બંગલા ની બહાર બોલાચાલી સાંભળી નુતન ગેટ પાસે આવી વોચમેન ને પૂછવા લાગી આ બધું શું છે?
વોચમેન બોલ્યો મેડમ લોકડાઉન ને લીધે એક ભાઈ ફસાઈ ગયા છે પોલીસે આખો એરિયા સીલ કર્યો છે એટલે આશરો માંગવા કાલાવાલા કરે છે.
નુતને ગેટ ની બારીમાંથી જોયું અને એના દિલ નાં ધબકારા વધી ગયા અને ફટાક કરતાં મહામહેનતે બંધ કરેલા યાદો નાં દરવાજા
ખુલી ગયાં.
બહાર એક વખતનો કોલેજ સહાધ્યાયી મલ્હાર ઉભો હતો અને એ વખતે બન્ને ને એકબીજા પ્રત્યે કુણી લાગણી હતી.
પણ સમય અને સંજોગવસ નુતન નાં લગ્ન શહેરના પાંચ માં પુછાય એવા ધનાઢ્ય પણ સ્વભાવે સરળ અને દરેક રીતે જવાબદારી નિભાવી કોઈ ફરિયાદ નો મોકો ન આપે એવા સજ્જન કેદાર સાથે થયાં.
કેદાર પણ શહેરની બહાર આવેલ એની ફેક્ટરીમાં ફસાઈ ગયો હતો અને ઘરે આવી શકે એમ નહોતો.
આલીશાન બંગલા માં એકલી રહેતી નુતન અવઢવમાં હતી કે શું કરું, છેવટે લાગણી જીતી અને એણે મલ્હાર ને આવકાર આપી અંદર બોલાવ્યો મલ્હાર પણ વર્ષો પછી અચાનક ભેટી ગયેલ નુતન ને આશ્ચર્ય થી અપલક નજરે જોતો રહ્યો.
ચા પાણી પીતાં પીતાં બન્ને જૂની યાદો વાગોળતાં હતાં.
બન્ને ની નજરો ટકરાતી હતી અને કંઈક વિચારી આજુબાજુ ફાંફા મારી પોતાની જાતને મહામહેનતે સંભાળતાં હતાં.
સાંજના ઓળા ઉતરવા લાગ્યા હતાં નુતન જમવામાં શું બનાવવું
નિર્ણય લઈ શકતી નહોતી એટલામાં મલ્હાર આવ્યો અને નુતન ની અવઢવ સમજી ગયો અને બોલ્યો ચીંતા ન કર રસોડામાં કઈ ચીજ ક્યાં છે એ બતાવ મને કુકીંગ નો શોખ છે અને સારી ડિશ બનાવી લઉં છું.
જોતજોતામાં મલ્હારે પરોઠા ભાજી બનાવી ડાઈનીંગ ટેબલ પર ગોઠવી દીધું, બન્ને જમવા બેઠા નુતન તો ભાજી ના સ્વાદ પર વારી ગઈ,આંગળાં ચાટતા ચાટતા જમવાનું પતાવ્યું.
મલ્હાર ને ગેસ્ટરૂમ બતાવી કેદાર નો નાઈટ ડ્રેસ આપી આરામ કરવાં કહ્યું અને પોતે કામવાળી ની ગેરહાજરીમાં રસોડું આટોપવા લાગી.
એકાદ કલાકમાં રસોડું વ્યવસ્થિત કરી પોતાના બેડરૂમમાં આવી ચેન્જ કરી પલંગ પર લંબાવ્યું પણ અમાસની અંધારી રાત અને બહાર ગેસ્ટરૂમ માં મલ્હાર નાં વિચારો એને ઉંઘ આવવા દેતા ન્હોતા બીજી તરફ મલ્હાર પણ પાસાં ઘસતા પડ્યો હતો એને પણ ચેન પડતું નહોતું.
આવામાં કલાક વિત્યું હશે અને અચાનક કમોસમી વીજળી નાં કડકડાટ અને વાદળા નાં ગડગડાટ સાથે વરસાદ તુટી પડ્યો અને એ વિસ્તાર નો વીજળી પુરવઠો ખોરવાઈ ગયો.
નુતન આમ પણ ડરપોક, એવાં માં ઘોર અંધારું અને તોફાની વાતાવરણ વચ્ચે કબૂતર ની જેમ ફફડતી હતીં.
ના છુટકે ડર નાં વાતાવરણ વચ્ચે જેમતેમ ઊઠી બંગલા ની બહાર ફક્ત દસ ડગલાં દૂર મલ્હાર નાં રુમ સુધી પહોંચતાં પહેલાં ધોધમાર વરસાદે એને માથાં થી પગ સુધી પાણી થી તરબોળ કરી નાંખી.
મલ્હાર પણ જાગતો જ હતો ડોરબેલ વાગતાં દરવાજો ખોલતાં નાઈટી માં તરબતર નુતન ડર ને કારણે મલ્હાર ને વળગી પડી મલ્હાર પણ હોશ ખોઈ બેઠો વરસાદી મદહોશ વાતાવરણ વચ્ચે જૂની અધૂરી ઈચ્છા ઓ જેમ કરંડીયા માંથી ગુંચળુ વાળેલ સાપ
બેઠો થઈ જાય એમ બહાર આવવા માંડી.
જે ક્ષણ થી બન્ને ડરતા હતાં એ એમની સામે મોઢું ફાડીને ઊભી હતી અને જ્યારે બન્ને ને હોશ આવ્યો ત્યારે ઘણું મોડું થઇ ગયું હતું પરંતુ હવે પસ્તાઇ ને કોઈ ફાયદો નહોતો.
નુતન વિચારતી હતી હવે હું દેવ જેવાં કેદાર જે મારાં ઉપર જાતથી પણ વધુ વિશ્વાસ રાખે છે એને શું મોઢું બતાવીશ ?
નુતન જોરજોરથી રડવા લાગી બુમો પાડવાં લાગી.
બંગલાની બહાર થતાં અવાજ થી નુતન નું સપનું તુટી ગયું
આવેલ સપનાં ને યાદ કરતાં પણ એને કંપારી છૂટી ગઈ અને હાશકારો પણ થયો કે જે કંઈ પણ બન્યું એ સપનું જ હતું
ઊઠી દરવાજો ખોલી વોચમેન ને પુછ્યું શેનો કોલાહલ છે ?
વોચમેન બોલ્યો મેડમ લોકડાઉન ને લીધે એક ભાઈ ફસાઈ ગયા છે પોલીસે આખો એરિયા સીલ કર્યો છે એટલે આશરો માંગવા કાલાવાલા કરે છે.
નુતને કીધું ભાઈ ને ના પાડી દો અહીયાં કોઈ સગવડ થાય એમ નથી.
બંગલાની અંદર આવી મનોમન કેદાર ને યાદ કરી "આયે હો મેરી જીંદગી મેં તુમ બહાર બનકે" ગીત ગણગણતી નુતન ગરમાગરમ ચા નાં ધુમાડા માં આવેલ સપનાં ને ઉડાડી રહી હતી.
ગોરંભેલ વાદળ મન મુકીને વરસી હળવા થાય એમજ નુતન નાં ચહેરા પર હળવાશ દેખાઈ રહ્યો હતો.