ramli books and stories free download online pdf in Gujarati

રમલી

ગરમી નાં વેકેશન માં રાકેશ છોકરાઓ સાથે ગામડે આવ્યો હતો,
નાનકડું પણ રળિયામણું ગામ, આઝાદી નાં પચાસ વરસે પણ પ્રાથમિક સુવિધા થી વંચીત લાઈટ ગમે ત્યારે આવે જાય, વાહન પણ ભાગ્યેજ જોવા મળે, આવામાં મોબાઇલ તો લક્ઝરી કેટેગરી માં આવે નેટવર્ક માટે ટેરેસ ઉપર ચડવું પડે એ પણ નસીબ હોય તો જ પકડાય, શહેર ના દુષણ હજી અહીં પ્રવેશ્યા નહોતા.
આવા વાતાવરણ માં છોકરાઓ તો કંટાળી જાય, લાઈટ ન હોય તો ચાલે પણ મોબાઇલ વગર તો બધા અપંગ થઈ જાય.
રાકેશ ના પડોસ માં એક ઘર ના મોટા આંગણા માં લીમડા ના ઘેઘૂર ઝાડ નીચે ખાટલા પર જીંદગી ના લગભગ સાત દાયકા જોઈ ચુકેલ દાદી બેઠા હોય.
ઉંમર ભલે સીતેર ની આસપાસ પણ કડેધડે.
સાફ નજર, બત્રીસ માંથી અઠ્યાવીસ દાંત ની હાજરી અને સૌથી વધુ કમાલ તો એમની યાદદાસ્ત ની કોમ્પ્યુટર ની જેમ બધો ડેટા ફીટ કરેલો અને સમય આવે એક બટન દબાવતાં બધી માહિતી હાજર.
એક દિવસ લાઈટ નહીં પુનમ ની અજવાળી રાત જમી પરવારી બેઠા બેઠા છોકરાઓ કંટાળ્યા હતા એવામાં રાકેશ આવ્યો અને છોકરાઓ ને કીધુ ચાલો આજે બાજુમાં રહેતા દાદીમા થી ઓળખાણ કરાવું એ વાર્તા બહુજ સરસ કરે છે.
ડોસી પાસે શું મજા આવશે એવા વિચાર સાથે કમને છોકરાઓ પહોંચી ગયા દાદીમા પાસે, પહેલા તો ઓળખાણ ની નીરસ વાતો પછી અલકમલક ની વાતો વચ્ચે વચ્ચે દાદી ના ટુચકા સાંભળી બધા હસી હસી ને બેવડ વળી જતાં, હવે છોકરાઓ ને મજા આવવા લાગી અને બોલ્યા બા બા વાર્તા સંભળાવો ને, દાદી ને એટલું જ તો જોઇતું હતું ફટાક થી કોમ્પ્યુટર રૂપી મગજ માં એક પાસવર્ડ નાખી યાદોનો પટારો ખોલ્યો અને બોલ્યા, આજે વાર્તા નહીં પણ એક સત્યઘટના કહું છું.
લગભગ પચાસ વર્ષ પહેલાં ની વાત એક ગામ માં બપોર પડે એટલે આ સંવાદ સંભળાય.
રમલી લે આ ભાતુ ખેતરે તારા બાપુને આપી આવ.
રસોડા માંથી બુમ પાડી કાંતા બોલી અને બડબડી બસ આખો દિવસ રખડવું છે કામ કરતા જોર પડે છે.
રમલી પણ આ બડબડ થી ટેવાઈ ગઈ હતી આ રોજની રામાયણ હતી.
કાનો વહેલો ઊઠી ખેતરે જાય, બાપા તો વધુ કાંઈ મુકીને નોતા ગયા પણ પોતાની સુજબુજ થી કાના એ જમીન નો એક ટુકડો લઈ રાખ્યો હતો અને વર્ષે દહાડે પોતા પૂરતુ જોગ કરી લેતા.
કાંતા ઘરકામ રસોઈ કરે એમની પંદર વર્ષ ની છોકરી રમલી આમ તો નાની જ કહેવાય પણ એમના સમાજ માં આ ઉમરે લગ્ન કરી છોકરીઓ સાસરે ગોઠવાઈ જતી.
