Bank balance books and stories free download online pdf in Gujarati

બેંક બેલેન્સ

કચ્છ નું એક અંતરીયાળ ગામડું,સુવિધા નામે મીંડુ તો પણ ત્રણસો ની આસપાસ વસ્તી.
ભલા ભાઈ એમની પત્ની સંતોક બા સાથે રહેતા.
નામ પ્રમાણે ભલાભાઈ ની ગણના ગામ માં ભલા માણસ તરીકે ની હતી અને સંતોક બા કડક મિજાજ થી પ્રખ્યાત હતા.
બે છોકરા પત્ની અને બન્ને ને એક એક છોકરી સાથે મુંબઈ કાંદિવલી માં ટુ બેડ હોલ કિચન માં છ જણ ના પરિવાર સાથે સેટ હતાં.
એમના ગોઠીયાઓ (મિત્રો) પણ એક એક કરીને ક્યારનાં ગામ છોડી મુંબઈ ભેગા થઈ ગયા હતા અને એક મિત્ર કરશને તો શેરબજાર નું કામકાજ પણ ચાલૂ કર્યુ હતું અને અવારનવાર ભલાભાઈ ને શેરબજાર માં રોકાણ કરવા આગ્રહ કરતા પણ ભલાભાઈ કહે મને આમાં ખબર નો પડે.
એવામાં એક દિવસ કરશન ઓચિંતા ગામ માં આવ્યો અને ભલા ને કહે એક મુશીબત આવી છે શેરબજાર માં અચાનક મોટુ નુકસાન થયુ છે અને જો ચાર દિવસ માં એક લાખ નો બંદોબસ્ત ના થયો તો ઘર વેચવું પડસે ગમેતેમ કરી મારું આટલું કામ કરી આપ તારો ઉપકાર જીંદગીભર નહીં ભૂલું અને તારા રૂપિયા જલ્દી વ્યાજ સાથે પાછા આપી દઈશ,ભલાભાઈ તો સાંભળી દુઃખી થઈ ગયા પણ કરશન ને કીધુ ચિંતા ના કર કાંઈક મેળ પડી જશે.
રાતોરાત ભલાભાઈ એ પોતાની બચત અને અમુક દાગીના વેચી કરશન ને રવાના કર્યો.સંતોક બાને ખબર પડી તો આખું ઘર માથે લીધુ પણ હવે કાંઈ થઈ શકે એમ નહોતું.
એવામાં લાગલગાટ ત્રણ વર્ષ દુકાળ ને કારણે ગામ માં રહેવું મુશ્કેલ થતું જતું હતુ
છોકરા ભલાભાઈ ને મુંબઈ આવવા આગ્રહ કરતા હતા પણ એમની પત્ની ઓ નાં મનમા કચવાટ થતો હતો કે સાસુ સસરા આવશે એટલે આપણી આઝાદી છીનવાઇ જશે.
એમની શંકા સાચી હતી કારણ હતું સંતોક બા નો સ્વભાવ એમની વિરુદ્ધ કોઈ જાય એ એમનાંથી ન સહેવાય, અને ગામડા અને શહેર ના વ્યવહાર માં તો જમીન આસમાન નો ફરક.
ધીરેધીરે ગામ ખાલી થતું હતુ અને ના છુટકે ભલા ભાઈ ને પણ ગામ છોડી મુંબઈ જવાનો નિર્ણય લેવો પડ્યો,મોટો છોકરો વિકાસ ટેમ્પો લઇ ગામડે આવ્યો, ભલાભાઈ અને સંતોક બા શું શું લઈ જવું એની મથામણ માં પડ્યા,પણ એમને ખબર નહોતી કે એમને માટે જે જરુરી હતું એ સામાન મુંબઈ મા ભંગાર તરીકે ઓળખાતો,અને વિકાસ પણ મા બાપ સામે કાંઈ બોલી ન શક્યો એને ખબર હતી કે પેટપર પાટા બાંધી બન્ને ભાઇ ને ભણાવી ગણાવી પગભર કર્યા હતા અને એ ઉપકાર ભુલાવી શકાય એવો નહતો એટલે ટેમ્પો માં સામાન ભરી માતા,પિતા ને મુંબઈ લઈ આવ્યો.
