વાત તારી ને મારી - મને આજેય યાદ છે.. Dr Punita Hiren Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વાત તારી ને મારી - મને આજેય યાદ છે..

વાત તારી ને મારી – મને આજેય યાદ છે...
વર્ષો પછી સૃષ્ટિ મોરબી આવી છે.પચીસ વર્ષ પહેલા સૃષ્ટિ સાજનને પરણીને મોરબીથી મુંબઈ જતી રહેલી ને પછી બે વર્ષ બાદ ત્યાંથી પણ પરિવાર સહીત અમેરિકા જતી રહેલી. નાનપણની સખી નયનાના દીકરાના લગ્નમાં સામેલ થવા માટે એ મોરબી આવી છે.વર્ષો પહેલા સૃષ્ટિના મમ્મી-પપ્પાએ બહુ ઉતાવળે સજન સાથે એના લગ્ન નક્કી કરી દીધેલા એ સમયે સૃષ્ટિ પાસે આનાકાની કરવાનો વિકલ્પ જ નહોતો ને લગ્ન પછી થોડા સમયમાં એના મમ્મી-પપ્પા વડોદરા એના ભાઈ સાથે રહેવા ચાલી ગયેલા. એટલે આમ જોવા જઈએ તો વર્ષોથી સૃષ્ટિનો મોરબી સાથેનો સંબંધ જાણે કપાઈ જ ગયેલો.પણ છૂટવા છતાંય એવું કઈક તો હતું જે નહોતું છૂટી રહ્યું. લગ્નને હજુ બે દિવસની વાર છે એટલે નયના અને નરેશકુમાર બધા મહેમાનો ને લઈને મોરબી દર્શન માટે નીકળ્યા છે. બધાએ મણી મંદિર જોયું અને હવે બધા ઝુલતા પુલ જોવા માટે આવ્યા છે.બધા લોકો ઝુલતા પુલ પર ચાલતા ચાલતા મચ્છુ નદી અને મોરબીનું સૌન્દર્ય માણતા માણતા પુલના બીજા છેડે આવે છે. પુલના બીજા છેડે આવીને બધા લોકો મહાપ્રભુજીની બેઠકના દર્શન કરવા જાય છે.પણ સૃષ્ટિ નાનકડી કેડી પર ચાલીને નીચે નદી તરફ જાય છે. કેડી પર ચાલતા ચાલતા નદી સામે આવે છે ત્યારે અચાનક સૃષ્ટિની ચાલ ધીમી પડી જાય છે.ધીમા પગલે ચાલતી સૃષ્ટિ જયારે નદીકિનારે પહોચે છે ત્યારે સુરજ આથમવાની તૈયારીમાં જ છે.વલ્લભઘાટના એ તૂટેલા પગથીયા પાસે આવીને સૃષ્ટિ ધીમેથી બોલી...
મને આજેય એ સાંજ યાદ છે...
નદીકિનારે તૂટેલું એ પગથીયું,
ને પગથીયા પર મળેલા
બે જીવ.. બે પ્રેમીઓ...
પ્રેમીના પહેલા સ્પર્શથી થોડી
કાપતી,શરમાતી ને છતાંયે
અનિમેષ નજરે પોતાના પ્રેમીને
નિહારતી એ છોકરી મને આજેય યાદ છે.
ઢળતા સૂર્ય,ખુલ્લા ધરતી-આકાશ
ને વહેતા પાણીની સાક્ષીએ
આંખોમાં આંખો પરોવીને બેઠેલું,
એ પ્રેમી-યુગલ મને આજેય યાદ છે.
પોતાની પ્રિયતમાને વ્હાલથી
હસાવતા એના પ્રિયતમનો
હસતો ચહરો મને આજેય યાદ છે.
એકબીજાને સાથે હસતા-હસાવતા
રૂઠતાં-મનાવતા, લાડ લડાવતા
એ પ્રેમીઓ મને આજેય યાદ છે.
આજે એ જ જગ્યાએ એ જ
ઢળતા સૂર્ય ખુલ્લા ધરતી-આકાશ
ને વહેતા પાણીની સાક્ષીએ
એ તૂટેલા પગથીયા પર એકલી
બેસીને સૃષ્ટિ વિચારે છે
મને આજેય એ યાદ છે
પણ આંખમાં આવીને બેસેલું
અશ્રુબિંદ ફરિયાદ કરે છે,
શું સૃષ્ટિ એને આજેય યાદ છે..?