એના મા બાપ પણ એજ વેતરણ માં હતા અને બાજુના ગામ માં રહેતા એમના સમાજ નાં સોમા ભાઈ નો છોકરો વેરશી નજર માં હતો. પણ એમના સમાજ માં દહેજ ના દુષણે હજી વીદાય લીધી નહોતી એટલે કાનો એની સગવડ માં દિવસો કાઢતો હતો.
રમલી પણ બે ચોપડી ભણી વાંચતા લખતા શીખી સ્કૂલ ને રામરામ કરી ચુકી હતી અને બપોરે ભાતુ લઈ ખેતર જતી અને થોડુગણું કામ કરાવતી, સાંજે બન્ને સાથે ઘરે આવતા.
આજે ખેતરે આવ્યા પછી કાનો સાંજનુ વાળુ લેતા લેતા કાંતા ને કહેતો હતો આ વર્ષે વરસાદ નો વરતારો સારો છે તો ઊપજ પણ સારી થશે એટલે દિવાળી પર રમલી ના લગ્ન લઈ લઈએ,બહાર ફળીયામાં પણ ગણગણ થતી બધા એને ચીડવતા તું હવે થોડા દિવસ ની મહેમાન છે પછી તો તારે અહીંયા મહેમાન બનીને જ આવવું પડશે.રમલી શરમાઈ ને ઘરમાં ભાગી જતી.
એક દિવસ રમલી બપોરે ભાતુ લઈ ખેતરે જતી હતી સૂરજ બરોબર માથા પર હતો પરસેવે રેબઝેબ રમલી વીચારતી હતી જલ્દી ખેતરે પહોંચાય તો સારું એટલામાં એક યુવાન બળદગાડું લઈ ત્યાંથી નીકળતો હતો રમલી ને જોઈ ઊભો રહ્યો ને બોલ્યો ગાડા માં બેસી જા મને બાજુના ગામ માં જવું છે તું કહે ત્યાં ઊતારી દઇશ.
પડછંડ કાયા રંગે શ્યામ પણ પાણીદાર આંખો,અણીયાળી મૂંછ,મર્દાના અવાજ એકંદરે આકર્ષક વ્યક્તિત્વ.
રમલી અવઢવ માં પડી ગઇ તડકાથી હેરાન એનું તન કહેતું હતું બેસી જા પણ મન કહેતું હતું અજાણ્યા માણસ નો ભરોસો કરવો નહીં, જે એના બાપુની શિખામણ હતી.
મન આગળ તન હાર્યુ અને રમલી એ ના પાડી અને પગપાળા આગળ વધવા લાગી. યુવાન પણ એની ખુમારી જોઈ રહ્યો અને વધુ આગ્રહ ન કરતા બળદ ને ડચકારી આગળ નીકળી ગયો.
વચ્ચે જ એક છોકરા એ ટાપશી પુરી આટલી ગરમી માં એણે ગાડા માં બેસી જવું જોઈએ ને ખોટુ હેરાન શું કામ થવાનું ?
અમારા શહેર માં તો બે મિનિટ પણ દૂર જવું હોય તો કોઈ પગે ન ચાલે અને ઘણીવખત તો અજાણ્યા પાસે લિફ્ટ પણ માંગી લે.
સાંભળી હસતા હસતા રમા બા બોલ્યા એ જમાનો બહુ અલગ આવી રીતે મરજાદા ન છોડાય કોઈ જોઈ લે તો માર ખાવો પડે કહી પાછી વાત આગળ વધારી.
ખેતર ની વચ્ચે ઘેઘૂર વડલા ફરતે ઓટલા પર બેસી રમલી બાપુ પાસે ટીફીન ખોલીને બેઠી પણ એનાં મગજ માંથી પેલો યુવાન નીકળતો નહોતો,કાના નાં ધ્યાન માં આવ્યુ કે દિકરી ચિંતા મા લાગે છે, હળવેક થી પુછ્યું બેટા તબિયત ઠીક છે ને ? આજે કેમ ગુમસુમ લાગે છે ?