નાનો દિકરો પ્રકાશ અને વિકાસે ટેમ્પો અનલોડ કરી ફ્લેટ માં આવ્યા અને મહાભારત ની શરૂઆત ત્યાંથી જ ચાલૂ થઈ ગઈ.
મોટી વહુ મીના અને નાની વહુ બીના સામાન જોઈ એકસાથે બોલી ઉઠી આ ભંગાર અહીંયા શું કામ લઈ આવ્યા ?
પણ સાસુની કરડી નજર જોઈ બન્ને વહુ ચુપ થઈ ગઈ.
અને જેનો ડર હતો એમજ થયું આવતાવેત સંતોક બેને આખા ઘરનો કંટ્રોલ પોતાના હાથમાં લઈ લીધો,ભલાભાઈ કઇ કહેવા જાય એટલે સંતોક બેન બોલે તમને નહી સમજાય ને બીચારા ભલાભાઈ ચુપ થઈ જતા,આખા દિવસ ની કચકચ રાતે બન્ને બેડરૂમ માં નીકળતી બન્ને વહુઓ ફરિયાદ નો દાબરો ખોલીને પોતાના વર પાસે બેસી જતી.
છોકરાઓ ની હાલત પણ સુડી વચ્ચે સોપારી જેવી હતી બન્ને બાજુ કાંઈ કહેવાય એવું નહોતું પણ જેમતેમ કરી દિવસો પસાર કરતા હતા.
પણ આવનાર સમયની ક્યાં કોઇને ખબર હોય છે ?
એજ વાત આ પરિવાર માં લાગુ પડી સંતોક બા અચાનક અક્ળ બિમારીમાં પટકાયા અને ચાર દિવસ માં તો આ દુનિયા માંથી રજા લઇ ગયા.
સૌથી વધુ દુઃખ ભલાભાઈ ને થયું એમનો તો જાણે એક અંગ કોઈ કાપીને લઈ ગયું હતું,છોકરા પણ ઓછા દુખી નહોતા, વહુઓ પણ ઉપરથી દુખી પણ અંદરથી એમને હાશકારો થઈ ગયો.
ચાર દિવસ સગાસંબંધી ની આવજા માં નીકળી ગયા,કરશન ભાઈ પણ ભલાભાઈ ને મળી જલ્દી કાંઈ કરૂં નું આશ્વાસન આપી છુટા પડ્યા.
હવે પાછુ રાજ બન્ને વહુઓ ના હાથમાં હતું અને એનો અનુભવ પણ ભલાભાઈ ને વાતવાતમાં થવા લાગ્યો.પણ છોકરાઓ ને દુઃખ થશે વિચારી ચુપ રહેતા અને એનો ફાયદો વહુઓ ઉપાડવા લાગી.
ભલાભાઈ સવારનાં દિવાબતી કરતા તો વહુ બોલતી અહીંયા રોટલી ને ધી ચોપડવામાં કંજુસી કરવી પડે અને આ ડોસો દિવા માં ધી બાળી નાખે છે,ભૂખ્યા છોકરા કે કૂતરા ને બિસ્કીટ ખવડાવે તો જાણે મોટો ગુનો કર્યો હોય એમ ચાર વાતો સાંભળવી પડતી.
એકવાર કરશન ભાઈ ઘરે આવ્યા ને ભલાભાઈ એ મીના ને કીધું વહુ બે કપ ચા મુકો મહેમાન આવ્યા છે.મીના તરત બોલી નવરા લોકોને બીજું કામ શું બસ કોઇના પણ ઘરે જઈ જલશા કરવાનાં.
ભલાભાઈ નાં આંખમા આંસુ આવી ગયા પણ કંઈ બોલી ન શક્યા કરશન ભાઈ તરત ઊભા થઈ ગયા અને ભલાભાઈ ની હાલત પર વિચાર કરવા લાગ્યા કે કાંઈક તો કરવું જ પડશે.