આ યાદનું લોજીક પણ બહુ અજીબ છે નહી..!!એકવાર એ આવે એટલે બધું જ યાદ આવે પછી કશું પણ યાદ ન કરવું પડે. બસ આંખોની પાંપણો ખુલ્લી રહી જાય ને પેલું ગરમ ગરમ ખારું ખારું પાણી સુક્કા ગાલને ભીંજવીને આગળ વધતું રહે.બસ પછી આંખોની નદીઓમાં ધસમસતું એક પુર આવે ને એકાંતમાં જાતે જ ઓસરી જાય પણ એની સાથે સાથે એ પૂરમાં ઘણું બધું તણાઈ જાય,પ્રેમ ને એની પીડા, વિરહની વેદના, મનના કોઈ ખૂણે ધરબી રાખેલી કેટલી બધી લાગણીઓ
“સૃષ્ટિ એક મિનીટ પાછળ ના જોઇશ. ત્યાં જ બેસજે. અને હા ગુસ્સો ના કરતી ને મારીશ નહી ને તો ત્યાં આવું..” અચાનક પાછળથી કોઈનો અવાજ આવ્યો. વર્ષો બાદ એનો અવાજ સાંભળીને સૃષ્ટિ ચૌકી ગઈ. એ અહિયાં ક્યાંથી..? એને કેમ ખબર પડી કે હું અહિયાં આવી છું..? એ અહિયાં શા માટે આવ્યો હશે..? જયારે એને આવવાનું હતું ત્યારે તો એ આવ્યો નહી તો હવે શા માટે આવ્યો છે..? સૃષ્ટિના દિમાગ એ એની સામે સવાલોનો પહાડ ખડકી દીધો.પણ મન તો પાછળ ફરીને એને એક નઝર જોઈ લેવા માટે તલપાપડ થઇ રહ્યું છે.
“સૃષ્ટિ પ્લીઝ પાછળ ના ફરીશ. મને આ બધું મન ભરીને જોઈ લેવા દે. આ ચાંદ ને એની સાથે આકાશમાં ચમકી રહેલો પહેલો તારો, ખુલ્લા ધરતી આકાશ અને શાંતિથી વહી રહેલી મચ્છુ નદી ને મારી સૃષ્ટિ આ બધું જ મને મારી આંખો ને મનના કચકડે જડી લેવા દે.ફરી કદાચ ક્યારેય આ દ્રશ્ય જોવા પામું કે ના પણ પામું. બસ હવે આજ પછી તો ભગવાન એની પાસે બોલાવી લે તો પણ વાંધો નથી.” બોલતા બોલતા સંજય સૃષ્ટિની એકદમ પાસે આવીને ઊભો રહી જાય છે.
“ઓયે સંજય મરે તારા દુશ્મન. ફરી ક્યારેય આવું ના બોલીશ.” સૃષ્ટિ હકથી એને ખીજાવા લાગી.
“ભગવાન આભાર તમારો કે તમે મારી વાત માની લીધી.” સંજય એ આકાશ સામે જોઇને કહ્યું.
“તને ક્યાંથી ખબર કે હું અહિયાં આવી છું..?”
“મને એ જરાય ખબર નહોતી. હું તો એમ જ ઘણીવાર અહિયાં આવું છું. તને યાદ કરતો અહિયાં બેસી રહું છું ને જયારે અંધારું થાય એટલે નાં છુટકે ઘરે જતો રહું છું.”
“તું અહિયાં ઘણીવાર આવે છે..!!!”
“હા..”
“તું મને પ્રેમ કરતો હતો..?”
“હા કરતો હતો, કરું છું, ને કરતો રહીશ...”
“તો પછી પેલા દિવસે મેરેજ રજીસ્ટ્રારની ઓફિસે કેમ ના આવ્યો..? પ્લીઝ મને આ સવાલનો જવાબ આપી દે. આ સવાલ મને છેલ્લા પચીસ પચીસ વર્ષોથી પરેશાન કરી રહ્યો છે.”