રમલી બોલી ના બાપુ કંઈ નહી અમસ્તુ જરા તડકા માં ચાલીને આવી એટલે લાગતુ હશે બોલી ખેતર તરફ ચાલવા લાગી કાનો પણ જમવા માં વ્યસ્ત થઈ ગયો.
બીજા દિવસે પણ એજ બનાવ નું પુનરાવર્તન રમલી નું બપોર નાં જવું યુવાન નું ગાડું લઈ નીકળવું રમલી ને ગાડા માં બેસવા પુછવું રમલી નું કમને ના પાડવું.
હવે તો રોજનું નિત્યક્રમ થઈ ગયો, ચાર દિવસ પછી રમલી એ યુવાન ને પુછ્યું હું રોજ ના પાડુ છતા તમે રોજ કેમ મને પુછો ?
યુવાન બોલ્યો મારું હમણા આગળ ના ખેતર માં વરસાદ પહેલા બે મહિના નું કામ છે રોજ આવવા જવાનું થાય તને તડકા માં ચાલતી જોઈ મારી ફરજ છે તને પુછવું પછી તારી મરજી.
પણ મને વિશ્વાસ છે એક દિવસ તો તું મારા ગાડા માં બેસીશ અને એના વિશ્વાસ ને સાચો પાડતી હોય એમ રમલી આજે ગાડા માં ચડી ગઈ. રમલી એ યુવાન ને નામ પુછ્યું યુવક બોલ્યો મારું નામ ભીખો ,પણ મર્યાદા ને હીશાબે વધુ બોલચાલ ન થઈ
હવે તો રમલી ભાતુ લઈ નીકળતી એટલે ચાલતા ચાલતા પાછળ વળી યુવાન ની રાહ જોતી યુવાન પણ સમય સાચવી લેતો અને રમલી ને વધુ ચાલવું ન પડે એનું ધ્યાન રાખતો.
બસ આ એકબીજાની કાળજી એમને ન ચાહવા છતા ધીરે ધીરે નજીક લાવતી રહી અને ક્યારે એકબીજાને ચાહવા લાગ્યા ખબર જ ન પડી, પણ આ તો એ જમાનો જ્યાં એક તો ગામડું અને આવા પ્રેમ નો સ્વીકાર જ ન થાય.
ચોમાસું બેસતા જ યુવાન નું આ તરફ નું કામ પૂરુ થયુ અને રમલી ને પાછો જલ્દી આવીશ તને હંમેશ માટે લેવા નો વચન આપી વિદાય લીધી.
પણ એ ટાઈમે આ બધુ સહેલું નહોતું કે ગમે ત્યારે કોઈ ને પણ મળવા પહોંચી જવું કે પરિવાર વિરુદ્ધ જઈ કોઈ કામ કરવું.
રમલી પણ પરિસ્થિતિ સમજતી હતી એણે પણ સજળ આંખે અને ભારી હૈયે રજા આપી કીધું હું તારી રાહ જોઈસ.
પણ બાપુ ને કાંઈપણ કહેવું એટલે જાન ખતરા માં નાખવા બરાબર હતું.
અહીંયા સમયસર ના વરસાદે જાણે ધરતી માતા નાં પેટમાંથી સોનું કાઢ્યુ હોય એમ ખેતર માં કાના ને લહેરાતા પાક ના લીલા રંગ સાથે રમલી ની લગ્ન ની લાલ ચુંદડી પણ દેખાતી હતી અને આ વર્ષે તો એના હાથ પીળા કરી જ દઇશ નાં સપના જોવા લાગ્યો હતો.
આ વર્ષે મબલખ પાક ઊતર્યો અને સારી એવી આવક થઈ એટલે કાના એ વહુ ને કીધું હું આવતીકાલે સવારે સોમા ભાઈ ને મળી વેરશી માટે વાત કરી આવું.
દરવાજા ની આડશે ઉભી રમલી બધું સાંભળતી હતી અને વીચારતી હતી હવે કાંઈ નહીં કહુ તો બહુ મોડું થઈ જશે પણ કહેવું કઈ રીતે ?