ભલાભાઈ પોતાના કર્મોને દોષ આપે,ભલાભાઈ એ હવે ઘરમાં ઓછું અને બહાર સમય પસાર કરવા લાગ્યા ફક્ત જમવા,ઉંઘવા પૂરતા ઘરમાં રહેતા.
એમના ઘરની બાજુમાં જ એક અનાથાલય હતું અને તરછોડાયેલ છોકરાઓ ની ત્યાં દેખરેખ થતી ભલાભાઈ પાસે પૈસા તો નહોતા એટલે ધનથી નહીં પણ મનથી અનાથાલય માં સેવા આપવા લાગ્યા.
આમનેઆમ દિવસો વિતતા હતા એવામાં ભલાભાઈ ની ગેરહાજરી માં ગામ ની બેંક માંથી પત્ર આવ્યો કે ભલાભાઈ ના એકાઉન્ટ માં પંદર લાખ રૂપિયા જમા થયા છે,દુકાળ ને લીધે બેંકમાં સ્ટેશનરી ની ખેંચને લીધે સાદા પેપર પર લખાણ મોકલ્યું છે. વાંચી બન્ને વહુઓ ને ચક્કર આવી ગયા આ ડોસા પાસે આટલા બધા પૈસા છે.સાંજે ભલાભાઈ આવ્યા પણ વહુઓ જાણે કાંઈ ખબર જ નથી એવા ભાવ સાથે વર્તી રહી હતી રાત્રે બન્ને ભાઈ જમીને પરવાર્યા એટલે બેંકના પત્ર ની વાત થઈ અને બધા એક બેડરૂમ માં ભેગા થઈ ચર્ચા કરવા લાગ્યા અને ભલાભાઈ નું મહત્વ સમજાવા લાગ્યું,બન્ને ભાઈ પણ મનોમન ખુશ થવા લાગ્યા.
આજની સવાર કંઈક અલગ જ હતી મીના વહુ સવારની ચા અને ગરમાગરમ નાસ્તા સાથે સસરા પાસે હાજર થઈ ગઈ અને પ્રેમપૂર્વક ખાવા માટે આગ્રહ કરવા લાગી એટલામાં તો બીના વહુ પુજાનો થાળ તૈયાર કરી હાજર થઈ અને બોલી પહેલા દિવાબતી કરી લો પછી ચા નાસ્તો કરજો.
ભલાભાઈ ને લાગ્યું ક્યાંક સપનું તો નથી જોઈ રહ્યોને બારી બહાર જોઈ ચેક કરી લીધું સુર્ય પૂર્વ માંજ ઊગ્યો છે ને ?
પુજાપાઠ કરી ચા નાસ્તો પતાવી ભલાભાઈ જેવા બહાર જવા નીકળ્યા એટલે વહુઓ બોલી બાપુજી બહાર બહુ તડકો છે ઘરેજ રહો ખોટી રખડવાની જરૂર નથી.
ભલાભાઈ મનોમન ભગવાનનો આભાર માનતા રહ્યા, આ કેવો ચમત્કાર થયો છે એ સમજમાં આવતું નહોતું.
બપોરે શાકભાજી વાળા ની લારી પર બિલ્ડીંગ ની મહિલાઓ ભેગી થાય અને ખરીદી સાથે ટોળટપ્પા ચાલ્યા કરે.
બીના વહુ પણ બાપુજી ને દુધી નો હલવો બહુ ભાવે એ વિચારે દુધી લીધી એટલામાં એની મરાઠી પડોશી મંદા પણ શાક લેવા આવી.
બીના એ પુછ્યું કાલે સાંજે ક્યાં ગઈ હતી દેખાઈ નહીં ?
મંદા બોલી એક નવું મરાઠી પિક્ચર આવ્યું છે AB આણી CD બહુ મસ્ત મુવી છે એ જોવા ગયા હતા એમા બે વહુઓ એના સસરાને ત્રાસ આપે છે અને એના પૌત્રને બહુ દુઃખ થાય છે અને પ્લાન બનાવી એવો પ્રચાર કરે છે કે એના દાદા CD (CHANDRKANT DESHPANE) AB (AMITAB BACCHAN) સાથે ભણ્યા હતાં.
