પેલો અને પેલી Ashoksinh Tank દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

પેલો અને પેલી

પેલો રોજ નિરાંતે બેઠો હોય. ને પેલી વાતો કર્યા જ કરે, કર્યા જ કરે. ઘડીક માં તે અહીં હોય, ઘડીકમાં ત્યાં હોય. વળી પાછી કાચમાં જોવે ને ઘડીક માં ચાલી જાય. બંને પોતાનું ઘર શણગાર્યા કરે. તેને ખાવા પીવાની ઉપાધિ ક્યાં હતી!! ભગવાનની દયા હતી! આખો દિવસ નું બીજું કામ પણ શું હોય બે જણાનું?

બંનેની વાતો સાંભળવાની મજા આવે. અમે છાના છાના બંનેની પ્રેમ ભરી વાતો સાંભળીએ. ક્યારેક અમને જોઈ જાય તો પાછા ઘડીક આઘાપાછા થઇ જાય. પેલી સ્વભાવે ઉગ્ર હતી. ઘર છે તો વાસણ તો ખખડે. ક્યારેક બંને વચ્ચે મીઠો ઝઘડો થઈ જતો. પાછું બધું થાળે પડી જતું. પણ પેલો એકદમ શાંત હતો. ઘણા દિવસોથી રહેવા આવ્યા પણ અમારી વચ્ચે સંવાદ નહોતો થતો. અમે તો તેની વાતો સાંભળીએ ને રાજી થતાં.

તેના ઘરે ક્યારેય કોઈ મહેમાન પણ ના આવે બોલો! અમે એમ જાણી રાજી થતા કે એક દિવસ નાનકુડા મહેમાન આવશે તેની સાથે તો સંવાદ થશે. તેને રમાડશું. તે બંને અમારાથી અંતર રાખતા એટલે અમે છોકરાઓને પણ ત્યાં જવા નહોતા દેતા. ઘણીવાર બંને અમારી સામે જોવે તો ઓળખતા હોય તેવું લાગે, તો ઘણી વાર અમારી સામે જોઈને અવળું ફરી જતા!

સવારમાં તો બંને વહેલા જાગી જાય ને કોણ જાણે રાતમાં શું વાતો ભેગી થઈ ગઈ હોય! બંને જણ એવા ગટમટી જાય, એકબીજાની લગોલગ બેસી બસ વાતો જ કર્યા કરે. અમારે એ તો કહે પણ ખરા, "આને તો જુઓ કેવી નવરાઈ છે અત્યારમાં ! આપડે તો આવો દિવસ ક્યારે આવશે?" એમ કહી મારી સામે ફરિયાદ ભરી નજરે મને ઠપકો આપે.
તડકો થાય એટલે બંને છાનામાના થઈ જાય.

એક દિવસ સવારે જાગીને બંનેની વાતો સાંભળવા ના મળી. મેં તેના ઘર બાજુ ડોકિયા કર્યા. બંને મને ના દેખાયા.

મેં આને પૂછયું, "આ બંને કેમ દેખાતા નથી."

"ક્યાંક ફરવા ગયા હશે હમણાં આવી જશે."તેણે કહ્યું.

ખબર નહિ કેમ પણ આજે તેમના વગર મને મજા નહોતી આવતી. વાટ જોતા જોતા બપોર થયા ને સાંજ પણ થવા આવી. હજી પણ બંને દેખાયા નહીં. અમારી ચિંતા વધી. મેં તેના ઘરમાં તપાસ કરવાનું નક્કી કર્યું.

ટેબલ મૂકી ચકલી ઘર માં તપાસ કરી તો બે ઈંડા હતા. જોઈને મને એકબાજુ રાજીપો થયો. ને બીજી બાજુ ચિંતા થઈ. અમે ધરપત રાખી કે ક્યાંક આડાઅવળા ગયા હશે તો સાંજે આવી જશે. આમ તો તેને ચણવા કે પાણી માટે બહાર જવું પડે તેવું હતું જ નહીં. ચણ અને પાણી એના માટે રાખેલા જ હતાં. તેને સુવા માટે પણ ઓસરીમાં સ્લેબની નીચે હિચકો બાંધવા માટે રાખેલા લોખંડના એંગલ ની સાથે એક લાકડી બાંધી વ્યવસ્થા કરેલી હતી. રોજ રાતે બંને ત્યાં સૂઈ જતા. તો પછી પેલો ચકો ને પેલી ચકી ક્યાં ગયા હશે?

વાટ જોતા જોતા આજે બે દિવસ થઈ ગયા. હજુ પણ બંનેનો કંઈ પત્તો નથી. સાંજનો સમય છે. અમે બંને હિંચકે બેઠા બેઠા માળા તરફ જોઈ રહ્યા છીએ.રોજ ચકા ને ચકી ના ચી.. ચી...ચી...થી જીવંત માળો આજે સુમસામ લાગે છે.અંદર પડેલા મૂંગા ઈંડા જાણે કાયમ માટે મૂંગા થઈ ગયા હોય તેવું લાગે છે.પવનની એક આંટી આવી માળામાંથી એક તણખલું મારા ખોળામાં આવી ને પડ્યું......

લેખક: અશોકસિંહ ટાંક

(મારા ઘરે રાખેલ ચકલી ઘર માં એક ચકલી ફેમિલી આવ્યું. માળો કર્યો. ઘણા દિવસ રહ્યા.ને અચાનક ક્યાંક ગુમ થઈ ગયું. તેનો સુમસામ માળો જોઈ. આ વાર્તા નીકળી ગઈ.)
તા. ૭/૫/૨૦૨૦