રમા બા પાણી પીવા રોકાયા એટલે છોકરા એ તક ઝડપી લીધી ને પુછયુ બા રમલી આટલી ડરતી કેમ હતી ? એણે કહી દેવું જોઈએ ને કે હું ભીખા વગર નહીં રહી શકું, અમારા શહેર માં તો અમારી મરજી ચાલે મમ્મી પપ્પા વિરોધ ન કરી શકે અને કરે તો જબરજસ્તી ભાગી ને લગ્ન કરી લેવાના પાછા આવી અપનાવે તો ઠીક નહીંતર અલગ થઈ પોતાની રીતે જીવવાનું.
રમા બા નાં આંખમાં જળજળીયા આવી ગયા અને બોલ્યા બેટા જે મા તમને નવ નવ મહિના પેટમાં રાખી તકલીફો સહી જન્મ આપે અને જે બાપે પોતાના પેટ પર પાટા બાંધી તમને ઉછેર્યા હોય એમનો ઉપકાર ક્યારેય ભુલાય નહીં તમારી પેઢી ભલે સ્વછંદતા માં માને પણ અમારી વખતે એ શક્ય નહોતું કહી વાત આગળ વધારી.
છેવટે હિંમત કરી રમલી બાપુ પાસે ગઈ અને પગે પડી બધી વાત કરી, કાનો તો સાંભળી લાલધૂમ થઈ ગયો રમલી ને જોરથી એક અડબોથ લગાવી દીધી, રમલી નીચે પડી ગઈ મોઢાં માંથી લોહી આવી ગયું જોઈ કાંતા દોડી ને વચ્ચે આવી ગઈ અને કાના ને હાથ જોડી કરગરવા લાગી તમાસો ન કરો આજુબાજુ માં ખબર પડશે તો રમલી રખડી પડશે.
રમલી પણ નમતું જોખવા નહોતી માંગતી હાથ જોડી બોલી બાપુ તમે જો ના પાડશો તો હું તમારી વિરુદ્ધ નહીં જાઉં પણ ભીખા સીવાય બીજા કોઈ જોડે લગ્ન નહીં કરૂં.
કાંતા એ ઘણી સમજાવી પણ રમલી આજીવન કુંવારી રહેવા તૈયાર હતી પણ બીજે લગ્ન કરવા નહીં.
એવામાં બાજુના ગામ માં મેળા ભરાયો એમાં રમલી અને એ ભીખો મળ્યા રમલી એ પોતાની મજબૂરી કહી સંભળાવી ભીખા ની પરિસ્થિતિ એવીજ હતી ઘરવાળા ને મંજૂર નહોંતુ કે એમનો દિકરો આવી રીતે લગ્ન કરે અરે એતો એ પણ સાંભળવા પણ
તૈયાર નહોતા કે છોકરી છે કોણ.
પણ રમલી અને ભીખો બન્ને મક્કમ હતા અને વચન લીધું લગ્ન કરશું તો એકબીજાથી નહીં તો આજીવન કુંવારા.
આમનેઆમ પાંચેક વર્ષ વીત્યા હશે, એક દિવસ કાના ની તબીયત બગડી ઘરનાં ઓસડીયા કામ ન આવ્યા ગામડા માં ડોક્ટર તો હોય નહીં એટલે બાજુના ગામ નાં સોમા ભાઈ થોડુગણું વૈદુ જાણે એને બોલાવ્યા એમના છોકરા વેરશી સાથે કાના ની તબિયત જોવા આવ્યા કાંતા એ પાણી આપી બન્ને ને કાના પાસે બેસાડી રમલી ને ચા લાવવા કીધુ.
સોમાભાઈ એ નાડી જોઈ કીધું આમ તો કોઈ રોગ જેવું નથી બસ મનમાં કોઈ વાત ની ચીંતા લઈ બેઠા લાગે છે એટલે અસુખ જેવુ છે.
થોડીવારમાં રમલી ચા લઈ ને આવી અને વેરશી પર નજર પડતા જ ધબકારો ચૂકી ગઈ અને બોલી તમે અહીંયા વેરશી પણ રમલી ને જોઈ બાઘો જ બની ગયો અને બોલ્યો તું અહીંયા ક્યાંથી ?