બસ પછીતો CD સેલિબ્રિટી બની જાય છે અને ઘરમાં વહુઓ પણ એમને માન આપવા લાગે છે.
બીના એ આ સાંભળ્યુ અને એના પગ પાસે જાણે બોંબ ફાટ્યો હોય એમ દુધી ને પડતી મૂકી સીધી મીના પાસે જઈ બોલી ભાભી આપણે છેતરાઈ ગયા અને મંદા સાથે થયેલ વાત કરી સમજાવ્યું બેંકનો પત્ર ખોટો છે સસરાની કોઈ ચાલ છે પોતાનું માન વધારવા માટે.
મીના બોલી આપણે ત્યારે જ સમજવાની જરૂર હતી કે બેંક પત્ર મોકલે તો એના લેટરહેડ પર જ હોય સાદા કાગળ પર નહીં.
બીજા દિવસ ની સવાર થઈ વાતાવરણ પહેલા જેવું થઈ ગયું,ભલાભાઈ ની અવહેલના પાછી ચાલૂ થઈ ગઈ એમને ખબર ન પડી કે એવું તે શું થયું કે વહુઓ ના વર્તન માં આટલા ઉતાર ચઢાવ આવ્યા.ભલાભાઈ પણ ચાર દિવસ ની ચાંદની વિચારી હવે વધુને વધુ સમય અનાથાલય માં આપવા મંડ્યા ઘણીવાર તો રાતવાશો પણ ત્યાં જ થઈ જતો અને વહુઓ ને પણ હાશ થતી.
એક દિવસ કરશન ભાઈ ભલાભાઈ ને મળવા આવ્યા અને એમના વિશે પુછ્યું મીનાએ કહ્યું ચાર દિવસ થી સસરા ઘરે નથી આવ્યા અનાથાલય માં સેવા કરતા પડ્યા હશે ત્યાં તપાસ કરો.
કરશન ભાઈ ઉતાવળી ચાલે અનાથાલય પહોંચ્યા કારકુને કીધું બેસો ટ્રસ્ટી આવ્યા છે મિટિંગ ચાલૂ છે.
એમને ઓફિસ માં બેસાડી કર્મચારી ચા લઈ આવ્યો,કરશન ભાઈ ને ખુશી થઈ કે ભલા ના ઘરે ચા માટે સાંભળવુ પડયું અને અહીંયા ઓળખ નથી છતા ભલા નું નામ લીધુ ને આટલા માનપાન.
આટલું વિચારતા હતા એટલામાં તો ભલાભાઈ આવ્યા માથા પર ચીંતા ની રેખાઓ દેખાતી હતી,કરશને પુછયું શું વાત છે ભલા ?
ઘરે પાછી કંઈ માથાકૂટ થઈ ?
ભલાભાઈ ચા પીતા પીતા બોલ્યા ના ભાઈ એ લોકોની વાત હું મન પર લેતો જ નથી,આ તો અનાથાલય ને લઈ ને થોડીક ચીંતા છે.
આ દુકાળ ને લીઘે આપણાં ગામની આજુબાજુ થી લગભગ સરપંચ દ્વારા સોએક છોકરા ની ભલામણ આવી છે એની સગવડ કરવાની છે.
અને લગભગ પંદર લાખ જેવો વધારાનો ખર્ચ છે.
એક તો સંસ્થા આમેય લથડીયા ખાય છે એમા આ વધારા ની સગવડ કરવાની એટલે બધી ગણતરી ચાલૂ છે અને કાલ સુધી જવાબ આપવાનો છે.
બોલ આજે તને ક્યાંથી ટાઈમ મળ્યો કે મારી પાસે આવ્યો
કરશને વાત કાઢી કે ભલા તને બેંકથી કોઈ પત્ર આવ્યો ?
ભલાભાઈ તો અચરજ થી બોલ્યા ના ભાઈ મને કોઈ પત્ર નથી મળ્યો પણ વાત શું છે ?