“આમ તો હું તને આ વાતની ખબર ક્યારેય પડવા ન દેત. પણ હવે એમ લાગે છે કે એ જાણવું તારો હક છે અને જો આજે હું તને નહી કહું તો આવનારા વર્ષોમાં પણ આ સવાલ તને હેરાન કર્યા રાખશે અને મારા મનનો બોજ પણ વધી જશે. એ દિવસ તારી જેમ જ મારા માટે પણ મારી ઝીન્દગીનો સૌથી અઘરો દિવસ હતો. હું એક વચન ખાતર ત્યાં ના આવી શક્યો. રાજપૂતનો દીકરો છું બાપનું વચન મારા પ્રેમ સામે જીતી ગયું. તારા પપ્પા ને આપણા લગ્ન બિલકુલ મંજુર નહોતા. એ નહોતા ઈચ્છતા કે સૃષ્ટિ શાહ સંજય રાજપૂતને પરણે. એમણે મારા બાપુજી પાસેથી વચન લીધેલું કે હું મેરેજ રજીસ્ટ્રારની ઓફીસ સુધી ના પહોચું. અને જો હું ત્યાં પહોચીશ તો એ આત્મદહન કરશે. એટલે મારા બાપુ એ તારા પપ્પાને વચન આપેલું કે એ મને મેરેજ રજીસ્ટ્રારની ઓફીસ સુધી ક્યારેય નહી પહોચવા દે. અને આમ જ મારો પ્રેમ મારા બાપુના વચન સામે હારી ગયો. રાજપૂતનો દીકરો છું બાપએ આપેલું વચન કેમ તુટવા દઉં.હું તને આ વાતની ખબર ક્યારેય ન પડવા દેત પણ હવે તો વચન આપનાર કે લેનાર એક પણ આ દુનિયામાં નથી તો તારાથી આ વાત છુપાવવાનો કોઈ મતલબ નથી.”
એકધારું બોલીને સંજય એક ક્ષણ માટે અટક્યો. સૃષ્ટિની આંખોમાંથી અશ્રુઓ વહી નીકળ્યા. વર્ષોથી સતાવી રહેલા પેલા સવાલનો જવાબ સાંભળીને એના દિલ ને દિમાગની પેલી લડાઈ ચાલુ થઇ ગઈ. પણ આ વખતે દિલે દિમાગને ચુપ કરાવી દીધું. સંજય આજે પણ એને પ્રેમ કરે છે એ જાણીને એને ખુબ ખુશી થઇ અને સંજય પેલા દિવસે મેરેજ રજીસ્ટ્રારની ઓફિસે નહોતો આવ્યો એનું કારણ એના પોતાના જ પપ્પા હતા એ જાણીને સૃષ્ટિને પારાવાર દુઃખ પણ થયું.કહેવાય છે ને કે ઝીન્દગીમાં એ ક્ષણ સૌથી વધારે યાદગાર હોય છે જયારે માણસ સુખ અને દુઃખ બંને એક સાથે અનુભવે. અત્યારે સૃષ્ટિના હોઠ હસી રહ્યા છે ને આંખો રડી રહી છે.
“ઓ હલો સૃષ્ટિ શાહ શું છે આ બધું...? હજી કેમ આવું કરો છો તમે..? મને લાગે છે હજુ તમને મારી વાત પર ભરોષો નથી. બોલો તમને મારી વાત મનાવવા હું શું કરી શકું..?”
“કઈ નહી..”
“ના ના ચાલો આજે તો થઇ જ જાય..” કહીને સંજય સૃષ્ટિને પકડીને ઊભી કરે છે અને પોતે ઘૂંટણ પર બેસીને એનો હાથ પકડીને કહે છે.
“સૃષ્ટિ શાહ, હું સંજય રાજપૂત કોલેજમાં પહેલી વાર તને જોઈ હતી ત્યારથી તને પ્રેમ કરું છું. તને ને માત્ર તને જ પ્રેમ કરું છું.ના કોઈ થા ના કોઈ હેં ઝીંદગી મેં તુમ્હારે સિવા...તું તારી ઝીન્દગીમાં, તારા સંસારમાં ખુબ ખુશ રહેજે.તને પામવાની આશ તો મેં વર્ષો પહેલા જ છોડી દીધી હતી પણ જો ક્યારેય તને મારી જરુર પડે તો આ રાજપૂતની ડેલી ને દિલ બેઉ હંમેશા તારા માટે ખુલ્લા છે ને રહેશે.”
“સંજય... “
“અરે જલદી બોલ ને કેટલી વાર આમ બેસી રહું, હવે ઘૂંટણ દુખવા લાગ્યા છે.” હસતા હસતા સંજયે કહ્યું.
“સંજય ઊભા થઇ જાવ ને.મેં ક્યાં તમને રોકી રાખ્યા છે.”
“રોકવા ને રોકાવાનો હક કદાચ આવતા જન્મે જ મળશે. સારું ચલ હવે તારે જવું જોઈએ. ત્યાં પેલા લોકો તારી રાહ જોતા હશે.”
સૃષ્ટિ મચ્છુ નદી સામે આભારવશ નજરે જોઈ રહે છે. અને મચ્છુ નદીના નીર આજે એક નવી વાર્તાને પોતાના અંતરપટમાં સમાવીને ખુશ થયા હોય એમ એક થડકાર સાથે વહીને સૃષ્ટિને વળતો જવાબ આપે છે.