કાનો,કાંતા અને સોમા ભાઈ ને સમજાતું નહોતું કે આ શું ચાલી રહ્યુ છે, છેવટે સોમા એ વેરશી ને પુછ્યું તું આને ઓળખે છે ?
વેરશી બોલ્યો બાપુ આ તો એજ છે જેની સાથે હું લગ્ન કરવા માંગું છું.
કાના એ રમલી તરફ જોયું અને ઇશારા થી પૂછ્યું આ બધુ શું છે ?
રમલી પણ શરમાઈ ને બોલી બાપુ આ એજ યુવાન છે જેની સાથે હું લગ્ન કરવા જીદ કરતી હતી, મને ખબર નહીં કે તમે જે વેરશી માટે વાત કરતા એ ભીખો જ હશે.
સાંભળતા જ વેરશી બોલ્યો મારું સાચુ નામ વેરશી પણ ગામ માં બધા મને ભીખા તરીકે જ ઓળખે એટલે મેં પણ રમલી ને મારી ઓળખાણ ભીખા તરીકે જ આપી.
કાના એ કીધું આ તો ભારે થઈ તમે બન્ને એકબીજા ને પરણવાની જીદ લઈ ને બેઠા હતા અને અહીંયા અમે પણ તમારા બન્ને ના લગ્ન ની જીદ લઈ ને બેઠા હતા, આ આપણાં કર્મ ના કેવા અંતરાય કે આપણે કોઈ ખુલાસાવાર વાત ન કરી, બધાના એકમત હોવા છતા અજાણતા જ પાંચ વર્ષ કાઢી નાખ્યા આ તો ભલુ થયું હું બિમાર પડ્યો અને વેરશી અહીંયા આવ્યો અને આ ચોખવટ થઈ, મારી અડધી બિમારી પણ આ સાંભળી ને જ ઠીક થઈ ગઈ.
કાનો બોલ્યો કાંતા આજે લાપસી નાં આંધણ મુકો અને જમાઈ ની આગતા સ્વાગતા કરો, હવે એક દિવસ નું પણ મોડું નથી કરવું ગામનાં બ્રાહ્મણ ને બોલાવો પાદર પાસે આવેલ મંદિર માં આજે જ ઘડીયા લગ્ન લઈ દિકરી ને સાસરે વળાવીશ.
અને સાચેજ સપનેય ધાર્યુ નહોંતુ એવુ થયું રાત પડતા પહેલા રમલી એક આંખમા ભીખા જોડે જવાની ખુશી તો બીજી આંખમા મા બાપુ ના વિયોગ નાં આંસુ સાથે પોતાના સાસરે વિદાય થઈ.
આંગણા નો ઝાંપો ખુલવાને અવાજ સાથે બધા ની નજર ત્યાં ગઈ એક દાદા આવતા દેખાયા ઉંમર સીતેર ની ઉપર પણ ટટ્ટાર ચાલ, ખેતર ખેડતા ખેડતા હળ થી પડેલા ચાસ ની જેમ શ્યામ ચહેરા પર પણ સમયરૂપી કરચલી ના ચાસ પડી ગયા હતા, અણીયાળી મૂછો થી વ્યક્તિત્વ ખીલી ઉઠતું.
નજીક આવતાંવેત બોલ્યા અરે અમારે ગરીબ ને આંગણે મેમાન આવ્યા છે ને તું અહીં આરામથી રામાયણ માંડીને બેઠી છે,જા જલ્દી મેમાન માટે આપણી ભગરી ગાયનું તાજુ દૂઘ અને બાજરા ના રોટલા ટીપી લાવ કહી ખાટલા પર બેઠા.
આ અમારી રમલી નાનપણ થી એવીજ કામ કરતાં જોર પડે મારું નામ વેરશી પણ બધા મને ભીખો કહી બોલાવે, આ ચોખવટ એટલા માટે કે નાનપણ માં નામ ને લઈ બહુ મોટો ગોટાળો થઈ ગયો હતો.
સાંભળી રાકેશ અને છોકરાઓ આશ્ચર્ય સાથે ઘડીકમાં દાદા ને તો ઘડીકમાં ઘરમાં જતા દાદી ને જોઈ રહ્યા.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED