની થોડી કસોટી કરે છે. પણ આપણે બધા એમની આ કસોટી માંથી પર ઉતારવાનું છે. હિંમત રાખો સહુ સારા વાના થશે. આપણા આખા દેશમાં કદાચ મોરબી એકલું જ એવું શહેર છે જે જાતે જ મુશ્કેલ પરિસ્થિતિ સામે લડવાની તાકાત ધરાવે છે. બા દુષ્કાળ, પુર અને ભૂકંપ વખતે તો આપણા મોરબી પાસે આટલી તાકાત પણ નહોતી તોય આપણે બધા મોરબીવાસીઓ ની હિંમત અને માનવતાથી આપણે ફરી બેઠા થયા હતા. તો પછી બા આ તો એક નાનકડો વાયરસ છે એનાથી શું ડરવાનું...? બા આપણે બહાદુર બનવાનું છે બેજવાબદાર નહી. અમે લોકો, ડોકટરો અને એમની ટીમ તથા આ બધા સમાજસેવકો તમને લોકોને આ વાઇરસથી બચાવવા રાત-દિવસ મહેનત કરી રહ્યા છીએ. તો મારી તમને લોકોને બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે તમે લોકો હિંમત ના હારતા ઈશ્વર પર અને અમારા પર વિશ્વાસ રાખજો બધું ઠીક થઇ જશે. હિંમત રાખજો.” જાનકી એકધારું બોલ્યે જતી હતી અને વોર્ડના બધા જ દર્દીઓ જાગીને ચુપચાપ એની વાત સાંભળી રહ્યા હતા.
“બેટા તમે ખુબ સરસ કહ્યું. આપણે બધા હિંમત રાખીશું તો જરુર આ મુસીબત માંથી પાર ઉતરીશું.” ચાર નંબરના પલંગ પરથી એક ભાઈ બોલ્યા.
“હવે તો મારે જલદી ઠીક થઇ જવું છે. હું ઠીક હોઈશ તો બીજાનું ધ્યાન રાખી શકીશ. અને એમને બેજવાબદાર નહી બનવા સમજાવીશ.” સાત નંબરના પલંગ વાળા બેન બોલ્યા.
“સાચી વાત છે તમારી હવે અમે બધા હિંમત નહી હારીએ, હું કાલે એમને પણ ફોન કરીને આ બધી વાત સમજાવીશ.” બોલતી વખતે શારદાબા ની આંખોમાં આશાનું નાવું કિરણ ચમકી રહ્યું હતું.
“ગીતામાં શ્રી કૃષ્ણે કહ્યું છે કે પરિવર્તન સંસારનો નિયમ છે. માટે આ દિવસો પણ બદલશે. એ દિન ભી બીત જાયેંગે. એટલે હસતા રહેજો અને હિંમત રાખજો.” જ્યોત્સના સિસ્ટર બોલ્યા.
“ આજ મુશ્કીલોને સર ઉઠાયા હેં ફિર..
આજ ફિર ઘરોમે બંધ હેં એ કદમ,
હાથ જો મદદ કે વાસ્તે હેં ઉઠે,
થામ લેંગે હોનેના દેંગે આંખે વો નમ,
સીનેમેં હેં તેરા લહું, રગોમે હેં તેરા નમક,
એ વતન... એ વતન...
દેખના એક દિન જીત જાયેંગે હમ..
એ વતન ... એ વતન..
મુસ્કુરાયેંગા તું મુસ્કુરાયેંગે હમ..
દેખના એક દિન જીત જાયેંગે હમ....”
ડોકટર જાનકી એ પોતાના સુમધુર અવાજમાં સરસ ગીત ગાયું. બધાએ તાળીઓ પાડીને એમનું અભિવાદન કર્યું.
છેલ્લા પલંગ વાળા દાદાએ હાથનો ઈશારો કરીને જાનકીને પોતાની પાસે બોલાવી. જાનકી એમના પલંગ પાસે ગઈ. એટલે દાદા ધીમા આવજે બોલ્યા..
“દીકરી તારું નામ શું છે..?”
“ મારું નામ જાનકી છે દાદા. ડોક્ટર જાનકી જનકભાઈ પટેલ.” જાનકીએ દાદાની નજીક જઈને કહ્યું
“ ધન્ય છે તારા માવતરને. જુગ જુગ જીવજે દીકરી.” દાદાએ હાથ ઉપર કરીને જાનકીને આશીર્વાદ આપતા કહ્યું.
જાનકીની આંખમાં આંસુ આવી ગયા.
ચાલો હવે બધા આરામ કરો. આ કોરોના સામે લડવા આરામ તો કરવો પડશે ને. બહાદુર બનો બેજવાબદાર નહી. જાનકી એ હાથ જોડીને બધા સામે ફરીને કહ્યું.
પૂર્ણા શની ડાયરી માંથી.
ડો. પુનિતા હિરેન સંઘાણી