કરશન ભાઈ બોલ્યા ત્રણ વર્ષ પહેલા તારા પાસેથી લીધેલા એક લાખ રૂપિયા થી મારું તો નસીબ જ ફરી ગયું એ પૈસા મારા માટે લકી નીકળ્યા એનાથી મારા માથે આવેલ સંકટ તો ટળ્યુ પણ બીજા સોદામાં પણ અઢળક પૈસા કમાયો એમાંથી મેં તારા એક લાખ રૂપિયા ના શેર લઈ રાખ્યા હતાં ને એ કંપની ને અમેરિકા થી મોટો ઓર્ડર મળ્યો,કંપની તો માલામાલ થઈ સાથે તારા નસીબ પણ ચમક્યા અને એ શેર વેચી તારા એકાઉન્ટ માં પંદર લાખ જમા થઈ ગયા છે.
પોતાના કાન પર વિશ્વાસ આવતો ન હોય એમ ભલાભાઈ પુતળા બની કરશન ને જોઈ રહ્યા જાણે સામે સાક્ષાત ભગવાન બેઠા હોય.દોડીને અંદર જઈ ટ્રસ્ટીઓને કીધું સરપંચ ને કહો સગવડ થઈ જશે.
અહીયાં ભલાભાઈ ના ઘરે બેંક થી બીજો પત્ર આવ્યો,
પત્ર માં લખ્યું હતું, ભલાભાઈ સ્ટેશનરી ના અભાવે તમને પુરી જાણકારી ન આપી શક્યા એ બદલ દિલગીર છીએ હવે બધી વ્યવસ્થા થઈ જતા પાકું સ્ટેટમેંટ અને સાથે ફોર્મ મોકલ્યા છે.
તમારા એકાઉન્ટ માં પંદર લાખ જમા થયા છે.
સાથે આપેલ ફોર્મ સરકારે દુકાળ રાહત નીધી તરીકે પચાસ હજાર તથા હવામાન ખાતાનાં વર્તારા અનુસાર આવતા વર્ષે સારો વરસાદ થવાની શક્યતા હોવાથી બીયારણ માટે પચાસ હજાર એમ એક લાખ રૂપિયા મળશે.
તો જલ્દી થી જલ્દી ફોર્મ ભરી મોકલાવી દેશો જેથી અમે તમારા એકાઉન્ટ માં એક લાખ રૂપિયા જમા કરી શકીએ.
પત્ર વાંચી બન્ને વહુઓ લગભગ બેહોશ જ થઈ ગઈ જેમતેમ કરી ઊભી થઈ વિકાસ, પ્રકાશ ને ફોન લગાડી અરજન્ટ ઘરે બોલાવી લીધા અને બધી વાત કરી ચારે જણા દોડતા દોડતા અનાથાશ્રમ પહોચ્યાં અને ભલાભાઈ ના પગે પડી માફી માંગવા લાગ્યા, અમારી ભૂલ થઈ ગઈ અમને માફ કરો.
ભલાભાઈ કાંઈ ન બોલ્યા અને એમનાં હાથમાં હમણાંજ એડવોકેટ મારફત આવેલ પોતાનું વસીયતનામું આપી દીધું.
વસીયતનામાં મુજબ તમામ પંદર લાખ અનાથાશ્રમ ને દાન આપી હતી અને સરકારી સહાય નાં એક લાખ પોતાની બન્ને પૌત્રી ના નામે પચાસ પચાસ હજાર ની ફિક્સ ડિપોઝિટ કરવાની વ્યવસ્થા રાખી હતી.
ભલાભાઈ નાં મોંઢાપર પોતાના ગામ અને આસપાસ ના છોકરા માટે કાંઈ કર્યા નો સંતોષ હતો.
વિકાસ, પ્રકાશ તો ખુશ હતા પણ મીના અને બીના ની હાલત તો કાપો તો લોહી ન નીકળે એવી થઈ ગઈ હતી અને પડોશી મંદા ને કોશતી હતી કે ક્યા અશુભ ચોઘડીયામાં એ મળી અને ABઆણીCD ની વાર્તા સંભળાવી અમારાં નસીબ ની આખી બારાખડી ભૂંસી નાખી.
પણ કહે છે ને "અબ પછતાએ ક્યા હોત જબ ચીડીઆ ચુગ ગઈ ખેત"

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED